૯૬ સદ્‌ગુરુ ગોપાળાનંદ સ્વામીએ બ્રહ્મરાક્ષસ તથા તેની સાથેના ૩૦૦ ભૂતોનો ઉધ્ધાર કરવા ગઢડા મોકલ્યા અને તેમની પાસે ગોપીનાથજીના મંદિરના પાયા પથ્થરથી પૂરાવ્યા.

Submitted by swaminarayanworld on Sun, 11/12/2016 - 5:29pm

અધ્યાય ૯૬

ત્યાર પછી તે બોલ્યો જે ના ના, પ્રથમ તમે કોણ અને તમારું નામ શું ? એ સર્વે ઉત્તર તમે મને આપો ત્યારે જ હું અહીંથી જવાનો છું. એમ કહીને પોતાનો ખડીઓ ખભેથી ઉતારીને નીચે મૂકી અને તે કુમાર હઠે ચડ્યો. ત્યારે ગુરુએ તેને બહુ સમજાવ્યો. પણ તે બાળક એકનો બે ન થયો. છેવટ હાથમાંથી બાજી જતાં ગુરુ છેવટ બોલ્યા જે, બ્રહ્મકુમાર ! અમારાં કુળ ગોત્ર તારે જાણવાં જ છે ? ત્યારે તે કહે જે, હા ચોક્કસ, ત્યારે આચાર્યની આંખ ફરી, અને ભભૂકીને બોલ્યા જે ‘વિદ્યાર્થીઓ’ ! તમારું કુળ અને ગોત્ર જે હોય તે પ્રકાશો અને હું પણ મારાં કુળ ગોત્ર પ્રકાશું છું. આમ આજ્ઞા થઇ ત્યારે સર્વે વિદ્યાર્થીઓ તે ભૂતો બની હાકલા પડકારા કરવા લાગી ગયા.

ગુરુ પણ ભયંકર બ્રહ્મરાક્ષસ બનીને આગળ ઊભા રહ્યા. ત્યારે કુમાર આવું દ્રશ્ય નીરખતાં જ એકદમ ફાટી પડ્યો. જોતજોતામાં આંખના ડોળા બહાર નીકળી પડ્યા. અને તેના પ્રાણ પલવારમાં પરલોકમાં ચાલ્યા ગયા. વાતવાતમાં ભૂતાવળે તે કુમારને ભરખી લીધો અને આંખમાં કણું ખૂંચે તેમ બ્રહ્મરાક્ષસને ખૂંચવા લાગ્યો. અને બોલ્યો જે એકનો એક લાડકવાયો અને નમાયો આ બાળક આજ મારી ક્રોધરૂપી અગ્નિની ઝાળમાં હોમાયો. અરેરે....આજે મેં પારકી થાપણ અને પુત્રરૂપી પારકું ધન મારી ભૂતાવળમાં લૂંટાવ્યું. અરે...! એ તો મેં હાથે કરી લૂંટાવ્યું આજે બ્રહ્મહત્યાનું કલંક મારે શિરે પાછું લાગ્યું. ભણાવી ગણાવી અને પઢાવીને તૈયાર કરેલો હંસ મેં પારધી બનીને આજ હાથેથી હણી નાંખ્યો. હર...હર...હર...હવે મારી શી ગતિ થાશે. ક્યારે મારું આ પાતક જાશે, ક્યારે આ મારું બળતું અંતર ઠરશે ? આ બાબત જ્યારે એનો પિતા સાંભળશે ત્યારે એની છાતીએ શારડી મૂકાશે. પણ હું શો ઉપાય કરું ? ભાવિ પ્રબળ છે. થનારું તે થયું. અસ્તુ :

