અધ્યાય ૯૨
વળી એક દિવસે ગામ આધોઇના અને ગામ કંથકોટના સર્વે સત્સંગીઓ ભેળા થઇને શ્રીજી મહારાજનાં દર્શન કરવા વડતાલ ગયા હતા. તે દર્શન કરી પાછા વળ્યા તે ગામ વેણાસરથી રણમાં પડ્યા. તે રણમાં અર્ધ પંથે આવ્યા તે વખતે આઠ સ્વાર લૂંટવા આવ્યા. ત્યારે સેજુબાઇ સમાધિવાળાં હતાં તેમને માથે બાચકો હતો તે સ્વારે બરછીની અણીએ કરીને ઉપાડી લીધો. પછી ગાડાવાળો ભાડુત ઠક્કર મુમૈયો હતો તેણે એમ કહ્યું જે, તમે કહો છો જે સ્વામિનારાયણ તો ભગવાન છે. તે જો ભગવાન હશે તો આ વખતે તમારી સહાય કરશે. ત્યારે સેજુબાઇએ કહ્યું જે, ભગવાન હમણાં આવશે, એમ વાતું કરે છે ત્યાં તો કાઠીના જેવો વેષ કરીને દિવ્ય ઘોડા ઉપર બેઠેલા અને ઢાલ, તલવાર, અને ભાલું હાથમાં લીધું છે, જેમ ગરુડ ઉડીને આવે તેમ ઝપાટાબંધ આવીને શ્રીજી મહારાજ ઊભા રહ્યા. અને તે ચોરોને કહ્યું જે, હે કૂતરાઓ ! ભાગીજાઓ અને જો પાસે આવ્યા, તો સર્વેને મારી નાખીશ. ત્યારે તે ચોરો સર્વે છેટા ઊભા રહ્યા અને કહ્યું જે, હે બાવા ! અમે તો પેટને અર્થે આવાં કર્મ કરીએ છીએ. ભૂખે મરીએ છીએ. તેથી અમોને એમના પાસેથી કાંઇક ખાવા અપાવો તો જતા રહીએ. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે, જો જીવવાની ઇચ્છા રાખતા હો તો નાસી જાઓ. ત્યારે તે ચોરો લૂંટવાની આશા મેલીને જતા રહ્યા. પછી શ્રીજી મહારાજે કહ્યું જે, સર્વે સત્સંગીઓ માર્ગે ચાલો. પછી તે ચાલ્યા તે ગામ કટારીએ આવ્યા. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે, તમે સર્વે તમારાં ગામમાં જાઓ. બજારથી ઉગમણી બાજુનાં ગામને રાતના ચોર લૂટી જશે તે માટે બજારથી આથમણાં ગામમાં ઉતરજો. અમે ઘોડો પાણી પાઇને આવીએ છીએ. એમ કહીને વાંસે રહ્યા ને અંતરધાન થઇ ગયા. ત્યારે તે ગાડાવાળે કહ્યું જે, સ્વામિનારાયણ ભગવાન ખરા આજે આપણને ઉગાર્યા.૨૬
ગામ કંથકોટને ગરાસીયાએ પોતાની દીકરી સીંધ દેશમાં મીરને વેરે પરણાવી હતી તે બાઇ રાંડી એટલે પોતાને પીયરે આવી. પછી તેને તેની ભોજાઇઓ મેણું મારે જે તું તો મુસલમાની છે એમ કહે એટલે તેના મનમાં એમ થાય જે, ભોજાઇઓ મેણાં મારે છે માટે આ જીવ્યા કરતાં ઝેર ખાઇને મરી જવું તે સારું. પછી અફીણ ઘોળીને તાંસળી ભરીને પીવા તૈયાર થઇ. ત્યારે કોઇ બાઇએ તેને કહ્યું જે ચાલો સ્વામી રામાનંદના સાધુ આવ્યા છે તેનાં દર્શન કરી આવીએ. પછી તે બાઇને મનમાં એમ થયું કે સાધુનાં દર્શન કરી આવું પછી તેનું પાન કરીશ. એમ જાણીને તે અફીણની ભરેલી તાંસળી કોઠલામાં મેલીને દર્શને ગઇ. તે સમયે સાધુએ બાઇઓને વાતો કરવાનું પ્રકરણ હતું તેથી વાતો કરતા. મુક્તાનંદ સ્વામી વાતો કરતા હતા જે આવો દુર્લભ મનુષ્ય દેહ ભગવાન ભજવામાં સર્વ પ્રકારે સાનુકૂળ છે. અને વળી સંસાર સમુદ્રને તરવા માટે નાવ રૂપ છે. તેને જે માણસ ઝેર ખાઇને તથા ગળે ફાંસો ખાઇને પાડી નાખે છે તે આત્મહત્યારો કહેવાય. તે કહ્યું છે જે ; ન તરેત્ આત્મહા ; તેને યમયાતના ભોગવતાં પણ પાર આવતો નથી. એમ વાર્તા કરી તેને સાંભળીને તે બાઇનાં મનમાં એમ થયું જે આ સાધુએ મારા અંતરની વાત જાણી માટે એ ભગવાન છે. એમ જાણીને તેણે કહ્યું જે, અમારે તમારો નિશ્ચય કરવો છે. ત્યારે મુક્તાનંદ સ્વામી કહે પરમ દિવસે અહીં રામાનંદ સ્વામી આવશે. અમે જેને ભગવાન કહીએ છીએ. પછી ત્રીજે દિવસે સ્વામી આવ્યા. તે બાઇ વર્તમાન ધરીને સત્સંગી થઇ. એમ મુક્તાનંદ સ્વામીની વાતોમાં હજારો માણસોના સંશય નિવૃત્તિ પામી જતા. (૨૭)
કોઇક સમયમાં મહારાજ અને સાથે પાંચ સાત ભક્તો તે આધોઇથી કંથકોટ જતા હતા તે રાત્રીમાં મીયાણા લૂટવા આવ્યા. તે મહારાજને જોઇને ઓય અલ્લાહ એમ કહીને પગે લાગ્યા અને માર્ગ બતાવ્યો પણ લૂટી ન શક્યા અને કેરા ગામમાં રામાનંદ સ્વામીને વૈરાગી મારવા આવ્યા ત્યારે વૈરાગી રામાનંદ સ્વામીને આકાશમાં ઊંચા અધર દેખીને આશ્ચર્ય પામીને પાછા ગયા. (૨૮)
એક સમયે ગામ દહીંસરાના કચરા ભગત પોતાના ઘેરથી પોતાના સંબંધીને ઘેર કોઇક ગામ આમંત્રણ હતું તેથી જમવા ગયા હતા ત્યારે તેના સંબંધીમાં કોઇક અસુરે પ્રવેશ કરીને જમવા સમયે અન્નની થાળીમાં વિષ નખાવીને તે જમવા માટે થાળી કરાવી હતી. ત્યારે શ્રીજી મહારાજ અંતર્યામી રૂપે તેના સંબંધીમાં પ્રવેશ કરીને વિષ નાખેલ અન્નની થાળી બીજા તેના કુસંગી સંબંધી પાસે જમવા બેઠા હતા તેની આગળ મૂકાવી. ત્યારે તે વળી અસુરે તેના સંબંધીમાં પ્રવેશ કરીને અન્નની થાળી કચરા ભગત આગળ મેલી. તેમાંથી કચરા ભગત એક કોળીઓ મુખમાં મુકીને જમ્યા કે તરતજ શ્રીજી મહારાજે અંતર્યામીરૂપે કચરા ભગતમાં પ્રવેશ કરીને જ્ઞાનસ્મૃતિ મૂકી તેથી તેમને સ્મૃતિ થઇ આવી જે આ અન્નમાં ઝેર નાખ્યું છે. એટલે તત્કાળ કચરો ભગત પાણીનો કોગળો કરીને ઊઠ્યા અને ચાલી નીસર્યા. અને તેજ ગામમાં પોતાના સંબંધીને ઘેર ગયા. ત્યાં જળ પીને પોતાનો સામાન ત્યાં પડ્યો હતો તેને લઇને પોતાને ઘેર ચાલ્યા અને માર્ગમાં ગાઉ એક ગયા ત્યારે ઝેર ચડ્યું અને લેરી આવી તે પૃથ્વી ઉપર પડી ગયા. તે વખતે સાથે કોઇ માણસ પણ ન હતું. ત્યારે શ્રીજી મહારાજ દિવ્ય સ્વરૂપે આવીને કચરા ભગતને ઉઠાડ્યા.ત્યારે ઊઠીને માર્ગે ચાલ્યા તે ચાલતાં ચાલતાં બે ગાઉ ગયા ત્યારે વળી પાછી ઝેરની લેરી આવી તે ફરી વાર પૃથ્વી ઉપર પડી ગયા, અને મુર્છા આવી ગઇ. તે સમયે પાછા મહારાજ આવીને તેને ઉઠાડીને પાછા જગાડ્યા. ત્યારે ત્યાંથી ચાલ્યા તે પોતાના ગામ દહીંસરામાં પોતાને ઘેર સુખેથી ગયા, અને તેનો દેહ આયુષ્ય પર્યંત સુખેથી રહ્યો. એવી રીતે ગામ દહીંસરાના કચરા ભગતની અસુરે આપેલા ઝેરથી રક્ષા કરી. (૨૯)
