અધ્યાય ૪ - શાસ્ત્રના વિશેષ શ્રવણવિધિમાં કથા વિરામના નિષેધ અધ્યાયોની સંખ્યાનું નિરૂપણ

Submitted by swaminarayanworld on Sat, 24/06/2017 - 3:47pm

અધ્યાય ૪ - શાસ્ત્રના વિશેષ શ્રવણવિધિમાં કથા વિરામના નિષેધ અધ્યાયોની સંખ્યાનું નિરૂપણ

મંગલાચરણ શ્લોકોનો ક્રમ :- શતાનંદમુનિ કહે છે, હે રાજન્ ! શ્રોતાથી પૂજાએલા વક્તાએ પ્રથમ મંગલાચરણ કરવું. મંગલાચરણમાં અતિ હર્ષની સાથે (પ્રથમ પ્રકરણના પ્રથમ અધ્યાયમાં રહેલ) ''સદાનન્દામ્ભોધિઃ'' એ આદિ ત્રણ શ્લોક બોલવા. ૧


ત્યારબાદ ''સ્વામિનારાયણો નીલકંઠ'' એ શ્લોકથી વક્તાએ શ્રીસ્વામિનારાયણ, નીલકંઠ, નારાયણ, હરિ, હરિકૃષ્ણ, સહજાનંદ અને શ્રીકૃષ્ણ આદિ નામોનું સ્મરણ કરી, મારા હૃદયમાં તમો સદા વિરાજો. એમ પ્રાર્થના કરવી. અને પછી વક્તાએ ''વૈરાગ્ય વેગ'' એ બે શ્લોક (પ્રથમ પ્રકરણના બીજા અધ્યાયમાં રહેલા) બોલી, પુસ્તકને નમસ્કાર કરી, આ બે પદ્યનો (શ્લોકનો) પાઠ કરવો. ૨-૩


બે શ્લોકો :- હે દેવદેવેશ ! હે સ્વામિનારાયણ ! હે પ્રભુ ! તમારા સ્વરૂપમાં મનને એકાગ્ર કરી હું આ શુભ કથાનું ગાન કરીશ, તેનું તમે શ્રવણ કરો. શ્રી ભક્તિધર્મના પુત્ર શ્રીસહજાનંદ સ્વામીને તેમની દિવ્ય ઉપદેશરૂપ વાણીને અને તેના દિવ્યચરિત્રોના પ્રવક્તા શતાનંદ સ્વામીને નમસ્કાર કરી ત્યારબાદ વક્તાએ અને શ્રોતાએ સામૂહિક જયઘોષ કરવો. ૪-૫


આ પ્રમાણે પદ્યોનું પઠન કરીને જ બુદ્ધિમાન વક્તાએ કથાનું વાચન કરવું. તેના અર્થનું વિવેચન સભામાં બેઠેલા સાધુ અને વિપ્રોને જ જોઇને કરે પણ સ્ત્રીઓને જોઇને કે ઉદ્દેશીને ન કરે. ૬


કથાવિરામના નિયમો :- જે જે અધ્યાયને અંતે કથા સમાપ્તિ સંમત ન હોય તે તે અધ્યાયોએ કથા વિરામ કરવો નહિ. તે અધ્યાયો હું તમને કહું છું. ૭
પ્રથમ પ્રકરણ :- પ્રથમ પ્રકરણમાં પહેલો, બીજો, ત્રીજો, છઠ્ઠો, અઢારમો, એકત્રીસમો તેત્રીસમો, પાંત્રીસમો, અડત્રીસમો, ઓગણસાલીસમો, ચાલીસમો, બેતાલીસમો, ત્રેપનમો અને સત્તાવનમો આ અધ્યાયો કથાવિરામમાં નિષેધ માન્યા છે. ૮-૧૧


બીજા પ્રકરણમાં :- પહેલો, છઠ્ઠો, નવમો, અગિયારમો, સોડમો, ત્રેવીસમો, ચોવીસમો, ત્રીસમો, આડત્રીસમો અને પીસ્તાલીસમો આ અધ્યાયયો કથાવિરામમાં નિષેધ માન્યા છે. ૧૨-૧૪


