૯૦ દહીંસરાના કચરાભક્ત તથા રવાના વિપાશા તથા ધ્રુફીના ભારમલજીની દીકરીના પરચા, ભુજમાં વાલજી મલ્લ ને સચ્ચિદાનંદ સ્વામીએ પરચા પૂર્યા.

Submitted by swaminarayanworld on Sun, 11/12/2016 - 5:19pm

અધ્યાય ૯૦

ગામ દહીંસરામાં ભક્ત કચરો નામે એક સત્સંગી હતા. કુસંગીઓ તે ગામમાં ઉપાધિ ઘણી કરતા અને સાધુઓને પણ ગામમાં પેસવા દેતા નહીં. પછી સંવત્‌ ૧૮૮૬ની સાલમાં રામનવમીના સમૈયા ઉપર વડતાલમાં શ્રીજી મહારાજનાં દર્શન કરવા પોતપોતાના ગામથી સંઘ જાવા તૈયાર થયો. ત્યારે કચરો ભક્ત પણ દર્શન કરવા ગયા. ત્યારે માર્ગમાં ચાલતાં રણની સમીપે ગામ શિકાર પર ગયા. ત્યારે પોતાના મનમાં એવો સંકલ્પ કર્યો જે ભગવાનનો અવતાર આ પૃથ્વી ઉપર જ્યારે થાય ત્યારે ભગવાનના ચરણારવિન્દમાં સોળ ચિહ્નો હોય છે તે શાસ્ત્રમાં પણ કહ્યાં છે. તો શ્રીજી મહારાજનાં ચરણારવિન્દમાં હું જો સોળચિહ્ન જોઉં. જો તે ચિહ્ન હોય તો તે ભગવાન ખરા. જો તે ન હોય તો હું મહારાજને ભગવાનના સંત માનું, પણ પૂર્ણપુરુષોત્તમ ભગવાન ન માનું. વળી મને સ્વપ્નમાં પણ શ્રીજી મહારાજ અક્ષરધામમાં દર્શન કરાવવા તેડી ગયા હતા. તે દિવસે અક્ષરને દરવાજે બે બાજુ બે કદમનાં અલૌકિક તેજોમય ઝાડ મને દેખાડ્યાં હતાં. અને તેની માંહેલી બાજુ અક્ષરધામમાં મહા અલૌકિક એક અદ્‌ભુત તેજોમય દિવ્ય અનંત મણીઓ મને દેખાડ્યાં હતાં.

તેમાં કેટલાંકતો રક્ત મણીઓ હતાં તથા અપાર શ્યામ મણીઓ તથા અપાર પીત મણીઓ તથા અનંત નીલમણીઓ તથા અનંત શ્વેત મણીઓ હતાં. આવા મણીઓથી જડિત એવું દિવ્ય સિંહાસન હતું. તેમાં બિરાજમાન એવા શ્રીજી મહારાજનાં અલૌકિક અદ્‌ભુત દર્શન મને પૂર્ણ સ્વપ્નામાં થયાં હતાં. અને તે સમયે દિવ્ય ચંદન પુષ્પે શ્રીજીની અનંત મુક્તોએ પૂજા કરી હતી; તે ચંદને કરીને શ્રીજી મહારાજનાં ચરણકમળ પર તથા તળામાં એક આંગળ ચંદનનો લેપ ચડી ગયો હતો તેનાં પણ મેં દર્શન કર્યાં હતાં. અને તે ચરણના તળામાં સ્વસ્તિક, અષ્ટકોણ, અંકુશ, ધ્વજ, કમળ, જવ, જાંબુ, વજ્ર, ઉર્ધ્વરેખા તથા મચ્છ, ત્રિકોણ, અર્ધચન્દ્ર, વ્યોમ, ગોપદ, ધનુષ્ય, કળશ એ સોળ ચિહ્નો શ્રીજી મહારાજે મને બતાવ્યાં હતાં. એવી રીતે મને સ્વપ્નમાં અક્ષરધામમાં દર્શન થયાં હતાં. ફરીવાર તે ચિહ્નો શ્રીજી મહારાજ મને દેખાડે તો ભગવાન પૂર્ણ પુરુષોત્તમ હું માનું એવો સંકલ્પ મનમાં કરીને પછી પોતાના ભેળા ગામ બળદીઆના રતનો ભક્ત હતા તેને પૂછ્યું જે, રતનાભાઇ ! આપણે મહારાજનાં દર્શન કરવા જઇએ છીએ, તે જો મહારાજનાં ચરણમાં સોળ ચિહ્ન હોય અને તે જો મને બતાવે તો હું મહારાજને પૂર્ણ પુરુષોત્તમ અક્ષરાધિપતિ માનું, અને જો ન દેખાડે તો ભગવાનના મુક્ત સંત માનું, પણ પૂર્ણ પુરુષોત્તમ અક્ષરાધિપતિ ન માનું, કેમ જે મને સ્વપ્નામાં મહારાજનાં દર્શન થયાં હતાં, ત્યારે મેં ચિન્હો જોયાં હતાં. ત્યારે રતના ભક્તે કહ્યું જે, કચરાભાઇ ! મહારાજનાં ચરણમાં તમે કહો છો તેમજ સોળ ચિન્હ છે. તેનાં દર્શન પણ મહારાજ આપણને કરાવશે. એવી રીતે માર્ગમાં ચાલતાં વાત કરી. પછી શ્રીજી મહારાજનાં રામનવમીના સમૈયામાં વડતાલે દર્શન કર્યા.

