અધ્યાય - ૩૬ - 'ત્રિયુગ' શબ્દ ઉપર રામચંદ્ર વૈદ્યનો વધુ એક પ્રશ્ન અને સ્વામીનો ઉત્તર.
'ત્રિયુગ' શબ્દ ઉપર રામચંદ્ર વૈદ્યનો વધુ એક પ્રશ્ન અને સ્વામીનો ઉત્તર. માનવના મનમાં ચાલતા ચારયુગોની વ્યાખ્યા.
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! તે વાદ કરવા આવેલા વિદ્વાનોની મધ્યે જે કોમળ અંતઃકરણ વાળા હરિશ્ચંદ્ર વિદ્વાન હતા તેણે કળિયુગમાં પણ આ પૃથ્વી પર શ્રીહરિનો અવતાર થાય છે, એ વાતનો સ્વીકાર કર્યો.૧
તેમજ નારૂપંતનાનાએ પણ મુક્તાનંદ સ્વામીના વચનોને શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કર્યાં. ત્યાર પછી આડાઅવળા પ્રશ્નો કરી તેના ઉત્તરો આપવાની યુક્તિ પ્રયુક્તિમાં નિપુણ રામચંદ્રવૈદ્ય મુક્તાનંદ સ્વામી પ્રત્યે પ્રશ્ન પૂછવા લાગ્યા.૨
હે મહર્ષિ સ્વામી ! તમે જે વચન કહ્યાં, તેમાં અમને સંપૂર્ણ શ્રદ્ધા છે. તેને અમે પૂર્ણ સત્ય માનીએ છીએ, કારણ કે સત્ય વચન બોલનારા ને અમારા હિતની વાત કરનારા તમે ગુરુભક્ત છો.૩
''ગુરૂ જ બ્રહ્મા, ગુરૂ જ વિષ્ણુ, ગુરૂ એજ મહાદેવ અને ગુરૂ એજ પરબ્રહ્મ છે'' આ પ્રમાણે સ્કંદપુરાણમાં રહેલી ગુરૂગીતામાં પ્રમાણભૂત વચનો કહેલાં છે. એટલે તમે તમારા ગુરૂને સાક્ષાત્ નારાયણ કહો છો. એ વાત બરાબર છે.૪
પરંતુ મારો એક એ પ્રશ્ન છે કે જો ચારે .યુગમાં ભગવાનના અવતારો પ્રગટ થતા હોય તો વિષ્ણુને પુરાણાદિકમાં ''ત્રિયુગી'' નામથી શા માટે કહેલા છે ? શ્રીમદ્ ભાગવતના પંચમ સ્કંધમાં ભૂમિએ વરાહ ભગવાનની સ્તુતિ કરી ત્યારે પણ ''ત્રિયુગાય નમઃ'' એમ બોલીને નમસ્કાર કર્યા છે.૫
હે વિદ્વાન સ્વામી ! મને આ સંશય રહે છે. તેનું નિવારણ તમે જ કરો. હું આ લોકમાં તમારી સમાન સંશય છેદનારા અન્ય કોઇ પુરુષને જોતો નથી. તમે જ મારા સંશયને દૂર કરી શકશો.૬
હે રાજન્ ! આ પ્રમાણે યુક્તિથી પ્રશ્ન પૂછવામાં ચતુર રામચંદ્ર વૈદ્યે જ્યારે પ્રશ્ન કર્યો ત્યારે સર્વ શાસ્ત્રના રહસ્યને જાણતા મહાબુદ્ધિમાન મુક્તાનંદ સ્વામી તેમના પ્રત્યે કહેવા લાગ્યા.૭
