૯૩ મહેતા શિવરામ, હરજીવન, સારસ્વત વિરજી, સદાબા તથા ગંગારામ જેઠીને પરચા.

Submitted by swaminarayanworld on Sun, 11/12/2016 - 5:22pm

અધ્યાય ૯૩

એક દિવસ મહેતા શિવરામભાઇ માંદા થયા. તે દેહ મૂકવા સમયે સોલંકી શામજી પાસે હતો. તેણે શિવરામભાઇને પૂછ્યું જે, અદા ! સાધુને તેડાવશું ? અને દર્શન કરશો ? ત્યારે શિવરામભાઇએ ના પાડી જે, સાધુને ન તેડાવશો. હવે વખત નથી. ત્યારે વળી શામજીએ પૂછ્યું જે અદા ! કાંઇ જમશો ? ત્યારે શિવરામભાઇએ કહ્યું જે, હવે ગળુ બોલે છે અને હવે અદો જમી રહ્યા. હવે તો અદો શ્રીજી મહારાજ પાસે જમશે. પછી ઘડીક વાર થઇ ત્યારે શ્રીજી મહારાજ પધાર્યા, અને શ્રીજી મહારાજને પગે લાગ્યા જે, હે મહારાજ ! ભલો સમય સાચવ્યો અને ચાલો એમ કહીને દેહ મૂક્યો અને શ્રીજી મહારાજ ભેળા અક્ષરધામમાં ગયા. (૩૪)

એક દિવસ મહેતા હરજીવનભાઇ માંદા થયા હતા ત્યારે શ્રીજી મહારાજ અનંત અક્ષરમુક્તોએ સહિત ગાજતે વાજતે હરજીવનભાઇને ઘેર પધાર્યા. અને હરજીવનભાઇને દર્શન થયાં. હરજીવનભાઇએ બહુ પ્રકારે સ્તુતિ કરીને કહ્યું જે, હે મહારાજ ! આ દેહ તો પાપરૂપ વળગ્યો છે. તે હવે તો ઉપડતું પણ નથી, ઉઠાતું બેસાતું પણ નથી. હવે તો દેહ મૂકાવીને મને સાથે લઇ ચાલો ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે, આજ નહીં પણ આજથી ત્રીજે દિવસે પાછા આવશું ને દેહ મૂકાવીને અક્ષરધામમાં લઇ જશું સેવામાં રાખશું. એમ કહીને શ્રીજી મહારાજ પાછા વળ્યા. ત્યારે હરજીવનભાઇ ઊઠીને શ્રીજી મહારાજ પાછળ ચાલ્યા ત્યારે શ્રીજી મહારાજે ના પાડી તો પણ ચાલ્યા ત્યારે મહારાજે મુક્તોને કહ્યું જે, ખડકીની સાંકળ વાસી દ્યો. પછી મુક્તોએ ખડકીની સાંકળ વાસી દીધી. પછી મહારાજ ચાલી નીકળ્યા અને હરજીવનભાઇ બેસી રહ્યા. ત્રીજે દિવસે પધાર્યા અને અક્ષરધામમાં લઇ ગયા. હરજીવનભાઇને ઘેર ગામ મેઘપુરના પટેલ રામજી ઉતર્યા હતા. તે સત્સંગી ન હતા પણ આ પરચો આંખે દીઠો તેથી શ્રીજી મહારાજનો આશ્રય કરી સત્સંગી થયા. શ્રીજી મહારાજને વિષે અક્ષરાતીત પુરુષોત્તમપણાનો નિશ્ચય થયો. (૩૫)

