અધ્યાય ૨ - કથાના શ્રવણ વિધિનું નિરૂપણ

Submitted by swaminarayanworld on Sat, 24/06/2017 - 3:44pm

અધ્યાય ૨ - કથાના શ્રવણ વિધિનું નિરૂપણ

 

શતાનંદ મુનિનું આશ્ચર્યકારી તેમજ અમૃત સમાન ઉપરોક્ત વચન સાંભળીને પણ હેમંતસિંહરાજાના મનને તૃપ્તિ થઇ નહીં, તેથી સ્વામીના અર્થ વિશેષ વધુ વચનો સાંભળવાની ઇચ્છાથી ફરી પ્રેમપૂર્વક રાજા પૂછવા લાગ્યા. ૧


હેમતસિંહ રાજા કહે છે :- હે મુનિ ! આ સત્સંગિજીવન શાસ્ત્રનો શ્રવણવિધિ એટલે કે કેવી રીતે આ શાસ્ત્ર સાંભળવું જોઇએ. તે તમારા થકી જાણવા ઇચ્છું છું. તમે એ વિધિને જાણો છો. માટે હે મહાબુદ્ધિમાન ! તમે મને યથાર્થ વિધિ સંભળાવો. ૨


આ પ્રમાણે શાસ્ત્રશ્રવણનો વિધિ જાણવા ઇચ્છતા રાજાએ પ્રશ્ન કર્યો. તે સાંભળી મુનિરાજ બહુ જ પ્રસન્ન થયા ને વિનયી તેમજ પ્રેમી રાજા પ્રત્યે કહેવા લાગ્યા. ૩


શતાનંદ મુનિ કહે છે :- હે શ્રેષ્ઠ રાજન્ ! આ ગ્રંથને સાંભળવામાં ચારે વર્ણ અને ચારે આશ્રમના લોકોને અધિકાર છે. આ વાત પૂર્વે મેં તમને કહી છે. ગ્રંથશ્રવણનો આ માર્ગ સર્વને માટે સાધારણ માર્ગ છે. કારણ કે ભગવદ્ચરિત્રોનું શ્રવણ જ સકલ પુરુષાર્થને સાક્ષાત્ સિદ્ધ કરી આપે છે. દેવતાઓએ પણ આ માર્ગની સારી પેઠે પ્રશંસા કરી છે. તેમજ મોટા મોટા મુનિજનોએ પણ આ માર્ગનો અદ્ભૂત મહિમા વર્ણવ્યો છે. ભગવાનની કથાના શ્રવણ વિના શ્રીહરિના સ્વરૂપનું જ્ઞાન જ થતું નથી. જ્ઞાન વિના મનુષ્યોને સંસારનો ક્ષય કેવી રીતે થઇ શકે ? ૪-૬


સત્સંગિજીવન એક જ્ઞાનદીપ :- માટે શ્રીહરિની કથાનું શ્રવણ જ એક અજ્ઞાનના અંધકારથી અંધ બનેલા જીવાત્માઓને જ્ઞાનસિદ્ધિ આપનાર દિપક છે. તેમજ જન્મમરણરૂપ સંસારરોગથી ઘેરાયેલા જનોને માટે ઔષધ સમાન છે. જે જનો સર્વ પ્રકારે પોતાનું શ્રેય ઇચ્છતા હોય તેણે ભક્તિભાવપૂર્વક આ મંગળકારી ભગવાનની કથા સાંભળવી જોઇએ. જે મનુષ્ય સદાને માટે કથા સાંભળવા અસમર્થ હોય તેમણે સાવધાન મનથી પ્રતિદિન એક મુહૂર્ત (દોઢ કલાક) પર્યંત કથા સાંભળવી. જે મનુષ્ય પ્રતિદિન એક મુહૂર્ત કથા સાંભળવા પણ સમર્થ ન હોય તેમણે શ્રાવણ આદિ પવિત્ર માસમાં કે એકાદશી આદિ પવિત્ર તિથિને વિષે કથા શ્રવણનું નિયમ રાખવું જોઇએ. કારણ કે જે મનુષ્યો મુહૂર્ત કે અર્ધમુહૂર્ત કે ક્ષણવાર માત્ર પણ આ પવિત્ર કથાનું ભક્તિભાવપૂર્વક શ્રવણ કરે છે. તેઓની ક્યારેય પણ દુર્ગતિ થતી નથી. સર્વે પ્રકારના યજ્ઞોમાં અને સર્વ પ્રકારના દાનોમાં જે ફળ મળે છે, તે ફળ માત્ર ભક્તિભાવપૂર્વક આ હરિકથા સાંભળવાથી જ મનુષ્યને પ્રાપ્ત થાય છે. હે રાજન્ ! આ હરિકથાના શ્રવણ વિના મનુષ્ય પશુ સમાન મનાયેલ છે. એટલા માટે પોતાનું હિત ઇચ્છતા મનુષ્યે વિધિપૂર્વક આ કથાનું અવશ્ય શ્રવણ કરવું. હે રાજન્ ! મનુષ્યોને નિરંતર અનુકૂળતા જો ન હોય તો આ ગ્રંથનું ચાતુર્માસમાં કે પૂર્ણિમા આદિ પર્વના દિવસોમાં અવશ્ય શ્રવણ કરવું. ૭-૧૪