હે વિપ્ર ! ગુરૂમાં જે પરમેશ્વરપણાની બુદ્ધિ છે તે તો પતિવ્રતા નારીએ જેમ પતિમાં પરમેશ્વર પણાની બુદ્ધિ આરોપિત કરી છે. તેમ શિષ્યોએ ગુરુમાં આરોપિત કરી છે. જેમ રાજસેવકો રાજામાં ઇશ્વરની બુદ્ધિ કરે છે પરંતુ તે પરમેશ્વરપણાની બુદ્ધિ વાસ્તવિક સત્ય નથી, એ ચોક્કસ છે.૮
પરંતુ હું તો તમને અત્યારે આ પૃથ્વી પર કળિયુગ હોવા છતાં પણ શરણાગત જીવોનું આત્યંતિક કલ્યાણ કરવા માટે સાક્ષાત્ ભગવાન શ્રીવિષ્ણુનો અવતાર થયેલો છે, એમ કહું છું.૯
જરા ધ્યાનથી સાંભળો કે ભગવાન શ્રીવિષ્ણુનું નામ ત્રિયુગી હોવાના કારણે કલિયુગમાં તેઓ પ્રગટ થતા નથી, આવા પ્રકારનો જે તમારો મત છે તેનો હું ઉત્તર કરું છું.૧૦
હે વિદ્વાન વિપ્ર ! ''ત્રિયુગ'' શબ્દને વિષે ''યુગ'' શબ્દ છે તે જોડલાં વાચક છે, ભગ શબ્દથી કહેવાયેલાં ત્રણ જોડલાંઓ, એ ભગવાનના સ્વરૂપને વિષે રહ્યાં હોવાના કારણે ભગવાન શબ્દવાચી પરમેશ્વરને ''ત્રિયુગી'' કહેલા છે. પરંતુ ત્રણ યુગમાં પ્રગટ થાય છે, અને કળિયુગમાં પ્રગટ નથી થતા, એવો કોઇ અર્થ નથી.૧૧
ત્રણ જોડલામાં એક જીવોની ઉત્પત્તિ અને પ્રલય, બીજું જીવોને સંસારમાં વારંવાર જન્મ અને મરણ, અને ત્રીજું જોડલું જીવોને મોક્ષના જ્ઞાનરૂપ વિદ્યા અને અનાદિ બંધનરૂપ અવિદ્યા. આ ત્રણે જોડલાંને જે જાણે અને જાણવાદિકનું ઐશ્વર્ય જેમાં હોય તેને ભગવાન કહેવાય છે.૧૨
અથવા સતયુગની અંદર સર્વે મનુષ્યોની એક ભગવાનના સ્વરૂપને વિષે ધ્યાનપરાયણ સ્થિતિ હોવાથી યજ્ઞારૂપ નારાયણ ભગવાનનો પ્રાદુર્ભાવ નહીં હોવાથી અને ત્રેતાયુગાદિ ત્રણમાંજ માત્ર યજ્ઞાની પ્રવૃત્તિ હોવાથી પણ ભગવાન શ્રીહરિને ''ત્રિયુગી'' કહેલા છે.૧૩
અથવા ત્રિયુગ શબ્દનો અર્થ તમે જે સાંભળ્યો છે કે સત્યાદિ ત્રણ યુગમાં જ ભગવાન હોય છે, એવો ગ્રહણ કરીએ તો પણ પોતાના અંતરમાં સત્યુગાદિ ત્રણ યુગ રહેલા હોય ત્યારે ભગવાનનું દર્શન થાય છે, એમ ગ્રહણ કરવો.૧૪
કારણ કે યુગો બે પ્રકારે રહેલા છે. એક બાહ્યયુગો અને બીજા આભ્યંતરયુગો. તેમાં બાહ્યયુગો તો પ્રસિદ્ધ છે. જેનાથી આ પૃથ્વી પર ધર્મનો અને લોકનો વ્યવહાર થઇ રહ્યો છે.૧૫
પરંતુ જે આભ્યંતર ચારયુગો છે તેની પ્રવૃત્તિ તમને કહું છું. આ ચાર આભ્યંતર યુગોની વાત પૂર્વે શુકદેવજીએ પરીક્ષિત રાજાને કહેલી છે.૧૬