એક દિવસ રાજગોર લીલાધર માંદા થયા તેથી અન્ન જળની અરુચિ થઇ ગઇ ત્યારે એક સત્સંગી વૈદ્ય હતા. તેણે કહ્યું જે હું તમને ઉકાળો કરી આપું તે પીઓ તો અન્ન જમવાની રુચી થાય. ત્યારે લીલાધરે કહ્યું જે, હું ઉકાળો પીઉં તો ન મરું એવા અક્ષર લખી આપો ત્યારે હું ઉકાળો પીઉં. અને મરી જાઉં તો ઠાલું ખર્ચ થાય. મહારાજનું ગમતું થાય તો ઉકાળો હું ન પીઉં અને એમ હું જાણું છું જે, મારો દેહ નહીં રહે, અને નરક કુંડ જેવો આ દેહ તે મૂકીને ભાગવતી તનુએ કરીને શ્રીજી મહારાજની સેવામાં રહેવું તેમાં તો આપણે રાજી થવું જોઇએ. અને આ સમયે તો શ્રીજી મહારાજને સંભારવા. અને પ્રાર્થના કરવી જે, વહેલા તેડવા પધારજો. એમ વાતો કરતાં કરતાં લીલાધરને શ્રીજી મહારાજનાં દર્શન થયાં, ત્યારે કહ્યું જે શ્રીજી મહારાજ પધાર્યા છે તે આસન પાથરો. શ્રીજી મહારાજ બેઠા. મારો ખાટલો કાઢી નાખો અને પૃથ્વી લીંપીને મને તે પર બેસાડો. મહારાજ ઉતાવળા થાય છે. પછી હેઠે બેસાર્યા અને દેહ મૂકીને ભગવાનના ધામમાં ગયા. (૩૬)

એક દિવસ સારસ્વત વિરજી જોશી માંદા થયા. ત્યારે દેહ મૂકવાનો સમય થયો. ત્યારે તેનાં સગાં સંબંધી મનુષ્યો ચાલીશ પચાસ આવીને બેઠાં. ત્યારે વિરજી જોશી બોલ્યા જે, મોટો બાજોઠ લાવો ને ગાદલું બાજોઠ ઉપર પાથરો. કારણકે શ્રીજી મહારાજ પધાર્યા છે તે બેસે. ત્યારે તેનો દીકરો બાજોઠ લાવ્યો અને તેના ઉપર ગાદલું પાથર્યું, ત્યારે વિરજી બોલ્યો જે, હે મહારાજ ! પધારો અને આસને બેસો પછી શ્રીજી મહારાજ બેઠા. ત્યારે વિરજી જોશીએ પોતાના દીકરાને કહ્યું જે, મારે મહારાજની પૂજા કરવી છે. માટે પુષ્પના હાર તથા કેશર ચંદન અને કપુર લાવો. મારે મહારાજની આરતી ઉતારવી છે. ત્યારે તેના દીકરાએ તે સામાન લાવીને વિરજીને આપ્યો. પછી તે વિરજીએ તો મહારાજની પૂજા કરી. પણ જે બીજાં માણસો બેઠાં હતાં તે તો શ્રીજી મહારાજને દેખતાં ન હતાં પણ વિરજી પુષ્પના હાર તથા કેશર ચંદન અને કપુર વિગેરે સામાન બાજોઠ પર મૂકે છે. એવી રીતે દેખતાં હતાં. વિરજીએ તો એવી રીતે શ્રીજી મહારાજની પૂજા કરીને તેનાં સંબંધીઓને કહ્યું જે, હવે શ્રીજી મહારાજ મને કહે છે જે ચાલો. હવે છેલા જય સ્વામિનારાયણ છે, હું જાઉં છું. ત્યારે તેનાં ઘરવાળાં બાઇ બોલ્યાં જે, છોકરાં તો એકે સત્સંગી નથી માટે મારા શા હાલ થાશે ? ત્યારે વિરજી પોતે બોલ્યા જે, હું શ્રીજી મહારાજને પૂછી જોઉં, એમ કહીને પછી શ્રીજી મહારાજને પૂછ્યું જે, મારી સ્ત્રી એમ કહે છે જે તમને શ્રીજી મહારાજ તેડી જશે ત્યારે વાંસે મારા શા હાલ થાશે ? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે, આજ દશમ છે અને બીજી આવતી દશમે બાઇને તેડી જશું. માટે કાંઇ ચિન્તા રાખશો નહીં. પછી વિરજી જોશી તો શ્રીજી મહારાજ ભેળા ભગવાનના ધામમાં ગયા. અહીં બીજી દશમ આવી ત્યારે શ્રીજી મહારાજ પધાર્યા. ને તે બાઇએ તેના સંબંધીઓને કહ્યું જે, હવે હું ભગવાનના ધામમાં જાઉં છું, મને શ્રીજી મહારાજ તેડવા આવ્યા છે. તે વાતને જોઇને જે તેનાં સંબંધીઓ પાસે બેઠાં હતાં તે એમ કહેવા લાગ્યાં જે, સત્સંગીઓ એમ કહે છે જે અમારા શ્રીજી મહારાજ અંતકાળે પોતાના આશ્રિતોને તેડવા આવે છે. તે વાત સાચી છે. તે આજે આપણી આંખે જોઇ. (૩૭)

