અધ્યાય - ૩૫ - પંડિતોના પ્રશ્ન સામે મુક્તાનંદ સ્વામીના પ્રતિ પ્રશ્નથી શાસ્ત્રાર્થોની શરૂઆત.

Submitted by swaminarayanworld on Wed, 02/08/2017 - 8:52pm

અધ્યાય - ૩૫ - પંડિતોના પ્રશ્ન સામે મુક્તાનંદ સ્વામીના પ્રતિ પ્રશ્નથી શાસ્ત્રાર્થોની શરૂઆત.

પંડિતોના પ્રશ્ન સામે મુક્તાનંદ સ્વામીના પ્રતિ પ્રશ્નથી શાસ્ત્રાર્થોની શરૃઆત.

મુક્તાનંદ સ્વામી કહેવા લાગ્યા કે, હે વિપ્રો ! જો તમારા હૃદયમાં કોઇ પ્રશ્ન પૂછવાની ઇચ્છા હોય તો તમે શાસ્ત્રની રીત અનુસાર અત્યારે જ મને પૂછી શકો છો.૧

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે જ્યારે સ્વામીએ કહ્યું ત્યારે વિદ્વાન વિપ્રો પોતાના અભિપ્રાયને અંતરમાં ગૂઢ રાખી સર્વે મનુષ્યો સાંભળે તેમ મુક્તાનંદ સ્વામી પ્રત્યે જિજ્ઞાસુની જેમ પૂછવા લાગ્યા.૨

વાદીઓ પૂછે છે, હે સ્વામીજી ! આ કલિયુગમાં મનુષ્યોનું આત્યંતિક કલ્યાણ કયા સાધનથી થાય છે ? તે સાધનનો નિર્ણય શાસ્ત્રને અનુસારે અમને અત્યારે જ જણાવો.૩

આ પ્રમાણે તે પંડિતોએ પૂછયું, ત્યારે સર્વના સંશયોને નાશ કરનારા મુનિશ્રેષ્ઠ, મુક્તાનંદ સ્વામી તે વાદીઓનો આશય જાણવાની ઇચ્છાથી તેઓને સામે પ્રશ્ન પૂછવા લાગ્યા.૪

મુક્તાનંદ સ્વામી પૂછે છે, હે શુભ વર્તનવાળા પંડિતો ! તમે આજ દિન સુધી પોતાના આત્મકલ્યાણનો શું નિર્ણય કરી રાખ્યો છે ? તે પ્રથમ મને સંભળાવો.૫

ત્યારે વાદીપંડિતો કહેવા લાગ્યા કે, હે સ્વામીજી ! શ્રીવિષ્ણુ ભગવાનનું નામ સંકીર્તન નિશ્ચિતરીતે કળિમળનો નાશ કરનારું તથા કલ્યાણનું સાધન છે. એવો અમારો નિર્ણય છે.૬

પંડિતોનો નિર્ણય સાંભળી મુક્તાનંદ સ્વામી કહે છે, હે વિપ્રો ! જે પુરુષો પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિને જેવી જોઇ હોય તેની પોતાના હૃદયમાં ધારણા કરીને પછીથી તે ભગવાનના નામોનું સંકીર્તન કરે છે, તે પુરુષ જ હરિનામ સંકીર્તનના ફળને પ્રાપ્ત કરી શકે છે.૭

પરંતુ જે પુરુષનું મન વિભ્રાંત થઇ સ્ત્રી પુત્રાદિ સાંસારિક પદાર્થોમાં ચારે બાજુ ભમે છે. તેને હરિનામ સંકીર્તનથી શું છે ? તેને કોઇ ફળ પ્રાપ્ત થતું નથી.૮

અને ધ્યાન કરવા યોગ્ય ભગવાન શ્રીનારાયણના પ્રત્યક્ષ દર્શન વિના નામ સંકીર્તન કરતી વખતે અંતરમાં તેનું દર્શન ક્યાંથી થાય ?૯

માટે જાગ્રત અવસ્થામાં પ્રત્યક્ષ જોયેલાં માયિક પંચવિષયો સંબંધી પદાર્થોનું જે પુરુષ અંતરમાં રાત્રી-દિવસ ચિંતવન કર્યા કરતો હોય, તેવા મનુષ્યને કેવળ નામસંકીર્તન માત્રથી મોક્ષ મળવો દુર્લભ છે.૧૦

