અધ્યાય - ૧૨ - કામથી પરાભવ પામેલા બ્રહ્માજીનું વૃત્તાંત.

Submitted by swaminarayanworld on Thu, 06/07/2017 - 9:40am

અધ્યાય - ૧૨ - કામથી પરાભવ પામેલા બ્રહ્માજીનું વૃત્તાંત.

કામથી પરાભવ પામેલા બ્રહ્માજીનું વૃત્તાંત. કામથી પરાભૂત સૌભરીમુનિનું વૃત્તાંત. કામથી પરાભવ પામેલા ઇન્દ્રનું વૃત્તાંત. કામથી પરાભવ પામેલા નહુષરાજાની કથા.

ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે વિપ્રવર્ય ! પૂર્વે જગતસ્રષ્ટા સ્વયં બ્રહ્માજી પોતાના જ અંગમાંથી ઉત્પન્ન થયેલી, રૂપ, લાવણ્યતા અને સૌંદર્યથી સંપન્ન પુત્રી સરસ્વતીજીને જોઇ કામદોષથી વિહ્વળ થયા, અને જ્યાં ઊભા થઇ સરસ્વતીજીનો આલિંગનના હેતુથી સ્પર્શ કરવા જાય છે તેવામાં ભય પામેલી તે કન્યા સરસ્વતી મૃગલીનું રૂપ ધારણ કરી ત્યાંથી પલાયન થઇ.૧-૨
હે વિપ્રવર્ય ! કામનાએ રહિત એવી પોતાની કન્યામાં કામવશ થઇ મોહ પામેલા બ્રહ્માજી મૃગનું રૂપ ધારણ કરી નિર્લજ્જ થઇ તેમની પાછળ દોડયા.૩

તે સમયે પોતાના પુત્રો મરીચિ આદિક પ્રજાપતિ ઋષિઓ ધર્મમર્યાદાનું ઉલ્લંઘન કરી અધર્મને માર્ગે ચાલતા પિતાને જોઇ બોધ આપવા લાગ્યા કે, હે પિતાજી ! તમારાથી પૂર્વના બ્રહ્માઓએ આવું નિંદિત કર્મ ક્યારેય કર્યું નથી. અને કલ્પને અંતે પણ બીજા કોઇ બ્રહ્મા આવું કર્મ ક્યારેય કરશે નહિ.૪-૫

હે પિતાજી ! જે પુત્રીના અંતરમાં ભોગની કોઇ ઇચ્છા નથી, અને તેથી જ ભય પામી પલાયન થઇ રહી છે. તો આવી પોતાની પુત્રીની પાછળ કયો એવો પામર પુરુષ હોય કે કામને વશ ન રાખી તમારી જેમ પાછળ દોડે ? હે પિતાજી ! તેજસ્વી મહાપુરુષો માટે આવા કર્મનું આચરણ કરવું યોગ્ય નથી. કારણ કે, તમારા જેવા મહાપુરુષો જ મનુષ્યોમાં ધર્મમર્યાદાના પ્રવર્તકો હોય છે.૬-૭

અને વળી શ્રેષ્ઠ પુરુષો જે કાંઇ શુભ-અશુભ કર્મનું આચરણ કરે છે તેવા પ્રકારનાં કર્મોનું ઇતર અજ્ઞાની મનુષ્યો પણ આચરણ કરે છે. અથવા શ્રેષ્ઠ પુરુષો જે શુભ-અશુભ કર્મને પ્રમાણપણે સ્વીકારે છે, તો ઇતર પ્રાકૃત મનુષ્યો પણ તેજ વાતને અનુસરીને ચાલે છે. આ પ્રમાણે પુત્રોએ બોધ આપ્યો. તેથી પ્રજાપતિ બ્રહ્માજી લજ્જા પામ્યા અને અધર્મ તથા અપકીર્તિના ભયથી તે જ ક્ષણે તેણે શરીર છોડી દીધું.૮-૯

