૬૯ ગઢડા પધાર્યા, ૧૮૬૭ ની હુતાશની મછીયાવ કરી, ને દરેકનાં સીધાં લીધાં ને દીધાં, કોરા માટલામાં ઠારવેલા પાણીથી સ્નાન કરવા માંડયું, બાપુભાઈની રસોઈ સ્વીકારી.

Submitted by swaminarayanworld on Thu, 20/10/2016 - 10:02pm

અધ્યાય ૬૯

શ્રીજીમહારાજ ત્યાંથી ગઢડા પધાર્યા અને દાદાખાચરના દરબારમાં બિરાજમાન થયા અને દાદાખાચરને ઘેર થાળ જમ્યા અને સર્વ સંતોને જમાડ્યા. અષાઢ સુદી એકાદશી પછી મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આદિ ભણનારા સંતોને પોતાની પાસે રાખ્યા અને બીજા ફરતા સંતોને ફરવાની આજ્ઞા કરી તેથી તે ફરવા ગયા. ત્યાં રહીને સર્વ સંતોને તથા ભક્તજનોને દર્શન આપતા થકા રહ્યા હતા. જ્યારે શ્રાવણ માસ આવ્યો ત્યારે સર્વે સંતો ધારણાં-પારણાં કરવા લાગ્યા તેને પોતે પારણાંને દિવસે નાના પ્રકારની રસોઇઓ કરાવીને જમાડતા અને સંતોને આનંદ પમાડતા. શ્રીજીમહારાજે ત્યાં જન્માષ્ટમીનો ઉત્સવ કરાવ્યો. ત્યાર પછી મુક્તાનંદ સ્વામીને વડોદરા મોકલ્યા અને ત્યાં વેદાન્તાચાર્ય સાથે સભામાં સંવાદ થયો. વેદાન્તાચાર્યે કહ્યું જે, સ્વામિનારાયણ પગે તુલસી કેમ ચડાવે છે ? મુગટ કેમ ધારે છે ? લોકોને સ્ત્રીઓનો કેમ ત્યાગ કરાવે છે ? આદિક પ્રશ્નો પૂછ્યા.

તે સર્વના મુક્તાનંદ સ્વામીએ ઉત્તર કર્યા. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્નો પૂછ્યા તેના ઉત્તરો વેદાન્તાચાર્યથી ન થયા. પછી ભાઉ શાસ્ત્રી કહે કે, મુક્તાનંદ સ્વામી જીત્યા. એમ કહીને ચંદન અને પુષ્પના હારે કરીને મુક્તાનંદ સ્વામીની પૂજા કરી અને શ્રીજીમહારાજને વિષે ભગવાનપણાની ભાવના થઇ. પછી શ્રીજીમહારાજ ગઢડાથી સંત મંડળને લઇને બોટાદ પધાર્યા. ત્યાંથી સંવત્‌ ૧૮૭૬ના ફાગણ સુદી ૧૫ પૂનમની હુતાશનીનો સમૈયો શ્રીજી મહારાજે ગામ શ્રી મચ્છીયાવમાં કર્યો.

તે સમૈયાથી આગળ શ્રીજીમહારાજ ચાર દિવસ વહેલા મચ્છીયાવ પધાર્યા. અને બાપુભાઇના દરબારમાં ઉતર્યા અને મેડા ઉપર ઢોલિયો ઢળાવીને શ્રીજીમહારાજને પધરાવ્યા. પોતે બાપુભાઇ તથા તેમના દરબારમાં પોતાનાં ઘરનાં સર્વે મનુષ્યોએ આવીને દર્શન કર્યાં, અને હાથ જોડીને સ્તુતિ કરવા લાગ્યાં જે, હે મહારાજ ! અમારા ઉપર કૃપા કરીને ભલાં દર્શન દીધાં અને અમને કૃતાર્થ કીધાં અને અમારાં ઘર પણ પવિત્ર થયાં અને દાદાખાચર આદિ જે મોટા હરિભક્તો તેની સાથે અમોને લેખ્યાં. અને આજ અમારાં મોટાં ભાગ્ય જે, શ્રીજીમહારાજ પધાર્યા. હવે સાધુઓ તથા બ્રહ્મચારીઓ તથા સંઘમાં જે સત્સંગીઓ આવ્યા હોય તે સર્વેને બોલાવીને આજ્ઞા કરો તો સહુ રસોઇ કરે.