કોઇક સમયમાં કાળાતળાવથી સુતાર હરભમભાઇ શ્રીજી મહારાજને દર્શને ગયા ત્યારે શ્રીજી મહારાજ ગઢડામાં બિરાજમાન હતા. સુતાર હરભમભાઇ દંડવત્ કરીને પગે લાગીને હાથ જોડીને શ્રીજી મહારાજ આગળ આવીને ઊભા રહ્યા. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે, તમારો કીયો દેશ ? તમારું કયું ગામ ? અને તમે અહીં કેમ આવ્યા છો ? ત્યારે હરભમભાઇએ કહ્યું જે હે મહારાજ ! તમે તો અંતર્યામી છો તે સર્વ વાતને જાણો છો. તમે તો અમારા દેશમાં પણ પધાર્યા છો. તમે પૂછ્યું જે તમારો કિયો દેશ તે અમારો દેશ તો અહીંથી સો ગાઉને આશરે હશે, હું તમારાં દર્શન કરવા આવેલ છું. પણ તમારો ક્યો દેશ ? અને તમારું કયું ગામ ? અને તમારું ઘર કીયું ? તમે અહીં કેમ પધાર્યા છો ? એમ હરભમ સુતારે પૂછ્યું. ત્યારે મહારાજ આસન વાળીને ધ્યાન મુદ્રાએ યુક્ત થઇને થોડીકવાર બેસીને જાગ્યા. પછી બોલ્યા જે, હરભમભાઇ જો બહાર દ્રષ્ટિએ જોઇએ તો અમારો દેશ ગામ અને ઘર ઘણાંજ છેટાં છે. અને જો અંતરદ્રષ્ટિએ જોઇએ તો અણું જેટલું છેટું નથી. પરંતુ અમારો દેશ ચિદાકાશ છે, અક્ષરધામ અમારું ધામ છે, બ્રહ્મમહોલ તે અમારે રહેવાનું ઘર છે, અમારે અહીં આવવાનું એજ પ્રયોજન એ છે જે, અનંત જીવોના કલ્યાણ કરવા અને જીવોને માયાના બંધનથી મૂકાવીને બ્રહ્મમહોલમાં લઇ જવા માટે જ અહીં આવ્યા છીએ. (૩૦)
કચ્છ દેશમાં એક વૈરાગી રહેતો હતો તે ચાર ફેરા જગન્નાથપુરી જઇ આવ્યો હતો તે મણિકર્ણિકાના ઘાટથી કાવડ ભરીને દ્વારિકાનાથને ચડાવે અને દ્વારિકાથી પાછો વળે તે મણિકર્ણિકાના ઘાટમાંથી કાવડ ભરીને જગન્નાથને ચડાવે. એમ ચાર વખત જઇ આવ્યો. અને પાંચમી વખત જવા તૈયાર થયો ત્યારે તેના શિષ્યોએ ચાલીશ રૂપિયાની સોનામહોરો કરી આપી હતી તે ત્યાંથી ચાલ્યો તે કોઇક ગામમાં પોતાના શિષ્યોના સંબંધી જાણીને ત્યાં સત્સંગીને ઘેર રાત રહ્યો. તેને પાટલો નાખીને જમવા બોલાવ્યો. ત્યારે તે વૈરાગી પાણી છાંટીને બેઠો. ત્યારે બાઇએ પૂછ્યું જે, તમે અંતરમાં ચોકો દીધો છે ? પછી તે વૈરાગીએ બાઇને પૂછ્યું જે, તમે અંતરના ચોકાનું કીધું તે સમજાણું નહીં. તે શું કહ્યું ? પછી તે બાઇ બોલ્યાં જે, અમારે અન્ય પુરુષ સાથે વાતો કરવાની આજ્ઞા નથી, બહાર અમારા સસરા બેઠા છે. તેને પૂછજો તે તમને કહેશે.