હે વિપ્રવર્ય ! આ પ્રમાણે પૂર્વે જગતસૃષ્ટા બ્રહ્માજી પણ કામે કરીને મોહ પામ્યા અને પશુની માફક નિર્લજ્જ થઇ દુરાચારમાં પ્રવૃત્ત થયા હતા. બ્રહ્માજીનું આવું નિંદિત કર્મ સાંભળીને અદ્યાપિ પર્યંત સામાન્ય મનુષ્યો પણ મસ્તક ધુણાવી તેમની નિંદા કરે છે.૧૦-૧૧

હે વિપ્રવર્ય ! આ પ્રમાણે કામદોષથી બ્રહ્માજીનો પરાભવ થયો તે વૃત્તાંત મેં તમને કહ્યું. હવે પછી હજારો વર્ષ પર્યંત નૈષ્ઠિક બ્રહ્મચર્યવ્રતને ધારણ કરી તપશ્ચર્યા કરતા સૌભરિમુનિનું વૃત્તાંત તમને સંભળાવું છું.૧૨

કામથી પરાભૂત સૌભરીમુનિનું વૃત્તાંત :-- એક વખત તપસ્વીઓમાં શ્રેષ્ઠ એવા સૌભરી મહર્ષિ યમુનાના જળમાં પ્રવેશીને એક હજાર વર્ષ પર્યંત તપશ્ચર્યા કરી.૧૩

તે યમુનાના જળમાં એક વખત સ્ત્રીનો ઉપભોગ કરી પરમ સુખ પામતા અતિશય કામાતુર અને મૈથુનાસક્ત એવા મહામત્સ્યને સૌભરીએ નિહાળ્યો. મૈથુનાસક્ત માછલાને જોઇને ઋષિના મનમાં પણ સ્ત્રી ઉપભોગની સ્પૃહા જાગ્રત થઇ. ત્યારપછી તે મુનિ તપનો ત્યાગ કરી એક સ્ત્રીનું જ ચિંતવન કરવા લાગ્યા.૧૪-૧૫

પછી કોઇ રાજકન્યા સાથે લગ્નગ્રંથિથી જોડાવા ઇચ્છતા સૌભરીમુનિ પચાસ કન્યાઓના પિતા માંધાતા રાજા પાસે આવ્યા. અને એક કન્યાની માંગણી કરી. વૃદ્ધાવસ્થાને કારણે મુનિનું શરીર કાંપતું હતું. અતિશય તપશ્ચર્યા કરવાથી શરીર કૃશ થયું હતું. તે જોઇ માંધાતા રાજાએ કહ્યું, કે હે મુનિ ! આ મારી પચાસ કન્યાઓમાંથી જે કન્યા તમને વરવાની ઇચ્છા કરે તેની સાથે તમે પરણો.૧૬-૧૭

હે વિપ્રવર્ય ! માંધાતા રાજાને પોતાની કન્યાને તેમની સાથે પરણાવવાની અંતરમાં ઇચ્છા ન હોવા છતાં ઋષિના શાપના ભયથી ''બહુ સારું'' આ પ્રમાણે કહેતા સૌભરીમુનિને રાજસેવકોની સાથે અંતઃપુરમાં મોકલ્યા.૧૮

વૃદ્ધાવસ્થાને લીધે રાજા મને જમાઇ તરીકે ઇચ્છતા નથી. તેમ જાણી સૌભરીઋષિએ દેવકન્યાઓને પણ મોહ ઉપજાવે તેવું દિવ્યસ્વરૂપ ધારણ કર્યું.૧૯

તે સમયે માંધાતારાજાની પચાસે કન્યાઓ દિવ્યરૂપધારી સૌભરીમુનિને જોઇ તે જ ક્ષણે પોતાને ઇચ્છિત પતિ મળ્યો જાણી, સર્વે કન્યાઓ તેમને પરણી.૨૦

