૮૯ માંડવીના ખૈયા ખત્રીની તથા કંથકોટથી ખૈયા ખત્રીને દર્શન આપ્યાં, તથા સામતજી સરવૈયાની વાત, ધમડકામાં બ્રહ્માનંદસ્વામીને મળેલ તે વાત, બળદીયાનો રતના ભક્તનો પરચો.

Submitted by swaminarayanworld on Sun, 11/12/2016 - 5:18pm

અધ્યાય ૮૯

એક દિવસે શ્રીજી મહારાજ પાછલો એક પહોર દિવસ હતો ત્યારે માંડવીમાં ખિયા ખત્રીના કારખાનામાં પધાર્યા. ખિયા ખત્રીએ આસન પાથરી આપ્યું તે ઉપર શ્રીજી મહારાજ બિરાજમાન થયા. પછી ખિયા ભક્તે પાણીનો લોટો ભરીને આપ્યો, તે મહારાજ મુખારવિંદ ધોઇને જળપાન કર્યું પછી બેઠા. ત્યારે ખિયા ભક્તે પૂછ્યું જે, હે મહારાજ ! ક્યાંથી પધાર્યા ? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે, વાગડ દેશમાં રાપરમાં સામતજી સરવૈયાના દરબારમાંથી આજ દિવસ ઊગ્યા પછી ચાલ્યા છીએ, તે તમ પાસે આવ્યા છીએ. ત્યારે તે ખિયે ભક્તે પૂછ્યું, મહારાજ ! રાપર તો અહીંથી પચાશ ગાઉ થાય છે. તે બ્રહ્માની સૃષ્ટિમાં તો જે મનુષ્યો થયા છે તેનાથી તો એટલી વારમાં ન જ અવાય. અને તમે તો પરમેશ્વર છો માટે ચાહે તે કરો. પછી ખિયે ભક્તે ગામ રાપર કાગળ લખીને ખબર કઢાવી, ત્યારે ત્યાંથી ખબર આવી. તે મહારાજે જે વાત કરી હતી તે વાત સાચી થઇ. પછી તે વાત સાંભળીને સર્વે મનુષ્યોને અતિ આશ્ચર્ય થયું. તે જોઇને શ્રીજી મહારાજને ખિયા ભક્તે પ્રશ્ન પૂછ્યું જે, હે મહારાજ ! ભગવાનના ભક્તના દેહ તો પંચભૂતના છે. તો તે દેહે કરીને અષ્ટ આવરણથી પાર દૃષ્ટિ થાય છે અને ભગવાનના ધામમાં જઇને વાત કરે છે. એ તે કેમ થતું હશે ? અને એ તે કેમ હશે ? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે, ખિયા ભક્ત ! તમારે જોવું છે ? ત્યારે તે ભક્તે કહ્યું જે, મહારાજ ! દેખાડો તો જોઇએ. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે, આમાંથી એક સાધુને કોઇ આસન પાથરીને સૂવાડો અને ઉપર આઠ ગોદડાં ઓઢાડો અને પછી તમે માળા હાથમાં લઇને ઊભા રહો. પછી ખિયો ભક્ત માળા લઇને ઊભા રહ્યા, અને બીજા મનુષ્યો જે જે આવે અને જાય. તેને સાધુ આઠ ગોદડાં હેઠે છે તો પણ કહે જે, આટલાં માણસ આવ્યાં અને આટલાં ગયાં. અને ખિયે ભક્તે જેટલી માળા ફેરવી અને જેટલી વાર ઊઠ્યા અને બેઠા તે સર્વ કહી દીધું. ત્યારે સર્વેએ કહ્યું જે, સાધુએ આઠ ગોદડાં ઓઢ્યાં છે અને તેમાંથી સર્વેને દેખે છે, તે મહારાજનો પ્રતાપ છે. અને અષ્ટાવરણ થકી પર જે દૃષ્ટિ પહોંચે તેના પણ તમે જ કારણ છો, (૮)

