૮પ મંદિરમાં પધાર્યા, ત્યાંથી અસલાલીએ પધાર્યા, ત્યાંથી દેશ વિભાગ કર્યો હતા તે પ્રમાણે સાધુઓને બેસવા આજ્ઞા કરી અને સંતોને ફેર બદલી ન કરવા જણાવ્યું, અમદાવાદમાં સન્યાસીએ શાસ્ત્રાર્થ માટે બોલાવ્યા, પણ સ્વાગત કરી શક્યા નહીં તે વાત, ત્યાંથી જેતલપુર પધાર્યા મંદિરમાં ભીડ તેથી બહાર પંચ કરાવ્યો, ત્યાંથી ગઢપુર પધાર્યા.
અધ્યાય ૮૫
ત્યાર પછી ગાજતે વાજતે સર્વે શહેરના હરિભક્તોને દર્શન આપતા થકા શ્રીજી મહારાજ મંદિરમાં પધાર્યા. તે સમયે શહેરના હરિભક્તો મહારાજની આગળ ભેટો મેલીને પગે લાગીને બેઠા. સંતો હરિભક્તો પગે લાગીને બેઠા. પછી આરતી ધૂન્ય થઇ. પછી મહારાજ ઢોલિયે બિરાજ્યા અને સૌ પગે લાગીને બેઠા. ત્યારે મહારાજે કહ્યું જે, બોલો અષ્ટક. પછી સંતો અને બ્રહ્મચારીઓ સામસામા અષ્ટક બોલવા માંડ્યા. પછી તે બન્નેને ફૂલના હાર આપ્યા. પછી નરનારાયણ દેવનાં દર્શન કરીને ઉતારે પધાર્યા અને ત્યાં લઘુશંકા કરી.
પછી ભક્તજને હાથ ધોવડાવ્યા. પછી થાળ જમીને જળપાન કરીને મુખવાસ લઇને ઢોલિયે બિરાજ્યા. પછી ત્યાંથી ગાજતે વાજતે ચાલ્યા તે ચંડોળા તળાવથી હરિભક્તોને પાછા વાળ્યા. અને પોતે ગામ અસલાલીએ પધાર્યા. અને ત્યાં સામૈયું કર્યું હતું તેથી ગાજતે વાજતે વેણીભાઇના ફળિયામાં ઘોડીએથી ઉતરીને ચાલ્યા તે ગામ બહાર તળાવથી આથમણી બાજુ પીપળાના વૃક્ષ હેઠે ઢોલિયે બિરાજ્યા. અને સંતો તથા હરિભક્તો પગે લાગીને બેઠા. પછી મહારાજ બોલ્યા જે, સાધુ, પાળા અને બ્રહ્મચારી એ બધા ત્યાગીઓ તેમને અમે વહેંચ્યા નથી તેથી જેની જેમ મરજી હોય તેમ તેમની બાજુ રહો. પછી પ્રથમ વડતાલમાં બે ભાગ કર્યા હતા તેમાંથી ઊઠીને કેટલાક અયોધ્યાપ્રસાદજીની બાજુ બેઠા અને કેટલાક ઊઠીને રઘુવીરજીની બાજુ બેઠા. પછી મહારાજે કહ્યું જે એમ વારે ઘડીયે ફરવું નહીં. જે જેની બાજુ ગયા તે ત્યાં જ રહો.
પછી પ્રસાદાનંદ સ્વામી અને જ્ઞાનાનંદ સ્વામીને બોલાવીને કહ્યું જે, ગામ આમોદમાં દિનાનાથ ભટ્ટ પાસે પુસ્તક છે. તે તમો લઇને ગામ ગઢડા આવજો. એમ કહીને ઢોલિયે પોઢ્યા. તે વખતે શહેર અમદાવાદમાં એક સંન્યાસીને અસુરાંશોએ મળીને કહ્યું જે, સ્વામિનારાયણતો દિગ્વિજય કરીને ગયા તે તમે એમને તેડવા મોકલો. એ જો પાછા નહીં આવે તો તમારો જય થાશે, કારણ કે તેડવા આવ્યા હતા તોય ન આવ્યા એમ કહેવાશે. પછી ગામ અસલાલીએ તેડવા મોકલ્યા અને કહ્યું જે, સંન્યાસીને કાંઇક પૂછવું છે તેથી તમોને બોલાવ્યા છે. ત્યારે નિત્યાનંદ સ્વામી આદિ સંતો બોલ્યા જે, આપણે છ દિવસ લગી શહેરમાં રહ્યા તો પણ પૂછવાનું ન સૂઝ્યું અને અહીં આવ્યા ત્યારે બોલાવે છે. એ તો બરાબર ન કહેવાય. ત્યારે મહારાજે કહ્યું જે, ચાલો.