માનવના મનમાં ચાલતા ચારયુગોની વ્યાખ્યા :- સત્વ, રજ અને તમ આ ત્રણ ગુણો સર્વે મનુષ્યોમાં સામાન્ય રીતે જોવા મળે છે, એ ગુણો કાળ નામની ઇશ્વરની શક્તિથી પ્રેરણા પામી જીવોના કર્મને અનુસારે તેઓના મનમાં વધુ ઓછા અંશે સતત પ્રવૃત્ત થયા રાખે છે.૧૭
જ્યારે મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો તે ગુણોને વશ થઇ સત્ત્વગુણમાં પ્રવૃત્ત હોય ત્યારે સત્યયુગ ચાલી રહ્યો છે, એમ જાણવું. તે સમયે મનુષ્યને જ્ઞાન તેમજ તપમાં રુચિ થાય છે.૧૮
અને હે બુદ્ધિમાન વિપ્ર ! જ્યારે મનુષ્યોને ફલપ્રાપ્તિના અનુસંધાન સાથે યજ્ઞા-યાગાદિ કામ્ય કર્મો કરવામાં અભિરૂચિ થાય ત્યારે તેના મનમાં રજોગુણવૃત્તિ પ્રધાન ત્રેતાયુગ ચાલી રહ્યો છે એમ જાણવું.૧૯
અને જ્યારે મનુષ્યોને લોભ, અસંતોષ, માન, દંભ અને મત્સર જેવા દોષો સાથે યજ્ઞાયાગાદિ કામ્યકર્મો કરવામાં રૂચિ વર્તે ત્યારે તેઓના મનમાં રજોગુણ સહ તમોગુણવૃત્તિ પ્રધાન દ્વાપરયુગ ચાલી રહ્યો છે, એમ જાણવું.૨૦
આમાં દંભાદિ દોષોમાં રૂચિ તે તમોગુણનો ધર્મ છે. અને યજ્ઞા-યાગાદિ કામ્યકર્મમાં રૂચિ તે રજોગુણનો ધર્મ છે. બન્નેનું મિશ્રણ તે દ્વાપરયુગ કહેલો છે. તેવીજ રીતે મનુષ્યોના મનમાં કપટ, અસત્ય, આળસ, અસમયે પણ સુવાની રૂચિ, હિંસા, અંતરમાં વિષાદ, શોક, મોહ, ભય, કંજૂસાઇ, વગેરે દોષો વર્તે ત્યારે તે કેવળ તમોગુણપ્રધાન વૃત્તિવાળો કળિયુગ ચાલી રહ્યો છે એમ કહેવાય છે.૨૧
હે વિદ્વાનવિપ્ર ! શુકદેવજીએ કહેલા આ પ્રમાણેના યુગોનાં સ્પષ્ટ લક્ષણોથી પોતાના મનમાં ચાલી રહેલા યુગની વિવેકી પુરુષોએ પરીક્ષા કરી લેવી. જ્યારે પોતાના મનમાં કળિયુગ ચાલતો હોય અને બહાર સત્યયુગ હોય છતાં પણ પોતાના હૃદયમાં સાક્ષાત્ શ્રીહરિનો પ્રાદુર્ભાવ થતો નથી. અર્થાત્ ભગવાન પૃથ્વીપર પ્રગટ હોય, તેના સંતોની વાર્તા સાંભળવા મળતી હોય છતાં અંતરમાં કળિયુગ હોવાથી તેમનો આશ્રય થતો નથી.૨૩
અને જ્યારે મનુષ્યોના મનમાં સત્યયુગ ચાલતો હોય ત્યારે ભલેને કલિયુગ હોય છતાં પણ સાક્ષાત્ ભગવાન શ્રીહરિનું તેમને દર્શન થાય છે. અર્થાત્ સાક્ષાત્ ભગવાનની વાર્તા સાંભળવા માત્રથી તેનો નિશ્ચય થવા પૂર્વક તત્કાળ તેનો આશ્રય થાય છે. આ મેં જે કહ્યું તેમાં સંશય કરવાના વિચારને કોઇ સ્થાન નથી.૨૪