પછી તે વૈરાગીએ જમીને તે સત્સંગીને પૂછ્યું. જે હું પાણી છાંટીને જમવા બેઠો ત્યારે બાઇએ કહ્યું જે, અંતરમાં પાણી છાંટ્યા વિના બહાર પાણી છાંટ્યા કરો પણ કાંઇ વળશે નહીં તે શું સમજવું ? પછી તે બોલ્યા જે પ્રગટ ભગવાનનો આશ્રય કરીને શુધ્ધ અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય પાળીને દેહાદિકને વિષે અહંમમત્વનો ત્યાગ કરીને શુધ્ધ નિર્વાસનિક થાશો ત્યારે જ મોક્ષ થશે તે વિના તો ઉપરથી પાણી છાંટ્યા જેવું છે. પછી તે બોલ્યા જે આજ પ્રગટ ભગવાન ક્યાંથી હોય ? ત્યારે હરિભક્ત બોલ્યા જે આજ રામાનંદ પ્રગટ ભગવાન છે. એમ કહીને તેને રામાનંદ સ્વામી પાસે લાવ્યા. સ્વામીને કહ્યું જે આને વાતો કરો ત્યારે સ્વામી વૈરાગી પ્રત્યે બોલ્યા જે, તારી પાસે પાપ છે, તેથી તને શું વાતો વાગે ? એમ કહીને તે સોનામહોરૂં નાખી દેવડાવી. પછી વાત કહીને સમજાવ્યો પછી તે સાધુ થયો. (૩૧)
એક સમયમાં દ્વારિકામાં કચ્છી ગઢને વિષે શિવરામ મહેતા રાજાની નોકરીમાં હતા. તે પોતે કેટલાક પગારદારોના ઉપરી હતા. જ્યારે પગારદારોનો પગાર ચૂકાવી દેવા માટે ભુજથી કોરીઓની કોથળીયો આવી ત્યારે તે કોરીઓ જોઇને કેટલાક લોકોનું મન બગડ્યું જે, રાત્રીમાં શિવરામ મહેતા સુતા હોય ત્યારે મારી નાખવા અને કોરીઓની કોથળીઓ આપણે લઇ લેવી. એવા ઇરાદાથી કેટલાક તૈયાર થયા. પછી શ્રીજી મહારાજે શિવરામ મહેતાને રાત્રીમાં પહેલીજ ઊંઘમાંથી ઉઠાડીને કહ્યું જે અમારી સંગાથે ચાલો. પછી શ્રીજી મહારાજ આગળ ચાલ્યા અને શિવરામ મહેતો વાંસે ચાલ્યા તે સમુદ્રમાં એમને એમ ચાલ્યા તે માંડવી લગભગ આવી ગયા. ત્યારે શિવરામ મહેતે કિનારાનો દીવો જોઇને શ્રીજીમહારાજને કહ્યું જે, મહારાજ ! આતો માંડવીનો દીવો દેખાય છે કે શું ? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું હા, આ માંડવી આવી તે તમો માંડવી જાઓ. દ્વારિકામાં જે કચ્છી ગઢ છે. તેમાં તમને મારવાનો કેટલાક લોકોએ વિચાર કર્યો હતો તે તમને અમે ઉઠાડીને અહીં લાવ્યા છીએ, માટે તમે જાઓ એમ કહીને મહારાજ તો અદ્રશ્ય થઇ ગયા. એવી રીતે શ્રીજી મહારાજે પોતાના ભક્ત શિવરામ મહેતાની રક્ષા કરી. (૩૨)