કથા શ્રવણનો વિધિ :- પ્રભાતમાં જાગ્રત થઇ, પૂજા પાઠ આદિ નિત્યવિધિ સમાપ્ત કરી પરવાર્યા પછી શાસ્ત્રમાં કુશળ વક્તાને આમંત્રણ આપવાનું તેમજ યોગ્ય આસન આપી તેની સંભાવના કરીને તેમને નમસ્કાર કરવા. ત્યાર પછી ગ્રંથને ઊંચા આસન પર પધરાવી, તેનાથી થોડા નીચેના ભાગમાં સુખપૂર્વક બેસી શકાય તેવા અતિ કોમળ વ્યાસાસન પર વક્તાને બેસાડવા. પ્રથમ પુસ્તકની પૂજા કરીને ચંદન, ચોખા, પુષ્પના હાર આદિ વડે વક્તાનું પૂજન કરવું. ભક્તિભાવપૂર્વક ધૂપ, દીપ, નૈવેદ્ય, ફલ, તાંબૂલ અને દક્ષિણા આપી વક્તાનું પૂજન કરી, આરતી ઉતારી, આદરપૂર્વક નમસ્કાર કરવા. ૧૫-૧૮


નમસ્કાર સાથે વક્તા માટે બોલાતાં વિનય વાક્યો :- હે સુવ્રત સ્વરૂપી વક્તા મહોદયશ્રી ! આપને નમસ્કાર. હે વેદાદિ શાસ્ત્રના અર્થમાં પ્રવીણ ! હે હરિના એકાંતિક ભક્ત ! તમેજ હે ભગવદ્ સ્વરૂપનું જ્ઞાન આપનારા ! આપશ્રીને નમસ્કાર. ૧૯


હે રાજન્ ! આ પ્રમાણેના મંત્રથી એટલે કે વિનયવાક્યો બોલવા પૂર્વક વક્તાને નમસ્કાર કરીને મુખ્ય શ્રોતાએ અન્ય શ્રોતાઓની, વિપ્રોની અને સંતપુરુષોની યથાયોગ્ય પૂજા કરવી. ત્યારબાદ વક્તાને નમસ્કાર કરી વક્તાના આસનથી નીચા આસને બેસી સ્વસ્થ મનથી કથાનું શ્રવણ કરવું. ૨૦-૨૧


સંપ્રદાયની સભામાં બેસવાની મર્યાદા :- સભામાં બ્રાહ્મણોએ આગળ બેસવું. તેમની પાછળ ક્ષત્રિયોએ બેસવું, તેમની પાછળ વૈશ્યોએ બેસવું અને તેમની પાછળ શૂદ્રોએ બેસવું. અને જે સંકરજાતિના મનુષ્યો હોય તેમણે શૂદ્રોની પાછળ બેસવું. આ પ્રમાણેની મર્યાદામાં બેસીને ભગવાનની કથા સાંભળવી. જ્ઞાનવૃદ્ધ, તપોવૃદ્ધ તેમજ બ્રહ્મનિષ્ઠ જે દ્વિજો હોય તેમને શ્રોતાઓએ સર્વની આગળ બેસાડવા. ૨૨-૨૪