પછી શ્રીજીમહારાજે સર્વને બોલાવીને કહ્યું જે, બાપુજી કહે છે જે, સર્વે સીધાં લ્યો અને રસોઇ કરો. ત્યારે સર્વે સત્સંગીઓએ હાથ જોડી અને પગે લાગીને કહ્યું જે, હે મહારાજ ! સાધુઓ તથા બ્રહ્મચારીઓને બાપુજી ભલે રસોઇ કરાવે. અને અમો સત્સંગીઓ તો પોત પોતાની ગાંઠની રસોઇ કરશું. આપશ્રીની પણ એવી આજ્ઞા છે જે સત્સંગીઓ દર્શન કરવા આવે તેને પારકું અન્ન ન ખાવું પણ પોતાનું અન્ન ખાવું. માટે અમો સહુ પોતાનું અન્ન ખાઇશું. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, બાપુજી બહુ આગ્રહ કરીને કહે છે ત્યારે અમે પણ કહીએ છીએ જે આજ તો દરબારનાં સીધાં લ્યો, કાલથી પોતાનું જમજો. ત્યારે સત્સંગીઓએ કહ્યું જે, હે મહારાજ ! આપ બહુ તાણ કરીને કહો છો તેથી આજ સીધાં લેશું.  પછી સત્સંગીઓને પાકાં સીધાં આપ્યાં અને સાધુઓએ તથા બ્રહ્મચારીઓએ રસોઇ કરી અને શ્રીજીમહારાજના માટે તો પોતાના દરબારમાં થાળ કરાવ્યો. તે ચાર પ્રકારનાં ભોજન વ્યંજન કરીને બાપુજી શ્રીજીમહારાજને બોલાવવા આવ્યા જે, હે મહારાજ ! જમવા પધારો. થાળ થયો છે. ત્યારે શ્રીજીમહારાજ જમવા પધાર્યા, અને સારી પેઠે જમ્યા. ત્યાર પછી આસને આવીને બિરાજમાન થયા. પછી બાપુજીને શ્રીજી મહારાજે કહ્યું જે, સાધુઓની રસોઇની ખબર કાઢો. કેટલી વાર છે ? પછી બાપુજીએ સંતોને પૂછ્યું ત્યારે સાધુઓએ કહ્યું જે રસોઇ તૈયાર થઇ છે. પછી બાપુજીએ આવીને કહ્યું જે, હે મહારાજ ! રસોઇ તૈયાર થઇ છે. પછી શ્રીજીમહારાજ ત્યાં પધાર્યા.

પછી બાપુજીએ મહારાજને કહ્યું જે, હે મહારાજ ! તમો સંતોને પીરસો તે સાધુ જમે અને અમો બધા હરિભક્તો સર્વે દર્શન કરીએ તો અમોને આનંદ થાય અને અમારો જન્મ સુફળ થાય, અમો જીવીએ ત્યાં સુધી અમને ધ્યાન કરવા થાય. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, તમ જેવા હરિભક્તો હેતે કરીને રસોઇઓ આપે છે તો અમો પણ એટલી ભક્તિ કરીશું, ચાલો. પછી શ્રીજીમહારાજ વસ્ત્ર ઉતારીને હીર કોરી ધોતીયું પહેરીને તથા કેડ બાંધીને આવ્યા અને સાધુઓને કહ્યું જે પંક્તિ કરો.

