૬૮ ત્યાંથી વડતાલ પધાર્યા ત્યાંથી પાછા ગઢડા, ત્યાંથી જેતલપુર, વડતાલ, ઉધના, ધરમપુર પધાર્યા, ત્યાંથી વાસંદા, ધરમપુર , ઝડેશ્વર, બામણગામ, વડતાલ, વડથલ, ગઢડા થઈ પાછા વડતાલ પધારી ફૂલડોળનો ઉત્સવ કર્યો, ત્યાંથી કારીયાણી, ગઢડા, વડતાલ, જેતલપુર ગઢડા, જયતલપુર પધાર્યા, ગૃહસ્થની પેઠે સાધુને સેવા કરવા ન ઈચ્છવું, ત્યાંથી ડભાણ, વડતાલ, ગઢડા, પીપળીયા, ગુડેલ, વડતાલ આવ્યા, વેદાંતચાર્યની સાથે ચર્ચા, ત્યાંથી શ્રીનગરસાહેબની રજાથી ગયા.
અધ્યાય ૬૮
પછી પોતે વડતાલ પધાર્યા ને ત્યાં જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો. તેમાં પોતે સર્વ સંતોને નાના પ્રકારે રસોઇઓ કરાવીને પોતે હાથે પીરસીને જમાડતા. એ પ્રકારે લીલા કરીને શ્રીહરિએ તે ગામના બાપુજી આદિ ભક્તજનોની સેવા અંગીકાર કરીને તેમને પ્રસન્ન કર્યા. ત્યાંથી ગઢડા પધાર્યા અને ત્યાં પોતે દેશદેશથી સર્વ સાધુઓને તેડાવ્યા અને ત્યાં દિવાળીનો ઉત્સવ કર્યો. અને પછી પોતે જયતલપુર પધાર્યા. ત્યાં પોતે મહોલમાં ઉતર્યા. અને ગંગાબાઇએ પોતાને ઘેર થાળ કર્યો હતો તેને શ્રીજીમહારાજ સારી પેઠે જમ્યા અને પ્રસાદી સંતોને આપી અને પોતે વડ હેઠે સભા કરી.
તે ગામના ભક્તોને આનંદ ઉપજાવતા અને તેમની સર્વે સેવાને અંગીકાર કરીને ત્યાંથી વડતાલ પધાર્યા. ત્યાંથી ગામ ઉધને પધાર્યા. ત્યાં સુરતના ભક્તજનો શ્રીજીમહારાજનાં દર્શન કરવા માટે આવ્યા. તેમણે બરફી, દૂધ, પેંડાની માટલીઓ શ્રીજીમહારાજને ભેટ કરી, પછી પૂજા કરી, શ્રીજીમહારાજ ત્યાંથી ધર્મપુર પધાર્યા. તે ગામના રાજા પોતાની સવારી લઇને શ્રીજી મહારાજની સન્મુખ આવ્યા અને વાજતે ગાજતે પોતાના દરબારમાં તેડી ગયા.
