અધ્યાય -૧૩ - રસાસ્વાદથી પરાભવ પામેલા એકલશૃંગી ઋષિનું વૃત્તાંત.
રસાસ્વાદથી પરાભવ પામેલા એકલશૃંગી ઋષિનું વૃત્તાંત.
શ્રીનારાયણમુનિ કહે છે, હે બ્રહ્મન્ ! હવે હું રસાસ્વાદમાં આસક્ત થઇ દુર્દશાને પામેલા ઋષ્યશૃંગ મુનિની કથા તમને સંક્ષેપથી કહું છું.૧
પૂર્વે કૌશિકી નદીના તીરે વિભાંડક નામના ઋષિ રહેતા હતા. તેને તપોનિધિ એક ઋષ્યશૃંગ નામનો પુત્ર થયો. આ ઋષ્યશૃંગ બાલ્યાવસ્થાથી જ વનમાં જ રહેતા હોવાથી પિતા સિવાય અન્ય પુરુષ કે સ્ત્રીને જોયેલા નહિ. તેથી કોણ પુરુષ કહેવાય અને કોણ સ્ત્રી કહેવાય, આવું કાંઇ ભાન તેને ન હતું.૨-૩
હે વિપ્રવર્ય ! ઇન્દ્રિયોના પંચવિષયોના આહારનો ત્યાગ કરી, નૈષ્ઠિક બ્રહ્મચર્યવ્રતનો આશ્રય કરી પિતા વિભાંડકની સાથે તપશ્ચર્યા કરતા મુનિ ઋષ્યશૃંગને દેવતાઓ પણ વંદન કરતા હતા આવા મહાન થયા.૪
આ પ્રમાણે ઋષ્યશૃંગ નાની બાલ્યાવસ્થામાં હોવા છતાં તપ કરવાથી સર્વે તપસ્વીઓના માન હરાઇ જાય તેવા મહાન તપસ્વી થયા અને અન્ય તપસ્વીઓ પણ તેમની સેવા કરતા રહેતા.૫
એ અવસરે અંગદેશના લોમપાદ નામના પ્રસિદ્ધ રાજા ત્યાં રાજ્ય કરતા હતા. તે અયોધ્યા નરેશ દશરથના મિત્ર પણ હતા.૬
તે લોમપાદ રાજાએ કોઇ બ્રાહ્મણને હું તને કાંઇક આપીશ એવી પ્રતિજ્ઞા કર્યા પછી પણ પોતાના પુરોહિતના વારવાથી હવે હું તને નહિ આપું. એવું એ વિપ્ર આગળ વચન બોલ્યા. તેથી પુરવાસી સર્વે વિપ્રો તે રાજાનો અને નગરનો ત્યાગ કરી વનમાં ચાલ્યા ગયા.૭
આ પ્રમાણે બ્રાહ્મણોનો અપરાધ થવાથી તે રાજાના દેશમાં ઇન્દ્રે વૃષ્ટિ કરી નહિ. તેથી સર્વે પ્રજા અતિ દુઃખી થઇ ગઇ.૮
ત્યારે વૃદ્ધ અનુભવી મંત્રીઓને સાથે રાખી તે લોમપાદ રાજા જ્ઞાન અને વયથી વૃદ્ધ એવા ઋષિમુનિઓને વરસાદ નહિ વરસવાનું કારણ પૂછવા જંગલમાં પધાર્યા.૯
ત્યાં લોમપાદ રાજાએ બહુ જ પ્રાર્થના કરી ત્યારે કોઇ મુનિવરે તેને કહ્યું કે, હે રાજન્ ! બ્રાહ્મણોનો અપરાધ થવાથી ઇન્દ્ર તમારા દેશમાં વરસતો નથી. માટે તેમના અપરાધનું પ્રાયશ્ચિત કરી સર્વે બ્રાહ્મણોને નગરમાં ફરી નિવાસ કરાવો, અને તે બ્રાહ્મણોનું યથાયોગ્ય સન્માન કરી તેમની પૂર્વની આજીવિકા અપાવી પૂજન કરો.૧૦-૧૧
ઋષિઓ કહે છે, હે રાજન્ ! જેમના ચરણકમળ જ્યાં પણ પડવાથી સમગ્ર ઇતિઓ અર્થાત્ અતિવૃષ્ટિ-અનાવૃષ્ટિ આદિ અનિષ્ઠોની નિવૃત્તિ થાય છે, એવા નૈષ્ઠિક બ્રહ્મચારીઓની મધ્યે શ્રેષ્ઠ એકલશૃંગી મુનિને કોઇ પણ ઉપાયે તમારા રાજ્યમાં પધરાવો.૧૨