પછી સાધુઓની પંક્તિ થઇ, જે ભંડારી સાધુ હતા તે લાડુના ત્રાંસ ભરીને શ્રીજીમહારાજ આગળ આવીને ઊભા રહ્યા. પછી શ્રીજી મહારાજ પીરસવા લાગ્યા તે એક એક હાથમાં બબ્બે લાડુ લઇને સાધુઓને પીરસે અને બોલતા જાય જે લ્યો લાડુ, લાડુ લ્યો, લ્યો ગુરુપ્રસાદ એમને એમ બોલતા આવે અને બીજી વાર વળી બે બે લાડુ એક એક હાથમાં લઇને પીરશે, પછી એક એક લાડુ હાથમાં લઇને પીરસતા અને પંગતમાં ફરતા, પછી અર્ધો અર્ધો લાડુ લઇને ફરે. એવી રીતે સાત વાર પંક્તિમાં ફર્યા. પછી જ્યારે કોઇએ ન લીધો ત્યારે ભંડાર આગળ આવીને ઊભા રહ્યા. પછી ભંડારીને પીરસીને પોતે હાથ ધોઇને સંતે આપેલ વસ્ત્રમાં હાથ કોરા કરીને ચાખડીઓ પહેરીને પોતાને આસને પધાર્યા. પછી પોતા પાસે જે પાર્ષદ હતા તેને કહ્યું જે, પાણી લાવો, પીએ. ત્યારે પાર્ષદે પાણીનો લોટો ભરીને શ્રીજીમહારાજના હાથમાં આપ્યો તે જલપાન કરીને પોઢ્યા. અને પાર્ષદ બેઠા બેઠા માળા ફેરવતા હતા. પછી બે કલાક થઇ ત્યારે મહારાજ જાગ્યા અને પાણી માંગ્યું તે પાર્ષદે આપ્યું તેથી કોગળા કરીને પછી પાણી પીધું અને ત્યાં બેઠા. ત્યારે હરિભક્તો દર્શન કરવા આવ્યા. પછી શ્રીજીમહારાજે કહ્યું જે હવે સભા ક્યાં કરશું ? આટલાં મનુષ્યો જ્યાં સમાય ત્યાં ચાલો.

પછી ગામ બહાર તલાવની દક્ષિણ બાજુ પૂર્વ મુખારવિન્દે ઢોલિઓ ઢળાવીને શ્રીજીમહારાજ બિરાજમાન થયા. આગળ સાધુઓ તથા બ્રહ્મચારીની સભા ભરાઇને બેઠી. પછી સાધુઓ વાજાં વગાડીને કીર્તન ગાવા લાગ્યા. પછી આરતી સમય થયો ત્યારે શ્રીજીમહારાજ ઊઠીને ઊભા થયા અને સર્વે સાધુઓ પણ ઊભા થયા અને આરતી બોલ્યા. પછી ધુન કરી, શ્રીજીમહારાજને દંડવત્‌ કરી પગે લાગીને જેમ ઘટે તેમ બેસી ગયા. પછી શ્રીજીમહારાજની આગળ મોટા મોટા સંતો મુક્તાનંદ સ્વામી આદિક પ્રશ્નો પૂછવા લાગ્યા અને શ્રીજીમહારાજ તેના ઉત્તર કરવા લાગ્યા.

એમ પ્રશ્ન ઉત્તર કરતાં રાત્રીના દશ વાગવા આવ્યા ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, હવે ઊઠીએ. એમ કહીને પછી જય સચ્ચિદાનંદ કહીને ઊઠ્યા અને ઉગમણે મુખારવિંદે ઊભા રહ્યા અને એમ બોલ્યા જે, આ સભામાં શ્રી નરનારાયણ નિત્ય બિરાજે છે, તેનાં દર્શન તમો પણ કરો છો અને અમે પણ દર્શન કરીએ છીએ પણ તમારે તે વાત જાણ્યામાં નથી આવતી. સર્વે સત્સંગીઓને ચાર ઘડી રાત્રિ હોય ત્યારે તળાવમાં સ્નાન કરવું. તે શા માટે જે દિવસ ઊગ્યા સમયે તો હિમાચલ નિત્ય અહીં અમારાં દર્શન કરવા આવે છે. તે જ્યારે હિમાળો આવે ત્યારે ટાઢ્ય પડશે અને વાયુ પણ વાશે અને જે મોડા નાહશે તેને ટાઢ પડશે, માટે વહેલા સ્નાન કરવું.