ત્રીજા પ્રકરણમાં :- નવમો, દશમો, સોડમો, સત્તરમો, ઓગણીસમો, ત્રેવીસમો, એકત્રીશમો, બત્રીશમો, તેત્રીશમો, ચાલીશમો, બેતાલીસમો, તેતાલીશમો, છેતાલીસમો, સુડતાલીસમો, બાવનમો, અઠ્ઠાવનમો, બાસઠમો અને ત્રેસઠમો આ અધ્યાયો કથાવિરામમાં નિષેધ માન્યા છે. ૧૩-૧૯


ચોથા પ્રકરણમાં :- પહેલો, પાંચમો, આઠમો, નવમો, દશમો, વીશમો, બાવીશમો, ત્રીશમો, ચોત્રીશમો, છત્રીશમો, એકતાલીશમો, તેતાલીશમો, ચુમાલીશમો, છેતાલીશમો, ચોપનમો, છપ્પનમો, સતાવનમો, અઠ્ઠાવનમો, ઓગણસાઠમો, સાઠમો, બાસઠમો, ત્રેસઠમો, ચોસઠમો, પાંસઠમો, છાસઠમો, અડસઠમો અને સીત્તેરમો આ અધ્યાયયો કથાવિરામમાં નિષેધ માન્યા છે. ૨૦-૨૭


પાંચમાં પ્રકરણમાં :- બીજો, ત્રીજો, છઠ્ઠો, સાતમો, તેરમો, વીશમો, એકવીશમો, ત્રીશમો, બત્રીશમો, પાંત્રીસમો, આડત્રીસમો, બેતાલીસમો, તેતાલીસમો, સત્તાવનમો, ઓગણસાઠમો, સાઠમો, ચોસઠમો અને છાસઠમો આ અધ્યાયો કથાવિરામમાં નિષેધ માન્યા છે. ૨૮-૩૨


આ ઉપરોક્ત અધ્યાયોના અંતે વક્તાએ ક્યારેય પણ કથાવિરામ કરવો નહિ. દરરોજના એક એક અધ્યાયના પાઠના નિયમમાં પણ આજ વિધિ જાણવો. પ્રતિદિન કથાને અંતે મુહૂર્ત પર્યંત કે એક ઘટિકા (ચોવીસ મિનીટ) પર્યંત હરિનામ સંકીર્તન કરી વક્તાએ આસનપરથી નીચે ઊતરવું. ફરી વિદ્વાન વક્તાએ પોતાના પૂજ્ય ગુરુ આદિકને નમસ્કાર કરી પોતાના ઘર પ્રત્યે જવું, કથાની પૂર્ણાહૂતિ સુધી દરરોજ વક્તાએ આ પ્રમાણે જ વર્તવું. ૩૩-૩૫


વક્તાને માટે પરાન્ન પ્રતિગ્રહનો નિષેધ :- પાપથી ભય પામનાર પંડિત વક્તાએ કથાના પ્રારંભ દિવસથી લઇને સમાપ્તિ પર્યંત બીજાનું અન્ન સ્વીકારવું નહિં. તેમજ ભિક્ષાવૃત્તિ દ્વારા પણ પ્રતિગ્રહ ન કરવો. જો શ્રોતાઓ પર્યાપ્ત અન્ન આપી ન શકે એમ હોય તો પોતાના કુટુમ્બના ભરણપોષણને યોગ્ય બીજા પાસેથી અન્ન સ્વીકારવું, તેમાં દોષ નથી. ૩૬-૩૭


ઉપરોક્ત આ નિયમ સપ્તાહ, નવાહ,પક્ષ, (પંદર દિવસ) માસ કે ઋતુ (બે માસ) ની પારાયણમાં સમજવો, પણ દરરોજના એક એક અધ્યાયની પારાયણમાં આ નિયમ લાગુ પડતો નથી. ૩૮


વક્તા માટે સાવધાની :- વક્તાએ વાયુ થાય એવું ભોજન ન કરવું. અતિ ભોજન ન કરવું. રોગ કરનાર શાક આદિકનું ભોજન ન કરવું, તેલવાળું અને કડવા પદાર્થોનું ભોજન ન કરવું. ૩૯

વક્તાએ બ્રહ્મચર્ય, અહિંસા, સત્ય અને અસ્તેય (ચોરી ન કરવી) આ નિયમોનું પાલન કરવું. તેમજ કથામાં વિઘ્ન કરે એવી કોઇ પણ ક્રિયા વક્તાએ ન કરવી. ૪૦