ત્યારપછી તે મુનિ પચાસે કન્યાઓને સાથે લઇ પોતાના આશ્રમમાં પધાર્યા. અને પોતાના તપોબળના સામર્થ્યથી તે જ ક્ષણે પચાસ દિવ્ય રાજમહેલોનું નિર્માણ કર્યું.૨૧

હવે સૌભરીમુનિને તે રાજકન્યાઓની સાથે વિષયભોગ ભોગવતાં રાત્રી-દિવસનું પણ ભાન રહ્યું નહિ. અને એક એક પત્ની થકી અતિ સુંદર સો સો પુત્રોનો જન્મ થયો. આ રીતે પાંચહજાર પુત્રોને ઉત્પન્ન કર્યા. હે વિપ્રવર્ય ! આ પ્રમાણે તપસ્વિઓમાં શ્રેષ્ઠ સૌભરીમુનિ કામથી મોહિત થઇ ભગવાનની પ્રસન્નતાના કારણભૂત તપમાંથી ભ્રષ્ટ થયા.૨૨-૨૩

હે વિપ્રવર્ય ! આ પ્રમાણે મેં તમને કામથી પરાભવ પામેલા સૌભરીઋષિનું વૃત્તાંત કહ્યું, હવે કામથી પરાભવ પામેલા દેવરાજ ઇન્દ્રનું વૃત્તાંત તમને કહું છું.૨૪

કામથી પરાભવ પામેલા ઇન્દ્રનું વૃત્તાંત :-- એક વખત વિમાનમાં બેસી દેવરાજ ઇન્દ્ર પૃથ્વીપર પરિભ્રમણ કરી રહ્યો હતો. તે સમયે ગંગામાં સ્નાન કરવા આવેલાં ગૌતમપત્ની અહલ્યાને જોયાં, રૂપ લાવણ્યસંપન્ન અહલ્યાદેવીને જોઇ તે જ ક્ષણે કામ વિહ્વળ થયેલો ઇન્દ્ર પોતાના મનમાં તેમનું જ સ્મરણ કરવા લાગ્યો. પછી પતિવ્રતાનારી ગૌતમપત્ની અહલ્યાને છળ કપટથી ભોગવવાની ઇચ્છા કરી ઇન્દ્ર અદૃશ્યરૂપે એકલો જ તેમની પાછળ ગયો.૨૫-૨૭

પરંતુ આશ્રમમાં ગયા પછી તપસ્વી ગૌતમમુનિને જોઇ ઇન્દ્ર ભયભીત થયો, અહલ્યાને પામવા માટે અવકાશની રાહ જોતો એકાંત સ્થળમાં છૂપાઇને રહેવા લાગ્યો. અને જ્યારે ગૌતમમુનિ નિત્ય સ્નાનાદિ કર્મનું અનુષ્ઠાન કરવા ગંગાજી પ્રત્યે ગયા ત્યારે પાછળથી અવસર જોઇ પાપબુદ્ધિ ઇન્દ્ર ગૌતમમુનિનું રૂપ લઇ અહલ્યા સાથે વિહાર કરવા લાગ્યો.૨૮-૨૯

તેવામાં પોતાનું નિત્ય કર્મ સમાપ્ત કરી ગૌતમમુનિ પોતાના આશ્રમ પ્રત્યે પાછા પધાર્યા. ત્યારે પોતાનું રૂપ ધરી છળકપટથી પોતાની પત્નીને છેતરનાર ઇન્દ્રને ગૌતમમુનિએ જોયો.૩૦

ઇન્દ્રની આવી દુર્મતિ જોઇ ગૌતમમુનિ લાલચોળ નેત્રોવાળા થઇ અધર્મ કરનાર ઇન્દ્રનો બહુ પ્રકારનો તિરસ્કાર કર્યો અને શાપ આપ્યો કે, ''હે યોનિલુબ્ધ ! હે દુષ્ટપુરુષ ! સ્રવતા રુધિરની દુર્ગંધથી યુક્ત હજારે હજાર યોનિઓ તારા શરીરમાં થઇ જાઓ.૩૧-૩૨