એમ કહીને શ્રીજીમહારાજ દરબારમાં પોઢવા પધાર્યા. સાધુ અને સત્સંગીઓ પણ પોતપોતાને આસને ગયા. પછી બીજે દિવસે શ્રીજીમહારાજે પણ વહેલા ઊઠીને ટાઢા પાણીથી સ્નાન કર્યું. સત્સંગીઓ પણ સર્વે વહેલા ઊઠીને તળાવમાં સ્નાન કરી આવ્યા. પછી શ્રીજીમહારાજ નિત્યવિધિ કરીને પોતાને આસને બિરાજમાન થયા અને ત્યાં સત્સંગીઓ સર્વે દર્શન કરવા આવ્યા. તે સમયે કોઇક ગામના સત્સંગીઓ શ્રીજીમહારાજને પગે લાગીને બોલ્યા જે, હે મહારાજ ! આજે અમારી રસોઇ છે. ત્યારે બાપુજી શ્રીજીમહારાજ પાસે બેઠા હતા તે બોલ્યા જે, શ્રીજીમહારાજ અમારે ઘેર પધાર્યા છે માટે જ્યાં સુધી શ્રીજીમહારાજ અહીં રહે ત્યાં સુધી અમારી જ રસોઇ હોય. ત્યારે તે હરિભક્તે કહ્યું જે અમે શ્રીજી મહારાજનાં દર્શન કરવા સમૈયા ઉપર આવ્યા છીએ. તે રસોઇનો સામાન કંઇ પાછો લઇ જવાય ? તે તો શ્રીજીમહારાજ તથા સાધુઓને જમાડવા સારુ જ છે તો જેમ શ્રીજીમહારાજ કહે તેમ કરીએ.

પછી શ્રીજીમહારાજે બાપુજીને કહ્યું જે, અમે તમારા દરબારમાં પધાર્યા છીએ અને તમારે ઘેર આવ્યા છીએ તો કાલ તમારી રસોઇ જમ્યા અને વળી પણ તમારી જ રસોઇઓ જમીશું અને બહારના કોઇ સત્સંગીઓને હેતે કરીને બોલાવ્યા હોય તો તેને રસોઇ કરવા દેવી જોઇએ. માટે તેમને રસોઇ કરવા દ્યો, ત્યારે બાપુજીએ કહ્યું જે, શ્રીજીમહારાજ કહે છે તો ભલે કરો. પછી તે ભક્તોએ કહ્યું જે, શ્રીજીમહારાજ માટે થાળ પણ અમારે ઉતારે કરશું. અને સાધુઓને ચોકે પણ સીધું સામાન સર્વે પહોંચાડીએ છીએ. શ્રીજીમહારાજે કહ્યું જે સારું. પછી ચોકે સર્વે રસોઇનો સામાન પહોંચાડ્યો, અને શ્રીજીમહારાજ સારું તો ચાર પ્રકારનાં ભોજન શાક, પાક, અથાણાં, આદિ સારી પેઠે મનમાન્યા થાળ કરીને તે હરિભક્ત શ્રીજીમહારાજને બોલાવવા આવ્યા. તેમણે શ્રીજી મહારાજને હાથ જોડી પગે લાગીને કહ્યું જે, હે મહારાજ ! દયા કરીને જમવા પધારો.