પછી મશાલો થઇ અને આરતી ધૂન્ય બોલીને સૌ પગે લાગીને બેઠા. મહારાજ ગામમાં થાળ જમવા પધાર્યા અને કાશીદાસભાઇએ નવડાવ્યા. અને ગંગામા થાળ કરાવીને લાવ્યાં તે જમવા બિરાજ્યા. જમીને જળપાન કરીને મુખવાસ લઇને ઢોલિયે બિરાજ્યા. ત્યારે મહારાજે કહ્યું જે ગંગામા, આપણે તો સવારે પાછું અમદાવાદ જવું છે, ત્યાં થઇને પછી જેતલપુર આવશું. ત્યારે ગંગામા કહેવા લાગ્યાં જે, કોઇક વર્ણશંકર હશે તેણે તેડાવ્યા હશે.
પછી પોઢ્યા અને વહેલા જાગીને સાબદા થઇને ઘોડીએ સવાર થઇને ચાલ્યા તે પાંચ હજાર મનુષ્યોને સાથે લઇને અમદાવાદ આવ્યા. અને તે સંન્યાસીને કહેવડાવ્યું જે, તમે અમને અમદાવાદ તેડાવ્યા છે તે ઉતારા આપો, અમે ક્યાં ઉતરીએ ? પાંચ હજાર મનુષ્યોનું સીધું લાવો એમ દામોદર આદિ સત્સંગી સાથે કહેવડાવ્યું. ત્યારે તે હરિભક્તોએ સંન્યાસીને કહ્યું. તે સાંભળીને તે સંન્યાસીનું મોઢું શામળું થઇ ગયું અને મુંઝાવા મંડ્યો. પછી તેણે કહ્યું જે તમારા મંદિરમાં ઉતરો.
પછી શ્રીજી મહારાજ મંદિરમાં ઉતર્યા. અને નરનારાયણ દેવનાં દર્શન કરીને પાટ ઉપર બિરાજ્યા અને હરિભક્તોને કહેવડાવ્યું. ત્યારે તે ભક્તજનો પુષ્પના હાર લાવી લાવીને પહેરાવવા મંડ્યા. પછી સંન્યાસીને કહી મોકલ્યું જે, તારે જે પૂછવું હોય તે પૂછ. ત્યારે તે કહે જે, મારે તો કાંઇ પૂછવું નથી. અને તમે પાંચ હજાર મનુષ્યોને જમવા માટે સીધું તૈયાર કરીને મોકલવાનું કહેવડાવ્યું હતું પણ મને જ ખાવા મળતું નથી તો પછી તમને ક્યાંથી આપું ? પછી મહારાજને તે હરિભક્તે સંભળાવ્યું. પછી મહારાજે કહ્યું જે, અમે પણ જાણતા હતા જે એને પણ કોઇક ખાવા આપતા હશે તો આપણને ક્યાંથી આપે ? પછી ગંગામાએ થાળ કરાવ્યો તે જમવા પધાર્યા અને વસ્ત્રો ઉતારીને સ્નાન કરીને થાળ જમ્યા.
પછી જળપાન કરીને મુખવાસ લઇને સાબદા થયા. પછી ઘોડીએ સવાર થઇને વાજતે ગાજતે શહેર સોંસરા નીસર્યા. ત્યાર પછી શહેરમાં વાતો થવા લાગી જે, સ્વામિનારાયણ તો જીતના ડંકા દઇને ચાલ્યા ગયા. તે સંન્યાસી વર્ણસંકર તો હાર્યો. પછી મહારાજે સર્વને પાછા વાળ્યા, ત્યાંથી ચાલ્યા તે ગામ અસલાલી થઇને ગામ જેતલપુર પધાર્યા. તે ગામમાંથી સામૈયું આવ્યું તે ગાજતે વાજતે મહોલમાં પધાર્યા. ઘોડીએથી ઉતરીને ઢોલિયે બિરાજ્યા, તે સમયે શ્રીજી મહારાજની આગળ સંતો અને હરિભક્તો પગે લાગીને બેઠા પછી શ્રીજી મહારાજે સભામાં ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય સંબંધી ઘણીક વાતો કરી પછી દેશ-દેશાંતરના ઘણા હરિભક્તો આવ્યા હતા. તેમણે શ્રીજી મહારાજની પૂજા કરી અને ફૂલના હારો પહેરાવ્યા.