એક સમયે શિયાળાનો વખત હતો તેથી બેચાર જણાઓ ટાઢમાં સંકોડાતા સંકોડાતા ટુંટીયાં વાળીને ચોરાની કોર ઉપર એક પછેડીભર પડ્યા હતા. કોઇક બાજુ બેચાર ઠોળિયા ભેળા થઇને તાપણી તાપતા તાપતા કોઇકની ઠઠ્ઠા મશ્કરી કરતા હતા. ત્યાં તો એક સાધુએ આવીને તેમને પૂછ્યું જે ભાઇઓ ! આંહી રામના મંદિરમાં રાતના રાત પડ્યા રહેવાય એવી જગ્યા અમારા માટે મળશે ? તે સાંભળતાં જ તાપણીમાંનો દેવતા ચીપીઓ વડે સંકોરતો એક જણ બોલ્યો જે, તમે ક્યાંથી આવો છો ? ત્યારે તે સાધુએ કહ્યું જે, આવીએ છીએ આમ કાઠિયાવાડમાંથી, ત્યારે તેણે કહ્યું તમારું ગામ કયું ?

ત્યારે તેમણે કહ્યું જે ગામ અમારું ગઢડું. ત્યારે તેણે કહ્યું જે, તમે કેવા છો ? ત્યારે સંતે કહ્યું, અમે સાધુ છીએ. ત્યારે તેણે પાછું કહ્યું, પણ કેવા સાધુ છો ? ત્યારે તેમણે કહ્યું જે, અમે સ્વામિનારાયણના સાધુ છીએ. ત્યારે તે બોલ્યો જે ત્યારે કહોને કે જીવનમુક્તાના પંથના છીએ. પછી તે બોલ્યો કે ‘કેટલી મૂર્તિ છો ?’ ત્યારે સાધુએ કહ્યું જે, મૂર્તિ છીએ આશરે ૫૦ પચાશ. ત્યારે તે બોલ્યો જે, એમાં તમારામાં કોઇ મોટેરા છે ? ત્યારે તે સાધુએ કહ્યું જે, હા છે. ત્યારે તેણે કહ્યું જે, મોટાનું નામ શું ? ત્યારે સંતે કહ્યું જે, ગોપાળાનંદ સ્વામી. ત્યારે કોઇ બોલ્યો જે, હવે આપણે બધું પૂછીને શું કામ છે ? મૂકને ઠાલી નકામી પંચાત, સીધો જવાબ દઇ દેને. નકામું ઠાલું ડહાપણ ડોળ માં. જુવો બાપજી, સાંભળો. રામજી મંદિરનો બાવો તો બરછીએ મારવા જેવો છે તે કોઇને ઉંબરે પણ ઊભો રહેવા દેતો નથી, તો ઉતરવાની ક્યાં વાત કહેવી ? તેમાં પણ જો જીવનમુક્તાના સાધુનું નામ સાંભળશે તો તો બમણો બળી મરશે. નાહકનો તમારી સાથે લોહી ઉકાળો કરશે. માટે ત્યાં જવાનું તમે રહેવા દ્યો. તમારી છાતી કબૂલતી હોય તો આ ઘોંઘીબાર ડેલાવાળું નવે કાંઠે માળેલું ખાશું મકાન રહ્યું, તેમાં જઇને ઉતરો. તે સાંભળીને સંતોએ કહ્યું જે, એ મકાનમાં ધણીની રજા સિવાય અમારાથી ઉતરાય નહીં. અમારા ગુરુની પણ એવી જ આજ્ઞા છે. ત્યારે તે બોલ્યો જે, હોય એય તમારું ભલું થાય ! બાપજી ! એ મકાનનું તો કોઇ ધણી ધોરી નથી, એના સામું કોઇ જોતું પણ નથી. એ મકાન તો પડતર છે. તમારે રાતની રાત ગાળવી છે એમાં શું ? તમ તમારે સુખેથી સૂઇ રહો. આવું સાંભળીને સાધુ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ લેતા તે ડેલા તરફ ચાલ્યા. તે ઉઘાડીને અંદર પેઠા.