હે વિપ્રો ! જો માત્ર નામસંકીર્તનથી મનુષ્યનો મોક્ષ થઇ જતો હોય તો ત્રિકાંડવિષયપરક વેદો અર્થાત્ કર્મકાંડ, જ્ઞાનકાંડ અને ઉપાસનાકાંડનું પ્રતિપાદન કરનારા વેદો વ્યર્થ થઇ જાય, તેવી જ રીતે વેદોક્ત શમદમાદિ મોક્ષનાં સર્વે સાધનો પણ વ્યર્થ સાબિત થાય.૧૧

જો વેદોક્ત સાધનોને જ તમે નિષ્ફળ ગણો તો તમારો મત વેદબાહ્ય સિદ્ધ થાય. અને અમારો સિદ્ધાંત એ છે કે, વેદોક્ત પ્રતિપાદિત ભગવાનના સ્વરૂપનું પ્રત્યક્ષ જ્ઞાન એ જ મોક્ષનું ખરું સાધન છે.૧૨

હરિનામ સંકીર્તનથી પુણ્ય થાય પાપનો નાશ થાય, પરંતુ જન્મ-મરણરૂપ સંસૃતિ થકી તત્કાળ મોક્ષ તો કેવળ ભગવાનનાં પ્રત્યક્ષ દર્શનથી જ થાય છે.૧૩

માટે હે વિપ્રો ! તમે પ્રત્યક્ષ ભગવાન શ્રીનારાયણનાં દર્શન કર્યાં છે ? કે નથી કર્યાં ? જો કર્યાં હોય તો મોક્ષ પ્રાપ્ત થશે. અને જો પ્રત્યક્ષ દર્શન ન કર્યાં હોય તો તેને માટે આજથી પ્રયત્ન ચાલુ કરો.૧૪

વાદીઓ કહે છે, હે મુનિવર્ય ! ધર્મ, ભક્તિ અને જ્ઞાન નામનાં જે વૈદિક મોક્ષનાં સાધનો છે. તે તો કળિયુગમાં ક્ષણભંગુર મનુષ્ય શરીરથી સાધવાં કઠિન છે, એ ચોક્કસ છે.૧૫

તેથી જ અમે હરિનામસંકીર્તન માત્રથી જીવનું કલ્યાણ માન્યું છે. આવા ઘોર કળિયુગમાં પ્રત્યક્ષ શ્રીહરિનું દર્શન ક્યાંથી હોય ? ન જ હોય.૧૬

અને હે મુનિવર્ય ! મહાપાપી અજામિલ નારાયણના નામનું ઉચ્ચારણ કરવા માત્રથી મુક્તિને પામ્યો છે. તે કથાને તો તમે પણ જાણો છો.૧૭

ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે, હે પંડિત વિપ્રો ! નામ ઉચ્ચારણ માત્રથી અજામિલની જે મુક્તિ કહી છે. તે તો કેવળ પાપનાં પુંજ થકી મુક્તિ જાણવી, અથવા યમના પાશના બંધન થકી મુક્તિ જાણવી. પરંતુ સંસારના જન્મ-મરણરૂપ પાશ થકી મુક્તિ શ્રીમદ્ભાગવતમાં કહી નથી.૧૮

જુઓને યમરાજા પોતાના દૂતો પ્રત્યે કહે છે, હે યમદૂતો ! શ્રીહરિનામસંકીર્તનનું માહાત્મ્ય તો જુઓ. અજામિલ આવો મહાપાપી હતો છતાં જેનું ઉચ્ચારણ કરતાં યમના પાશ થકી મૂકાઇ ગયો.૧૯

તેવી જ રીતે આ કથા કહેતાં શુકદેવજી પણ પરીક્ષીત રાજાને કહે છે કે હે રાજન્ ! એથી જ જગતને મંગલ કરનારૂં ભગવાન વિષ્ણુનું નામ સંકીર્તન મહાપાપનું પણ અનોખું પ્રાયશ્ચિત છે. એમ તમે જાણો.૨૦