પછી શ્રીજીમહારાજ જય સચ્ચિદાનંદ કહીને ઊભા થઇને તેની સાથે ચાલ્યા અને દશ બાર પાર્ષદો પણ પાછળ ચાલ્યા તે ભેળા બાપુજી પણ ચાલ્યા તે હરિભક્તને ઉતારે ગયા. પછી શ્રીજીમહારાજે વસ્ત્ર ઉતારીને હીરકોરનું ધોતિયું પહેર્યું અને માથે હીરકોરની ધોળી પછેડી તે કાન ઉઘાડા રાખીને ઓઢી. પછી પાર્ષદોએ પાથરેલી ધોળી ધાબળી ઉપર ઉગમણે મુખારવિંદે બિરાજમાન થયા. પછી બાપુજીએ દરબારમાંથી મોટો બાજોઠ લાવીને મહારાજની આગળ મેલ્યો તેના ઉપર થાળ, શાક, પાક મેલ્યાં અને પાણીનો લોટો પણ ઉપર મેલ્યો.

પછી શ્રીજીમહારાજ ધીરે ધીરે જમવા લાગ્યા અને થોડી થોડી વાતો પણ કરતા જાય. પછી મહારાજે બાપુજીને કહ્યું જે આવો, પ્રસાદી જમો. ત્યારે બાપુજીએ કહ્યું જે તમે જમો અને અમારે તો દરબારમાં રસોઇ થઇ હશે ત્યાં જમશું. ત્યારે જે જે સત્સંગીઓએ શ્રીજી મહારાજ માટે થાળ કરાવ્યો હતો તેઓ બોલ્યા જે દરબાર ! શ્રીજીમહારાજ કહે છે તો જમોને. કારણ કે, મહારાજની પ્રસાદીની ના ન પડાય. ત્યારે બાપુજી પણ જમવા બેઠા. પછી મહારાજે પોતાના થાળમાંથી પ્રસાદી આપી અને બાપુજી જમ્યા. પછી પાર્ષદે શ્રીજીમહારાજને પાણીનો કળશીઓ ભરીને આપ્યો હતો તે શ્રીજીમહારાજ જ્યારે પાણી પીએ ત્યારે ત્રણ ઘુંટ ભરે તે જેટલા વખત પીએ તેટલા વખત તેમજ કરે. જ્યારે ઓડકાર આવે ત્યારે પેટ ઉપર હાથ ફેરવે અને કહે જે, આજ તો બહુજ જમ્યા અને હવે તૃપ્ત પણ થયા છીએ. માટે હવે નહીં જમાય, જેથી પાણી લાવો. ત્યારે પાર્ષદે પાણી આપ્યું.

પછી શ્રીજીમહારાજ ચળુ કરી, મુખવાસ લઇને વસ્ત્ર પહેરીને દરબારમાં પધાર્યા. અને પોતાના આસન ઉપર બિરાજ્યા. પછી પાર્ષદને કહ્યું જે, સાધુઓની રસોઇની ખબર કાઢો જે કેટલી વાર છે. પછી તે ગયા અને સાધુઓને પૂછ્યું જે રસોઇને કેટલી વાર છે ? ત્યારે તેમણે કહ્યું જે રસોઇ તૈયાર છે. પછી તે પાર્ષદે મહારાજ પાસે આવીને કહ્યું જે મહારાજ ! રસોઇ તૈયાર છે. ત્યારે મહારાજે કહ્યું જે ચાલો સાધુને પીરસીએ. પછી શ્રીજીમહારાજ પીરસવા પધાર્યા.