ત્યારે એક ઓસરીએ હારબંધ ઓરડાઓ દેખીને સદ્‌ગુરુ ગોપાળાનંદ સ્વામી અતિ પ્રસન્ન થયા. મુખેથી બોલી ઊઠ્યા જે, વાહ વાહ ! જેવી આપણને એકાંતની જગ્યા જોઇએ તેવીને તેવીજ મળી ચૂકી છે. ચાલો સંતો, વાળી નાખો. પછી તે સાધુઓ સર્વે ઊઠ્યા અને કોઇ વાળવા મંડ્યા, કોઇ સાફસૂફ કરવા મંડ્યા, તો કોઇ સ્નાન કરવા ગયા, તો કોઇ દિવેલ માગી લાવી કોડિયામાં દીવો પ્રગટાવવા મંડ્યા, કોઇ ખીંટીએ ભગવી ઝોળી અને સુતરની દોરીથી બાંધેલાં તુંબડાં લટકાવી દીધાં અને દીવાની આસપાસ વીંટાઇ વળી સંતો સ્વામિનારાયણ નામની ધૂન્ય મચાવવા લાગી પડ્યા. પછી સાયંકાળ સમયની નિત્યવિધિ કરી, સાધુઓ ભૂખ્યા દુઃખ્યા થાક્યા પાક્યા પડ્યા રહ્યા. તે સમયે તે ગામમાં કોઇ સત્સંગી ન હતું. જ્યારે મધ્યરાત્રિના બાર વાગ્યા તે વખતે, યોગીન્દ્ર ગોપાળાનંદ મુનિ ભીંતને ઓઠે ભણનારા સાધુઓને પાઠ આપી રહ્યા હતા ત્યાં તો મૂર્તિમાન તે બ્રહ્મરાક્ષસ તે જગ્યામાં પ્રગટ થયો અને સામે તાટ ઉપર આવીને સહુના દેખતાં ઝડપ દેતાં બેઠો અને ધબોધબ મુખમાંથી ગીર્વાણની ધારા વહાવતો બોલવા લાગ્યો. ત્યારે સ્વામીએ તે સાધુઓને પોતાની પાછળ બેસાડ્યા. બ્રહ્મરાક્ષસની સાથે પોતે સંવાદ શરૂ કર્યો. તે ઉભયનો એક ધારો શાસ્ત્રાર્થ અખંડ ગંગાના વહેણની પેઠે થવા લાગ્યો. જેમ અજાતશત્રુ ધર્મનો અને યક્ષનો સંવાદ પૂર્વે થયો હતો તેવા સંવાદનો સાક્ષાત્કાર જોનારને થાય એવી એ વખતની ધન્ય ક્ષણ હતી. બ્રાહ્મમુહૂર્ત થતાંજ તે રાક્ષસ ચાલ્યો ગયો. ગોપાળાનંદ સ્વામીની પાછળ બેઠેલા તે સાધુઓના ખોળિયામાં પ્રાણ પાછા આવ્યા.

પછી સવાર થયું કે દૂર દૂરના આડોશી પાડોશી વાટ જોઇ રહ્યા હતા કે સવારના આ બધા સાધુઓ કાળનો કોળીઓ થઇ જવાના છે. પણ જ્યારે સહુ સવારમાં જીવતા જણાયા ત્યારે તેઓ બધા ગમ ખાઇ ગયા. આ ઉપરથી કોઇ બ્રહ્મખત્રીએ આવીને પ્રસન્ન થઇ સાધુ ગોપાળાનંદ મુનિ બેઠા હતા ત્યાં જઇને પગે લાગીને બે હાથ જોડીને વિનંતી કરીને કહ્યું જે સ્વામી ! આજ તો મારી રસોઇ લ્યો અને મને કૃતાર્થ કરો. ત્યારે સ્વામીએ હસિત વદને વચન માન્યું. સુંદર સાદી રસોઇ બનાવી થાળ કરીને શ્રીજી મહારાજની મૂર્તિને ધરીને સાધુઓ સર્વે જમ્યા. પછી યોગાભ્યાસી સાધુ સહજ સૂતા અને દિવસ નમતાં તે સાધુઓ ટપોટપ કેડ્ય બાંધીને ચાલવા સાબદા થયા ત્યાં તો યોગીવર્ય ગોપાળાનંદ સ્વામી બોલ્યા જે, હે સંતો ! આ બ્રહ્મરાક્ષસની મુક્તિ કર્યા વિના આપણાથી એમને એમ કાંઇ જવાય ? આજે આપણે તેનો ઉધ્ધાર કરીશું, કાલે વહેલા વહાણમાં આપણે ચાલી નીકળશું, આપણું સાધુજનોનું વિચરણ અધમજનના ઉધ્ધાર અર્થે જ હોય છે.