એક વખત શ્રીજી મહારાજ કંથકોટમાં બિરાજમાન હતા. ત્યારે માંડવીમાં ખિયા ખત્રીએ પોતાના ઘેર મનમાં એવો વિચાર કર્યો જે, આ સમયે સ્વામિનારાયણ જ્યાં હોય ત્યાંથી તત્કાળ મને અહીં દર્શન આપે તો ભગવાન ખરા. એવો સંકલ્પ ખાતાં ખાતાં કર્યો. ત્યારે શ્રીજી મહારાજ કંથકોટથી ચાલ્યા તે તત્કાળ ખિયા ખત્રીને બીજો કોળિયો ભરતા હતા ત્યાં તેને ઘેર પધારીને દર્શન આપ્યાં ને જય સચ્ચિદાનંદ કહીને ઉભા રહ્યા, ત્યારે ખિયે ભક્તે પૂછ્યું જે, સ્વામિનારાયણ ! તમે ક્યાંથી આવ્યા ? ત્યારે મહારાજ કહે ખિયા ભક્ત, અમે તો કંથકોટથી આવ્યા છીએ. ત્યારે ખિયાએ પૂછ્યું જે, કંથકોટથી ક્યારે ચાલ્યા હતા ? શ્રીહરિએ કહ્યું જે તમે પહેલો કોળિયો ભરતાં સંકલ્પ કર્યો ત્યારે ચાલ્યા અને બીજે કોળિયે આંહી આવ્યા. ત્યારે ખિયે ભક્તે સમય, તિથિ, વાર અને પળ, તે સર્વે લખીને કંથકોટ ખબર કઢાવી ત્યારે તે જ પ્રમાણે મળતું આવ્યું. એમ મહારાજે ખિયાના મનનો સંકલ્પ સિધ્ધ કરીને તેને પોતાના સ્વરૂપના નિશ્ચયની દૃઢતા કરાવી. (૯)

ગામ ધમડકામાં બ્રહ્માનંદ સ્વામી પ્રથમ ઘેર હતા તે સમયે ત્યાં ભણતા હતા. તે હંમેશાં ગામની નદીએ નહાવા જતા. તે એક દિવસે ધમડકાથી આથમણી કોરે અને ગુંદીવારી વાડીના ઉગમણે સેઢે ખીજડાનાં ત્રણ ઝાડ ભેગાં ઊભાં છે. તેનાથી દક્ષિણ બાજુ દોઢ ગાઉ છેટે રતાળો પર્વત છે. તેમાં કોઇ યોગેશ્વર રહેતા હતા તે આવીને ખીજડાનાં ઝાડ હેઠે હમેશાં ઊભા રહેતા. એક દિવસ બ્રહ્માનંદ સ્વામી નદીએ નહાવા ગયા. ત્યાં યોગેશ્વર યોગકળાએ કરીને પોતાનાં સર્વે આંતરડાં પેટમાંથી બહાર કાઢીને નદીમાં બેઠા બેઠા ધોતા હતા. ત્યારે તે જોઇને બ્રહ્માનંદ સ્વામી દિલગીર થઇને તે યોગેશ્વરના પગમાં પડ્યા. ત્યારે તે યોગેશ્વર બોલ્યા જે, કાઇકે વાસ્તે દિલગીર હોતે હો ? ત્યારે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે, આપ જૈસા યોગેશ્વર મિલ જાય હમારે જીવકા સબ અચ્છા હો જાય. ને ઇસ જન્મ મેં કલ્યાણ ભી હોવે. એસી બાત કરો. ત્યારે તે યોગેશ્વર બોલ્યા જે, સૂનો બચ્ચા, મેરા જીવકા કલ્યાણ કે વાસ્તે આ જગ્યા પર આતે હું. કાય કે વાસ્તે આતે હું, તો ઇસ જગ્યા પર કલ્યાણકારી પરમપુરુષ આજ આને વાલા થા સો આજ તો ન આયે, ફિર એક માસ બિત્યા પિછે વે કલ્યાણકારી પુરુષ ગામકી પશ્ચિમ બાજુ વાડી ગુંદિવાલિકી પૂર્વ ઔર ઉત્તર તરફ સેઢાકે ઉપર જો ખીજડાકા વૃક્ષ ત્રણ પંખાલા ઊભા હે વહી જગ્યા પર આયેંગા. સો અપનેકું મિલેગા તબ તુમારા ભી જીવકા કલ્યાણ હો જાયગા. ઔર હમેરા જીવકા ભી કલ્યાન હો જાયગા. એસી બાત કલ્યાણકારી પરમપુરુષને હમકું કહા હૈ જે શ્રીરંગકું તુમ કહેના સો બાત હમને તુમકું કહી. એમ કહીને તે યોગેશ્વર દક્ષિણ બાજુના રતાળા ડુંગર પર ચાલ્યા ગયા. ત્યાર પછી બરોબર એક મહીને ખીજડાના ઝાડ હેઠે અમાવાસ્યાને દિવસે મહારાજ પધાર્યા અને બ્રહ્માનંદ સ્વામી ખીજડાના ઝાડ હેઠે મહારાજ ભેળા થયા. અને ત્યાં મહારાજે બ્રહ્માનંદને ઘણી વાતો કરી. તે સાંભળીને મહારાજનો બ્રહ્માનંદ સ્વામીએ દૃઢ આશ્રય કર્યો. (૧૦)