શ્રીજી મહારાજે તેમની પૂજા અંગીકાર કરીને તથા તેમને ફૂલના હાર આપીને રાજી કર્યા. સંતો અને હરિભક્તો તે સમયે શ્રીજી મહારાજના મુખારવિન્દ સામું ચકોર જેમ ચંદ્રમા સામું જોઇ રહે તેમ જોઇને બેઠા હતા. શ્રીજી મહારાજે સહુના સામી કરુણાદૃષ્ટિ કરીને પોતાના દર્શનનું પરમ સુખ આપ્યું. તેટલામાં મુકુન્દ બ્રહ્મચારી બોલાવવા આવ્યા જે, હે મહારાજ ! જમવા પધારો. એટલે થાળ જમવા પધાર્યા. તે વસ્ત્રો ઉતારીને જલના કોગળા કરીને જમવા બિરાજ્યા. પછી જમીને જળપાન કરી મુખવાસ લઇને પંક્તિમાં લાડુ પીરસવા પધાર્યા. તે લાડુ પીરસતા જાય અને તાણ કરતા જાય. આનંદ સ્વામીને કહ્યું જે ગામ તથા પરગામના સત્સંગીઓ કોઇ જમ્યા વિના રહે નહીં. પછી નિષ્કુળાનંદ સ્વામીને કહ્યું જે મંદિરમાં બહુ ભીડ થાય છે તે બહાર મંચ નખાવો.
પછી સર્વને જમાડીને સેવકે હાથ ધોવડાવ્યા. અને મુકુંદ બ્રહ્મચારીને કહ્યું જે તમો બાઇઓની બરાબર ખબર રાખજો, રખાવજો, અને જમાડજો, ત્યારે બ્રહ્મચારીએ કહ્યું જે ગંગામા જમાડે છે. પછી મહારાજ ઉતારે પધાર્યા. ત્યાં જળપાન કરીને ઢોલિયે પોઢ્યા. પછી જાગીને જળપાન કરીને ચાલ્યા તે મંચ ઉપર બિરાજ્યા અને વાડીવાળાઓએ ફૂલના હાર પહેરાવ્યા. અને મશાલો થઇ, અને આરતી ધૂન્ય કરીને સૌ સંતો, હરિભક્તો અને પાર્ષદો મહારાજને પગે લાગીને સભામાં બેઠા. અને મહારાજે સભામાં સર્વને કહ્યું જે, સવારે આપણે અહીંથી સર્વને જમીને ચાલવું છે. એમ કહીને પોઢ્યા અને સવારે વહેલા જાગીને નિત્યવિધિ કરીને બેઠા. પછી ગંગામાએ થાળ મોકલાવ્યો તેને જમીને પાર્ષદો અને સંતો સર્વને કહ્યું જે, જમીને તૈયાર થાઓ, ત્યારે તે સર્વે જમીને સાબદા થઇ આવ્યા, અને પછી ત્યાંથી ગાજતે વાજતે સર્વે દેશોદેશના તથા ગામો ગામના હરિભક્તોને દર્શન દેતા દેતા ગઢપુર પધાર્યા, ત્યાં આરતીનો વખત થયો ત્યારે સભામાં થાળ જમી જળપાન કરી મુખવાસ લઇને ઢોલિયે બિરાજ્યા. તે સમયે સંત મંડળ, બ્રહ્મચારીઓ હરિભક્તો મહારાજને પગે લાગીને બેઠા.
ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે શ્રીજી મહારાજ અમદાવાદ તથા જેતલપુર પધાર્યા અને ત્યાંથી ગઢપુર પધાર્યા એ નામે પંચ્યાસીમો અધ્યાય. ૮૫