હે વિદ્વાન વિપ્રો ! બહાર કળિયુગ હોય છતાં પરમાત્મા શ્રીહરિને તે પીડવા કોઇ પણ રીતે સમર્થ થતો નથી. કારણ કે પરમાત્મા શ્રીહરિ જ સર્વે યુગોના કારણ મનાયેલા છે, તેથી કળિયુગના ભયથી ભગવાનનો તેમાં પ્રાદુર્ભાવ થતો નથી એવી શંકા ન કરવી.૨૫
બહાર કળિયુગ હોય છતાં પણ તે પરમાત્મા પ્રગટ થઇને જ્ઞાન, વૈરાગ્ય, તપ આદિ સત્યયુગના ધર્મો આ પૃથ્વીપર મનુષ્યમાં પ્રવર્તાવવા સમર્થ હોય છે. માટે જ તેમને પરમેશ્વર કહેલા છે.૨૬
હે સદ્બુદ્ધિમાન વિપ્ર ! વેદ પણ તેમને કાળના પણ કાળ કહે છે. એથી ભગવાન શ્રીહરિને વિષે કળિયુગના ભયની કોઇ દિવસ શંકા ન કરવી, કાળનું કારણ રાજા છે.૨૭
પરંતુ કાળ રાજાનું કારણ થઇ શકતો નથી. આ પ્રમાણે મહાભારતમાં ભીષ્મપિતામહે પણ યુધિષ્ઠિર રાજાને કહેલું છે.૨૮
આ રીતે મનુષ્યરૂપમાં રહેલા રાજાને વિષે પણ કાળની પ્રવૃત્તિનું સામર્થ્ય ન હોય તો જગતના માલિક શ્રીહરિને વિષે તો મનુષ્યોએ કાળના સામર્થ્યની પ્રવૃત્તિની શંકા તો કેમ કરવી જોઇએ ? કદાપિ કરવી યોગ્ય નથી.૨૯
હે વિદ્વાનવિપ્ર ! એ કારણથી ભગવાન શ્રીહરિ છે, તે જ એક સર્વના સ્વામી છે. તેથી તમે ત્રિયુગ શબ્દને ધ્યાનમાં રાખી કળિયુગમાં ભગવાનના અવતારની શંકા ન કરો.૩૦
આ રીતે હે વિપ્ર ! આ લોકમાં મુમુક્ષુજનોએ ત્રિયુગ શબ્દનો અર્થ જાણવો. પરંતુ ભગવાનના અવતારો કળિયુગમાં થતા નથી, માટે જ ભગવાન શ્રીહરિને ત્રિયુગ કહેલા છે. આ પ્રમાણેના નાસ્તિક મનુષ્યની જેમ ત્રિયુગ શબ્દનો અર્થ ન જાણવો, ને કહેવો પણ નહિ.૩૧
એટલા માટે જ પ્રહ્લાદજી નૃસિંહ ભગવાનને સંબોધીને ત્રિયુગ શબ્દનો પ્રયોગ કર્યો છે. ત્યારે કહે છે કે, તમે કળિયુગમાં ગુપ્ત રહો છો, પરંતુ કળિયુગમાં ભગવાન પ્રગટ થતા નથી. એમ કહેતા નથી.૩૨
પ્રહ્લાદનાં વચન આ પ્રમાણે છે, હે મહાપુરુષ ! આ પ્રમાણે તમે અજન્મા છો, ત્રિયુગી અર્થાત્ છ ઐશ્વર્યે સંપન્ન છો. જો કે તમે મનુષ્ય, પશુ, પક્ષી, ઋષિ, દેવતા, મીન આદિક અનેક યોનિને વિષે પ્રાદુર્ભાવ થઇ પોતાના ભક્તજનોનું પાલન કરો છો અને જગતના શત્રુ એવા અસુરોનો ઘાત કરો છો. તેમજ તે તે ચારે યુગને અનુરૂપ ધર્મનું રક્ષણ પણ કરો છો, છતાં પણ તમે કળિયુગમાં મનુષ્યનાટયનું અનુકરણ કરી તમારૂં ઐશ્વર્ય છૂપાવીને ધર્મનું રક્ષણ કરો છો.૩૩
