૬૧ તેરામાં આત્માનંદ સ્વામી ઉદેપુર ગયા હતા તે વાત. ત્યાં પ્રાગજીની સ્ત્રીને સમાધીમાંથા જગાડી, માંડવી થઈ પંચાળા, અગતરાઈ, જુનાગઢ, જેતપુર, ગોંડલ, સરધાર, કોટડા, કરીયાણા, ગઢડા, ઝીંઝીવદર, સાળંગપુર, અડવાળ, બરોલ, જવારજ, સીમેજ, ધોળકા, જેતલપુર, ડભાણ, નડીયાદ, માણાવદર

Submitted by swaminarayanworld on Thu, 20/10/2016 - 9:49pm

અધ્યાય-૬૧

તે સમયે આત્માનંદ સ્વામી ઉદેપુર ગયા હતા તે માર્ગમાં આવતાં વાત સાંભળી જે, સ્વામિનારાયણ અને વૈરાગીઓને ટંટો થયો છે. પછી આત્માનંદ સ્વામી કચ્છમાં ગયા અને મહારાજ ગામ તેરામાં વિરાજમાન હતા અને સાધુની ઓરડીએ આથમણે મુખારવિંદે આસન ઉપર વસ્ત્ર વડે ઢીંચણ બાંધીને બેઠા હતા. તે આત્માનંદ સ્વામી તો આવીને પગે લાગ્યા. પછી મહારાજ બોલ્યા જે, આવો આત્માનંદ સ્વામી. બીજો કોઇ ભેળો છે ?

ત્યારે તેમણે કહ્યું જે, તમારે ઉદેપુરમાં કેવું થયું ? ત્યારે તેમણે કહ્યું જે, દરવાજે બંધી છે તે ભેખધારીને જાવા નથી દેતા, એટલે મેળાપ ન થયો. ત્યારે મહારાજે કહ્યું જે, અમને પૂછ્યા વિના ગયા; નહીં તો અમો તમને કાગળ કરી આપત જે, અમારો ઓળખીતો બ્રાહ્મણ હતો તે તમને દરબારમાં તેડી જાત. પછી તેમણે કહ્યું જે, મને સાધુએ બારોબાર કહ્યું જે, તમે ઉદેપુર જાઓ એમ મહારાજની આજ્ઞા છે. પછી હું તો ચાલી નીસર્યો. પછી મહારાજે કહ્યું જે, તમારે નિર્વિકલ્પાનંદ સ્વામી પાસે સુવાણ હોય તો ત્યાં સુધી રહેજો, નહિં તો ફરવા જાજો. અને મુક્તાનંદ સ્વામી સોરઠમાં ગયા અને આનંદ સ્વામી સુરત ગયા. અને બ્રહ્માનંદ સ્વામી આધોઇ ગયા છે માટે તમારે રહેવાય તેટલા દિવસ રહેજો. એમ કહીને પછી ધનજી સુતારને ઘેર ઉતારો હતો ત્યાં મહારાજ પધાર્યા અને ડુંગરજી અને સામત ચારણ એ પાળા હતા તે ખડકીમાં ચોકી રાખતા. મહારાજની આગળ પ્રયાગજી દવે કથા કરતા હતા.

તે કથામાં એમ વાત આવી જે, નંદજીને ઘેર નિત્ય યજ્ઞો થતા અને બ્રાહ્મણોને શણગારીને ગાયો આપતા હતા, અને દક્ષિણા પણ આપતા. પછી મહારાજે કહ્યું જે, જુવોને ! જગતમાં કોઇ બ્રાહ્મણને જમાડતા હોય તો તે બ્રાહ્મણ તેના છોકરાને રાજી કરે છે. શ્રીકૃષ્ણે ગોવાળીઆને અન્ન લેવા મેલ્યા તે બ્રાહ્મણે અન્ન ન આપ્યું. માટે એ તો મહિમા સમજવો. નંદજીને ઘેર દશ પંદર ગાયું હતી અને શ્રીકૃષ્ણ ગોપીઓ સંગે રાસ રમ્યા અને ધાતુ જવા દેતા નહોતા. તેવી કળા ગોપાળાનંદ સ્વામીમાં છે, એમ શ્રીજીમહારાજ બોલ્યા. શ્રીજીમહારાજ સાધુને એકવાર દર્શન આપવા સાધુની ઓરડીએ આવતા અને જ્યારે જ્યારે નીસરતા ત્યારે એક ચાદરની ગોદડી કરી હતી તે ઓઢ્યા વિનાની હતી તે બહારની કોરે રાખીને મહારાજ ઓઢતા. એક દિવસ દરબારે પ્રાગજી ભેળા કહેવડાવ્યું જે, અમે દર્શન કરવા આવીએ ? ત્યારે મહારાજે કહ્યું જે, ભલે આવે.