શ્રોતાઓ માટે સાવધાની :- પૂર્વોક્ત લક્ષણે યુક્ત શ્રોતાઓએ દરરોજ પુસ્તક અને વક્તાનું પૂર્વોક્ત વિધિથી પૂજન કરી કથાનું શ્રવણ કરવું. માથે પાઘડી મૂકી રાખી કથા ન સાંભળવી, વચ્ચે વચ્ચે બીજી બીજી જગ્યાએ બેસી જઇને કથા ન સાંભળવી, સોપારી આદિક ચાવતાં ચાવતાં કથા ન સાંભળવી, તેમજ પવિત્રપણે વાણીને નિયમમાં રાખીને કથાનું શ્રવણ કરવું. કથામાં શ્રોતાઓએ વીરાસને બેસવું નહિ, ચારે બાજુ આમ તેમ જોયા કરવું નહિ. અને કથાશ્રવણ-સમયે અરસપરસ વાતો કરવી નહિ, પરંતુ એકાગ્ર મનથી કથા સાંભળવી. ૪૧-૪૩

શ્રોતાઓએ સભામાં હાથપગ હલાવવારૂપ વ્યર્થ ચેષ્ટા કરવી નહિ, પરંતુ કથામાં કાંઇ સંશય થાય તો વિનયથી બે હાથ જોડી વક્તાને પ્રશ્ન કરવો. ૪૪

શ્રોતાઓએ કહેલા બ્રહ્મચર્યાદિક નિયમોનું પાલન કરવું. કથામાં જન્મોત્સવ આદિના પ્રસંગે કે એક એક પ્રકરણ સમાપ્તિના પ્રસંગે વક્તાને શક્તિને અનુસારે દક્ષિણા આપવી. ૪૫

તથા સમગ્ર શ્રોતાઓએ એક એક પ્રકરણની સમાપ્તિમાં પચાસથી ઓછા નહિ એટલા બ્રાહ્મણો શ્રદ્ધાપૂર્વક જમાડવા અને અશક્ત શ્રોતાઓએ આ ગ્રંથની સંપૂર્ણ કથા સમાપ્તિમાં ઓછામાં ઓછા એકસો બ્રાહ્મણોને ઇષ્ટ અને મિષ્ટ તેમજ રૂચિ મુજબ ભોજનથી તૃપ્ત કરવા, અને યથાશક્તિ દક્ષિણા આપી તેઓને રાજી કરવા. ૪૬-૪૭


મુખ્ય શ્રોતા માટે થોડું વિશેષ :- કથાના પ્રારંભના દિવસે મુખ્ય શ્રોતાએ પ્રથમ ગણપતિની પૂજા કરીને જપ કરવા માટે ત્રણ વિપ્રોની વરણી કરવી. ૪૮

હે રાજન્ ! વરણી કરાયેલા તે વિપ્રોએ દૃઢ વ્રતનિષ્ઠ થઇ શ્રીહરિની પ્રસન્નતાર્થે દરરોજ પાંચ હજાર અષ્ટાક્ષર મંત્રના જપ કરવા. ૪૯ કથાની સમાપ્તિમાં તે જપ કરનારા વિપ્રોને પણ યથાશક્તિ અન્ન, વસ્ત્ર અને દક્ષિણા આપવી. તેમજ અન્ય શ્રોતા વિપ્રોને પણ યથાશક્તિ દક્ષિણા આપવી. ૫૦

હે રાજન્ ! શ્રોતાએ મળમૂત્ર ઉપરના કાબૂ માટે અલ્પાહાર કરવો, અને એ જ એના માટે સુખકારી છે. તેમ જ હવિષ્યાન્નથી એકવાર જ ભોજન કરવું. ૫૧

કથા દરમ્યાન આહારના નિયમો :- સપ્તાહ પારાયણમાં શ્રોતાએ સાત દિવસ સુધી ઉપવાસ કરવા. અશક્ત હોય તેમણે ફળાહાર કરવું, અથવા દૂધપાન કરવું, અથવા મીઠા વિનાનું એક અન્ન ખાવું, અથવા એકવાર ભોજન કરવું. કથાનું શ્રવણ કરનાર શ્રોતાએ એમાંથી જે સુખપૂર્વક થઇ શકે તેનું ગ્રહણ કરવું. ૫૨-૫૩ કથાશ્રવણમાં ઉપકારક થાય તેવું મીઠા (નમક) વિનાના ભોજનનું નિયમ કે એકવારના ભોજનના નિયમને હું શ્રેષ્ઠ માનું છું. પરંતુ કથામાં ઉપવાસ જો વિઘ્ન કરનાર થાય તો તેને હું શ્રેષ્ઠ માનતો નથી. ૫૪