પછી નવ દિવસ સુધી રહ્યાં. અને દસમે દિવસે કચરો ભક્ત તથા રતનો ભક્ત તથા દેવજી તથા જગજીવન ભટ્ટ આદિક હરિ ભક્તોએ શ્રીજી મહારાજને કહ્યું જે, હે મહારાજ ! આજે અમારે સર્વને તમારી પૂજા કરીને ચાલવું છે. એમ કહીને તે હરિભક્તોએ કહ્યા મોર મહારાજની પૂજા કરી. તે સમયે કચરો ભક્ત પણ મહારાજની પૂજા કરીને ચાલ્યા. ત્યારે શ્રીજી મહારાજે બોલાવીને કહ્યું જે, તમે માર્ગમાં ચાલતાં ગામ શિકારપર આવ્યા ત્યારે તમારા મનમાં સંકલ્પ કર્યો હતો જે, જો મહારાજનાં ચરણમાં સોળ ચિહ્ન હોય તો ભગવાન અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ખરા. અને તે જો ન હોય તો ભગવાનના મુક્ત ખરા. પણ પૂર્ણ પુરુષોત્તમ નહીં. અને વળી માર્ગમાં ચાલતાં રતના ભક્તને પણ તે વાત કરેલી હતી જે મહારાજનાં ચરણમાં સોળ ચિહ્ન હોય તો હું પૂર્ણ પુરુષોત્તમ અક્ષરાધિપતિ માનું અને ન હોય તો ભગવાનના મુક્ત સંત માનું તમારો તે સંકલ્પ રહી જાશે. અને તે તમે ભૂલી કેમ ગયા ? અને અમને પૂછતા પણ કેમ નથી ? માટે આવો હું અમારાં ચરણમાં જે સોળ ચિહ્ન છે તેનાં તમને દર્શન કરાવું. એમ કહીને પ્રથમ જમણા ચરણને પોતાના ઢીંચણ પર મેલીને પોતાના હાથથી ચિન્હ ગણીને કહેવા લાગ્યા જે, કચરા ભક્ત જુવો આ સ્વસ્તિ છે, આ અષ્ટકોણ છે, આ અંકુશ છે, આ ધ્વજ, આ જવ, આ જાંબુ, આ વજ્ર છે. આ અંબુજ છે. આ ઉર્ધ્વરેખા છે. ડાબા ચરણમાં મચ્છ છે. આ ત્રીકોણ, આ ગોપદ, આ અર્ધચંદ્ર, આ વ્યોમ, આ ધનુષ્ય, આ કળશ છે. આ સોળ ચિન્હ છે. એમ કહીને ચંદને લીપેલાં ચરણારવિન્દના તળામાં પોતાના હાથે સોળ ચિન્હોને ગણી દેખાડ્યાં. તે જોઇને કચરા ભગતને પરિપૂર્ણ પુરુષોત્તમ પણાનો અડગ નિશ્ચય થયો જે, જે પ્રત્યક્ષ પુરુષોત્તમ છે તેજ આ શ્રી સહજાનંદ સ્વામી છે. એવી રીતે નિશ્ચય કરીને ઘેર આવ્યા.