પછી મહારાજ સાધુની જગ્યામાં આવ્યા. સંતોએ મોદ પથરાવી તે ઉપર મહારાજ આવીને આથમણે મુખારવિંદે વિરાજમાન થયા. આત્માનંદ સ્વામી તો મહારાજના મુખારવિંદ આગળ બેઠા હતા. પછી દરબાર આવ્યા તે મહારાજનાં દર્શન કરીને બેઠા પછી આત્માનંદ સ્વામી તો મહારાજની વાંસે આવીને બેઠા. ત્યારે મહારાજે સ્વામીનો હાથ ઝાલીને આગળ બેસાર્યા. અને મહારાજે કહ્યું જે, આ આત્માનંદજી સ્વામી કાલે ઉદેપુરથી આવ્યા છે. અને ઉદેપુરમાં બહુ સત્સંગ થયો અને તે વાતોના બહુ કરતલ છે. કેમ પ્રાગજી ? ત્યારે પ્રાગજી કહે હા મહારાજ, વાતુંના કરતલ છે.

પછી મહારાજે કહ્યું જે, આત્માનંદ સ્વામી ! તમે વાતું કરો, ત્યારે આત્માનંદ સ્વામીએ વાત કરી જે, આ છપયમાં એમ કહ્યું છે જે, ‘એક કરોડ ગજરાજ અરબ સતુરી તુરંગ, છત્રી કરોડ પચાસ પૈદલ, લક્ષ અઢાર ધરણ છત્ર કી છા, સુણે ઇન્દ્રાસન વાજાં, તે રાવણ સંગ ચલે પાંચ કરોડ પંદર હજાર રાજા, ચલત સૂર અંધેર અતિ અંતકાળ એસો ભયો, રહો રો જીવ, ન કર ગર્વ કહો રાવણ કે દિશ ગયો (૧) એ છપ્પો બોલીને એ દિશની ઘણીક વાત કરી.

પછી રાજા બોલ્યા જે, હે મહારાજ ! લોકમાં એમ કહે છે જે, લંકા સોનાની છે અને સોનાનો ગઢ છે અને વિભિષણ રાજ કરે છે. તેનું કેમ સમજવું ? પછી મહારાજ બોલ્યા જે, એ તો વાત ખોટી છે. અને અમારા સાધુ જોઇ આવ્યા છે. તે ધુળનો ગઢ છે, અને ભીલ રહે છે અને ફિરંગીનાં વહાણ આવ્યાં તે ભીલ ભાગી ગયા. પછી બધે જોયું તો કાંઇ ન દીઠું. અને એક ખાણ છે તેમાંથી સોનું નીકળે છે અને તેના પર ચોકી છે. ત્યારે રાજા બોલ્યો જે, ત્યાં તો પાણી ભમરી ખાય છે તે વહાણ શી રીતે જઇ શકે ? ત્યારે મહારાજે કહ્યું જે, ભમરી ખાય છે તે તો આ કોરેથી. રઘુનાથજી જે દિવસ લંકામાં ગયા તે દિવસે પાજ બાંધી ત્યાં પાણા છે તેથી તે પાણી અથડાઇને ભમરી ખાય છે. અને ફિરંગી તો ધ્રુવની તલાટીમાં છે અને તેનાં વહાણ તો આથમણી કોરથી આવે છે. તે દિશની ઘણીક વાત કરી.