હે પંડિત વિપ્રો ! જો અજામિલ કેવળ હરિનામ સંકીર્તનથી જ મુક્તિ પામી ગયો છે, એવો જો તમારો સિદ્ધાંત હોય તો એ અજામિલે ગંગાના કિનારે બેસીને પછીથી અષ્ટાંગયોગનો અભ્યાસ શા માટે કર્યો ?૨૧

માટે અજામિલ હરિનામ સંકીર્તનથી તો કેવળ પાપથકી અને યમના પાશ થકી મૂકાયો છે. પરંતુ મોક્ષ તો ભગવાનની ઉપાસના કરી ભગવાનના સાધર્મ્યપણાને પામેલા ભગવાનના પાર્ષદોના પ્રત્યક્ષ દર્શનથી અથવા તેમની દયામય દૃષ્ટિ મળતાં જ્ઞાન પ્રાપ્ત થયું કે, અહો !!! આતો સાક્ષાત્ ભગવાનના પાર્ષદો છે. આવા જ્ઞાનને લઇને તે ભગવાનના માર્ગે વળ્યો ને અષ્ટાંગયોગ સાધી ભગવાનનો સાક્ષાત્કાર કરી મોક્ષને પામ્યો છે. એમ હું કહું છું.૨૨

હે પંડિત વિપ્રો ! કલિયુગમાં ભગવાનનું પ્રાગટય ન થાય એમ તમે જે બોલ્યા તે આવા પ્રકારનું વચન વેદાંતને જાણતા કોઇ પણ સત્પુરુષો બોલતા નથી.૨૩

આવા ઘોર કળિયુગમાં પણ અમારા ગુરુ સ્વામિનારાયણ છે, તે તો શ્રીનારાયણ ભગવાનનો પ્રગટ અવતાર છે. તેમના પરમેશ્વરપણાના ઐશ્વર્યોની તો હજારો મનુષ્યોએ તેમ જ મેં પણ પ્રગટ અનુભૂતિ કરેલી છે.૨૪

તે ભગવાન શ્રીહરિ અત્યારે સહજાનંદ સ્વામીના નામથી પ્રસિદ્ધ છે. તેથી હું કહું છું કે, તમે માનેલો સિદ્ધાંત સંપૂર્ણ અસત્ય છે.૨૫

કારણ કે, સર્વ પ્રકારના પ્રમાણોમાં પ્રત્યક્ષ પ્રમાણ પ્રબળ પ્રમાણ છે. તેથી અનુમાનાદિક પ્રમાણોથી પ્રત્યક્ષ પ્રમાણનું ખંડન કરવું શક્ય નથી.૨૬

હે પંડિત વિપ્રો ! શાસ્ત્ર સંમત અન્ય રહસ્ય પણ હું તમને કહું છું. તેને તમે સાંભળો, તમારા જેવા વિદ્વાનોએ ભગવાન શ્રીહરિના પ્રાદુર્ભાવનું કારણ સત્શાસ્ત્રો થકી જાણવું જોઇએ.૨૭

જ્યારે પૃથ્વી પર અસુરજનોના માધ્યમથી ધર્મનો ક્ષય થાય છે, ત્યારે સ્વયં ભગવાન શ્રીહરિ અવતાર ધારણ કરે છે. આ પ્રમાણે સત્શાસ્ત્રોમાં પ્રતિપાદન કરેલું છે.૨૮

તેમાં મહાભારતના વનપર્વમાં પ્રાદુર્ભાવના પ્રમાણિક બે શ્લોકો છે. તે તમને સંભળાવું છું, પ્રાણીઓની હિંસામાં રૂચિ ધરાવતા અતિશય ક્રૂર તેમજ દેવેન્દ્ર વગેરે દેવતાઓથી પણ મારી ન શકાય તેવા અવધ્ય દૈત્યો તથા રાક્ષસો આ લોકમાં જ્યારે ઉત્પન્ન થાય છે.૨૯