એક દિવસ ગામ ધમડકામાં શ્રીજી મહારાજ હરિભક્તોએ સહિત ગામની ઉગમણી કોરે વાડી છે ત્યાં નાહવા પધાર્યા અને મહારાજ ત્યાં સ્નાન કરીને બેઠા. ત્યારે હરિભક્તોએ વાત કરી જે, હે મહારાજ ! આ વડના વૃક્ષમાં ભૂત બહુ રહે છે. ત્યારે તે મહારાજે તે વડના વૃક્ષ સામું જોઇને હરિભક્તને કહ્યું જે જળનો લોટો ભરી લાવો. ત્યારે ભક્તે જળનો લોટો ભરીને મહારાજના હાથમાં આપ્યો. તેમાંથી જળની અંજલિ ભરીને તે જળ વડના વૃક્ષમાં છાંટ્યું અને તે સર્વ ભૂતોને બદ્રિકાશ્રમમાં મોકલ્યાં. એવી રીતે મહારાજ હરિભક્તોને પરચો આપીને ત્યાંથી દરબારમાં પધાર્યા. (૧૧)

વળી ગામ બળદીયામાં કૃષ્ણ ભક્તનો દીકરો રત્નો ભક્ત રહેતા હતા. તેને સત્સંગ થયો તે ઘરમાં બાઇ ભાઇ સર્વે સત્સંગી થયા. તેની ફઇ અને બેન તે ગઢડા શ્રીજી મહારાજનાં દર્શને ગયાં. ત્યાં સાંખ્યયોગી બાઇઓ પાસે રહી ગયાં. પછી તે બાઇઓનાં સાસરિયાંએ ઉપાધિ કરી, તેના લીધે નાત પણ ઉપાધિ કરવા લાગી, ગામમાં પણ સર્વે મનુષ્યો ઉપાધિ કરવા લાગ્યાં. સાધુઓને પણ ગામમાં પેસવા ન દે, ગામમાં બીજો કોઇ સત્સંગી પણ નહીં જે સહાય કરે. પછી તેનો પાંચ દશ કોરી દંડ પણ લીધો. એટલે તે ભક્ત ત્યાંથી ઉચાળો લઇને ગામ કેરામાં જઇને સદાબાને આશરે રહ્યા.