હે વિપ્રવર્ય ! આ પ્રમાણે મુનિએ શાપ આપ્યો કે તે જ ક્ષણે ઇન્દ્રના શરીરમાં હજાર ભગ ઉત્પન્ન થયાં અને મહા દુર્દશાને પામ્યો. અને સાથોસાથ આલોકમાં મહાન અપકીર્તિને પણ પામ્યો. તેમજ પોતાને પતિવ્રતાના ધર્મમાંથી ભ્રષ્ટ કરનાર ઇન્દ્રને મનોમન શાપ આપતાં અહલ્યાદેવી પણ પતિ ગૌતમમુનિના શાપથી વનમાં બીજા મનુષ્યો જાણી ન શકે તેવા શીલારૂપ શરીરમાં રહેવા લાગ્યાં.૩૩-૩૪

કામથી પરાભવ પામેલા નહુષરાજાની કથા :-- હે વિપ્રવર્ય ! આ પ્રમાણે મેં તમોને કામથી પરાભવ પામેલા ઇન્દ્રનું વૃત્તાંત કહ્યું, હવે ઇન્દ્રપદવીને પ્રાપ્ત કરનાર નહૂષ રાજાના પરાભવનું વૃત્તાંત કહું છું.૩૫

પૂર્વે ઇન્દ્રે વૃત્રાસુરનો વધ કર્યો ત્યારે તેને બ્રહ્મહત્યા લાગી. તેની પીડાથી ઇન્દ્ર માનસરોવરમાં કમળની નાળમાં છૂપાઇને રહેવા લાગ્યો.૩૬

તે સમયે ત્રિલોકીનું સામ્રાજ્ય સંભાળનાર કોઇ નહિ હોવાથી ઋષિઓ અને દેવતાઓએ સાથે મળી ઇન્દ્રાસન ઉપર નહૂષ નામના રાજાનો રાજ્યાભિષેક કર્યો.૩૭

તે સમયે વિદ્યા તપ અને યોગના બળથી ઇન્દ્રાસન પામેલા નહૂષરાજા ધર્મમાં બહુ હેતવાળા થઇ ધર્મથી ત્રિલોકીનું પાલન કરતા હતા. અને ઇન્દ્રમહારાજાના સર્વે પાર્ષદો, સકલ સમૃદ્ધિઓ, ગંધર્વો અને અપ્સરાઓના ગણો નહૂષ રાજાને જ ઇન્દ્ર માની તેમનું સર્વપ્રકારે સેવન કરતા હતા.૩૮-૩૯

હે વિપ્રવર્ય ! એક ઇન્દ્રાણી વિના સ્વર્ગના સમસ્ત વૈભવને નહૂષરાજા પામ્યા, તેથી ઇન્દ્રાણીની સમીપે આવી કહેવા લાગ્યા કે, હે કમલલોચના ! હું ઇન્દ્રપદ પર આરુઢ થયો છું. તેથી ઇન્દ્ર એવા મને તમે વરો.૪૦

ત્યારે ઇન્દ્રાણી તેમને સમજાવવા લાગ્યાં કે, હે ધર્મજ્ઞા ! તમારે ઘૃષ્ટતા કરી પરસ્ત્રીનો ધર્મ ભંગ કરાવવો તે યોગ્ય નથી. માટે હે કલ્યાણમૂર્તિ ! મને એકને છોડી સ્વર્ગના સમગ્ર સુખનો અનુભવ કરો. આ પ્રમાણે ઇન્દ્રાણીએ બહુ પ્રકારે સમજાવ્યા છતાં કામના વેગથી વ્યાકુળ અને સંપત્તિ મેળવી મદથી ઉધ્ધત થયેલા નહૂષ રાજાએ ઇન્દ્રાણીના વચનોનો સ્વીકાર કર્યો નહિ.૪૧-૪૨