તે સાંભળી સંત બોલ્યા પણ દયાળુ ? રાક્ષસની વિકરાળ આકૃતિ દેખતામાં જ અમારાં હાજાં ગગડી જાય છે. શરીર પરસેવેથી રેબઝેબ થઇ જાય છે. તો પણ ગોપાળાનંદ સ્વામીનો આગ્રહ જોઇ, સાધુએ વિચાર કર્યો કે, આપણે ચાલી નીકળશું એટલે સ્વામી પણ ચાલી નીકળશે. એમ પ્રયાણની બધી તૈયારી કરી છતાં પોતાની બાંધેલી ભેઠો સ્વામીની આજ્ઞાથી છોડવી પડી, ભયથી ફફડતાં તે પંખીડાં છેવટે સ્વામીના હાથની શીતળ છાયા તળે જઇને નિર્ભય બનીને રહ્યાં. ત્યાર પછી અંધારી ઘનઘોર રાત્રિ પડી. દીપક ઝાંખો ઝાંખો ઝબકે છે, ત્યાં તો એક ભયંકર ગેબી અવાજ થયો. તે સાંભળી નાના સાધુઓ ભયના માર્યા સ્વામીના પડખામાં જઇને ભરાણા, કોઇએ દીવાની વાટ સંકોરીને પ્રકાશને વધુ તેજ કર્યો, ત્યાં તો વાત વાતમાં વાજો વાજ બ્રહ્મરાક્ષસ આવીને ઊભો રહ્યો.

આ વખતે પોતાની જાતિ સ્વભાવને અનુસરીને એકાદ ઝાડની તીરખી લાવીને સ્વામીના ઉપર તેણે ઝાપટી. ત્યારે સ્વામીએ યોગ બળે કરીને તેણે ફેંકેલ તીરખીને અધરને અધર ત્રિશંકુની જેમ લટકાવી રાખી, હાક મારીને કહ્યું જે ‘મહા પાપના યોગે તું આવી અધોગતિને પામ્યો છે. આવો વિદ્વાન છો, કુલીન છો, તે કુલીનતા અને વિદ્વત્તા પામ્યાનું શું આ ફળ ? ભણી ભણીને ભણ્યો પણ અંતે ઇશાવાસ્યમ્‌ શ્રુતિને ભૂલ્યો. દેખી પેખીને દીવો ઝાલીને કૂવામાં તું પડ્યો. તેથી હે પાપાત્મા ! તેં કૈક નિર્દોષોના પ્રાણ પણ હર્યા. અને છેવટ આશાભર્યા અભ્રવર્ણા બ્રાહ્મણ બાળકને પણ ભરખ્યો. ફિટકાર છે તને ! અને ધિક્કાર છે તારા કુળને ! તથા ધિક્કાર છે તારી જાતિને ! આ ઝાડની ડાળી ફેંકીને આ સંતોનો પણ દ્રોહ કર્યો. હજુ આ ને આ જાતિમાં તારે સડવું છે કે ઉધ્ધરવું છે ? તે બોલ, જલ્દી બોલ. બ્રહ્મકુળમાં જન્મીને તેં શું કમાણી કરી. તારી વિદ્યા, તારું બ્રહ્મજ્ઞાન તારા મોક્ષના સાધનમાં ખપ ન લાગ્યાં. તો તે વિદ્યાથી શું ? અને તે જ્ઞાનથી પણ શું ? આવી રીતે લાલચોળ બની જઇ યોગીવર્યે હિતકારી વેણની તેના ઉપર ઝડી વરસાવી ત્યાં તો તે બ્રહ્મરાક્ષસ મોટો સાદ કાઢીને નાનો બાળક રડે તેમ રડવા લાગ્યો. રાક્ષસની ઉભય આંખમાંથી શ્રાવણ ભાદરવાનાં સરવડાં વરસવા લાગ્યાં. તે જાણે સ્વામીનાં દર્શન માત્રથી રાક્ષસનું પાપ અશ્રુરૂપ બનીને ચાલી નીકળતું હોય ને શું ? પછી સ્વામીએ તેને કહ્યું જે, બ્રહ્મરાક્ષસ તું રો માં, રો માં, અને હોય, મનુષ્ય માત્રભૂલને પાત્ર છે પણ એ ભૂલ પાછી સુધારવી એ માનવજીવનનું પરમ કર્તવ્ય છે. હવે કહે જોઇએ બ્રહ્મરાક્ષસ ! તું આ સ્થિતિમાં શી રીતે આવ્યો ? પછી તે બોલ્યો હે મહાભાગ્ય ! સાંભળો, મારી ગૃહિણી અને મારો પુત્ર આ સામેની કોઠીમાં પડીને મૂઆં અને હું પણ મોહવશ થઇને પાછળ પડીને મર્યો.