પછી ગઢડામાં શ્રીજી મહારાજનાં દર્શન કરવા માટે રત્નો ભક્ત ગયા. ત્યારે કહ્યું જે, હે મહારાજ ! હું તો ગામ બળદીયાથી ઉચાળો લઇને ગામ કેરામાં સદાબાની પાસે જઇને રહ્યો છું.ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે, તમારે ગામ બળદીયા ન મેલવું. અને ત્યાં રહેવું. ત્યારે તેની પાસે બેઠેલા બીજા સત્સંગીઓ હતા તે બોલ્યા જે, રત્ના ભક્ત ! તમને શ્રીજી મહારાજ વારેવારે કહે છે. ત્યારે તમે શીદ ના કહો છો ? હા કહો. ત્યારે રત્ના ભક્તે કહ્યું જે, હવે કેમ કરીને પાછા બળદીયામાં રહેવા જઇએ ? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે, ગામનો ધણી તમને તેડવા આવે તો જાજો. ત્યારે રત્ના ભક્તે કહ્યું જે, કોઇક મોટો ખેડુ હોય તેને તો તેડવા આવે, પણ મારા જેવા મજુરને કોઇ તેડવા આવે ? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે, જો તેડવા આવે તો જાજો. ત્યારે રત્ના ભક્તે કહ્યું જે, સારું મહારાજ ! જો તેડવા આવશે તો જઇશ. પછી પગે લાગીને ચાલ્યા તે કેરા આવ્યા.

પછી થોડાજ મહીનામાં પૃથ્વી હાલી તેથી બળદીયામાં ઘણાં બધાં ઘરો પડી ગયાં. ત્યારે તે ગામ ધણીએ ગામના મનુષ્યોને બોલાવીને કહ્યું જે, આપણાં ઘણાં બધાં ઘર પડી ગયાં છે, તે સર્વે પાછાં ચણાવીને તૈયાર કરો. ત્યારે ગામનાં મનુષ્યોએ કહ્યું જે, જેને ચણતાં આવડતું હતું તે સત્સંગી થયા, અને તેને ગામમાંથી કાઢ્યા, તે કેરામાં જઇને રહ્યા છે. અને હવે અહીં એવા કડીઆ કોઇ નથી. ત્યારે તે પીરે કહ્યું જે, એને બોલાવી લાવો. ત્યારે તે ગામના મનુષ્યોએ કહ્યું જે, અમારા બોલાવ્યા એ નહીં આવે. ત્યારે તે પીરે કહ્યું જે, એને તેડવા હું જાઉં તો તે આવે ? ત્યારે ગામના મનુષ્યોએ કહ્યું જે, એ ગઢડા સ્વામિનારાયણનાં દર્શન કરવા ગયા હતા ત્યારે એને શ્રીજી મહારાજે કહ્યું હતું જે, તમને જો ગામ ધણી તેડવા આવે તો જાજો. તે જો તમો તેડવા જાઓ તો જરૂર આવે, પછી તે પીર પોતે પટેલીયાનું ગાડું લઇને ગામ કેરા ગયા, અને કૃષ્ણ ભક્ત અને રત્ના ભક્તને કહ્યું જે તમે બળદીયા ચાલો. ત્યારે તે ભક્તે કહ્યું જે, અમે આવીએ તો ખરા પણ જો ગામનાં મનુષ્યો નિંદા કરે તો ન આવીએ, અને જો કોઇ મનુષ્ય સત્સંગનું વાંકુ ન બોલે અને અમારા સાધુઓને ગામમાં આવવા દે તો આવીએ.