એક સમયે માનકૂવાના પટેલ શામજી માંદા થયા ત્યારે પોતાના મનમાં વિચાર કર્યો જે મારું મૃત્યું તો આવ્યું પણ મેં મારા જીવનું ભાતું કાંઇ ન કર્યું. અને તે વખતે પોતાના મનમાં વિચાર થયો જે મારા દીકરાને બોલાવું. પછી પોતાના દીકરાને કહ્યું જે દેવશી ! મેં આ ગામની પટલાઇ કરી તેમાં લોકોનાં કામ કર્યાં અને નાતનું કામ કર્યું અને શ્રી દરબારનું કામ કર્યું. તે સર્વે કામ કર્યાં, તેમાં અવળું સવળું પણ થયું હશે. પણ મેં મારા જીવનું ભાતું કાંઇ પણ ન કીધું તે હવે કેમ કરું ? ત્યારે પટેલ દેવશી બોલ્યા જે, બાપા ! હું સત્સંગી છું અને સ્વામિનારાયણ શ્રી પુરુષોત્તમ ભગવાન છે તે મહારાજની એવી આજ્ઞા છે જે શ્રી નરનારાયણના મંદિરમાં દશમો વિશમો ભાગ આપવો. થાળ કરવો, રસોઇ દેવી. સાધુઓને વસ્ત્રો ઓઢાડવાં. તે રીતે મેં સર્વે કર્યું છે. તે સર્વે તમારા જીવનું જ ભાતું છે. વેદ શાસ્ત્ર પુરાણમાં એવું લખ્યું છે. જે ભગવાન અર્થે જે જે કર્યું હોય તે તો સહસ્રઘણું થાય છે. તેથી મેં જે ભગવાન અર્થે કર્યું છે, તે તમારા જીવનું જ ભાતું છે. ત્યારે પટેલ શામજીએ કહ્યું જે હું સત્સંગી નથી અને વર્તમાન નથી ધાર્યાં માટે મારું ભાતું કેમ થાશે ? ત્યારે દેવશીએ કહ્યું જે અમારા મહારાજની આજ્ઞા છે કે જે, અંતકાળે વર્તમાન લેશે તેને પણ અમો તેડવા આવીશું. માટે હું તમને વર્તમાન આપું અને સત્સંગી થાઓ. પછી દેવશીએ વર્તમાન ધરાવ્યાં, અને દેવશીએ કહ્યું જે, હવે તમે બીજે ઠેકાણે વૃત્તિ ક્યાંય રાખશો નહીં, હું પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરું, તમે પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો. આમ બે ઘડી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કર્યું, ત્યારે શ્રીજી મહારાજ રથે બેસીને પધાર્યા. ત્યારે શામજી પટેલે કહ્યું જે આપણા આંગણામાં રથ ઊભો છે. તેવો રથ મેં કોઇ દિવસ ભાળ્યો નથી. તે રથના બળદો અને તેની ઝૂલો તથા ઘૂઘરમાળા તથા ઘરેણાં તે સર્વે દિવ્ય છે. તે એવો તે કોનો રથ છે ? તે ક્યાંથી આવ્યો છે ? ત્યારે તે દેવશીએ કહ્યું જે તે તો શ્રીજી મહારાજ રથ લઇને તમને તેડવા આવ્યા છે. તમે અમારામાં ક્યાંય પણ વૃત્તિ રાખશો નહીં. મહારાજ ભેળા તૈયાર થાઓ. ત્યારે શામજી પટેલે કહ્યું જે મહારાજ મને કહે છે ચાલો. તે તમે ચોકો કરો અને મને ભોંય ઉતારો અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો. એમ કહીને પછી જય સ્વામિનારાયણ કહીને દેહ મૂકીને ભગવાનના ધામમાં ગયા. (૩૩)
ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે શ્રીજી મહારાજે આધોઇના તથા દહીંસરાના કચરા ભગતની રક્ષા કરી તથા કાળાતળાવના હરભમ સુતારને આશ્ચર્ય બતાવ્યું તથા કચ્છ દેશના વૈરાગીની રક્ષા કરી તથા ભુજના શિવરામ મહેતાની રક્ષા કરી તથા માનકૂવાના પટેલ શામજીને પોતાના ધામમાં તેડી ગયા એ નામે બાણુંમો અધ્યાય. ૯૨