પછી શ્રીજી મહારાજની ઇચ્છાએ કરીને ગામમાં સત્સંગ થયો, ગામમાં બે મંદિરો થયાં. સત્સંગીઓ પણ ઘણા થયા. ને તે ગામમાં જે કોઇ સત્સંગી દેહ મૂકે છે તેને શ્રીજી મહારાજ તેડવા આવે છે. કોઇ માંદું  હોય તેને પોતે શ્રીજી મહારાજ દર્શન દેવા પધારે છે. તે પરચો જોઇને સત્સંગીઓ સહુ આનંદમાં રહી શ્રીજી મહારાજનું ભજન કર્યા કરે છે. એવી રીતે પ્રગટ પ્રમાણ શ્રીજી મહારાજનો ઘણો પ્રતાપ છે તેમાંથી થોડો જ લખ્યો છે. (૧૩)

વળી ગામ રવામાં ભણશાલી ડોશી વાલબાઇને ટુંટીયું આવ્યું હતું તેથી ડોશી માંદી થઇ ગઇ. તેને બે દિવસ થયા ત્યારે દેહ પડે એવું જણાયું. ત્યારે તે ડોશીનો દીકરો એકજ હતો તેણે ડોશીને પૂછ્યું જે મા, તમારે કેમ છે ? કાંઇ ઠીક છે ? ત્યારે ડોશી કહે આ ટુંટીયાનો રોગ છે તેની જે પીડા છે તે તો કહી જાય એવી નથી. પણ બે દિન થયા. આ રોગ આવ્યો છે તે ઘડીથી હું શ્રીજી મહારાજને સંભાળું છું. તે જે દિવસ અમદાવાદમાં શ્રી નરનારાયણ દેવની શ્રીજીએ પ્રતિષ્ઠા કરી, કાંકરીઆ તળાવ પર મંચ ખોડ્યો હતો. તેના પર શ્રીજી મહારાજ બિરાજમાન હતા તે દિવસે મેં દર્શન કર્યાં હતાં. તે મંચને ચારે તરફ સાધુઓ ભરાઇને બેઠા હતા, અને બીજાં મનુષ્યો પણ લક્ષાવધિ શ્રીજીના સામું જોઇ રહ્યાં હતાં તે શ્રીજી મહારાજની મૂર્તિ સંતો સત્સંગીઓ સર્વેનાં મને હમણાં દર્શન થયાં છે. તેણે કરીને મને આનંદ છે. તેથી મને કોઇ પીડા જણાતી નથી. હવે પાંચ મુક્ત સાધુ લઇને શ્રીજી મહારાજ પધાર્યા છે, તે મને કહે છે જે ચાલો તે હું હવે જાઉં છું. અને તમે સર્વે સત્સંગીઓ શ્રીજી મહારાજનું ભજન કરશો તો શ્રીજી મહારાજ સર્વને આવી રીતે તેડવા આવશે. એવી રીતે જય સ્વામિનારાયણ કહીને દેહ મૂકીને શ્રીજી મહારાજના ધામમાં ગયાં. (૧૪)