પછી જે ભંડારી સંત હતા તેઓ લાડુના ત્રાંસ ભરીને શ્રીજીમહારાજની આગળ આવ્યા. પછી શ્રીજીમહારાજ બે હાથમાં બે બે લાડુ લઇને પીરસવા લાગ્યા અને કહેતા જાય જે મહાપુરુષો ! લ્યો લાડુ, મહારાજો ! લ્યો લાડુ. એવી રીતે સાત વાર પંક્તિમાં ફરીને જ્યારે કોઇએ ન લીધા ત્યારે પોતે પાકશાળામાં પધાર્યા અને ભંડારી સંતોને પીરસીને આસને પધાર્યા. ઢોલિયા ઉપર બિરાજમાન થયા. પછી પાર્ષદ પાસે પાણી માગ્યું ત્યારે તેણે પાણી આપ્યું તે મહારાજે જલપાન કર્યું. પછી બે ઘડી વાતો કરી તેને હરિભક્તોએ સાંભળી. પછી મહારાજ પોઢ્યા અને સેવક માળા ફેરવતા બેઠા. પછી કલાક સુધી પોઢીને જાગ્યા અને પાણી માગ્યું તેથી પાર્ષદે પાણીનો લોટો ભરીને આપ્યો તેથી કોગળા કરીને પાણી પીધું. પછી ઢોલિયા ઉપર બિરાજમાન થયા. પછી સર્વે સત્સંગીઓ દર્શન કરીને બેઠા. પછી મહારાજ વાર્તા કરવા લાગ્યા અને સત્સંગીઓ એકાગ્ર ચિત્તથી સાંભળવા લાગ્યા.

પછી મહારાજે કહ્યું જે, જગ્યા ક્યાં સારી છે ? ત્યાં સભા કરીએ. ત્યારે બાપુજી કહે જે, આ દરબારથી ઉત્તર બાજુ ચારણનો મોટો વાડો છે તેમાં એક મોટો વડ છે તે જગ્યાએ સભા થાય એવી છે. પછી શ્રીજીમહારાજે કહ્યું જે, બહુ સારું. ત્યાં સભા કરીએ. પછી ત્યાં ઢોલિયા ઉપર બિરાજમાન થયા. હરિભક્તોની સભા થઇ. ત્યારે સંતો વાજિંત્ર વગાડીને વિષ્ણુપદ બોલવા લાગ્યા. તે સમયે જે સત્સંગીની રસોઇ હતી તે પહેરામણી લાવ્યા. તેણે શ્રીજીમહારાજને વિલાયતી છીંટનો સુરવાલ તથા ડગલી અને કસુંબલ પાઘ બંધાવી તથા કેડે શેલું બંધાવ્યું તથા બીજું શેલું ખભે ધરાવ્યું.

બોરીનો ચોફાળ ઓઢાડ્યો અને કુમકુમનો ચાંદલો કર્યો અને પછી થાળીમાં કપૂર મેલીને આરતી ઉતારી. પછી મહારાજનાં ચરણારવિન્દ છાતીમાં લઇને પગે લાગ્યા. પછી મહારાજે તે હરિભક્તને પેંડા અને પતાસાંની પ્રસાદી આપી. પછી સર્વે સાધુઓને ધોતિયાં ઓઢાડ્યાં અને સાધુઓની પૂજા કરી દંડવત્‌ કરીને પગે લાગ્યા. પછી આરતીનો સમય થતાં મહારાજ ઉભા થયા અને સાધુઓ આરતી બોલીને નારાયણ ધૂન્ય બોલ્યા. પછી સાધુઓ શ્રીજી મહારાજને દંડવત્‌ પ્રણામ કરી એક એક આવીને મહારાજને પગે લાગીને જેમ ઘટે તેમ બેસી ગયા.