હે વિદ્વાનો ! આ પ્રહ્લાદજીનાં વચનોમાં કળિયુગમાં ભગવાનનું જે ગુપ્તપણું કહ્યું તેનો અર્થ સ્પષ્ટપણે તમને કહું છું.૩૪
પોતાના પરમ ઉત્કૃષ્ટ ઐશ્વર્યને પ્રગટ કરીને પણ મનુષ્યનાટકથી તેને ક્ષણવારમાં છૂપાવી શકે છે. આ ગુપ્તપણાનો અર્થ છે.૩૫
જે રીતે ભગવાને શ્રીકૃષ્ણાવતાર સમયે પ્રથમ વસુદેવ દેવકી આગળ પોતાનો પરમેશ્વરપણાનો ભાવ ઉત્પન્ન કર્યો ને પછી મનુષ્યનાટકમાં બાળક થઇને પોતાનું ઐશ્વર્ય છૂપાવી દીધું.૩૬
તેવી જ રીતે પરમાત્મા શ્રીકૃષ્ણ ભગવાન યશોદાજીને વિશ્વરૂપનાં દર્શન કરાવી એક ક્ષણવારમાં મનુષ્ય નાટકથી પુત્રનો ભાવ દૃઢ કરાવી દીધો ને ઐશ્વર્ય છૂપાવી દીધું.૩૭
હે વિદ્વાન વિપ્ર ! તે જ રીતે ભગવાન શ્રીકૃષ્ણે નંદાદિ ગોપોને પોતાના વૈકુંઠધામનાં દર્શન કરાવી ફરી મનુષ્યનાટકનું અનુસરણ કરી તે ઐશ્વર્યને છૂપાવી દીધું.૩૮
દેવેન્દ્રાદિકથી પણ મરે નહિ તેવા દૈત્યોનો વિનાશ કરી શ્રીકૃષ્ણ ભગવાને પોતાની સ્તુતિ કરતા બ્રહ્માદિદેવોને પણ મનુષ્યલીલા કરી મોહ પમાડયા.૩૯
યમુનાના ધરામાં અક્રૂરજીને પોતાનાં અદ્ભૂત દર્શન કરાવ્યાં ને ફરી મનુષ્યલીલાથી તેને છૂપાવી પણ દીધાં.૪૦
આ પ્રમાણે શ્રીકૃષ્ણ ભગવાને હજારો વખત પોતાનું ઐશ્વર્ય દેખાડેલું છે. ને વળી મનુષ્યલીલાથી તેને ઢાંક્યું પણ છે.૪૧
વળી કુરુક્ષેત્રની યાત્રામાં પધારેલા ને તેમના પરમાત્મા સ્વરૂપને જાણતા મોટા મહર્ષિઓએ કહેલા બે શ્લોકો તમને સંભળાવું છું. તેને તમે સાંભળો.૪૨
ઋષિઓ કહે છે, હે ક્યારેય પણ કુંઠિત નહિ થતી મતિવાળા ! ને પોતાની યોગમાયારૂપ મનુષ્યલીલાથી પરમાત્માપણાના ઐશ્વર્યને છૂપાવતા એવા હે પરમાત્મા શ્રીકૃષ્ણ ભગવાન ! તમને અમે નમસ્કાર કરીએ છીએ.૪૩
આ રાજાઓ તથા યાદવો ભગવાન શ્રીકૃષ્ણ એવા આપની સાથે એક જ સ્થાનમાં રહે છે છતાં પણ પોતાની મનુષ્યલીલાના અનુકરણને કારણે ગુપ્ત રાખેલા સર્વના નિયંતા શ્રીકૃષ્ણ ભગવાન આપને પરમાત્મા જાણી શકતા નથી.૪૪
હે વિદ્વાન ભૂદેવો ! જગતપ્રભુ ભગવાન શ્રીહરિનું આ રીતે જે છૂપાવવું તે પણ એક પોતાના સંકલ્પથી જ જાણવું પણ કળિયુગના ભયથી નહિ. આ પ્રમાણે તમે જાણો.૪૫