ત્યારે તે પીરે કહ્યું જે, ગામનો ધણી તો હું. અને હું તમને તેડવા આવ્યો છું. અને પટેલીઆ પણ ગાડાં લઇને તેડવા આવ્યા છે. માટે હવે તમને કોણ કહેનારા છે ? કોઇ નહીં બોલે. અને જો તમને કોઇ ગામમાં બોલે તો તેને હું દંડ દેવાને સમર્થ છું. અને તમારા સાધુઓ જ્યારે આવશે ત્યારે હું મારા મેડા ઉપર ઉતારીશ, માટે ચાલો. પછી ગાડાં ઉપર સર્વે સામગ્રી ભરીને ગામ બળદીયા આવ્યા. પોતાનાં ઘર હતાં તેમાં આવીને રહ્યા. પછી તે રત્ના ભગતનો બનેવી વાલો પટેલ હતો તે બહુ ઉપાધિ કરતો હતો તેને શ્રીજી મહારાજે દેહની સ્મૃતિ ભૂલાવીને યમપુરીમાં લઇ ગયા. તેને પ્રથમ તો વૈતરણી નદી દેખાડી, પછી નરકના નવ લાખ કુંડો દેખાડ્યા. પછી શ્રીજી મહારાજે કહ્યું જે, ભગવાન ન ભજે, ભગવાનના ભક્તનો દ્રોહ કરે ને ભગવાનના સંતોની નિંદા કરે, તેના માથે આ સર્વ યમપુરીનાં દુઃખો ભોગવવાનાં છે. માટે તું અમારા ભક્ત જે કૃષ્ણભક્ત અને રત્નો ભક્ત છે તેને રાત દિવસ પીડે છે અને હેરાન કરે છે તેથી આ સર્વ દુઃખો તારા માટે તૈયાર કરી રાખ્યાં છે.

ત્યારે તે વાલા પટેલે કહ્યું જે, હે મહારાજ ! આ યમપુરીમાં દુઃખો દેખીને મને અતિશય ત્રાસ ઉપજ્યો છે, માટે આ દુઃખ મારાથી કેમ ખમાશે ? માટે કૃપા કરીને તમો જેમ કહો તેમ કરું પણ આ યમપુરીનાં દુઃખો ટળે તેવા ઉપાય બતાવો, ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે, અમારા સત્સંગી જે કૃષ્ણ ભક્ત અને રત્ના ભક્તને બહુ દુઃખ દીધાં છે, માટે તેને પગે લાગીને રાજી કરો તો તમારે માથેથી યમપુરીનો માર ટળશે. માટે વર્તમાન લઇને સત્સંગી થાઓ તો અમો ભગવાન છીએ તે તમને અમારા ધામમાં પહોંચાડીશું. ત્યારે તે વાલા પટેલે કહ્યું જે, હવે મને મારા દેહમાં પહોંચાડો તો તમે જેમ કહો છો તેમ હું તત્કાળ કરીશ.

પછી શ્રીજી મહારાજે તેને દેહમાં મૂક્યો. પછી સવારમાં ઊઠીને રત્નાને ઘેર આવીને બેઠો. અને રત્ના ભગતે કહ્યું જે, તમે મને ખાવા દો તો હું ખાઉં. ત્યારે તે રત્ના ભગત તથા તેના ઘરનાં સર્વે મનુષ્યો ભેળાં થઇને કહેવા લાગ્યાં જે, તું વળી આજ અમારે ઘેર ક્યાંથી આવ્યો ? વળી અમને હેરાન કરવા આવ્યો છે ? પછી તે વાત સાંભળીને બીજાં મનુષ્યો આવ્યાં, અને વાલા પટેલને કહ્યું જે, તમે આમને ઘેર શીદ આવ્યા છો ? તે વાત તમે અમને કહો તો એને અમે સમજાવીએ. ત્યારે તે વાલે કહ્યું જે, સ્વામિનારાયણે મને આજ યમપુરી દેખાડી અને કહ્યું જે, તું અમારા સત્સંગીઓ કૃષ્ણ અને તેમનાં ઘરનાં મનુષ્યોને બહુ દુઃખ આપે છે, તે આજ યમપુરીમાં માર ખાઇને મરી જઇશ, અને દુઃખનો પાર નહીં આવે. ત્યારે મેં કહ્યું જે, આ યમપુરીનો માર મારા માથેથી કેમ ઉતરે ? તે મહારાજ તમે કૃપા કરીને બતાવો. ત્યારે સ્વામિનારાયણે કહ્યું છે જે, કૃષ્ણ ભક્તના ઘરનાં મનુષ્યોને રાજી કરો, સત્સંગ કરો તો યમપુરીનાં દુઃખો અને યમના મારથી તમને ઉગારીશ. હું ભગવાન છું તે તમને મારા ધામમાં પહોંચાડીશ એમ કહીને મહારાજે મને અહીં મોકલ્યો છે, તેથી હું અહીં આવ્યો છું, તે મને તમે ખાવા આપો. મને નિયમ ધરાવો અને હું સત્સંગી થાઉં, અને ભગવાનનું ભજન કરું તો મારા જીવનું કલ્યાણ થાય એમ મારે કરવું છે.