ત્યાં પોતાનાં એકાંતિક ભક્ત જે કુશળકુંવરબાઇ તેમને પોતાનાં દર્શન આપ્યાં. અને તેમને પોતાના સ્વરૂપની ઘણીક વાર્તા કરીને ત્યાં વસંત પંચમીનો ઉત્સવ કર્યો અને તે ઉત્સવમાં સુરતના સત્સંગીઓએ શ્રીજીમહારાજને મુગટ ધરાવ્યો. એક દિવસ તે રાજાએ પોતાની સવારી કરીને શ્રીજીમહારાજને હાથી ઉપર બેસાડીને પોતે રાજા શ્રીજીમહારાજના ઉપર ચામર ઢોળવા લાગ્યા અને વાજતે ગાજતે પુરથી બહાર મહાદેવનું તથા હનુમાનજીનું મંદિર છે ત્યાં પધાર્યા. પાછા પુરમાં પધારીને રાજ દરબારમાં દીવાનખાનામાં બિરાજમાન થયા અને પોતાનાં ભક્ત કુશળકુંવરબાઇએ શ્રીજી મહારાજની ભારે પૂજા વસ્ત્રો તથા અલંકારે કરીને કરી. અને શ્રીજી મહારાજ ભેળા જેટલા સ્વાર તથા પાળા હતા તેમને સર્વને પોશાક આપ્યા અને જેટલા ભણનારા સંત હતા તેમને શ્રીમદ્ ભાગવતનાં પુસ્તકો આપ્યાં, એવી રીતે રૂડી પ્રકારે પૂજા કરીને લહાવો લીધો. પછી શ્રીજી મહારાજ પંદર દિવસ રહીને ગામ વાંસદા પધાર્યા. તે ગામના રાજાએ પોતાના દરબારમાં પધરાવ્યા અને રૂડી પ્રકારે ચંદન, પુષ્પ, વસ્ત્રો, અલંકારે કરીને શ્રીજી મહારાજની પૂજા કરી.
પછી શ્રીજી મહારાજે તે રાજાને પોતાના ભક્ત જાણીને પ્રસન્ન થઇ ચરણારવિંદ પાડી આપ્યાં. ત્યાંથી પાછા ધર્મપુર આવી દરબારમાં વિરાજમાન થયા. તે સમયે મુક્તાનંદ સ્વામી આદિ સંતો આવીને પગે લાગીને બેઠા. પછી શ્રીજી મહારાજે તેમને સર્વ દેશના હરિભક્તોના સમાચાર પૂછ્યા. પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, હે મહારાજ ! મહાનુભાવાનંદ સ્વામીને હરિભક્તનાં નામ લેતાં આવડે છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ઘણા હરિભક્તોનાં નામ આવડે છે. એમ કહીને લોજ-મંગરોળ આદિ સોરઠ દેશનાં સર્વેહરિભક્તોનાં નામ લેવડાવ્યાં અને તે સર્વે હરિભક્તમાં મોટેરા હરિભક્તની પરીક્ષા કરાવી. પછી મહાનુભાવાનંદ સ્વામીએ જાદવજી ખત્રી તથા મયારામ ભટ્ટ તથા ઝીણોભાઇ તથા નાનોભાઇ એ ચારનાં નામ લીધાં.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, બહુ સારી નજર પહોંચે છે. એમ કહીને બોલ્યા જે, એ ચારમાં કોણ મોટા છે ? પછી મુનિએ કહ્યું જે, હે મહારાજ ! એ તો તમે કહો. પછી શ્રીજી મહારાજ પ્રસન્ન થઇને બોલ્યા જે, ઝીણાભાઇ અધિક છે. એવી રીતે શ્રીહરિએ ભક્તજનોને આનંદ પમાડ્યા અને કુશળકુંવરબાઇએ શ્રીજીમહારાજની મૂર્તિને વારંવાર નીરખીને પોતાના હૃદયમાં ધારીને દર્શન કર્યા. પછી ત્યાંથી ગામ ઝાડેશ્વર પધાર્યા. ત્યાંથી બામણગામ પધાર્યા અને તે ગામના ભક્ત રણછોડદાસને ઘેર થાળ જમ્યા અને પાછા ત્યાંથી વડતાલ પધાર્યા અને મુક્તાનંદ સ્વામી આદિ સાધુઓને ગામ વડતાલ મેલ્યા અને પોતે વડથલ ગયા. ત્યાં પાંચ દિવસ રહીને ગઢડા પધાર્યા. ત્યાં રહીને દેશદેશમાં કંકોતરીઓ લખી જે, અમો વડતાલે ફૂલડોલનો સમૈયો કરીશું માટે ત્યાં સર્વે આવજો એવી રીતે લખીને પોતે ઉત્સવ ઉપર વડતાલ પધાર્યા. ફૂલડોલના ઉત્સવમાં આવેલા ભક્તજનોને સારી પેઠે રંગે રમાડ્યા અને પોતે પિચકારીથી રંગ નાખીને સર્વ હરિભક્તોને આનંદ પમાડ્યા. પછી મુક્તાનંદ સ્વામી આદિક પંદર સંતોને પોતાની સાથે લઇને ગઢડા પધાર્યા અને બીજા સંતોને દેશાંતરોમાં ફરવા જવાની આજ્ઞા આપી. ત્યાર પછી કારીઆણીથી વસ્તા ખાચર તેડવા આવ્યા, અને બોલ્યા જે, હે મહારાજ ! માંચાખાચરના કારજ ઉપર પધારો.