કપટથી પોતાનો આસુરભાવ છૂપાવીને ધર્મનો દ્રોહ કરતા અને કળિયુગનું બળ પામેલા દૈત્યોને વિશેષપણે મોહ ઉત્પન્ન કરવા ભગવાન પોતાનું ઐશ્વર્ય છૂપાવે છે.૪૬
કળિયુગમાં અનેક પ્રકારના મનુષ્યશરીરમાં પોતાનો આસુરભાવ છૂપાવીને અસુરો લોકોને છેતરવા પૃથ્વી પર ઘણે ભાગે વિચરતા હોય છે.૪૭
પરંતુ સર્વે જનોને મોહ પમાડનાર સ્વયં ભગવાન શ્રીહરિ તો આવા ગુપ્ત વેશે ફરતા અસુરોને પણ મોહ ઉપજાવી પોતે મનુષ્યરૂપે થઇ આ કળિયુગમાં ગુપ્તવેશે રહે છે.૪૮
હે વિપ્ર ! વાયુપુરાણમાં પણ શ્રીકૃષ્ણ ભગવાન કળિયુગને વિષે પોતાના સ્વરૂપને છૂપાવીને રાખે છે, તે કહ્યું છે કે, મનુષ્યયોનિમાં પ્રવેશ કરી માનવરૂપે વર્તતા ભગવાન પોતાનું ઐશ્વર્ય ઢાંકીને આ પૃથ્વી પર વિચરે છે, ઇત્યાદિ.૪૯
તેવીજ રીતે હે વિપ્રવર્ય ! મનુષ્યયોનિમાં રહેલા પોતાના ભક્તજનોની સાથે વિહાર કરવા માટે પૃથ્વી પર ફરે છે. સાંદિપની ઋષિ પાસે સમગ્ર વિદ્યામાં પારંગત થઇ મનુષ્યદેહમાં રહેલા દૈત્યોને હણે છે. આ પ્રમાણે વાયુપુરાણમાં પણ કહેલું છે.૫૦
હે વિપ્ર ! મનુષ્ય ભાવમાં પણ પોતાનો આસુરી સ્વાંગ છૂપાવી રહેલા દૈત્યો પોતાના આસુરભાવને કે આસુરી ક્રિયાને છૂપાવી શકતા નથી ને જ્યાં ને ત્યાં આસુરભાવ પ્રગટ કરતા હોય છે.૫૧
પરંતુ પરમાત્મા તો સ્વતંત્ર છે. તે મનુષ્યભાવમાં પણ પોતાનું ઐશ્વર્ય સંકલ્પ પ્રમાણે છૂપાવીને રાખે છે, તેથી અસુરો અને મનુષ્યોથી ન થઇ શકે તેવાં ચરિત્રો સ્વયં કરે છે. છતાં પણ પૃથ્વી પર તેમને કોઇ જાણી શકતું નથી.૫૨
હે વિપ્રવર્ય ! ભગવાનનાં સમગ્ર ચરિત્રો દિવ્ય હોય છે, છતાં પણ તેમાં અસુરો મોહ પામી જાય છે. પરંતુ ભગવાનના એકાંતિક ભક્તો ક્યારેય પણ મોહ પામતા નથી.૫૩
તેથી બ્રહ્મપુરાણમાં પરમાત્માનું દૈત્યોને મોહ ઉપજાવવાપણું અને સ્વભાવસિદ્ધ પોતાનું નિર્દોષપણું વર્ણન કરેલું છે. તે પદ્મપુરાણના વચનો તમને સંભળાવું છું.૫૪
ભગવાનને વિષે અજ્ઞાનપણું, પરવશપણું, વિધિના ભેદને આધીન વર્તવાપણું, પ્રાકૃત શરીર પ્રાદુર્ભાવ પામવું અને તેનો ત્યાગ કરવો વગેરે ક્રિયાઓ અસુરોને મોહ ઉપજાવવાને માટે જ છે. આ દોષો ભગવાનને ક્યારેય સ્પર્શતા નથી. તે જ રીતે બ્રહ્માંડ પુરાણમાં પણ કહેલું છે.૫૫-૫૬