ત્યારે હું પવિત્ર કર્મ કરતા અને મારો વિરહ સહન ન કરી શકતા કોઇ મારા એકાંતિક ગૃહસ્થ ભક્તને ઘેર પ્રગટ થાઉં છું. ને મનુષ્યશરીરને અનુસારે વર્તી હું સર્વ પ્રકારની અધર્મની પ્રવૃત્તિને કરતા દૈત્યો તથા રાક્ષસોનો વિનાશ કરૂં છું, અને ધર્મનું સ્થાપન કરૂં છું.૩૦

હે પવિત્ર વ્રતવાળા વિદ્વાનો ! આ ઉપરોક્ત પ્રમાણે મહાભારતમાં ભગવાન જનાર્દને માર્કંડેય મહર્ષિને કહ્યું છે. હવે તમને શ્રીમદ્ ભગવદ્ગીતાના વચનો પણ કહું છું.૩૧

શ્રીકૃષ્ણ ભગવાન અર્જુન પ્રત્યે કહે છે, હે અર્જુન ! જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે અને અધર્મની અભિવૃદ્ધિ થાય છે. ત્યારે હું અવતાર ધારણ કરું છું.૩૨

સાધુ પુરુષોનું રક્ષણ કરવા માટે અને દુષ્ટ કર્મ કરતા પાપીઓનો વિનાશ કરવા માટે તેમજ ધર્મના સ્થાપન માટે હું યુગયુગને વિષે પ્રગટ થાઉં છું.૩૩

હે સુંદરવ્રતવાળા વિદ્વાનો ! આ પ્રમાણે શ્રીમદ્ ભગવદ્ગીતાના વચનોને પ્રમાણરૂપે તમે જાણો. મહાભારતના ઉદ્યોગપર્વમાં શ્રીકૃષ્ણ ભગવાન અર્જુન પ્રત્યે કહેલી ગીતા પ્રામાણિક શાસ્ત્રોના મધ્યે પરમ પ્રમાણરૂપ મનાયેલી છે.૩૪

શ્રીમદ્ ભાગવત પુરાણ પણ પ્રબળ પ્રમાણરૂપ શાસ્ત્ર છે. કારણ કે તે સર્વે વેદ, શાસ્ત્ર અને પુરાણોના પણ સારભૂત છે.૩૫

હે વિદ્વાન વિપ્રો ! ભાગવતના પ્રમાણભૂત બે શ્લોકો તમને સંભળાવું છું, જ્યારે તમોમય બુદ્ધિવાળા રાજાઓ કેવળ અધર્મમાર્ગથી પોતાનું જીવન જીવે છે, ત્યારે એ ભગવાન શ્રીકૃષ્ણ જગતના કલ્યાણને માટે યુગ યુગને વિષે પોતાના પરમ ઐશ્વર્યવાળા સ્વભાવની સાથે અનેક સ્વરૂપો ધારણ કરી ઐશ્વર્ય, સત્ય, ઋત અર્થાત્ પુણ્યકર્મ, દયા, યશ આદિ અનેક સદ્ગુણોથી યુક્ત થઇ વર્તે છે.૩૬

એ ભગવાન નિત્ય સિદ્ધ દિવ્ય સ્વરૂપે પોતાની માયાથી અર્થાત્ પોતાના સંકલ્પથી યુગયુગને વિષે દેવ, મુનિ, જળચર તેમજ મનુષ્યયોનિમાં અવતાર ધારણ કરે છે ને શત્રુઓથી અતિશય પીડા પામતા દેવ, મનુષ્ય એવા આપણું પોતાના જાણીને રક્ષણ કરે છે.૩૭

ઇત્યાદિ સેંકડો વચનો શ્રીમદ્ ભાગવત પુરાણમાં પ્રમાણરૂપે રહ્યાં છે. એ વચનો ઉપર તમારે દીર્ઘ દૃષ્ટિથી વિચાર કરવો જોઇએ.૩૮

હે વિદ્વાનવિપ્રો ! શું તમારા મતે આ કળિયુગમાં અધર્મવૃદ્ધિ થઇ હોય એવું દેખાતું નથી ? શું ધર્મની જ વૃદ્ધિ જોવામાં આવે છે ? કે જેથી કરીને અત્યારે ભગવાનનો અવતાર ન થાય ? અમે તો માનીએ છીએ કે, અત્યારે પણ અધર્મની વૃદ્ધિ થઇ છે. તેથી તેનો ઉચ્છેદ કરવા પૂર્વક ધર્મની પુષ્ટિ કરવા માટે ભગવાનનો અવતાર થયો છે.૩૯