ત્યારે શ્રીજી મહારાજ કારીઆણી પધાર્યા અને સાટા કરાવીને સારી રીતે કારજ કરાવ્યું અને સાટા વધ્યા તે ફરી વાર સંતોને બોલાવીને આઠ ગળ્યા અને આઠ મોળા એમ સર્વ સંતોને અપાવ્યા અને સંતો ગુજરાતમાં ગયા અને મહારાજ ગઢડા પધાર્યા. પછી કેરીઓના સમયે વડતાલ પધાર્યા. ત્યાં સર્વ સત્સંગીઓ રસ રોટલીની રસોઇઓ આપીને શ્રીજીમહારાજની બહુ સેવા કરી. શ્રીજીમહારાજ ત્યાં દશ દિવસ રહીને પાછા ગઢડા પધાર્યા. ત્યાં પોતે સંતો, સત્સંગીઓ તથા પાળાઓએ સહિત ઘેલામાં સ્નાન કરવા પધારતા. એવી લીલા કરતા થકા શ્રીજીમહારાજે ત્યાં જન્માષ્ટમીનો મહોત્સવ કર્યો. અને સર્વે સંતોને દર્શન આપીને પ્રસન્ન કર્યા. દિવાળી ઉપર પોતે વડતાલ પધાર્યા. ત્યાં બહુ દીવા કરાવીને તે દીપમાળાની સમીપે પોતે વિરાજમાન થયા અને સર્વે સંતોને તથા સત્સંગીઓને દર્શન આપ્યાં.
શ્રીજીમહારાજ બહુ દિવસ ત્યાં રહીને પછી ત્યાંથી જયતલપુર પધાર્યા. ત્યાં મુક્તાનંદ સ્વામી આદિ સર્વ સાધુઓને તેડાવ્યા. સંતોએ આવીને શ્રીજી મહારાજને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા. અને છાતીમાં મહારાજનાં ચરણકમળ લીધાં. પછીથી તે સંતો શ્રીજીમહારાજની સાથે જ રહ્યા. શ્રીજીમહારાજ ત્યાં પાંચ દિવસ રહ્યા પછી શ્રીજીમહારાજે સર્વ સંતોને દેશમાં ફરવા જવાની આજ્ઞા આપી. આનંદાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી આદિ ભણનારા સંતોને પુરુષોત્તમ શાસ્ત્રી ભેળા બામણગામ આદિમાં જવાની આજ્ઞા આપી. પછી નિત્યાનંદ સ્વામી તથા મુક્તાનંદ સ્વામી આદિક પાંચ સંતોને ભેળા લઇને ગઢડા પધાર્યા. પછી સર્વ સંત ઉપર કાગળ લખાવીને મોકલ્યો કે, ફૂલડોલનો ઉત્સવ વડતાલ કરવો છે તેની સર્વ સત્સંગીઓને ખબર કરજો અને તમો સર્વ વડતાલ આવજો એમ સંત ઉપર કાગળ મોકલીને શ્રીજીમહારાજ વડતાલ પધાર્યા અને સંતમંડળો તથા સર્વે દેશદેશના હરિભક્તો ત્યાં ફૂલડોલના ઉત્સવ ઉપર આવ્યા. પછી શ્રીજી મહારાજ ગામથી પૂર્વ દિશામાં તળાવની સમીપે રંગના હોજ ભરાવીને સર્વે સંતો ઉપર ને સર્વે હરિભક્તો ઉપર પિચકારીઓ ભરીને રંગ નાખવા લાગ્યા.