પછી મહારાજ ઉતારે ગયા. પછી નિર્વિકલ્પાનંદ સ્વામી બોલ્યા જે, હવે ઠીક થયું. આપણે ભેળા રહીશું. ત્યારે આત્માનંદ સ્વામીએ કહ્યું જે, મારે સુવાણ હશે ત્યાં સુધી રહીશ. પછી નિર્વિકલ્પાનંદ સ્વામીએ કહ્યું જે, મહારાજે કહ્યું છે જે, રહેજો. ત્યારે આત્માનંદ સ્વામીએ કહ્યું જે, મહારાજે કહ્યું છે એમ જ કરવું છે. પછી આત્માનંદ સ્વામીએ એને કહ્યું જે, તમને ભણવાની વાસના છે, શા માટે જે, મુક્તાનંદ સ્વામી સોરઠમાં ગયા તે સત્સંગરૂપી ગંગામાં ઝીલવા, અને આનંદ સ્વામી સુરત સંતમંડળમાં ગયા અને બ્રહ્માનંદ સ્વામી આધોઇ ગયા. માટે તમે અહીં વિદ્યા ભણવા રહ્યા. ત્યારે વિદ્યા નથી, એ જ અવિદ્યા છે જે, સંતથી નોખા પડ્યા.

પછી સાંજે મહારાજ આવ્યા ત્યારે નિર્વિકલ્પાનંદ સ્વામી બોલ્યા જે, હે મહારાજ ! મારે તો વાસના નથી અને આ આત્માનંદ સ્વામી કહે છે જે, તમને ભણવાની વાસના છે. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે, આ નિર્વિકલ્પાનંદ સ્વામીને વ્યાકરણ આવડે ? ત્યારે એ કહે જે, આવડે. ત્યારે આત્માનંદ સ્વામીએ કહ્યું જે, શું આવડે ? મુળગો કક્કો પણ આવડતો નથી. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે, નિર્વિકલ્પાનંદ સ્વામીને કક્કો ભણાવો. ત્યારે આત્માનંદ સ્વામીએ કહ્યું જે, હવે મારે કક્કો ભણાવવો. પછી મહારાજને માટે ગુજરાતમાંથી ચોખા-દાળ મુરબ્બો હરિભક્ત લાવ્યા હતા તે જોઇને મહારાજ બહુ રાજી થયા.

અને હાથમાં ચોખા લઇને બોલ્યા જે, આ તો એમને એમ જમાય એવા છે. જુવોને કોઇ અણી ખંડિત છે ? એ તો નખે વિણેલ છે. અને દાળ પણ જુવો, જે કોઇ ખંડિત છે ? દાળ પણ વિણેલ છે. શા માટે જે એને રેંટીઆની રીત નથી જેથી નવરા તે અમારે અર્થે વીણીને મૂક્યાં છે. પછી મહારાજે એક મોરીઆમાંથી મુરબ્બો પ્રાગજી પુરાણીને આપ્યો, તે પ્રાગજી જમી ગયા. અને બહુ વખાણ્યો. ત્યારે બીજો આપ્યો તે પણ જમી ગયા.

પછી મહારાજે કહ્યું જે, ચોખા, દાળ અને મુરબ્બો તે થોડોક દરબારમાં મોકલશું. પછી એક મારવાડનો ચારણ બેઠો હતો તેણે કહ્યું જે, જે આપવા જાય તે બે દાણા દરબારનાં દેખતાં મોઢામાં નાખે, શા માટે જે છેટાની વસ્તુ આવે તે ભ્રમ પડે નહીં. ત્યારે મહારાજે કહ્યું જે, આપીએ અને ભ્રમ પડે ત્યારે શીદ આપીએ ? પછી ચારણે કહ્યું જે, હે મહારાજ ! રાજા ક્યાં રહ્યા છે ? એમ કહીને દોહરો બોલ્યો જે, ‘કળિયુગ આવ્યો ઠાકરો બાજંતે ઢોલે, ઠાકોર ભૂલ્યા ગોલીએ, ને ઠકરાણી ગોલે.’ પછી વચ્ચે કેટલીક વાત થઇ. પછી પ્રાગજી શ્લોક બોલ્યા જે,