વળી તેજ ‘રવા’ ગામનો વાણિયો વિપોશા તેનાં સગાં સંબંધી અને સર્વ ઘરનાં મનુષ્યોનો સંઘ લઇને દેશમાં કમાવા માટે ગયો હતો. ત્યાં વિપો શેઠ માંદા થયા. તે સત્સંગી પોતે એકલા જ હતા. બીજા સર્વે કુસંગીઓ હતા. જ્યારે તે બહુ માંદા થયા ત્યારે તેનાં સગાંવ્હાલાં હતાં તે બોલ્યાં જે તમે કહો છો જે સત્સંગીઓ અમે જ્યારે દેહ મૂકીએ ત્યારે અમને અમારા ભગવાન સ્વામિનારાયણ તેડવા આવે છે. તે આજ કેમ તેડવા ન આવ્યા ? ત્યારે તેને કુસંગીએ સંભારી દીધા એટલે એમને મહારાજની મૂર્તિ સાંભરી આવી. પછી તે ભક્તે સ્વામિનારાયણ નામ લઇને કહ્યું જે, મને સ્વામિનારાયણ તેડવા આવ્યા છે. તે હવે હું જાઉં છું. ત્યારે તેનાં સગાં કુસંગી હતાં તેણે કહ્યું જે, અમને કાંઇ નિશાની દ્યો તો માનીએ. ત્યારે તે શેઠ વિપે કહ્યું જે, નિશાની તો એ છે કે, જે રવાના સત્સંગીઓ છે તે સર્વે વગડે કામે ગયા છે. ગામમાં કોઇ નથી, એક હંસરાજ ગામમાં છે. તે પણ ગામનો ઝાંપો મેલીને સેઢે થઇને ગામમાં પેઠો તેથી તે દરબારના ગુનામાં આવ્યો. દરબારે તેને બેસારી મૂક્યો છે. તે સમયે સાધુ નિર્લોભાનંદ સ્વામીનું મંડળ સાત મૂર્તિનું આવ્યું છે. તેણે ગામમાં મનુષ્યોને આવીને પૂછ્યું જે, સત્સંગીઓ સર્વે ક્યાં ગયા છે ? ત્યારે તે મનુષ્યોએ કહ્યું જે બીજા સત્સંગીઓ તો વગડે કામે ગયા છે. હંસરાજને તો દરબારે બેસારી મેલ્યો છે. તે એ નિશાની છે. તે દિવસ, વાર, મહિનો, એ સર્વેની યાદી રાખજો અને ઘેર જાઓ ત્યારે ગામમાં જઇને પૂછજો. એમ કહીને વિપા શેઠ દેહ મૂકીને ભગવાનના ધામમાં ગયા. તેના સંબંધીઓ જ્યારે એના ગામમાં આવ્યા. ત્યારે હંસરાજને પૂછ્યું ત્યારે તે હંસરાજે કહ્યું જે, તમે જે વાત પૂછી તે સર્વે સાચી છે. (૧૫)

વળી ગામ ધુફીમાં શેઠ ભારમલ હતા. તે સત્સંગી નહીં. તેની દીકરી વર્ષ સાતેકની હતી. તે માંદી થઇ અને ભોંય પથારી કરીને સુવાડી, ત્યારે તેના પાડોશી ભાનુશાલી સત્સંગી હતા તેને ખબર પડી જે, આપણા પાડોશી ભારમલની દીકરી માંદી છે તે આપણે સત્સંગીઓ ભેળા થઇને તેને ઘેર બેસવા જઇએ. તો તેને સારું લાગે. પછી ભક્ત જેઠો, કરમશી, રતનશી, પ્રધાન ભારસી, કેશવ તે સર્વે ઊઠીને સાદડી પાથરીને કહ્યું જે, તમો અમારા ઉપર કૃપા કરીને ભલે પધાર્યા, આવો બેસો. ત્યારે સર્વે સત્સંગીઓ બેઠા. પછી તેમણે ભારમલને કહ્યું જે, અમારે શ્રીજી મહારાજની આજ્ઞા છે. જે સત્સંગીઓને પાડોશમાં કોઇ માંદો મનુષ્ય હોય અને તે જો સત્સંગી ન હોય અને તેને ઘેર સત્સંગી જઇને વર્તમાન ધરાવે તો તેને અંતકાળે અમે તેડવા જઇએ છીએ. તે માટે તમારી દીકરી માંદી છે, તેને અમે વર્તમાન ધરાવીએ તો શ્રીજી મહારાજ તેડવા આવે, અને એના જીવનું રૂડું થાય. ત્યારે ભારમલે કહ્યું જે, તમે તો અમારા હિતેચ્છુ છો તેથી બહું સારું કહ્યું. બાઇને વર્તમાન ધરાવો. એના જીવનું રૂડું થાય તો બહુ સારું. પછી સત્સંગીઓએ વર્તમાન ધરાવ્યાં. પછી તે બાઇ ઊઠીને પગે લાગી. ત્યારે તે સત્સંગીઓએ કહ્યું જે, તું કોને પગે લાગી ? ત્યારે તે બાઇએ કહ્યું જે, સ્વામિનારાયણને પગે લાગી. ત્યારે સત્સંગીઓએ કહ્યું જે, સ્વામિનારાયણ ક્યાં છે ? ત્યારે તે બાઇએ કહ્યું જે, ગઢડામાં વાડી છે તેમાં આંબાવાડીઆમાં આંબા હેઠે ઓટો છે. તેના ઉપર ઢોલિયો ઢાળ્યો છે. તેના ઉપર સ્વામિનારાયણ ઉગમણે મુખારવિન્દે બિરાજમાન છે અને આગળ સાધુઓ વાજિંત્ર વગાડીને કીર્તન ગાય છે, સંતોની સભા ભરાઇને બેઠી છે, દેશદેશના હજારો સત્સંગીઓ પણ બેઠા છે. આંહીનો જે સંઘ ગયો છે. તે પણ સર્વે ત્યાં ઊભો છે. ત્યારે સત્સંગીઓએ કહ્યું જે, તું કહે છે તે વાત સાચી, પણ અમે દેખતા નથી. તે માટે તું આપણા ગામના સત્સંગીઓ જે ગઢડે ગયા છે અને શ્રીજી મહારાજનાં દર્શન કરે છે તેને તું પૂછી લે કે, તમે પાછા ધુફી ક્યે દિવસે આવશો ? તે વાત પૂછીને અમને કહે, જો તારી વાત અને સત્સંગીઓની વાત મળતી આવશે તો અમને વિશ્વાસ આવશે. ત્યારે તે બાઇએ કહ્યું જે, હું પૂછી જોઉં.