વક્તા માટેના દાનનો વિધિ :- કથા-સમાપ્તિના દિવસે મુખ્ય શ્રોતાએ ધનશક્તિ અનુસાર વક્તાની મોટી પૂજા કરવી, અન્ય સર્વે શ્રોતાઓએ પણ વક્તાની યથાયોગ્ય પૂજા કરવી. ૫૫ મુખ્ય શ્રોતાએ વક્તાને નૂતન રેશમી વસ્ત્રો, કુંડળ, કડાં આદિક આભૂષણો અને સુવર્ણમુદ્રા યથાશક્તિ અર્પણ કરવાં. જો ધનસંપત્તિની અનુકૂળતા હોય તો તેણે વિત્તલોભ (કંજૂસાઇ) ક્યારેય ન કરવી. જો વિત્તલોભ કરે તો કથાશ્રવણનું સંપૂર્ણ ફળ સિદ્ધ થતું નથી. ૫૬-૫૭ અન્ય શ્રોતાએ પણ શક્તિ અનુસાર વસ્ત્ર, આભૂષણ અને દક્ષિણા આપવી. તેમજ ગૃહસ્થાશ્રમ ધર્મને ઉપયોગી જે પદાર્થ હોય તે પણ આપવું. અલ્પ શક્તિ ધરાવતા શ્રોતાઓએ અલગ અલગ પોતાની શક્તિ અનુસાર આપવા યોગ્ય માષ પરિમિત સુવર્ણ અથવા રૂપાની દક્ષિણા વક્તાને આપવી. ૫૮-૫૯


મુખ્ય શ્રોતાએ પ્રયત્નપૂર્વક દૂધવાળી ગાય વક્તાને દક્ષિણામાં આપવી. ત્યાર પછી જપ કરેલા પૂર્વોક્ત મંત્રના દશાંશથી હોમ કરવો, અને ત્યારબાદ શ્રોતાએ દૂધપાક ઘીના દ્રવ્યથી અને વ્યાવૃત્તિ મંત્રોથી હોમ કરવો. અને તે પછી વિધિ અનુસાર જવ, તલના દ્રવ્યથી હોમ કરવો. જો હોમ કરવાની અનુકૂળતા ન હોય તો પુરુષોએ તેના મૂલ્ય જેટલું ધન આપી દેવું. તેમ કરવાથી પણ હોમના ફળની સિધ્ધિ થઇ જાય છે, એમાં કાંઇ સંશય નથી. ૬૦-૬૨


હે રાજન્ ! સત્સંગિજીવન શાસ્ત્રના શ્રવણવિધિમાં મેં આ વિશેષ વિધિ કહ્યો અને પહેલાં જે વિધિ કહ્યો હતો તે પણ અહિં કથા શ્રવણમાં લેવાનો છે, એમ તમારે જાણવું. ૬૩

હે ભૂપતિ ! જે મનુષ્યો આ વિધિ પૂર્વક ભક્તિભાવની સાથે આ સત્સંગિજીવન ગ્રંથની કથાનું શ્રવણ કરે છે, તેઓ આલોક તથા પરલોકમાં પોતાને ઇચ્છિત આગળ કહેવાશે એવા સમગ્ર ફળને પામશે. તેમાં સંશય નથી. ૬૪


ઇતિ શ્રી મુક્તાનંદ સ્વામી વિરચિત શ્રીમત્ સત્સંગિજીવન ગ્રંથના માહાત્મ્યમાં શતાનંદ સ્વામી અને હેમંતસિંહ રાજાના સંવાદરૂપે તે શાસ્ત્રના વિશેષ શ્રવણવિધિમાં કથા વિરામના નિષેધ અધ્યાયોની સંખ્યાનું નિરૂપણ કર્યું એ નામે ચોથો અધ્યાય પૂર્ણ થયો. ।। ૪ ।।