હે નૃપ ! તેમના આગમનથી વરસાદ થશે અને પ્રજા સુખી થશે, હે વિપ્રવર્ય ! આ પ્રમાણે તે મુનિએ રાજાને કહ્યું, તેથી રાજા અતિ પ્રસન્ન થયા અને મુનિને નમસ્કાર કરી પોતાના નગરમાં પાછા પધાર્યા.૧૩
ત્યારપછી રાજાએ બ્રાહ્મણોના અપરાધનું પ્રાયશ્ચિત કર્યું અને બ્રાહ્મણોને સન્માનપૂર્વક પોતાના નગરમાં પાછા બોલાવી નિવાસ કરાવ્યો. ત્યારપછી ઋષ્યશૃંગ મુનિને પોતાના રાજ્યમાં લઇ આવવા કોઇ એક વેશ્યા સ્ત્રીની નિયુક્તિ કરી. તે વેશ્યાએ કૌશિકી નદીને તીરે એક અદ્ભૂત આશ્રમની રચના કરી, તથા નદી પાર કરવા કૃત્રિમ પુષ્પો અને વૃક્ષો આદિકથી એક સુંદર નૌકા શણગારી.૧૪-૧૫
ત્યારપછી તે વારાંગના પોતાના ગુપ્તચરો દ્વારા વિભાંડક ઋષિ જંગલમાં સમિધ આદિ લેવા ગયા છે અને એકલશૃંગી આશ્રમમાં એકલા જ છે, એમ જાણી તેમને છેતરીને લઇ આવવા તેમની સમીપે આવી.૧૬
રૂપ અને લાવણ્યતાથી સંપન્ન અને વસ્ત્રાલંકારોથી વિભૂષિત તે વારાંગનાએ એકલશૃંગી મુનિને નમસ્કાર કરી તપ આદિના કુશળ સમાચાર પૂછયા.૧૭
સ્ત્રી પુરુષના ભેદને નહિ જાણનારા એકલશૃંગી તે વારાંગનાને કોઇ બ્રહ્મચારી છે એમ જાણી દર્ભનું આસન આપવું, જળ અર્પણ કરવું વગેરેથી તેનો આતિથ્ય સત્કાર કરવા લાગ્યા. અને પછી તેને પૂછયું કે, હે જટાધારી ! હે બ્રહ્મચારી ! તપરૂપી તેજથી અગ્નિ જેવા ઉજ્જવળ તમે કોણ છો ? કોઇ મહાપુણ્યશાળી મુનિના પુત્ર હશો. તમારો આશ્રમ ક્યાં છે ?.૧૮-૧૯
ભોળામુનિ એકલશૃંગીનાં વચનો સાંભળી વારાંગના કહેવા લાગી કે, હે ઋષિકુમાર ! તમારા આશ્રમથી અમારો આશ્રમ બાર કોશ દૂર કૌશિકી નદીને સામે કિનારે આવેલો છે. તે બહુજ રમણીય છે. નાવમાં બેસીને ત્યાં જઇ શકાય છે. હે બ્રહ્મન્ ! તમારે મને વંદન કરવાના ન હોય પણ મારે તમને વંદન કરવા જોઇએ. અને તમને આલિંગન પણ મારે આપવાનું હોય. આવું મારું વ્રત છે.૨૦-૨૧
ત્યારે વારાંગનાનાં વચનો સાંભળી ઋષ્યશૃંગ મુનિ કહેવા લાગ્યા કે, હે વર્ણિ ! આ ભિલાચુ તથા ઇંગોરી આદિક ફળોનું તમે ભક્ષણ કરો. તેમજ તૂંબડામાં રહેલાં મીઠાં મધુર જળનું પાન કરો. આ પ્રમાણે મુનિએ કહ્યું. ત્યારે વેશ્યાએ મુનિએ આપેલ ફળો દૂર મૂકી પોતાની પાસે રહેલાં ઘેબર, પેંડા વિગેરે રસવાળાં પદાર્થો ઋષ્યશૃંગને આપ્યાં.૨૨-૨૩
ત્યારે એકલશૃંગીમુનિ રત્નના પાત્રમાં રહેલાં શરબતનું પાન કરીને તથા સુવર્ણના પાત્રમાં રહેલાં અતિમધુરાં ભોજનનો આસ્વાદ માણીને અતિશય પ્રસન્ન થયા.૨૪