नृपत्यन्नं न भोक्तव्यं, प्राणैः कंठगतैरपि ।

गोर्मांससमं चान्नं, सुरापानसमं जलम्‌ ।।

પછી મહારાજે આત્માનંદ સ્વામી સામું જોયું અને એમ બોલ્યા જે, એ દિશની વાત કરશો પણ રહેશો નહીં. પછી પ્રાગજીએ વાત કરી જે, હે મહારાજ ! મારે ઘેર ઘોડીઆમાં છોકરાં રૂવે છે અને સ્ત્રી તો સમાધિમાં છે. ત્યારે શ્રીજી મહારાજે તેને ઊઠાડી. ત્યારે તે સ્ત્રી બોલી જે, છોકરો તમારો મૂવો અને તમે પણ મરો. મને શા માટે આ સુખમાંથી ઊઠાડી ? હું તો મહારાજનાં દર્શન કરતી હતી. એમ કહીને તે સુખનાં વખાણ કર્યાં. ત્યારે પ્રાગજી કહે, હે મહારાજ ! મને સમાધિ કરાવો. પછી મહારાજ બોલ્યા જે, તમને થાશે. ત્યારે પ્રાગજી કહે ના ના મહારાજ ! મને સમાધિ કરાવો. પછી મહારાજ બોલ્યા જે, મારી સામું જોઇ રહો. પછી મહારાજ સામું જોયું. ત્યારે નાડી તણાવા માંડી ત્યારે પ્રાગજી આંખ વીંચી ગયા. પછી મહારાજે કહ્યું જે, કેમ પ્રાગજી ? ત્યારે કહે એમ તો નહિ. ત્યારે મહારાજે કહ્યું જે, આંખ મીંચીને અંતર સામું જુવો પછી આંખ મીંચી ત્યારે નાડી તણાવા માંડી ત્યારે તરત જ આંખ ઉઘાડી.

ત્યારે મહારાજ કહે કેમ થયું ? ત્યારે પ્રાગજીએ કહ્યું જે, એમ તો નહિ મહારાજ, હું તો ઊંઘમાં સૂતો હોઉં અને એમને એમ બ્રહ્મમહોલમાં જાઉં. ત્યારે મહારાજ કહે ઠીક, એમને એમ ભજન કરતા રહો, સમાધિ થાશે. એમ હાસ્યવિનોદ કરતા થકા શ્રીજી મહારાજ તેરામાં દોઢ માસ પર્યંત રહ્યા હતા અને નિત્ય સવારે અને સાંજે બે તળાવમાં સ્નાન કરવા પધારતા.

ત્યાંથી ચાલ્યા તે માંડવી આવ્યા. ત્યાંથી સમુદ્રની ખાડી ઉતરીને સોરઠમાં ફરતા ફરતા ગામ પંચાળે પધાર્યા. ત્યાં ઝીણાભાઇના દરબારમાં ઉતર્યા અને ત્યાં દશ દિવસ રહીને સંત હરિભક્તોને ઘણુંક સુખ આપ્યું. હરિભક્તોએ પ્રાર્થના કરાયેલા શ્રીહરિ ત્યાંથી ચાલ્યા તે ગામ અગતરાઇ આવ્યા. ત્યાં પર્વતભાઇને ઘેર જન્માષ્ટમીનો સમૈયો કર્યો. ત્યાંથી જુનાગઢ પધાર્યા. ત્યાંથી જેતલપુર થઇને ગોંડલ પધાર્યા. ત્યાંથી સરધાર, કોટડા અને કરિઆણા થઇને ગઢડા આવ્યા. ત્યાંથી ઝીંઝાવદર અને સાળંગપુર પધાર્યા. ત્યાં સર્વ કાઠીઓને ભેળા કર્યા અને સર્વને કહ્યું જે, પગપાળા ચાલવું હોય તે ઘોડા મેલીને અમારા ભેળા ચાલો.

પછી સર્વ કાઠીઓ પગપાળા ચાલ્યા તે ગામ અડવાલ આવ્યા અને તુલજારામ વિપ્રને ઘેર ઊતર્યા. ત્યાંથી બળોલ વિશ્રામ ચાવડાને ત્યાં ઊતર્યા અને ત્યાંથી જ્વારજ આવ્યા. અને આધાર બારોટની મેડી ઉપર ઊતર્યા. ત્યાં દહીં અને રોટલો જમ્યા. ત્યાંથી સીમેજ પધાર્યા. ત્યાંથી ધોળકા પધાર્યા અને ત્યાંથી જેતલપુર પધાર્યા. ને ત્યાં મહોલમાં ઊતર્યા. અને મુક્તાનંદ સ્વામી આદિક સંતોને તેડાવ્યા. ત્યાં દેશદેશના ભક્તજનો દર્શન કરવા આવ્યા. અને શ્રીજી મહારાજને ગુલાબ તથા મોગરો તથા ચંપા આદિક પુષ્પના હાર તથા બાજુબંધ ધરાવ્યા અને ચંદનનો અંગરાગ સર્વ શરીરે કર્યો. અને મહોલની આગળ આસોપાલવનું વૃક્ષ છે તેને ઓઠીંગણ દઇને બેસતા અને પોતાના ભક્તજનો નિત્ય શ્રીજી મહારાજની ચંદન પુષ્પે કરીને પૂજા કરતા. તે મહોલથી આથમણી દિશામાં પોતે ફૂલબાગ કરાવતા. અને નિત્ય પ્રત્યે સંત હરિભક્તોએ સહિત તળાવમાં જળક્રીડા કરતા. ત્યાં એક માસ રહ્યા. પછી ડભાણના પટેલ રઘુનાથદાસ વિગેરે તેડવા આવ્યા હતા તેથી શ્રીજી મહારાજ ગામ ખેડા થઇ ને ગામ ડભાણ પધાર્યા.