હવે દવે પ્રાગજીએ દેહ મૂક્યો તે પરચો લખીએ છીએ. એક સમયે દવે પ્રાગજી માંદા થયા. ત્યારે શ્રીજી મહારાજની ઘણી સ્તુતિ કરી જે, હે મહારાજ ! અમારામાં તો હજારો અવગુણ છે, તમે કોલ આપ્યો છે જે, તમારે કઠણ કાળ આવશે અને આપત્કાળ આવશે ત્યારે અમે સહાય કરશું. તો હે મહારાજ ! હવે કઠણ કાળ અને આપત્કાળ આવ્યો છે. તો દયા કરીને દર્શન આપો. ત્યારે શ્રીજી મહારાજે દયા કરીને દર્શન દીધાં. ત્યારે દવે પ્રાગજી પગે લાગીને બે હાથ જોડીને કહ્યું જે, હે મહારાજ ! ભલાં દર્શન દીધાં ને હું તૈયાર છું. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે ચાલો. પછી દેહ મૂકીને શ્રીજી મહારાજના ધામમાં ગયા. (૩૮)

ભાણજી દવેએ દેહ મૂક્યો તે પરચો લખીએ છીએ. એક દિવસ પ્રાગજી દવેના ભાઇ ભાણજીભાઇ માંદા થયા. ત્યારે શ્રીજી મહારાજને બહુ પ્રકારે વિનંતી કરી જે, હે મહારાજ ! અમે જીવ છીએ અને અમમાં તો ભૂલો ઘણી છે. તમે તો પુરુષોત્તમનારાયણ સાક્ષાત્‌ છો પ્રથમ હે મહારાજ ! તમે મને કોલ આપ્યો છે જે, અમે અંતકાળે તમારું કલ્યાણ કરશું તે ટાણું હવે આવ્યું છે. તો હવે કૃપા કરીને દર્શન આપો. ત્યારે શ્રીજી મહારાજનાં તત્કાળ દર્શન થયાં. ત્યારે ભાણજી દવેએ શ્રીજી મહારાજને પગે લાગીને કહ્યું જે, હે મહારાજ ! તમારાં દર્શન વળે કષ્ટ માત્ર નાશ પામી ગયાં છે અને પરમ શાન્તિ થઇ ગઇ છે. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું હવે ચાલો, ત્યારે ભાણજી દવેએ કહ્યું જે, હે મહારાજ ! હું તૈયાર છું ચાલો. ત્યારે ભાણજી દવેએ પોતાના દીકરાને કહ્યું જે, ચોકો કરી ખાટલેથી નીચે ચોકામાં લ્યો, ત્યારે તેના દિકરાએ ભાણજી દવેને ખાટલા ઉપરથી ઉતારીને ચોકામાં સુવડાવ્યા પછી બે હાથ જોડી પગે લાગી દેહ મૂકીને ભગવાનના ધામમાં ગયા. (૩૯)