રસાસ્વાદથી તેમની ઇન્દ્રિયો વિહ્વળ થઇ અને અતિ ખુશીમાં મુનિ ખૂબજ હસવા લાગ્યા, તથા સુગંધીમાન પુષ્પોનો સુગંધ લઇ જાણે ઋષિકુમાર જ ન હોય તેવું વર્તન કરવા લાગ્યા.૨૫
પછી છેતરવામાં કુશળ વારાંગના ઋષ્યશૃંગને ચંચળ થયેલા જાણી વારંવાર બાથમાંઘાલી આલિંગન કરવા લાગી અને મધુર ગીતોનું ગાન કરવા લાગી.૨૬
પછી તો ઋષિકુમારને અતિશય વિકારને પામેલા જાણી વેશ્યા ફરી ફરીને અતિશય દબાવીને આલિંગન કરવા લાગી, અને મુનિના મનને પોતાનામાં વશ કરી પોતાના મનમાં અત્યંત આનંદ પામવા લાગી. છેતરવામાં ચતુર તે વારાંગના વિભાંડકઋષિના આગમનના ભયથી મારો અગ્નિહોત્રનો સમય થઇ ગયો છે, ભલે હવે હું જાઉં છું. એમ કહીને એકલશૃંગીને સામે જોતી જોતી તત્કાળ ત્યાંથી ચાલી ગઇ.૨૭-૨૮
હે વિપ્રવર્ય ! રસાસ્વાદને કારણે પોતાના ધર્મમાંથી ભ્રષ્ટ થયેલા એકલશૃંગીમુનિ અંતરમાં અતિશય વ્યાકુળ થયા. જાણે પોતાના શરીરમાં પ્રેતનો પ્રવેશ થયો હોય તેમ ઉન્મત્ત થઇ પોતાના મનમાં વારંવાર વારાંગનાનું જ સ્મરણ કરવા લાગ્યા. ત્યારપછી વિભાંડકમુનિ પોતાના આશ્રમમાં પાછા પધાર્યા ત્યારે પોતાના પુત્રને અતિશય વિહ્વળ થયેલા જોઇ પૂછવા લાગ્યા કે, હે પુત્ર ! તારામાં આવું પરિવર્તન થયેલું મને કેમ જોવામાં આવે છે ?.૨૯-૩૦
આ પ્રમાણે પિતા વિભાંડકનાં વચનો સાંભળી એકલશૃંગી મુનિ કહેવા લાગ્યા કે, હે પિતાજી ! આપણા આશ્રમમાં સુવર્ણ સમાન વર્ણવાળા અને સમાન આકૃતિવાળા કોઇ બ્રહ્મચારી પધાર્યા હતા. તેમનું શરીર અતિશય તેજસ્વી હતું, તેમના મસ્તક પર સુંદર શ્યામ જટા શોભતી હતી. તેમનાં નેત્રો કમળના પત્ર સમાન વિશાળ હતાં, તેમનો કંઠ ખૂબજ મધુર હતો. તેમણે કંઠથી નીચેના ભાગમાં માંસના બે પિંડ ધારણ કર્યા હતા. તેમનું શરીર અત્યંત કૃશ હતું, તેમણે ચળકતાં વલ્કલ વસ્ત્રો ધારણ કર્યાં હતાં, તે દેવપુત્રના જેવા અદ્ભૂત શોભતા હતા.૩૧-૩૨
હે પિતાજી ! તે બ્રહ્મચારી મારા મુખ ઉપર પોતાનું મુખ રાખીને તથા પોતાના શરીરને મારા શરીર સાથે ગાઢ આલિંગન આપીને તથા મધુર મધુર ગાયન કરીને મને અતિશય આનંદ ઉપજાવ્યો.૩૩
હે પિતાજી ! તેમણે મને સુંદર મધુર ભોજનો જમાડયાં, અને મીઠાં મધુરાં જળનાં પાન કરાવ્યાં, તે બ્રહ્મચારી વિના મારું આ સર્વે શરીર હવે બળે છે. તેથી હે તાત ! હું તત્કાળ તેમના આશ્રમમાં જવા ઇચ્છું છું, અને તે બ્રહ્મચારીની સાથે રહી તેમના આશ્રમમાં જ મારે તપ કરવાની ઇચ્છા છે.૩૪-૩૫