હે વિદ્વાન વિપ્ર-ભક્તો ! તમારા હિતનું બીજું એક વચન કહું છું, તેને તમે સાંભળો. ''કળિયુગમાં ભગવાન વિષ્ણુના અવતાર ન થાય એ પ્રમાણે જે લોકો કહે છે, તેને જ તમે વળતાં પૂછો.૪૦

કે મહાભારત જે પાંચમો વેદ કહેલો છે. તેમાં તથા શ્રીમદ્ ભાગવતમાં શ્રીકૃષ્ણ તથા અર્જુનરૂપે પ્રગટેલા શ્રીનરનારાયણ ભગવાનની કથા આવે છે.૪૧

તેથી તે શ્રીકૃષ્ણ ભગવાન તથા અર્જુનનો જન્મ કળિયુગમાં જ થયો છે. તેમજ બુદ્ધાવતાર અને કલ્કિ અવતાર પણ તે પુરાણાદિમાં કલિયુગમાં જ કહેલા છે. તો તેમના જન્મોની કથા સત્ય છે કે ખોટી છે ?.૪૨

વળી હે વિદ્વાનો ! કળિયુગમાં જન્મેલા ધર્મના પ્રવર્તક રામાનુજાદિ અનેક આચાર્યો અને તેમના શિષ્યો ભગવાન શ્રીહરિના અવતારો કળિયુગમાં પણ થાય છે, એમ કહે છે, તો તેઓનાં વચનો શું ખોટાં છે ?૪૩

તેથી જે મનુષ્યો આ કલિયુગમાં ભગવાનના અવતારો થાય છે તેમ માનતા નથી, તેઓને ખરેખર શાસ્ત્રના રહસ્યનું જ્ઞાન જ નથી તે સત્ય વાત છે.૪૪

કારણ કે મંદબુદ્ધિ અને ધન પ્રાપ્તિ માટે લોકોને છેતરનારા તે મનુષ્યો માત્ર કહેવાના પંડિત છે. પરંતુ પોતાના જ વચનોમાં પૂર્વાપર વિરોધ આવે છે તેને પણ જાણી શકતા નથી. એક બાજુ ભગવાનના અવતારોમાં શ્રીકૃષ્ણ ભગવાન, બુદ્ધ ભગવાન અને કલ્કિ ભગવાનને સ્વીકારે છે, ને એક બાજુ કળિયુગમાં ભગવાન પ્રગટતા નથી એવું બોલ્યા રાખે છે.૪૫

જે મનુષ્યો કળિયુગમાં અવતારોનો નિષેધ કરે છે, તેઓ જ કળિયુગમાં પ્રાદુર્ભાવ થયેલા શ્રીકૃષ્ણ ભગવાનની કથા કરે છે. છતાં પણ શ્રીકૃષ્ણ ભગવાન ક્યારે પ્રગટયા છે તેનું તેને જ્ઞાન નથી.૪૬

સંસારમાં આસક્ત જનોનો માર્ગ જુદો છે, અને મુમુક્ષુઓનો માર્ગ પણ જુદો છે. જેને મુક્તિ જોઇતી હોય તેવા મનુષ્યોએ મોક્ષમાર્ગનું સેવન કરવું જોઇએ, નહીં કે સંસારી માર્ગનું.૪૭

આ પૃથ્વી પર આગળમાં જે જે મુમુક્ષુઓ જન્મ્યા છે, તે સર્વે સત્સંગથી જ પરમ સિદ્ધિ રૂપ મોક્ષને પામ્યા છે. મુમુક્ષુ હોવા છતાં જેણે કુસંગનો સંગ રાખ્યો છે, તે સર્વે ભ્રષ્ટ થયા છે.૪૮

હે વિપ્રો ! આ પૃથ્વીપર કલિયુગના કારણે જો ભગવાન ક્યાંય પણ સાક્ષાત્ પ્રગટ થતા ન હોય તો પછી મુમુક્ષુજનોને આશ્રય કરવા યોગ્ય તેના સંતો તે ક્યાંથી હોય ?૪૯