શ્રીજીમહારાજ જ્યારે રંગ ઉડાડતા હતા, ત્યારે બહુ મનુષ્યોની ભીડ થઇ એટલે શ્રીજીમહારાજ ઘોડા ઉપર ચડી અને સવારી કરીને સર્વ સંઘને દર્શન દેતા થકા ચારેકોર ફર્યા. પછી સાયંકાળે નિષ્કુળાનંદ સ્વામી આદિ સંતમંડળે એ તળાવમાં જે જોડે જોડે બે આંબાનાં વૃક્ષ હતાં, તે ઉપર મોભ નાખીને મોટો હિંડોળો બાંધ્યો તેમાં શ્રીજીને પધરાવીને ઝુલાવવા લાગ્યા. પછી દેશદેશના હરિભક્તો શ્રીજીમહારાજને પુષ્પના હાર પહેરાવવા લાગ્યા. સુરતના હરિ ભક્તોએ શ્રીજીમહારાજને જરિયાની વસ્ત્રો અને ઘરેણાં તથા મસ્તક ઉપર મુકુટ ધરાવીને આરતી ઉતારી અને તે વખતે ચંદનની વૃષ્ટિ થઇ. એવી રીતે ફૂલડોલનો મોટો ઉત્સવ કરીને સર્વ સંતોને દેશમાં ફરવા જવાની આજ્ઞા આપી અને શ્રીજીમહારાજ પોતે ગઢડા પધાર્યા. ત્યાં પોતાના ભક્તજનોને આનંદ ઉપજાવતા થકા નિત્ય ઘેલામાં સ્નાન કરવા પધારતા. ત્યાં પોતે સંતોની સાથે બહુ પ્રકારની જલક્રીડા કરીને પાછા પોતાને ઉતારે પધારતા.
એમ લીલા કરતા થકા શ્રીહરિ ત્યાં બહુ દિવસ રહીને પછી ભીમ એકાદશી ઉપર જયતલપુર પધાર્યા. તે ગામના આસજીભાઇ આદિ ભક્તો શ્રીજીમહારાજને સન્મુખ આવ્યા અને ગાજતે વાજતે પધરામણી કરાવીને મહોલમાં ઉતાર્યા. ત્યાં શ્રીજી મહારાજને માટે ગંગાબાએ પોતાને ઘેર થાળ કર્યો હતો તેથી શ્રીજી મહારાજ ત્યાં પધાર્યા અને ત્યાં સારી પેઠે થાળ જમ્યા. પછી સર્વ સંતોને જમાડ્યા. ત્યાર પછી મહોલમાં પધાર્યા અને ત્યાં આસોપાલવ નીચે ઢોલિયા ઉપર બિરાજમાન થયા.