ગામ કેરાકોટમાં બાઇ સદાબા હતાં તે માંદા થયાં તે એકત્રીશ દિવસ સુધી સૂતાં રહ્યાં, તેમાં અન્ન કે પાણી કાંઇ પણ લીધાં નહીં. અને આંખે પણ અપંગ હતાં તે દેખતાં ન હતાં. તે બાઇએ એક દિવસ ઊઠીને પોતાના સંબંધીઓ જે બીજી બાઇઓ પાસે બેઠાં હતાં તેમને પોતે કહ્યું જે, મને નવડાવો અને ચોકો કરો અને મને ખાટલા ઉપરથી નીચે લ્યો અને ચોકામાં બેસાડો. ત્યારે તે બાઇઓએ ચોકામાં બેસાડ્યાં ત્યારે બોલ્યાં જે, શ્રીજી મહારાજ પધાર્યા છે. તે મને કહે છે જે ચાલો તે હું દેહ મૂકીને ભગવાનના ધામમાં જાઉં છું. તે વાત સાંભળીને તેનાં સંબંધીઓ ચાલીસ, પચાસ બાઇઓ આવીને બેઠાં ત્યારે સદાબાએ તે બાઇઓને કહ્યું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન કરો. ત્યારે સર્વે બાઇઓ ધૂન કરવા લાગ્યાં. ત્યારે એક અતીતણબાઇ બેઠી હતી તેને જોઇને સદાબા પોતે બોલ્યાં જે, આ અતીતણ કેમ ધૂન કરતી નથી ? ત્યારે બાઇઓ કહે જે બાઇ, તમે આંખે નહોતાં દેખતાં અને અત્યારે કેમ દેખો છો ? ત્યારે સદાબા બોલ્યાં જે, શ્રીજી મહારાજનાં દર્શન થયાં ત્યારથી આંખે દેખું છું અને અષ્ટાવરણ પર અક્ષરધામને વિષે શ્રીજી મહારાજની મૂર્તિને અનંત મુક્તે સહિત દેખું છું. તેણે કરીને કષ્ટ માત્ર ટળી ગયું છે અને એ અતીતણને અહીંથી કાઢી મૂકો. અને જે સ્વામિનારાયણ નામ લે તે ભલે બેસે. એમ કહીને પછી પોતે પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન કરતાં બેઠાં બેઠાં દેહ મૂકીને શ્રીજી મહારાજના ધામમાં ગયાં. (૪૦)

એક દિવસ જેઠી ગંગારામ માંદા હતા તેના દેહ મૂકવા સમયે અનંત અક્ષર મુક્તોએ સહિત માફાવાળા રથમાં બેઠેલા શ્રીજી મહારાજ ભુજની બજારમાંથી સોંસરા ચાલ્યા આવતા હતા તે જેઠી ગંગારામને ઘેર પધાર્યા. ત્યારે આગળ મુસલમાન તેના ઘરનાં આંગણે બેઠો હતો. અને બીજાં કેટલાક મનુષ્યો પણ બેઠાં હતાં તે માફાએ સહિત રથમાં બેઠેલા શ્રીજી મહારાજને કહેવા લાગ્યાં જે, આ સ્વામિનારાયણના સાધુ આટલા બધા જેઠી ગંગારામને ઘેર જાય છે તે ઘરમાં કેમ સમાશે ? ત્યારે જેઠી ગંગારામને શ્રીજી મહારાજનાં દર્શન થયાં ત્યારે ગંગારામભાઇ ઊઠીને શ્રીજી મહારાજને પગે લાગીને, કહેવા લાગ્યા જે, હે મહારાજ ! હું દોઢ માસથી માંદો થયો છું તે તમે મને વહેલા તેડવા કેમ ન આવ્યા ? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે, ગંગારામભાઇ ! જે મુક્ત હોય તો પણ તેને પ્રારબ્ધ તો ભોગવવાં જોઇએ તે હવે ચાલો તેડી જઇએ. ત્યારે જેઠી ગંગારામે કહ્યું જે, હે મહારાજ ! હું તો વાટ જોઇને બેઠો હતો તે ચાલો તૈયાર છું. પછી શ્રીજી મહારાજ તેને દેહ મુકાવીને અક્ષરધામમાં તેડી ગયા. તે પછી બીજે દિવસે કરાંચી બંદરમાં આપણા મંદિરમાં રાત્રે કાળાતળાવના સુતાર કાનજીને સમાધિ થઇ અને પછી સમાધિમાંથી જાગ્યા ત્યારે મિસ્ત્રી રણછોડે પૂછ્યું જે આજ તમે સમાધિમાં ક્યાં ગયા હતા ? તે વાત કરો. ત્યારે સુતાર કાનજીએ કહ્યું જે, હું અક્ષરધામમાં ગયો હતો અને ત્યાં દિવ્ય સિંહાસન ઉપર શ્રીજી મહારાજ બિરાજમાન હતા ત્યાં હું દર્શન કરીને પગે લાગીને બેઠો ત્યારે શ્રીજી મહારાજે મને કહ્યું જે, કાલ રોજે જેઠી ગંગારામ દેહ મૂકીને અહીં આવ્યા છે. તેને તમે પગે લાગો ત્યારે હું શ્રીજી મહારાજની આજ્ઞાએ કરીને પગે લાગીને હું આંહી આવ્યો છું. ત્યારે તે સૌ સત્સંગીઓએ ભુજ કાગળ લખીને તે ખબર મંગાવી તો જેમ કાનજીએ વાત કરી હતી તેમજ ભુજથી સમાચાર આવ્યા. તે વાત સાંભળીને સૌ સત્સંગીઓએ એ વાત સાચી માની. (૪૧)