અને પ્રત્યક્ષ પરબ્રહ્મનો સાક્ષાત્કાર જેને હોય તેને જ સંતપુરુષો કહેલા છે. એમ પંચરાત્ર શાસ્ત્રમાં કહેલું છે, જો ભગવાન પ્રગટ જ ન થતા હોય તો આવું સંતોનું પ્રથમ લક્ષણ કેમ સિદ્ધ થઇ શકે ?૫૦

આથી પૂર્વે જેની જેની સંસારના બંધનમાંથી મુક્તિ થઇ છે, તે મુક્તિ કાં ભગવાનનાં સંગથી કાં સંતોના સંગથી થઇ છે. એમ કહેલું છે.૫૧

જો એમ જ હોય તો પછી મનુષ્યોએ કળિયુગમાં મોક્ષની આશા જ શું કામ કરવી ? કારણ કે જે થવાનું નથી તેની આશા જ શા માટે ?૫૨

હે વિપ્રો ! શાસ્ત્રોમાં તો મનુષ્યદેહને જ મોક્ષનું સાધન કહ્યું છે. જે મનુષ્ય નરદેહ પામીને પણ મોક્ષ મેળવી ન શકે તેને આત્મહત્યારો કહેલો છે.૫૩

તેમાં પણ તમને શ્રીમદ્ ભાગવતનું પ્રમાણ વચન કહું છું, આ મનુષ્ય શરીર સર્વ પ્રકારના ફળનું મૂળ છે, અર્થાત્ પૂર્વે કરેલા અનંત સાધનોના ફળરૂપે પ્રાપ્ત થયેલું છે. માટે અતિશય દુર્લભ છે, કારણ કે કોટિ જન્મે પણ મળવું અશક્ય છે, છતાં સુલભ જેવું જણાય છે, કારણ કે જેના ઉપર ભગવાનની કૃપા થાય તેને જ મનુષ્યશરીર પ્રાપ્ત થાય છે. સર્વ પ્રકારનાં સાધનો સિદ્ધ કરવામાં તે સમર્થ છે. આ સંસારસાગરને તરવા તે નૌકારૂપ છે. તે માનવજીવનમાં શાસ્ત્રોક્ત લક્ષણવાળા સાચા સદ્ગુરુ છે તે તેમના કર્ણધાર છે. પરમાત્મા એવા મારા રૂપે રહેલા અનુકૂળ પવનથી યોગ્ય દિશામાં તે ગતિ કરનારું છે. આવા મહિમાવાળા મનુષ્યશરીરને પામીને જે પુરુષો સંસારસાગરને તરતા નથી તે મનુષ્યો આત્મહત્યારા કહેલા છે.૫૪

આવા પ્રકારના સેંકડો ભગવાનનાં વચનો પ્રમાણભૂત રહેલાં છે. તેથી જે મનુષ્ય નરદેહ પામીને સંસૃતિના બંધન થકી મુક્ત થતો નથી તે આત્મઘાતી છે.૫૫

હે વિપ્રો ! મનુષ્યોના શરીર વિના અન્ય બીજા કોઇ શરીરોથી ક્યારેય પણ આત્મા પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન થતું નથી, અને જ્ઞાન વિના મુક્તિ થતી નથી. એવી શ્રુતિ છે.૫૬

તેથી જ મનુષ્યશરીર દુર્લભ છે એમ રાજા રંકાદિ સર્વે કહે છે. તે મનુષ્યશરીર બહુ જન્મોના અંતે અતિશય પુણ્ય ભેળાં થયાં હોય ત્યારે અથવા ભગવાનની અહૈતુકી કૃપા થઇ ગઇ હોય ત્યારે જ પ્રાપ્ત થાય છે.૫૭

આવું દુર્લભ માનવશરીર આપણને અત્યારે પ્રાપ્ત થયું છે, ને હાલ હળાહળ કળિયુગ વર્તે છે. એવા સમયે પણ મનુષ્યો ભગવાનના પ્રત્યક્ષ દર્શનનો નિષેધ કરે છે.૫૮