ત્યાં વડના વૃક્ષની નીચે હીંડોળો બાંધ્યો હતો તેના ઉપર બિરાજમાન થયા. પોતાના મુખારવિંદની આગળ દેશદેશના હરિભક્તો તથા સાધુની સભા ભરાઇને બેઠી હતી. તેવામાં ગામ વસોનો બ્રાહ્મણ આવ્યો તેણે મનમાં એવો સંકલ્પ કર્યો જે, મારે છેડે સાકર બાંધી છે તેને માગી લે તો સ્વામિનારાયણ ભગવાન ખરા. પછી શ્રીજી મહારાજ તે બ્રાહ્મણ પાસેથી સાકર માગી લીધી. ત્યારે તે બ્રાહ્મણ શ્રીજી મહારાજને અંતર્યામી જાણીને મહારાજનો આશ્રિત થયો. અને ત્યાં નિત્ય શ્રીજી મહારાજ સંતોને તથા હરિભક્તોને જમાડતા, અને પોતાની પ્રસાદી આપતા. આ રીતે ત્યાં આનંદ ઉત્સવ કરતા થકા શ્રીજીમહારાજ પંદર દિવસ રહ્યા. પછી શ્રીજીમહારાજે સર્વે સંતોને ગામ નડીઆદ જવાની આજ્ઞા કરી તેથી સર્વે સંતો નડીઆદ આવ્યા.

ત્યાર પછી શ્રીજીમહારાજ પણ પાંચ સાત દિવસે નડીઆદ પધાર્યા. ત્યાંના હરિભક્તોએ શ્રીજી મહારાજને વાજતે ગાજતે ગામમાં પધરાવ્યા, અને સંતો બહાર ઊતર્યા હતા તેમને ત્યાં દર્શન દેવા જતા અને દર્શન આપીને ચાલ્યા તે ડભાણ થઇને સોરઠ દેશમાં પધાર્યા અને ગામ માણાવદર આવ્યા અને ગામ નડીઆદમાં રહેતા સંતોને ગોળા ખાવા કઠણ પડ્યા તેથી દશ વિશ સંતો જતા રહ્યા. બે સાધુ શ્રીજીમહારાજ પાસે ગયા અને મહારાજનાં દર્શન કરીને વાત કરી જે, ગોળા ખાવા બહુ કઠણ પડ્યા માટે અમે અહીં આવ્યા છીએ. ત્યારે શ્રીજીમહારાજે સ્વરૂપાનંદ આદિક પરમહંસ જે નડીઆદ હતા તેના ઉપર કાગળ લખાવ્યો જે, સર્વે બે બે મુરત થઇને દેશમાં ફરવા જાજો અને જેનું ખપતું હોય તેનું ખાજો અને જેનું ન ખપે તેનું ન ખાજો.