ત્યારે તે સર્વે મનુષ્યોએ કૃષ્ણ ભક્ત અને રત્ના ભક્તને કહ્યું જે, હવે આના પેટમાં કાંઇ કપટ જણાતું નથી, અને સત્સંગી થવા આવ્યો છે, માટે એને વર્તમાન ધરાવો અને ખાવાનું આપો. પછી તેને વર્તમાન ધરાવીને જમાડ્યો. અને પછી વાલે પટેલે કહ્યું જે, આજ દિવસ સુધી મેં તમારા અપરાધ કર્યા છે, તે અપરાધને તમો મારી ઉપર કૃપા કરીને માફ કરજો. અને મને આજથી સત્સંગી જાણજો, અને તમે જ્યારે મહારાજનાં દર્શન કરવા જાઓ ત્યારે મને દયા કરીને મહારાજનાં દર્શન કરાવજો.

પછી તે ભક્તે કહ્યું જે, જો તમો આવશો તો દર્શન કરાવશું. પછી ચાર માસ કેડે સંઘ તૈયાર થયો ત્યારે વાલા ભક્તને બોલાવ્યા, અને કહ્યું જે, તમારે શ્રીજી મહારાજનાં દર્શને આવવું હોય તો ચાલો. ત્યારે વાલા ભક્તે કહ્યું જે, હું તો વાટ જોઇને જ બેઠો છું. પછી સંઘ તૈયાર થઇને ગઢડા ગયો, ત્યાં શ્રીજી મહારાજનાં દર્શન કરી અને પગે લાગીને બેઠો. પછી તે ભક્તને શ્રીજી મહારાજનો નિશ્ચય યથાર્થ થયો. મહારાજ તો અક્ષરાતીત શ્રી પુરુષોત્તમનારાયણ છે. તે મેં ઓળખ્યા. અને હવે સંસારમાં શીદ કૂટાઇ મરું એમ કહીને તે સાધુ થયા અને તેનું નામ મુકુંદપ્રસાદદાસ પાડ્યું. શ્રીજી મહારાજનું વચન માનીને રત્નો ભક્ત જો બળદીયે રહેવા ગયા તો જે સત્સંગી ન હતા અને ઉપાધિ કરતા હતા તે ઉપાધિના કરનારા પણ સર્વે સત્સંગી થયા. અને જે સત્સંગી દેહ મૂકે તેને શ્રીજીમહારાજ તેડવા આવે છે અને કોઈ માંદો થાય તેને દર્શન દે છે. તે પ્રતાપ જોઇને ગામ આખું સત્સંગી થયું અને મંદિરો બે થયાં છે અને તેમાં મનુષ્યો સમાતાં પણ નથી.

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે શ્રીજી મહારાજે માંડવીમાં ખિયાને અને ધમડકામાં બ્રહ્માનંદસ્વામીને તથા ગામ બળદીયાના રત્ના ભક્તને પરચા પૂર્યા એ નામે નવ્યાશીમો અધ્યાય. ૮૯