આથી મારી આ પરિસ્થિતિ થઇ છે. હવે દયાળુ ! કરુણા કરો, મારો ઉધ્ધાર કરો. હું આવી યોનિમાં બહુ રિબાઉં છું, એટલો જ મુઝાઉં છું. મારે નથી ખાવાનું સુખ, નથી પીવાનું સુખ, મેં કૈક નિર્દોષોના પ્રાણ પણ લીધા છે, એ બધું મને હવે કાંટાની જેમ શરીરમાં ખૂંચ્યા કરે છે. પછી સ્વામીએ તેને કહ્યું જે, ‘મૂર્ખ !’ જેટલો જેને સ્નેહ તેટલું તેને દુઃખ. ‘હોલી અને હોલીનાં બચ્ચામાં સ્નેહ રાખવાથી હોલાને પણ પારધીની જાળમાં બંધાવું પડ્યું હતું. એ શું તું પંડિત થઇને ભૂલી ગયો ? અને એ અવધૂત ગીતા અને એકાદશ સ્કંધને આચરણમાં જરા પણ ન મૂકી શક્યો ? પંડિતાઇ જ પંડિતને બેડીરૂપ બને છે. જેટલો સ્નેહ તેટલું દુઃખ. જુઓ આ દીપકમાં સ્નેહ છે ત્યાં સુધી એ દીપક બળે છે પણ એ દીપક નિઃસ્નેહ થતાં આપોઆપ ઓલાઇ જશે.’

તેમ સંસારમાં પણ નિઃસ્નેહ થવાથી સુખી થવાય છે. તને આ મકાનમાં તારી વાસના છે કે ? આમ દબડાવીને સ્વામીએ તેને કહ્યું. ત્યારે તે કહે ‘હા મહામુનિ ? આ બધાં મકાન મેં જાતે માથે ઊભા રહીને ચણાવ્યાં છે. જુઓ, આ ઠેકાણે મેં જાતે માથે ભૂમિમાં દ્રવ્ય દાટ્યું છે, તે મારે કામ ન આવ્યું તેમ તે મેં બીજાને પણ કામ ન આવવા દીધું. હવે એ દ્રવ્યનો તમે ગમે ત્યાં સદુપયોગ કરો. હે મહાભાગ ! મારો તમે તરત જ ઉધ્ધાર કરો, મારા ગુના માફ કરો. હું એમ માનું છું કે આપ કોઇ મોટા યોગીન્દ્ર છો. મારો ઉધ્ધાર કરવાને માટે જ તમે આંહીં મારા ભૂતિયા મકાનમાં પધાર્યા છો. ત્યારે સ્વામીએ તેને પૂછ્યું જે, તું એકલો છો કે ? ત્યારે તેણે કહ્યું, જે ના ના મારી સંગાથે બીજાં ત્રણસો ભૂતોની સેના છે. હું રાજા છું. પછી સ્વામી કહે જે ઠીક.