એ પ્રકારે કાગળ લખાવીને સાધુને આપ્યો. તે ગામથી પછી શ્રીજી મહારાજ ગામ જેતપુર થઇને ગોંડલ પધાર્યા. ત્યાંથી ગામ સરધાર ગયા ને ત્યાંથી કોટડા થઇને ગામ પીપરડી પધાર્યા. ત્યાંથી બોટાદ થઇને ગામ સારંગપુર પધાર્યા. ત્યાં ગઢડાનો સંઘ તેડાવ્યો અને જીવુબાઇ તથા લાડુબાઇની ગાડીઓ આવી. ત્યાંથી શ્રીજી મહારાજ સર્વ સંઘ લઇને ચાલ્યા તે ગામ અડવાલ આવીને રાત રહ્યા અને સર્વ ત્યાંથી ચાલ્યા તે ગામ બળોલમાં થાળ જમીને ગુંદિએ આવીને સંઘ ભેળા થયા. પછી સંઘને અરણેજ જવાની આજ્ઞા આપીને પોતે જવારજ પધાર્યા. ત્યાં જમીને પોતે અરણેજ સંઘ ભેળા થયા અને માતાની જગ્યામાં રાત રહ્યા. ત્યાંથી ગામ કોઠની બજાર વચ્ચે થઇને ધોળકે પધાર્યા. ત્યાં રાત રહીને જેતલપુર પધાર્યા. અને મહોલમાં ઊતર્યા. પછી ગઢમાં પધાર્યા અને ગઢ વળાવીને ચોખ્ખો કરાવ્યો. પોતે આનંદાનંદ સ્વામીને મહારૂદ્રનો સામાન ભેળો કરવાની આજ્ઞા કરી.

અને પોતે તો મહોલમાં આવીને બિરાજમાન થયા. પછી મુક્તાનંદ સ્વામી આદિ સંત મંડળ ભણતા હતા તે પાસે પોતે મહોલમાંથી દર્શન દેવા સારુ પધાર્યા અને બોરસડી તળે વેદિકા ઉપર પૂર્વ મુખે બિરાજયા. પછી સંતને કહ્યું જે, ‘વિદ્યા ભણાવવામાં અમારો ઘણો રાજીપો છે, તે માટે તમો સર્વે વિદ્યા ભણો’ તે સમયે શ્રીજી મહારાજની ઉપર પુષ્પની વૃષ્ટિ થઈ રહી હતી. પછી બોરસડીથી ઊઠ્યા તે રાયણ તળે આવ્યા અને સિંહાસન ઉપર બિરાજમાન થયા અને મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી તથા પ્રેમાનંદ સ્વામી એ આદિક ગવૈયા સંતને તેડાવ્યા અને તેમની પાસે વાજિંત્ર વગડાવીને બહુવાર સુધી ગાનવિદ્યા કરાવી. પછી સર્વ ભણવાવાળાને પોતે ભણવાની આજ્ઞા આપીને મહોલમાં પધાર્યા, મુક્તાનંદસ્વામી આદિ સંત બોરસડી તળે ભણવા ગયા. અને સ્વરૂપાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી અને મહાનુભાવાનંદ સ્વામી આદિ પરમહંસ પરસ્પર પ્રશ્નોત્તર કરતા હતા.

તે સમયમાં રાયણથી પશ્ચિમ દિશામાં અગ્નિની જવાળા સરખો મોટો તેજનો સમૂહ પ્રથમ મહાનુભાવાનંદ સ્વામીએ દેખ્યો. પછી ગોવિંદસ્વામીને પૂછયું જે, અહીં ખળાં છે? ત્યારે ગોવિંદ સ્વામીએ કહ્યું જે, અહીં તો ખળાં નથી. તેટલામાં તો તેજનો ગોળો ઊંચો ચડ્યો અને પૂર્વ દિશામાં ચાલ્યો તે ચાલતે ચાલતે રાયણ ઉપર આવ્યો તેટલામાં તો એકના બે ગોળા થયા અને રાયણના પત્રે પત્રે દિવા થઈ ગયા. ત્યાંથી તેજનો ગોળો મહોલ ઉપર ગયો અને ત્યાં તેનાં ત્રણ રૂપ થઈ ગયાં. અને મહોલને પછવાડે જે વૃક્ષ હતાં તે સર્વે તેજોમય થઈ ગયાં અને તે તેજના પ્રતિબિંબે કરીને તળાવનું જળ સર્વ તેજોમય થઈ ગયું. તેને જોઈને સર્વ સાધુને આશ્ચર્ય થયું. પછી તે તેજનો ગોળો અદૃશ્ય થઈ ગયો. તે જોઈને સર્વ સાધુ કહેવા લાગ્યા જે, આ તે શું હશે? એમ કહીને પછી સર્વ છાના રહ્યા.

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે તેરામાં મહારાજે પ્રાગજીની સ્ત્રીને સમાધિમાંથી જગાડયાં અને ત્યાંથી  જેતલપુર પધાર્યા અને ત્રણ મોટા દેવો દર્શન કરવા આવ્યા એ નામે એકસઠમો અધ્યાય. ૬૧