હે વિપ્રવર્ય ત્યારપછી ઇન્દ્રાણીએ નહૂષને કહ્યું કે, હે ભદ્રે ! અત્યારે મારું વ્રત ચાલે છે તે વ્રત સમાપ્તિ પછી તમને હું ચોક્કસ વરીશ પણ અત્યારે તમે જાઓ. આ પ્રમાણે કહ્યું ત્યારે નહૂષરાજા પોતાને નિવાસ સ્થાને ગયા.૪૩

પછી ગુરુ બૃહસ્પતિના શિખવવા પ્રમાણે ઉપશ્રુતિ નામની દેવીની આરાધના કરી તેના દ્વારા ઇન્દ્રાણી ઇન્દ્ર પાસે આવ્યાં અને તેમને સમગ્ર વૃત્તાંત કહી સંભળાવ્યું.૪૪ ત્યારે ઇન્દ્રે તેમને એક યુક્તિ શિખવી. પછી નહૂષરાજા ફરી જ્યારે ઇન્દ્રાણી પાસે આવ્યા ત્યારે હસતાં હસતાં ઇન્દ્રાણીએ કહ્યું કે, હે રાજન્ ! મોટા મોટા મહર્ષિઓ જેનું વહન કરતા હોય તેવા અપૂર્વ શિબિકા વહાનમાં બેસી મને વરવા માટે અહીં પધારો. હું તમને ચોક્કસ વરીશ.૪૫-૪૬

હે વિપ્રવર્ય ! આપ્રમાણે મનના ગૂઢ રહસ્યને ધ્યાન સમક્ષ રાખી ઇન્દ્રાણીએ કહ્યું, તેથી કામદોષથી ધર્મમાર્ગમાંથી ભ્રષ્ટ થયેલા નહૂષ રાજાએ અગસ્ત્ય આદિ મહામુનિઓને શિબિકામાં જોડી તેમાં બેસી તત્કાળ ઇન્દ્રાણી પ્રત્યે આવવા નીકળ્યો. તે શિબિકામાં જોડેલા મુનિઓમાં અગસ્ત્યમુનિ મંદ ગતિએ ચાલતા હતા. તેથી તેમને ''સર્પ સર્પ'' અર્થાત્ ''જલદી ચાલો જલદી ચાલો'' એમ કહી નહૂષ રાજાએ ક્રોધથી લાતોનો પ્રહાર કર્યો, તેથી ઇન્દ્રનાં સર્વે સુકૃત નાશ પામ્યાં.૪૭-૪૮

તેથી કોપાયમાન થયેલા અગસ્ત્યમુનિ કુમાર્ગે ચાલી રહેલા નહૂષને શાપ આપ્યો કે, ''હે પાપમૂર્તિ ! અત્યારે જ તું પૃથ્વીપર બહુકાળ જીવનારો સર્પ થઇ જા.'' હે વિપ્રવર્ય ! આ પ્રમાણે અગસ્ત્યમુનિએ નહૂષને શાપ આપ્યો તેથી તેજ ક્ષણે મોટો અજગર થઇ ધરતીપર પડયો અને અપાર કષ્ટ પામ્યો.૪૯-૫૦

હે વિપ્રવર્ય ! તેવી જ રીતે બીજા અનેક મોટા મોટા મુનિઓ તથા રાજા-મહારાજાઓ પણ મુક્તભાવને પામ્યા હોવા છતાં મહાબળવાન કામદોષથી પરાભવ પામ્યા છે. તેથી હે વિપ્રવર્ય ! સુજ્ઞાજનોએ ત્યાગ કરવા યોગ્ય કામદેવની દુષ્ટતાનું વર્ણન તમારી સમક્ષ મેં કહ્યું. તેને અંતરમાં ધારી મારા આશ્રિત ભક્તજનોએ પોતાના અંતઃશત્રુ કામનો તત્કાળ ત્યાગ કરી દેવો.૫૧-૫૨

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં કામથી પરાભવ પામેલા બ્રહ્માદિકનાં વૃત્તાંતનું નિરૂપણ કર્યું એ નામે બારમો અધ્યાય પૂર્ણ થયો. --૧૨--