તે સમયે સાધુ અદ્વૈતાનંદ સ્વામીએ ખોટાં મોતીનો હાર મહારાજને પહેરાવ્યો. મહારાજ તે જોઇને રાજી થયા અને સર્વ સંતોને કહ્યું જે, જો તમે આવા હારો રાખશો તો ચોર સાચા મોતીનો હાર જાણીને તમને લૂંટી લેશે અને મારી નાખશે. માટે ચણોઠીના તથા રતાંજલીના અને મોતીના હાર જેની પાસે હોય તે લાવો. એમ કહીને તે હારો સંતો પાસેથી લઇને સત્સંગીઓને આપ્યા. પછી કહ્યું જે, ગૃહસ્થની પેઠે સાધુને સેવા કરવા ન ઇચ્છવું એમ કહીને સર્વે સંતોને હાર રાખવાની મનાઇ કરી. શ્રીજીમહારાજ એમ લીલા કરતા હતા ત્યાં ભીમ એકાદશીનો મહોત્સવ આવ્યો અને તે દિવસે ગામથી ઉત્તર દિશામાં તળાવને કાંઠે વડની ઉગમણી ડાળમાં હરિભક્તોએ હિંડોળો બાંધ્યો હતો તેના ઉપર શ્રીજીમહારાજ બિરાજમાન થયા. તે સમયે આનંદાનંદ સ્વામીએ શ્રીજીમહારાજની કેસર ચંદનાદિકે કરીને પૂજા કરી અને હરિભક્તોએ ઘરેણાં વસ્ત્રો આદિકે કરીને પૂજા કરી અને તે સર્વને ધારણ કરીને બિરાજમાન થયા હતા.
આ રીતે હરિભક્તોની પૂજા અંગીકાર કરતા થકા ત્યાં બહુ દિવસ રહીને પછી ડભાણ પધાર્યા. ત્યાં એક દિવસ રહીને બીજે દિવસે વડતાલ પધાર્યા. ત્યાંથી પાછા ગઢડા પધાર્યા. ત્યાં રહીને પ્રાગજી દવે પાસે કથા કરાવતા અને દરરોજ ઘેલામાં સ્નાન કરવા જતા. આ રીતે આવી લીલા વડે શ્રીજીમહારાજ ભક્તજનોને સુખ ઉપજાવતા થકા ત્યાં ચાતુર્માસ પર્યંત રહ્યા. ત્યાંથી ચાલ્યા તે વડતાલ પધાર્યા અને ત્યાં દેશોદેશથી સત્સંગીઓને તેડાવ્યા અને બહુ પ્રકારે સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ સંબંધી વાર્તા કરીને સહુને આનંદ પમાડ્યા. ત્યાં અન્નકૂટનો સમૈયો નાના પ્રકારનાં ભોજન અને વ્યંજન તેણે કરીને કર્યો. અને મોટા મોટા સદ્ગુરુઓને કહ્યું જે, તમારે જ્યારે અમારાં દર્શન કરવા આવવું હોય ત્યારે આવજો. એમ કહીને ત્યાંથી ગઢડા પધાર્યા.
ત્યાં વીસ પચીસ દિવસ રહીને ત્યાંથી ગામ પીપલીયે પધાર્યા. ત્યાંથી ગુડેલ આવ્યા અને ત્યાં મુક્તાનંદ સ્વામી તથા મહાનુભાવાનંદ સ્વામી એ આદિક સંતો દર્શન કરવા માટે આવ્યા તે ભેળા થયા. પછી શ્રીજીમહારાજ સંતમંડળે સહિત ત્યાંથી વડતાલ પધાર્યા. અને જોબન પગીને ઘેર ઉતર્યા. ત્યાંથી મુક્તાનંદ સ્વામી આદિક સાધુઓને વેદાંતાચાર્યને તેડવા માટે અમદાવાદ મોકલ્યા. તેઓ વેદાંતાચાર્યને તેડી લાવ્યા અને તેની સન્મુખ શ્રીજીમહારાજ સાધુઓ અને સત્સંગીઓએ સહિત પધાર્યા. અને બહુ સન્માન પૂર્વક ગામમાં લાવ્યા. નારાયણગીર બાવાની ધર્મશાળામાં ઉતારો આપ્યો અને સાકરનાં સીધાં દેવરાવ્યાં.