પછી શ્રીજી મહારાજે કહ્યું જે, ઝીલણીઆં કીર્તનો બોલો. પછી સંતો ઝીલણીઆં કીર્તનો બોલ્યા. પછી શ્રીજીમહારાજે વાતો કરી. આવી રીતે લીલા કરી પછી ત્રીજે દિવસે મહારાજે પાણીનાં કોરાં માટલાં ભરાવીને રખાવ્યાં હતાં તેમાંથી પોતે સવારમાં વહેલા ઊઠીને સ્નાન કર્યું. પછી સત્સંગીઓ પણ વહેલા ઊઠીને તલાવમાં સ્નાન કરીને આવ્યા. પછી સેવા પૂજા કરીને શ્રીજીમહારાજનાં દર્શન કરવા આવ્યા ત્યારે શ્રી અમદાવાદના સત્સંગીઓએ પગે લાગીને કહ્યું જે, હે મહારાજ ! આજે અમારી ખાંડની રસોઇ છે અને આપનો થાળ પણ અમારે ઉતારે કરીશું. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, બહુ સારું. ત્યારે તે હરિભક્તે કહ્યું જે, હે મહારાજ ! તમે સંતોને પીરસજો અને અમે દર્શન કરીશું. ત્યારે મહારાજે કહ્યું જે, જો અમે પીરસશું તો તમારે દોઢી રસોઇ કરવી જોઇશે. તો તમો તેટલો સામાન લાવ્યા છો ? ત્યારે તે હરિભક્તે કહ્યું જે, હે મહારાજ ! તમારે પ્રતાપે સામાનની કાંઇ ખોટ નથી. રસોઇ પણ બમણી કરાવીશું. પછી મહારાજે કહ્યું જે, કરાવો રસોઇ. પછી તે સત્સંગી મહારાજને પગે લાગીને ઊઠ્યા અને સાધુઓને સીધાં પહોંચાડ્યાં. અને મહારાજ માટે થાળ પોતાને ઉતારે કર્યો. તે ચાર પ્રકારનાં ભોજન અને છત્રીસ પ્રકારનાં વ્યંજન અને જેટલી સામગ્રી અન્નકૂટમાં ધરાવાય છે તેટલી જાતના પાકનો થાળ કરાવ્યો. પછી શ્રીજીમહારાજને બોલાવવા આવ્યા અને હાથ જોડીને કહ્યું જે, થાળ તૈયાર થયો છે માટે જમવા પધારો.

પછી શ્રીજીમહારાજ જમવા પધાર્યા તે ભેળા દરબાર બાપુજી પણ ચાલ્યા. અને તે ભક્તે બાજોઠ ઢાળી દીધો તેના ઉપર બિરાજમાન થયા. પછી સર્વે સામગ્રી લાવીને મહારાજની આગળ અન્નકૂટ પૂર્યો, પછી શ્રીજી મહારાજ જમવા લાગ્યા અને બાપુજીને જમવાનું કહ્યું. ત્યારે તેમણે કહ્યું જે, હે મહારાજ ! અમારે દરબારમાં રસોઇ થઇ હશે. ત્યારે રસોઇવાળા ભક્તે કહ્યું જે, મહારાજ કહે છે તે ના પડાય નહીં. અને મહારાજની પ્રસાદી તો લેવી જ જોઇએ.

પછી મહારાજે પ્રસાદી આપી અને બાપુજી જમ્યા. પછી મહારાજે કહ્યું જે આજ તો વાતો કરતાં ઘણું જમાઈ ગયું છે. માટે હવે પાણી લાવો. પછી પાળાએ પાણીનો કળશીઓ ભરીને આપ્યો. પછી શ્રીજીમહારાજ મુખ ધોઈને જલપાન કરીને ઊઠ્યા અને પોતાને સ્થાને ઢોલિયા ઉપર બિરાજમાન થયા. પછી મહારાજે સાધુઓની રસોઈની ખબર કઢાવી અને તે તૈયાર થઈ એટલે ત્યાં પધાર્યા. અને વસ્ત્રો ઉતારીને હીરકોરી ધોતી પહેરી અને ખેસને ખભે આડસોડે નાખીને તે ખેસને તાણીને કેડે બાંધીને ઊભા રહ્યા. ત્યારે સાધુઓ લાડુના ત્રાંસ ભરીને આગળ આવીને ઊભા રહ્યા. પછી શ્રીજીમહારાજ બે હાથે બબ્બે લાડુ લઈને પીરસવા લાગ્યા અને બોલ્યા. જે, મહાપુરુષો ! લ્યો લાડુ મહારાજો ! લ્યો લાડુ.