હે મહીપતિ ! સ્ત્રીઓએ પણ પુરુષોથી ધનુષ્ય-પરિમિત ચાર હાથ દૂરના પ્રદેશમાં મર્યાદા અનુસાર ભગવદ્કથા સાંભળવા સભામાં બેસવું. સર્વે શ્રોતાજનોએ વક્તાને પ્રીતિપૂર્વક કાંઇક અર્પણ કરીને કથા સાંભળવી. શક્તિ મુજબ રૂપામુદ્રા, તામ્રમુદ્રા કે પૈસા અર્પણ કરવા. તે શક્ય ન હોય તો પત્ર, પુષ્પ, ફળ અથવા ધાન્યની મુઠી અર્પણ કરી કથાનું શ્રવણ કરવું. આ ગ્રંથનો વક્તા બાળક, યુવાન, વૃદ્ધ, દરિદ્ર કે દુર્બળ હોય છતાં પુણ્યનું સંપાદન કરવા ઇચ્છતા શ્રોતાજનોને માટે સદાય વંદનીય તેમજ પૂજનીય છે. વક્તાને વિષે સામાન્ય વ્યક્તિનો ભાવ ક્યારેય પરઠવો નહિ. કારણ કે તેમના મુખમાંથી નીકળતી ભગવદ્કથાની વાણી દેહધારી જીવોને માટે કામધેનુ સમાન છે. ૨૫-૨૮


વક્તા સર્વનો ગુરુ છે :- આ લોકમાં કેટલાક જન્મથી ગુરુઓ છે, કેટલાક ગુણથી ગુરુઓ છે, પણ એ સર્વે પ્રકારના ગુરુઓનો પણ ગુરુ આ ગ્રંથનો વક્તા છે. કારણ કે આ સંસારચક્રમાં અનંત કોટી યોનીઓમાં જન્મી જન્મી અસહ્ય પીડાને ભોગવનારા મનુષ્યોને જે વક્તા શ્રીહરિના સ્વરૂપનું જ્ઞાન આપીને પીડા હરે છે તેનાથી શ્રેષ્ઠ બીજો ગુરુ કોણ હોઇ શકે ?. ૨૯-૩૦


કથા કોની આગળ ન કહેવી ? :- જે ધૂર્ત હોય દુરાચારી હોય તેમજ અન્યને જીતીને તેઓને દબાવવા ઇચ્છતા હોય, એવા પ્રકારની કુટિલવૃત્તિ ધરાવનારા મનુષ્યોની આગળ આ કથા કહેવી જ નહિ. ૩૧


કથા કઇ જગ્યાએ ન કરવી ? :- દુર્જનોથી વ્યાપ્ત પ્રદેશમાં, તામસી શૂદ્રો (એટલે કે શિકારીઓ) તેમજ વાઘ આદિ હિંસક પશુઓથી વ્યાપ્ત પ્રદેશમાં તેમજ દ્યુતભવનમાં આ પવિત્ર ભગવદ્ કથા કરવી નહિ. ૩૨


તો કઇ જગ્યાએ કથા કરવી ? :- જળ, વૃક્ષ અને ધાન્ય આદિથી સુખી સંપન્ન ગામ હોય, સત્પુરુષોનું નિવાસ સ્થાન હોય, પવિત્ર તીર્થભૂમિ હોય, વિષ્ણુ આદિ દેવતાઓનું મંદિર હોય, નદીનો પવિત્ર કિનારો હોય, લીંપી ગૂંપીને પવિત્ર કરેલ પોતાનું ઘર હોય તેમજ બ્રહ્મભોજન થતું હોય તેવી પાકશાળાનું સ્થાન હોય ત્યાં આ કથાનું વાચન કરવું. ૩૩


જે મનુષ્યો આ ગ્રંથનું ચંદનાદિ પૂજાના પદાર્થો વડે પૂજન કર્યા વિના અને નમસ્કાર કર્યા વિના પણ અનાદરથી કથા સાંભળે છે તે દરિદ્ર થાય છે. ૩૪


કથા સાંભળવાની રીત શું છે ? :- શ્રોતાઓએ મસ્તક પર પાઘડી બાંધી રાખી કથા સાંભળવી નહીં, પાની-સોપારી ચાવતાં ચાવતાં પણ કથા ન સાંભળવી. અને કથામાં તમાકુ આદિનું સેવન પણ ન કરવું. વક્તાના આસનથી ઊંચા આસને ન બેસવું. વક્તાના સમાન આસને પણ ન બેસવું. કથામાં પગ ઉપર પગ ચઢાવીને ન બેસવું. વીરાસનમાં ન બેસવું. વસ્ત્રથી ઢીંચણ બાંધીને પણ કથામાં ક્યારેય ન બેસવું અને શરીરમાં રોગાદિ આપત્તિ વિના સૂતા સૂતા કથા ન સાંભળવી. ૩૫-૩૭