પછી તે બાઇએ શ્રીજી મહારાજને પૂછી જોયું જે, હે મહારાજ ! અમારા ગામના સત્સંગીઓ છે તે પાછા કેટલા દિવસે ધુફી આવશે ? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે, અહીંથી કાલે ચાલશે તે દશ દિવસે આવશે. ત્યારે તે બાઇએ કહ્યું જે, સત્સંગીઓ જ્યારે આવે ત્યારે તમે તેને પૂછી જોજો. તે તમને કહેશે. તે દિવસ તમને વિશ્વાસ આવશે. હવે શ્રીજી મહારાજ મને કહે છે, તું ચાલ, તને ભગવાનના ધામમાં પહોંચાડીએ. તે માટે હું તો હવે જાઉં છું. તમો ભગવાનને ભજશો તો યમપુરીના મારથી છૂટશો. સ્વામિનારાયણ સાક્ષાત્‌ ભગવાન છે. તે અક્ષરધામમાં તેડી જાશે. અને મને તેડી જાય છે, તે હું જાઉં છું. એમ કહીને દેહ મૂકીને ભગવાનના ધામમાં ગઇ.

પછી દશ દિવસ થયા ત્યારે તે સત્સંગીઓ આવ્યા તેને સર્વ વાત પૂછી. ત્યારે જેમ બાઈએ વાત કરી હતી તેમજ બરાબર વાત મળી આવી. ત્યારે તે બાઈના ઘણાક સગા સંબંધીઓ અને નાતીલાઓ સત્સંગ કરીને શ્રીજી મહારાજના આશ્રિત થયા. અને સર્વે શ્રીજી મહારાજનું ભજન કરવા લાગ્યા. અને તે પરચો જોઈને સર્વે આનંદ પામ્યા. અને મનમાં એમ જાણ્યું જે, જેમ એ બાઈને શ્રીજી મહારાજ ધામમાં તેડી ગયા તેમ આપણને પણ તેડી જાશે. એમ પરસ્પર કહીને ખબરદાર થઈને શ્રીજી મહારાજનું ભજન કરવા લાગ્યા. (૧૬)

કોઈક સમયે મહારાજ અને કાળાતળાવના રવજીભાઈ અને ગામ તેરાના માવજીભાઈ કચ્છમાં આવતા હતા. તે રણ ઉતરીને કોઈક ગામના તટે ઊતર્યા. તે સમયે કોઈક ફકીર કચ્છમાંથી સામે કાંઠે જતો હતો, તે મહારાજ પાસે આવીને ઊભો રહ્યો. ત્યારે મહારાજ બોલ્યા જે, સાંઈ! કહાં રહેતે હો ? ત્યારે તે બોલ્યો જે, દિલકે ભિતર. ત્યારે મહારાજ બોલ્યા જે, દિલકે ભિતર સાહેબકા તબેલા હૈ સો તુમને દેખા હૈ ? ત્યારે તે કહે જે, નહીં દેખા હૈ. પછી મહારાજે તેને ધામ દેખાડ્યું અને તેને સમાધિ થઇ ગઇ. ત્યાં મહારાજનું અલૌકિક ઐશ્વર્ય જોઇને અતિશય આશ્ચર્ય પામીને સમાધિમાંથી જાગીને મહારાજને પગે લાગ્યો. અને એમ બોલ્યો જે, તુમ તો ખુદા હો. પછી મહારાજ બોલ્યા જે, સાંઇ ! તુમ જાઓ. ત્યારે એ જાણે જે, ભગવાનને કેમ પુંઠ થાય, એટલે પાછલે પગે ચાલ્યો, એટલે મહારાજની મૂર્તિ જોઇને તેની વૃત્તિ તણાય, તેથી પાછો મહારાજ પાસે આવે. એમ બે ચાર વાર થયું એટલે મહારાજ બોલ્યા જે, આડું વસ્ત્ર ઝાલો. પછી રવજીભાઇએ વસ્ત્ર આડું ઝાલ્યું એટલે તે ગયો. એમ શ્રીજી મહારાજે તેમને ઐશ્વર્ય જણાવ્યું. (૧૭)