ત્યારે તો તું એ બધાને સાથે લઇને ઉન્મત્ત ગંગાને તીરે આવેલ સુંદર દુર્ગપુર નગર છે ત્યાં તું જા, ત્યાં એક સ્વામી છે તેને તું કહેજે, મને તમારી પાસે ગોપાળાનંદ સ્વામીએ મોકલ્યો છે. એટલે તારો એ જરૂર ઉધ્ધાર કરશે. પછી તે બોલ્યો જે, હું જાઉં ખરો પણ હે દયાળુ ! દેવના દૂતોની આડી ચોકી આવે છે તે મારાથી ત્યાં કેમ જવાશે ? ત્યારે સ્વામીએ કહ્યું જે, ‘અમારી આજ્ઞાથી દેવના દૂતો દુર્ગપુર જતાં તને અટકાવશે નહીં. તું જા મારું વચન છે. પછી તે બોલ્યો જે, હું કેટલાંય વર્ષોથી તરસ્યો છું તે મને વરુણના દૂતો ક્યાંય પણ પાણી પીવા દેતા નથી. ત્યારે સ્વામીએ કહ્યું જે દરેક જળાશયોમાં વરુણના દૂતોની ચોકી હશે પણ ઉન્મત્ત ગંગાને તીરે કોઇનો ચોકી પહેરો રહેતો નથી. ત્યાં તો પ્રગટ પુરુષોત્તમ પ્રભુ સ્વયં વિચરે છે માટે ત્યાં તું જઇને ખૂબ પાણી પીજે.

પછી તેણે કહ્યું જે, કૃપાસાગર ! લ્યો, આ જાઉં છું. એમ કહેતાં જ, સ્વામીનાં દર્શન માત્રથી જ શાન્તિ અનુભવતો પોતાના વિદ્યાર્થી ત્રણસો ભૂતોની ભયંકર સેના સાથે તે બ્રહ્મરાક્ષસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામનું સ્મરણ ગગનમાં કરતો કરતો દુર્ગપુરની દિશા સામો ચાલ્યો ગયો. ત્યાર પછી સદ્‌ગુરુ યતિકુલમણિ ગોપાળાનંદ સ્વામીએ પણ વહેલા ઊઠીને સાધુઓને લઇ વડતાલના માર્ગ ભણી ચાલવા પ્રયાણ કર્યું.

દુર્ગપુરમાં ગોપીનાથજીના મંદિરમાં પાયાનું કામ ધમધોકાર ચાલતું હોવાથી સહુના કામ ઉપર સહુ લાગી ગયા જણાય છે કોઇ ચૂના ઉપર, કોઇ પથ્થર ઉપર તો કોઇ પાણીની ટાંકી ઉપર કામ કરવા ટપોટપ લાગી ગયા છે. એક ધૂળના ટીંબા ઉપર મહારાજને બેસવાનું આસન શોભી રહ્યું છે. કોઇ કોઇ વખત ત્યાં મહાપ્રભુ વિરાજી મંદિરનાં કામકાજમાં રસ લઇ રહ્યા છે. આ પ્રમાણે સહુ સંતો દર્શન કરીને ચાલ્યા ગયા. તેવામાં એક વૃધ્ધ સાધુ ધીમા ધીમા લાકડીના ટેકે ટેકે ચાલ્યા આવે છે, મુખમાં સર્વમંગલનો પાઠ ચાલ્યા કરે છે, અંગે કરચલી પડી ગઇ છે છતાં અંગની કાન્તિ સર્વને આકર્ષણ કરે એવી છે. જોતાં સર્વનાં નયન ઠરે છે, છાતી શીતળ થાય, અને અંતરનો આત્મા જાગ્રત થાય એવા એ સમર્થ ત્યાગી સાધુ છે. એમનાથી કાંઇક દૂર દૂર એકાદ ઓળો અંધારામાં ચાલ્યો આવે છે. વૃધ્ધ તપસ્વી મૂર્તિ આગળ વધે છે. તો એ આગળ વધે છે. જો તે ઊભા રહે છે તો તે ઓળો પણ સહેજ દૂર દૂર ઊભો રહે છે. પછી છેવટ તપોમૂર્તિ વાસુદેવ નારાયણના ઓરડામાં પેઠા ત્યારે ઓળો બહાર ઊભો રહ્યો. જેવી એ વૃધ્ધ મૂર્તિ ઓસરીની કોરે આવેલાં પગથિયાં ઉતરી કે તરત ઓળો ધીમે ધીમે વાંસે ચાલવા માંડ્યો. સમય મળતાં ઝબ દેતો મુનિની પાસે ઊભો રહ્યો, ત્યારે મુનિએ પૂછ્યું કોણ ? ત્યારે તે બોલ્યો જે, શાન્ત સ્વરૂપ હે મુનિ ! હું ધોળકાનો ભૂતગતિ પામેલો મહાપાપી બ્રહ્મરાક્ષસ છું. તે હું આપને વંદન કરું છું જે હે દયાળુ ! મારો ઉધ્ધાર કરો. એમ કહીને દૂર દૂરથી તે પાછો પુનઃ પુનઃ નમ્યો. ત્યારે સ્વામીએ પૂછ્યું જે, કોણે તને આંહીં મોકલ્યો ? ત્યારે તે કહે, યોગીરાજ ગોપાળાનંદ સ્વામીએ. ત્યારે તે સંતે કહ્યું, એમ કે ! કહીને વૃધ્ધ મનમાં થોડું હસ્યા અને કહ્યું જે, વાહ વાહ, મુનિવર વાહ ! તમે અમને ક્યાં સુધી મોટેરા કરશો. અને માહાત્મ્ય વધારશો ? (મોટેથી) મોક્ષ દેવાવાળા તો એ મોક્ષમૂર્તિ પોતે જ હતા. તમને નાહક મારી પાસે શા સારુ મોકલ્યા ? એમ કહી મનમાં વિચાર કર્યો જે આને મોકલવામાં કોઇક હેતુ હશે.