શ્રીજીમહારાજે તેમને ઘણાક પ્રશ્નો પૂછ્યા, એક તો એ પ્રશ્ન પૂછ્યો જે, (૧) સુષુમ્ણા નામે નાડી છે. તે આ દેહમાં કેવી રીતે રહી છે ? અને વળી એમ પ્રશ્ન પૂછ્યો જે, (૨) જાગ્રત આદિ ત્રણ અવસ્થા છે તેમાં એક એક અવસ્થા ને વિષે બીજી બે બે અવસ્થાઓ કેવી રીતે રહી છે ? અને (૩) પ્રણવનું સ્વરૂપ કેવું છે ? અને (૪) નાદનું સ્વરૂપ તે પણ કેવું છે ? અને (૫) દૃષ્ટા અને દૃષ્યથી પર જે બ્રહ્મ તેનું સ્વરૂપ કેવું છે ? અને (૬) બ્રહ્મથી પર જે પરબ્રહ્મ છે તેનું સ્વરૂપ કેવું છે ? અને (૭) વેદની ઉત્પત્તિ તે વૈરાટ નારાયણથી થઇ છે કે વિષ્ણું થકી છે કે પછી વૈકુંઠનાથ થકી છે ? કે શ્વેતદ્વીપવાસીથી છે ? કે અક્ષરબ્રહ્મથી છે ? કે પછી અક્ષર પર એવા જે પુરુષોત્તમ તે થકી છે ? ત્યારે વેદાન્તાચાર્યને તે શ્રીજીમહારાજના પ્રશ્નના ઉત્તરો ન આવડ્યા. પછી શ્રીજીમહારાજે તે વેદાન્તાચાર્યને સો રૂપિયા આપીને તેને વિદાય કર્યો.
તે ગામ પીપળાવમાં જઇને શ્રીજીમહારાજની નિંદા કરી. અને તે નિંદાનો કાગળ લખ્યો તે કાગળ શ્રીજીમહારાજને હાથ આવ્યો. તે વાંચીને પોતે મુક્તાનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામી તથા મહાનુભાવાનંદ સ્વામી આદિ ભણેલા સાધુને મોકલ્યા. અને તેઓ ત્યાં ગયા અને તેને નડીયાદમાં રોક્યો અને તેને કહ્યું જે, “તમારું શ્રીજીમહારાજે બહુ સન્માન કર્યું અને તમે શા માટે નિંદા કરી ? એવી રીતે ઠપકો દીધો. ત્યારે વેદાન્તાચાર્ય તે સાધુની આગળ કરગરવા લાગ્યો અને સાધુને કહ્યું જે, “મેં ઝખમારી અને હું ભૂલ્યો.” ત્યારે તે સાધુએ જવા દીધો અને સાધુ પાછા શ્રીજીમહારાજ પાસે વડતાલ આવ્યા.
ત્યાર પછી સર્વે સાધુઓને ફરવાની આજ્ઞા કરી. શ્રીજીમહારાજ પોતે મોટેરા સાધુઓને સાથે લઇને શ્રી ગઢડા પધાર્યા. ત્યાં કેટલાક માસ રહ્યા. એક દિવસ મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી આદિ મોટેરા સાધુઓને કહ્યું જે, ‘હું તમને પાકા કરવા સારુ અહીં લાવ્યો છું અને સાધુઓને તો એક ટંક ખાવું અને ઇન્દ્રિયોનું દમન કરવું. એવી રીતે ઘણીક વાર્તા કરીને નિત્ય પ્રત્યે લીલા કરતા થકા ત્યાં રહ્યા.