ક્યારેક શ્રીજી મહારાજ ઘણાક સાધુ લઇને કચ્છમાં આવતા હતા. અને વઢવાણના ઉપાધ્યાય દેવકૃષ્ણ પણ ભેળા હતા. અને રણમાં ચાલ્યા એટલે દેવ કૃષ્ણ બહુ તરસ્યા થયા, અને પાસે જળ નહીં તેથી પીડા પામ્યા. અને મહારાજને કહ્યું : મને તરસ ઘણી લાગી છે. અને પ્રાણ જાય એમ જણાય છે. ત્યારે મહારાજ એમ બોલ્યા જે, ગંગા યમુના સમુદ્રમાં ભળે છે. તેની સેરો સમુદ્રમાં આવે છે ત્યાં પાણી મીઠું હોય છે, તે ચાખી જુવો. ત્યારે ચાખી જોયું તે ખારું લાગ્યું. પછી દશવીશ પગલાં ભરીને જોયું ત્યારે ગંગાજલ જેવું હતું તે પીધું. અને બીજાઓએ પણ પીધું. પછી ચાખ્યું ત્યારે ખારું લાગ્યું. (૧૮)

ભુજના વાલજી મલ્લે દેહ દ્વારિકામાં મેલ્યો, તે સમયે શ્રીજી મહારાજ તેજોમય સ્વરૂપે તેમને દેખાણા. દ્વારિકા પણ તેજોમય સુવર્ણની દેખાણી, એવી રીતે અલૌકિક દર્શન થયાં. તે જોઇને તે એમ બોલ્યા જે, અતિ તેજોમય સ્વરૂપે મહારાજ મને તેડવા આવ્યા છે. તે ભેળો હું અક્ષરધામમાં જાઉં છું. એમ કહીને દેહ મેલ્યો, તે ચમત્કાર જોઇને કેટલાક જનોને નિશ્ચય થયો. (૧૯)

ક્યારેક સચ્ચિદાનંદ સ્વામી વહાણમાં બેસીને કચ્છ દેશમાં શ્રીજી મહારાજનાં દર્શને જાતા હતા, તે અતિ સ્નેહે કરીને તેને સમાધિ થઇ ગઇ તેને ત્રણ દિવસ વીતી ગયા. ત્યારે સમુદ્રને કાંઠે રહેનારા જે જનો હતા તેઓએ તેને જોઇને જાણ્યું જે, આ સાધુ દેહ મૂકી ગયા છે. એમ જાણીને તેને દેહને દેન દેવા માટે સ્મશાનમાં લઇ ગયા. અને ચિત્તામાં સુવાડ્યા. તે મનુષ્યો તેના દેહને અગ્નિ મૂકવા તૈયાર થયા. ત્યાં તો શ્રીજી મહારાજે સચ્ચિદાનંદ સ્વામીને જગાડ્યા. તેને જોઇને સમીપે જે મનુષ્યો હતાં, તે સર્વે ઘણુંક આશ્ચર્ય પામ્યાં. (૨૦)

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે શ્રીજી મહારાજે ગામ દહીંસરાના કચરા ભગત તથા રવાના વિપાશાને અને ધુફીમાં ભારમલની દીકરીને અને ભુજના વાલજી મલ્લને અને સચ્ચિદાનંદ સ્વામીને પરચા પૂર્યા એ નામે નેવુંમો અધ્યાય. ૯૦