એમ વારંવાર કહેવા લાગ્યા. એવી રીતે સાત વાર પંક્તિમાં ફર્યા. જ્યારે કોઈએ પણ લાડુ લીધો નહી ત્યારે ભંડારીને પીરસીને હાથ ધોઈને પોતાને નિવાસ સ્થાને જઈને ઢોલિયા ઉપર બિરાજમાન થયા. પછી પાણી લાવો એમ પાર્ષદને કહ્યું તેથી તેણે પાણીનો લોટો ભરીને મહારાજના હાથમાં આપ્યો પછી મહારાજ પાણી પીને પાન સોપારી આદિક મુખવાસ લઈને પોઢ્યા. પોતાની પાસે જે ભક્ત હતા તે પણ નામ સ્મરણ કરતા કરતા બેસી રહ્યા. પછી બે કલાક રહીને શ્રીજી મહારાજ જાગ્યા. અને પાણી માગ્યું. સેવકે પાણી આપ્યું તેથી કોગળા કરીને મુખ ધોઈને જલપાન કર્યું. પછી બિરાજમાન થયા. પછી સત્સંગીઓ સર્વે પગે લાગીને બેઠા અને શ્રીજી મહારાજે તેમને વાતો કરી. પછી મહારાજે કહ્યું જે, કાલની જગ્યાએ સભા કરીએ. એમ કહીને ચાલ્યા અને સુતાર ભક્તે તે વડની નીચે ઢોલિયો ઢાળી આપ્યો તેના ઉપર બિરાજમાન થયા. અને સાધુઓ તથા સત્સંગીઓની સભા ભરાઈને બેઠી અને કેટલાક સત્સંગીઓ તો ઉભા થઈને દર્શન કરતા હતા.

એ સમયે રસોઈ આપનાર અમદાવાદના સત્સંગી બે ત્રણ છાબ ભરીને પહેરામણી લઈને આવ્યા, તે શ્રીજીમહારાજને કિનખાબનો સુરવાળ, કિનખાબની ડગલી ધારણ કરાવી. ભારે શેલું માથે બંધાવ્યું અને એક ભારે કીંમતી શેલું ખભામાં ધરાવ્યું. સાચા મોતીનો શિરપેચ પાઘ ઉપર બંધાવ્યો. પછી કપુરની ઉતારી અને કપુરની માળા તથા કપુરના બાજુબંધ તેમજ કપુરની પોંચી ધરાવી. આવી રીતે મહારાજને પોશાક ધારણ કરાવ્યો. પછી શ્રીજીમહારાજની આરતી ઉતારીને ચરણારવિંદ છાતીમાં લીધાં. પછી મહારાજે તેમને પેંડા અને પતાસાંની પ્રસાદી આપી. પછી તે સત્સંગીએ સાધુઓને કંકુના ચાંદલા કરી ધોતિયાં ઓઢાડ્યાં. પછી સંતોને પગે લાગ્યા. પછી આરતી વખત થયો તેથી મહારાજ ઊભા થયા. પછી સાધુઓ આરતી બોલ્યા અને નારાયણ ધુન કરીને મહારાજનાં દર્શન કરીને સર્વે એક એક આવીને પગે લાગીને જેમ ઘટે તેમ બેસી ગયા.

પછી શ્રીજીમહારાજે કહ્યું જે, ‘જો માંહો માંહી પ્રશ્નોત્તર કરો તો બુધ્ધિની પરીક્ષા થાય.’ પછી પરસ્પર પ્રશ્નોત્તર કરવા લાગ્યા. તેને જોઇને શ્રીજીમહારાજ મુખારવિંદ આગળ રૂમાલ રાખીને મંદ મંદ હસવા લાગ્યા. એમને એમ પ્રશ્ન ઉત્તર કરતાં રાતના દશ વાગ્યા. પછી શ્રીજીમહારાજ પોઢવા પધાર્યા અને સંત હરિભક્તો પોત પોતાને ઉતારે ગયા.

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે મહારાજ અમદાવાદથી ગઢડા પધાર્યા અને મછીઆવ પધાર્યા અને હુતાશનીના ત્રણ દિવસ થયા એ નામે ઓગણોતેરમો અધ્યાય. ૬૯