માટે હે વિપ્રવર્ય ! શ્રીનારાયણ ભગવાનનાં ચરિત્રોને વિષે ભક્તોને કોઇ મોહ થતો નથી. આટલું તમે નક્કી માનો.૫૭
અને તેથી જ પૃથ્વીપર રાજારૂપે રહેલા ગર્વિષ્ઠ કંસ, જરાસંધ વગેરે અસુરો ભગવાન શ્રીકૃષ્ણને જાણી શક્યા નહિ ને ઉલટાની તેમની અવજ્ઞા કરી.૫૮
તેથી જ ભગવાને ગીતામાં કહેલું છે કે, મૂઢ એટલે કે પોતાના આસુરી સ્વભાવના કારણે મોહ પામેલા જનો જગતના કલ્યાણને માટે મનુષ્યશરીરને પામેલા અને સર્વભૂત પ્રાણીમાત્રના નિયંતા એવા મારા પુરુષોત્તમપણાના પરમ ભાવને નહીં જાણીને મારી અવજ્ઞા કરે છે.૫૯
તેથી મારા વિષે કરાતી તેમની આશાઓ, કર્મો અને જ્ઞાન પણ નિષ્ફળ જાય છે. કારણ કે તેઓ રાક્ષસી, આસુરી તેમજ મોહપ્રધાન પ્રકૃતિને આશરેલા હોવાથી તેમની બુદ્ધિ વિપરિત માર્ગે જ વિચરે છે.૬૦
આવા મૂઢ નરાધમ, માયાથી હરાયેલા જ્ઞાનવાળા આસુરીભાવનો આશ્રય કરી રહેલા તેથી જ દુષ્ટકર્મ કરતા તે આસુરી જનો મને પામી શકતા નથી.૬૧
હે કુંતીપુત્ર અર્જુન ! આસુરી યોનિને પામેલા આવા મૂઢ પુરુષો જન્મોજન્મ મને નહીં પામીને અધોગતિને પામે છે.૬૨
હે વિપ્રવર્ય ! આ પ્રમાણે શ્રીકૃષ્ણ ભગવાને અર્જુન પ્રત્યે બહુ પ્રકારે કહ્યું છે. તેથી અસુરોના મતે ભગવાન કળિયુગમાં અવતાર ધારણ કરતા નથી. પરંતુ ભગવાનના એકાંતિક સંતોના મતે તો કળિયુગને વિષે પણ ભગવાન અવતાર ધારણ કરે છે.૬૩
હે સદ્બુદ્ધિવાળા ભૂદેવો ! આ પ્રમાણે મેં તમને ત્રિયુગ શબ્દનો અર્થ સમજાવ્યો. હવે પછી તમને બીજો કોઇ સંશય હોય તો મને પૂછી શકો છો.૬૪
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! મુક્તાનંદ સ્વામીએ કહેલા આ ત્રિયુગ શબ્દના અર્થને સાંભળીને રામચંદ્ર વૈદ્ય બિલકુલ શાંત થઇ ગયા. ત્યારપછી શાસ્ત્રવેત્તા શોભારામ શાસ્ત્રી પોતાના મનમાં જે સંશય હતો તે મુક્તાનંદ સ્વામીને પૂછવા લાગ્યા.૬૫
આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં ત્રિયુગ શબ્દાર્થના નિર્ણયમાં આસુરી જીવો ભગવાનના અવતારને સમજી શકતા નથી, ઇત્યાદિનું નિરૂપણ કર્યું એ નામે છત્રીસમો અધ્યાય પૂર્ણ થયો. --૩૬--