એક સમયે શ્રી અમદાવાદથી નથુ ભટ્ટ અને કુબેરસિંહ શ્રીજીમહારાજનાં દર્શન કરવા સારુ ગઢડા આવ્યા તે શ્રીજીમહારાજને દંડવત્ પ્રણામ કરીને તેમની પાસે બેઠા. ત્યારે શ્રીજીમહારાજે શહેરની ખબર પૂછી. ત્યારે તેમણે કહ્યું જે, શહેરમાં તો અંગ્રેજ સરકારનું રાજ્ય આવ્યું છે. અને દેશકાળ બહુ સારા છે માટે તમે અમદાવાદ પધારો. ત્યારે શ્રીજીમહારાજે મુક્તાનંદ સ્વામીના મંડળને અમદાવાદ મોકલ્યું. ત્યારે મુક્તાનંદ સ્વામીએ સાહેબને ખબર કરાવી જે, સરકારની રજા હોય તો સ્વામિનારાયણ અહીં આવે. ત્યારે સાહેબે કહ્યું જે, સુખેથી સ્વામિનારાયણ અહીં આવે. ત્યારે મુક્તાનંદ સ્વામીએ તથા સર્વ હરિભક્તોએ શ્રીજીમહારાજને તેડવા સારું કાગળ લખીને એક હરિભક્તને મોકલ્યો. ત્યારે તે પત્ર વાંચીને શ્રીજીમહારાજ સવારો અને પાળાઓએ સહિત શ્રીનગરની સમીપે આવ્યા અને શહેરના હરિભક્તો શ્રીજીમહારાજને આવતા સાંભળીને સામા ગયા. અને શ્રીજીમહારાજની સન્મુખ રાજાની સવારી તથા છત્રીશ પ્રકારનાં વાજાં આવ્યાં.
પછી વાજાં વગાડતાં શ્રીજીમહારાજની સવારીને ધીરે ધીરે શહેરમાં લાવ્યા. તે શહેરમાં શ્રીજીમહારાજને આવતા જાણીને શહેરનાં સ્ત્રી પુરુષો હરખથી ઊંમટીને મહારાજનાં દર્શન કરવા આવ્યાં. અને બજારમાં બન્ને બાજુ ઘણી ભીડ થઇ હતી. તેમાં જે મુમુક્ષુ જીવો હતા તેને તો એવો નિશ્ચય થયો જે, આ શ્રીજી મહારાજ સાક્ષાત્ શ્રી પુરુષોત્તમ ભગવાન છે. એવું જાણીને શ્રીજીમહારાજને પુષ્પે કરીને વધાવવા લાગ્યા. શ્રીજીમહારાજને શહેરમાં આવતા જાણીને ઇન્દ્રાદિક દેવો પણ પોતાનાં વિમાનમાં બેસીને શ્રીજીમહારાજનાં દર્શન કરવા લાગ્યા. શ્રીજી મહારાજની શોભા જોઇને પોતાની અમરાવતીપુરીને તુચ્છ જાણવા લાગ્યા. અને શહેરમાં શ્રીજી મહારાજ સવારી તથા સાધુ પાળાએ સહિત ચોકે ચોકે અને બજારે બજારે સર્વને દર્શન દેતા અને આનંદ ઉપજાવતા થકા જ્યાં નવાવાસમાં ઉતારો કરાવ્યો હતો ત્યાં આવ્યા. અને સભા કરીને બિરાજમાન થયા.
એક દિવસે લાલદાસને ઘેર થાળ કર્યો હતો ત્યાં જમવા પધાર્યા, અને નાના પ્રકારનાં ભોજન જમ્યા અને સર્વ સંતોને તથા પાર્ષદોને જમાડ્યા. શ્રીજીમહારાજે સભા પણ ત્યાં જ કરાવી અને સંતો પાસે કીર્તનો બોલાવ્યાં અને પોતાના ભક્તજનોને આનંદ ઉપજાવતા થકા રાત્રી પણ લાલદાસને ઘેર રહ્યા અને તે લાલદાસ ભક્તે શ્રીજી મહારાજની વસ્ત્ર અલંકાર તથા ચંદન પુષ્પે કરીને બહુ પ્રકારે પૂજા કરી. પછી સવારમાં પોતે નવાવાસમાં પધાર્યા.
ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે શ્રીજી મહારાજે વડતાલમાં જન્માષ્ટમી કરી તથા ધર્મપુરમાં કુશળકુંવરબાઇએ પૂજા કરી અને ત્યાંથી ગઢડા પધાર્યા એ નામે અડસઠમો અધ્યાય. ૬૮.