જો પૃથ્વીપર સત્યાદિ યુગો પ્રવર્તતા હોય ને ત્યારે પણ આપણને પશુ આદિકના શરીર પ્રાપ્ત થયાં હોય તો પછી સત્યયુગ હોવાનું પણ શું પ્રયોજન છે ?૫૯

આવા આપણા અનેક સત્યયુગ આદિક યુગો પસાર થઇ ગયા તેમાં પણ આપણે ક્યારેય ભગવાનનો આશ્રય કર્યો નથી. એમ હું જાણું છું.૬૦

કારણ કે જો આપણે એકવાર પણ ભગવાન શ્રીહરિનો આશ્રય કર્યો હોય તો પછી મળમાંસના પિંડરૂપ આ શરીરમાં શા માટે આવવું પડે ?૬૧

માટે હે વિપ્રો ! આ રીતે ભગવાનના પૃથ્વી પર અવતારો થાય છે જ, અને જ્યારે આ પૃથ્વી પર આપણો મનુષ્ય જન્મ હોય છે ત્યારે અહીં ભગવાનનો અવતાર પણ હોય છે. એ વાત તમે નક્કી માનો.૬૨

જો એમ ન હોય તો જીવને સત્પુરુષો આત્મહત્યારો ન કહે. તેથી કળિયુગમાં પણ પૃથ્વી પર ભગવાનનો અવતાર હોય છે એમ નક્કી તમે જાણો.૬૩

જો કલિયુગમાં મુક્તિના સાધનભૂત ભગવાન શ્રીહરિનો સમાગમ ન હોત તો સત્યુગાદિ યુગોમાં જન્મેલા મનુષ્યો કળિયુગમાં જન્મ ધરવાની શા માટે ઇચ્છા કરે ? તેમાં પણ શ્રીમદ્ ભાગવતના પ્રમાણ વચનો તમને કહું છું.૬૪

યોગેશ્વરો જનકરાજા પ્રત્યે કહે છે, હે રાજન્ ! સતયુગાદિકમાં જન્મેલી પ્રજા કલિયુગમાં જન્મ ઇચ્છે છે. શા માટે કે કલિયુગમાં એ પ્રજા નારાયણ-પરાયણ થવાની છે. એ નિર્વિવાદ સત્ય છે.૬૫

આ પ્રમાણે યોગેશ્વરોએ જનક રાજાને જ્યારે કહ્યું છે. ત્યારે જો કલિયુગમાં શ્રીનારાયણ ભગવાન પ્રગટ થવાના જ ન હોય તો પ્રજા તેના પરાયણ કેવી રીતે થઇ શકે ?૬૬

તેથી નક્કી આ પૃથ્વી પર શ્રીનારાયણ ભગવાન સર્વ કાળે રહેલા છે. એમનું સાક્ષાત્ શરણું સ્વીકારી ભક્તજનોએ તેમની નવ પ્રકારની ભક્તિ કરવી જોઇએ.૬૭

હે ભક્ત પંડિતો ! આ પ્રમાણે શાસ્ત્રના પ્રમાણોએ સહિત મારા અનુભવ સિદ્ધ વાત મેં તમને કહી. આ મારા વચનોમાં જો તમને કોઇ પણ જાતનો સંશય હોય તો ફરી મને તમે પ્રશ્ન પૂછી શકો છો.૬૮

સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! આ પ્રમાણેનાં મુક્તાનંદ સ્વામીનાં શાસ્ત્રસંમત વચનો સાંભળી તે વાદી પંડિતો સ્વામી ઉપર વિજય મેળવવાની આશા તો નષ્ટ પ્રાય થઇ એમ માનવા લાગ્યા, તે જ રીતે ઇતર સભાસદો અને બીજા જીજ્ઞાસુએ પણ વિજયની આશા છોડી દીધી.૬૯

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં ત્રિયુગ શબ્દના અર્થનો નિર્ણય કરવામાં કલિયુગમાં પણ ભગવાનનો અવતાર થાય છે તેનું પ્રમાણે સહિત નિરૂપણ કર્યું એ નામે પાત્રીસમો અધ્યાય પૂર્ણ થયો. --૩૫--