પછી વળી વિચાર્યું જે, હેતુ બીજો શો હોય ? આ મંદિરના મોટા પાયા પૂરવા છે તે આ ભૂત વિના શી રીતે પૂરાય ? એમ મનમાં સમજીને એ યતિવર્યે અહીં મારી પાસે કદાચ મોકલ્યો લાગે છે. એમ વિચારીને તે સંતે કહ્યું જે, સાંભળો. પ્રથમ સેવાધર્મ સ્વીકારો, સ્વામિનારાયણ નામની સ્મરણભક્તિ કરો, આ ઉન્મત્ત ગંગામાંથી મોટા પથ્થરો લાવી લાવીને અહીં ગંજ કરો. ‘સેવામુક્તિશ્ચ ગમ્યતામ્‌’ એ સૂત્રને સાંગોપાંગ અનુસરો એટલે બસ તમારું થઇ ચૂક્યું કલ્યાણ ! એમ કહીને વૃધ્ધ તપસ્વી ચાલી નીકળ્યા. બ્રહ્મરાક્ષસ પણ ઉપર કહ્યું તે પ્રમાણે મહાવાક્યને હૃદયમાં ધારી, દર્શન કરી રાત દિવસ મંદિરના પાયાની પૂરણી કરી સદ્‌ગતિને પામ્યો. આમ ગોપીનાથજી દેવના મંદિરનો પાયો આ ભૂતોએ જ બહુધા પૂર્યો અને શ્રીહરિએ સર્વને સદ્‌ગતિ આપી.

શ્રીહરિએ શ્રીમુખે કહેલું હતું જે, ‘અમારા મંદિરના પાયામાં કોઇ એક શેરનો પથ્થર પૂરશે એનું પણ કલ્યાણ કરીશું. આવું સાંભળી એક અબુમિયાં હતા તે ગઢડાના વતની હતા તેણે શ્રીજી મહારાજના દેખતાં એક શેરીયો પથ્થર દેખાડ્યો અને કહ્યું, દેખલો સ્વામિનારાયણ ! મેં ભી એક છોટાસા પથ્થર છોડતા હું. મેરા ભી કલ્યાન હો જાય. એ પથ્થરના યોગે અંત સમયે શ્રીજી મહારાજે અબુમીયાંને દર્શન દીધાં હતાં, અને તેનું કલ્યાણ કર્યું હતું. તે અબુમિયાં હમણાં સુધી જીવતા હતા. (૫૩)

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે ગોપાળાનંદ મુનિએ બ્રહ્મરાક્ષસને તથા તેના ભૂતશિષ્યો ૩૦૦ ત્રણસોને સદ્‌ગતિ પમાડી એ નામે છન્નુમો અધ્યાય. ૯૬