કથા શ્રવણના નિયમોનો ભંગ કરનારની શું ગતિ થાય છે ?:- જે પુરુષો સ્ત્રીઓનાં મુખ જોતાં જોતાં આ હરિકથાનું શ્રવણ કરે છે તે કામી પુરુષો મરીને ગામનાં ભૂંડ થાય છે. કથા ચાલતી હોય ત્યારે વચ્ચે અન્યની સાથે ગ્રામ્યવાર્તા કરે છે તેમજ કથાની વચ્ચે વચ્ચે વાદવિવાદ કરવાનો દુરાગ્રહ રાખે છે, તેઓ મરીને ગર્દભ થાય છે. હે શ્રેષ્ઠ ભૂપતિ ! કથાનો પ્રસંગ ચાલતો હોય ત્યારે જે શઠ પુરુષો વચ્ચે વિઘ્ન કરે છે તેઓ મરીને પિશાચ યોનિને પામે છે. જેઓ વક્તા તેમજ પાપમોચની કથાની નિંદા કરે છે તેઓ સો જન્મ સુધી નક્કી કુતરાની યોનિને પામે છે. તેટલા માટે હે રાજન્ ! વક્તાને જે રીતે સુખ થાય તેમ વર્તીને આદરપૂર્વક વિનય સાથે નિયમોને ધ્યાનમાં રાખીને કથાનું શ્રવણ કરવું. ૩૮-૪૨


વક્તાની સાર સંભાળ :- આ સત્સંગિજીવનની કથાના વક્તાને શરીરે તેલમર્દન કરી સ્નાન કરાવવું, તેમજ પ્રતિદિન સુમધુર અને સરસ અન્ન વડે ભોજન કરાવવું. દરરોજ સવારના ભાગમાં વક્તાના સ્વરની શુદ્ધિને માટે વસ્ત્રથી ગાળીને ઉકાળેલું સાકર મિશ્રિત ગાયનું દૂધ વક્તાને અર્પણ કરવું. આ ગ્રંથના એક એક પ્રકરણની સમાપ્તિમાં, એકાદશી આદિ વ્રતના દિવસોમાં અને પૂર્ણિમા આદિ પર્વના દિવસોમાં વક્તાનું વિશેષ પૂજન કરી શક્તિને અનુસારે દક્ષિણા આપવી. ૪૩-૪૫


આ કથાની સમાપ્તિમાં દરેક શ્રોતાજનોએ વક્તાની મોટી પૂજા કરવી. શક્તિને અનુસારે વક્તાને સુવર્ણની દક્ષિણા રૂપામુદ્રા, તામ્રમુદ્રા, વસ્ત્ર, અન્ન અને વહાન અર્પણ કરવું. તેમ જ દરિદ્રોએ યથાશક્તિ કાષ્ઠ અથવા મૃતિકા આપી ધન્ય થવું. ૪૬-૪૭


વસ્ત્ર અલંકારોથી પૂજન કરાયેલા વક્તાને રમણીય વાહનમાં બેસાડી ગીત વાજિંત્રના મધુર ધ્વનિની સાથે વાજતે ગાજતે શ્રોતાજનોએ તેમને ઘર સુધી વળાવવા જવું. ૪૮


હે રાજન્ ! આ પ્રમાણે આ સત્સંગિજીવન શાસ્ત્રના શ્રવણનો વિધિ મેં સામાન્યપણે કહ્યો છે. જે મનુષ્યો આ કહેલા વિધિ મુજબ આ સત્સંગિજીવન શાસ્ત્રનું શ્રવણ કરશે, તેઓ મેં કહેલા સમગ્ર ફળને નિશ્ચે પામશે, તેમાં કોઇ જાતનો સંશય નથી. પ્રથમ આ વિધિને સાંભળ્યા પછી જ કથાનું શ્રવણ કરવું, આ વિધિ મુજબ કથા સાંભળવાથી તેઓની સમસ્ત ઇચ્છાઓ પૂર્ણ થાય છે. ૪૮-૫૧


આ પ્રમાણે મુક્તાનંદ સ્વામી વિરચિત શ્રીમત્ સત્સંગિજીવન ગ્રંથના માહાત્મ્યમાં શતાનંદ સ્વામી અને હેમંતસિંહ રાજાના સંવાદ રૂપે કથાના શ્રવણ વિધિનું નિરૂપણ કર્યું એ નામે બીજો અધ્યાય પૂર્ણ થયો. ।। ૨ ।।