હે વિપ્રવર્ય ! આ પ્રમાણે પોતાના પુત્રનું વચન સાંભળી કોઇ છેતરવામાં ચતુર સ્ત્રીએ મારા પુત્રના ચિત્તમાં ભ્રાંતિ ઉત્પન્ન કરી છે. એમ જાણી પિતા વિસ્મય પામ્યા અને પુત્રને બોધ આપવા લાગ્યા કે, હે પુત્ર ! તપસ્વીઓને છેતરવા મનુષ્યોનું ભક્ષણ કરી જનારા બહુરૂપી રાક્ષસો આ વનમાં ફરે છે. તે તારી પાસે આવ્યા હશે.૩૬-૩૭
આ પ્રમાણે અનેક પ્રકારનાં વચનોથી પુત્ર એકલશૃંગીને પિતા વિભાંડકઋષિએ સમજાવ્યા અને ત્રણ દિવસ પર્યંત તે સ્ત્રીની વનમાં શોધ કરી છતાં તે વેશ્યા ક્યાંય મળી નહિ.૩૮
હે વિપ્રવર્ય ! પછી એક દિવસ વિભાંડક ઋષિ વનમાં સમિધ આદિ લેવા આશ્રમમાંથી બહાર ગયા. ત્યારે તે જ અવસરે ચરણનાં ઝાંઝરનો ઝણકાર કરતી તે વારાંગના ફરી આશ્રમમાં આવી.૩૯
દૂરથી જ વેશ્યાને આવતી જોઇ અતિશય હર્ષઘેલા થયેલા મુનિ ઋષ્યશૃંગ તેમની સન્મુખ દોડયા અને અતિશય સ્નેહથી ભેટી પડયા અને કહેવા લાગ્યા કે, હે પ્રાણવલ્લભ બ્રહ્મચારી ! મારા પિતા આશ્રમમાં પાછા ન આવે ત્યાં સુધીમાં તમે મને અહીંથી તમારા રમણીય આશ્રમ પ્રત્યે લઇ જાઓ.૪૦-૪૧
હે વિપ્રવર્ય ! આ પ્રમાણે ઋષ્યશૃંગ મુનિએ કહ્યું, તે સાંભળી વેશ્યા અતિશય ખુશ થઇ અને મુનિને તત્કાળ નાવમાં બેસાડી લોમપાદરાજાના અંતઃપુરમાં લઇ આવી ને કહેવા લાગી કે, આ મારો આશ્રમ છે. ત્યારપછી તે મહેલના અંતઃપુરની નારીઓ એકલશૃંગીને શૃંગારરસ સંબંધી ચાતુરીનું શિક્ષણ આપવા લાગી અને તે મુનિ પણ પોતાના નૈષ્ઠિક બ્રહ્મચારીના ધર્મને છોડી તે શૃંગારિક શિક્ષામાં આસક્ત થયા.૪૨-૪૩
હે વિપ્રવર્ય ! આ પ્રમાણે ઋષ્યશૃંગમુનિના આગમનથી લોમપાદ રાજાના રાજ્યમાં બહુજ વરસાદ થયો. અને રાજાએ પણ પોતાની શાંતા નામની કન્યા સાથે એકલશૃંગીમુનિનાં લગ્ન અતિ હર્ષથી કર્યાં. આ પ્રમાણે હે વિપ્રવર્ય મયારામ ! નૈષ્ઠિકવ્રતધારી તથા જગતને વંદન કરવા યોગ્ય અને પૂજવા યોગ્ય એકલશૃંગી ઋષિ પણ રસાસ્વાદના કારણે પોતાના નૈષ્ઠિકબ્રહ્મચર્ય વ્રતમાંથી ભ્રષ્ટ થયા.૪૪-૪૫
હે વિપ્રવર્ય ! આ પ્રમાણે બીજા અનેક રાજાઓ તથા મહર્ષિઓ પણ રસાસ્વાદના કારણે પોતાના ધર્મમાંથી ભ્રષ્ટ થઇ જન સમૂહમાં અતિ નિંદાને પાત્ર થયા છે, તેમજ રસાસ્વાદને કારણે નૈષ્ઠિકબ્રહ્મચર્ય વ્રતમાંથી પતન પામેલા એકલશૃંગી મુનિની કથા તમને કહી સંભળાવી, હવે ભગવાનના ભક્તોએ અવશ્ય સાંભળવા યોગ્ય ચક્રવર્તી ભરત મહારાજાની સ્નેહના કારણે થયેલા પતનની કથા હું તમને સંભળાવું છું.૪૬-૪૭
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં રસાસ્વાદથી ઋષ્યશૃંગમુનિનું પતન થયું એ કથાનું નિરૂપણ કર્યું એ નામે તેરમો અધ્યાય પૂર્ણ થયો. --૧૩--