એક દિવસ સુખશય્યા સારુ ભુજ મંદિરના સાધુ સદ્‌ગુરૂ આનંદાનંદ સ્વામીએ મહેતા શિવરામને પૂછ્યું જે, શિવરામભાઇ ! ઢોલિયો પ્રસાદીનો છે તે આપશો ? ત્યારે શિવરામભાઇએ કહ્યું જે તે ઢોલિયો હું નહીં આપું, આવી રીતે ચોખી ના પાડી. ત્યાર પછી માંડવી મંદિરની સુખશય્યા માટે ડોસાભાઇએ તે ઢોલિયો માગ્યો તો પણ પૂર્વની પેઠે ના પાડી. પછી છ સાત માસ ગયા પછી એક દિવસે શ્રીજી મહારાજે સર્વે ધોળાં વસ્ત્ર પહેરી મલ્લના જેવો વેષ ધારણ કરીને હાથમાં છડી લઇને કરડી મૂર્તિ છે જેની એવા થકા શ્રીજી મહારાજ માંડવીના સત્સંગી ડોસાભાઇને સાથે લઇને અર્ધી રાત્રેએ શિવરામ મહેતાને સૂતા ઉઠાડીને કહ્યું જે, તમે સૂતા છો એ ઢોલિયો અમારી પ્રસાદીનો છે તે આ ઊભેલા ડોસાભક્તને આપો. ત્યારે શિવરામ મહેતે કહ્યું જે, એ તો માંડવી ગામના ડોસાભાઇ છે તેને હું એ ઢોલિયો નહીં આપું. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે, એ તો મૈત્રેય ઋષિ છે. માટે એમને ઢોલિયો આપો. ત્યારે શિવરામ મહેતા બોલ્યા જે, એમને હું ઓળખું છું તે નહીં આપું. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે, બોલશો નહીં, ઊઠો અને ઢોલિયો ઉપાડીને કોરે મૂકો અને ભોંય પથારી કરો અને એ ઢોલિયો માંડવીના મંદિરમાં સુખશય્યા માટે આપો. એમ કહીને અંતર્ધાન થઇ ગયા, અને શિવરામ તો પૃથ્વી ઉપર આસન કરીને સૂતા અને સવારમાં ઊઠીને મંદિરમાં આવીને ડોસાભાઇ ઉપર માંડવી કાગળ લખ્યો જે, તમે નવો ઢોલિયો લઇને અહીં આવજો અને તે ઢોલિયો મને આપીને અને જે શ્રીજી મહારાજની પ્રસાદીનો ઢોલિયો મારી પાસે છે તે લઇ જાઓ. ત્યારે ડોસાભાઇ માંડવીથી નવો ઢોલિયો લઇને ભુજ આવ્યા અને તે શિવરામ મહેતાને આપીને પ્રસાદીનો ઢોલિયો લઇ ગયા. (૪૨)

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે શ્રીજી મહારાજે મહેતા શિવરામને તથા હરજીવનને તથા સારસ્વત વિરજીને તથા સદાબાને અને જેઠી ગંગારામને પરચા પૂર્યા એ નામે ત્રાણુંમો અધ્યાય. ૯૩