અધ્યાય - ૩૭ - દશ અવતારોની મધ્યે તમારા ગુરુ કયા અવતારમાં ગણાય છે ?
દશ અવતારોની મધ્યે તમારા ગુરુ કયા અવતારમાં ગણાય છે. મનુષ્યરૃપમાં રહેલા ભગવાનનાં લક્ષણો. બે પ્રકારના અસુરોને હણવાની રીત પણ બે પ્રકારની. દૈવીસંપત્નાં લક્ષણો. આસુરી-સંપત્નાં લક્ષણો. આસુરીસંપત્તિવાળાનાં આચરણ.
શોભારામ શાસ્ત્રી કહે છે, હે મુનિશ્રેષ્ઠ ! તમે બહુ જ સરસ વાત કરી. તમારા સુંદર પ્રતિપાદનથી અમારો ત્રિયુગ શબ્દ વિષયક બહુકાળનો મહાન સંશય હતો તે આજે નષ્ટ થયો છે.૧
હે નિષ્પાપ મુનિ ! એનાથી બીજો જે મારા અંતરમાં સંશય વર્તે છે તે વિષે હું પ્રશ્ન પુછું છું. કારણ કે સંશયયુક્ત મનનો માનવી બન્ને બાજુએથી વિનાશ પામે છે.૨
ભગવાનના અવતારો કેવળ દશ સંખ્યામાં જ થાય છે. આવી સમજ આલોકમાં સંમત વિદ્વાનો તથા મનુષ્યોમાં પણ વર્તે છે. કેવળ મૂર્ખજનો જ આ વાત નહીં કહેતા હોય. શ્રીમદ્ ભાગવતમાં અક્રૂરજીની સ્તુતિમાં પણ કોઇક આવો ભાવ નીકળે છે.૩
આ પૃથ્વીપર અત્યારે તમારા ગુરુ જે શ્રીસહજાનંદ સ્વામી છે, તે વિષ્ણુનો અવતાર છે, એમ જે તમે કહ્યું. આ અવતાર દશની મધ્યે કયો જાણવો ?૪
હે પ્રભુવલ્લભ ! મને આ પ્રશ્ન થયા કરે છે. તમે તેનો ઉત્તર અત્યારે મને આપો.પ
આ પ્રમાણે શાસ્ત્રવેત્તા શોભારામ શાસ્ત્રીએ પ્રશ્ન કર્યો, તેથી સાક્ષાત્ ભગવાન શ્રીહરિને વહાલા મુક્તાનંદ સ્વામી ઉત્તમ પુરુષને છાજે તેવું મંદમંદ હાસ્ય કરતા શાંત વાણીથી પૂછી રહેલા શોભારામ શાસ્ત્રી પ્રત્યે ફરી શાસ્ત્રના પ્રમાણ વચનોએ સહિત કહેવા લાગ્યા.૬
મુક્તાનંદ સ્વામી કહે છે, હે સર્વને માન આપનારા વિપ્ર ! ભગવાનના અવતારો દશ જ સંખ્યામાં થાય છે. આવા પ્રકારનો કોઇ નિયમ નથી. કારણ કે સર્વ નિયંતા એ જગતપ્રભુ ભગવાન સ્વતંત્ર છે.૭
ભગવાનના અવતારો દશ જ થાય છે. આવું કહેનારા મનુષ્યોના સિદ્ધાંતમાં ઘણા બધા શાસ્ત્રોના વચનોનો બહુ વિરોધ આવે છે. કારણ કે કોઇ પણ સદ્ગ્રંથમાં અજન્મા એવા ભગવાનના પ્રાદુર્ભાવની સંખ્યા નિયત કરેલી નથી.૮
હે વિપ્રો ! હરિવંશને વિષે જન્મેજય રાજાએ ભગવાન શ્રીહરિના અવતાર કેટલા ? આવો પ્રશ્ન જ્યારે વૈશંપાયનને કર્યો, ત્યારે તે રાજા પ્રત્યે કહેવા લાગ્યા.૯
વેદને જાણતા વિપ્રો યજ્ઞાસભાને વિષે જે વિષ્ણુને શાશ્વત તેમજ વિભુ કહે છે, તે દેવાધિદેવ શ્રીવત્સચિન્હધારી તેમજ અતિશય ધીમંત ને પ્રભાવશાળી ભગવાન વિષ્ણુના હજારો અવતાર થઇ ગયા ને ફરી હજારો અવતાર થશે, તેમાં કોઇ સંશય કરવો નહિ. આ પ્રમાણે પ્રજાપતિ સ્વયં બ્રહ્માજીએ પણ કહ્યું છે, કે સર્વભૂતપ્રાણીમાત્રના અંતર્યામી આત્મા સ્વયં શ્રીવાસુદેવ ભગવાન પોતાના ભક્ત એવા દેવમનુષ્યોના હિતને માટે તેમ જ તે જનોના અભ્યુદયને માટે તથા અનેક પ્રકારનાં કાર્યો પૂર્ણ કરવા બહુવાર પ્રગટ થાય છે.૧૦-૧૨
હે ભારત જન્મેજય ! જયારે જ્યારે વેદોક્ત ધર્મની ગ્લાનિ થાય છે, ત્યારે તે ધર્મની સ્થાપના કરવા માટે ભગવાન શ્રીવાસુદેવ આ પૃથ્વી પર પ્રગટ થાય છે.૧૩
હે વિપ્ર ! શ્રીમદ્ ભાગવતને વિષે પણ શરૂઆતમાં તો પહેલો, બીજો, ત્રીજો, એમ કેટલાક અવતારોની યુક્તિ પૂર્વક વાત કહીને પછી કહ્યું કે, ભગવાનના અસંખ્ય અવતારો કહેલા છે.૧૪
શ્રીમદ્ ભાગવતમાં પ્રથમ સ્કંધમાં સુતપુરાણી કહે છે, હે શૌનકાદિ વિપ્રો ! જેવી રીતે ક્યારેય પણ નહીં સૂકાતા સ્વયંભુ સરોવરમાંથી હજારો નાના પ્રવાહો વહે છે. એજ રીતે સત્ત્વનિધિ ભગવાન થકી અસંખ્ય અવતારો થાય છે એમ કહ્યું છે. તેમજ બીજા સ્કંધમાં પણ નારદજી પ્રત્યે આ પ્રમાણે કહેલું છે કે, પોતાની અકારણ અતિશય દયારૂપ માયાથી અનેક અવતારો ધારણ કરતા પરમ પુરુષ પરમાત્મા શ્રીવાસુદેવના અવતારોના અંતને હું ચતુર્મુખા બ્રહ્મા પણ પામી કે જાણી શકતો નથી. તેમજ તારાથી આગળ જન્મેલા એ શનકાદિક મુનિઓ પણ જાણી શકતા નથી, તો પછી અર્વાચીન મુનિઓ તો ક્યાંથી જાણી શકે ? અરે ! ! ! વધુ શું કહું ? સહસ્રમુખા આદિદેવ શેષજી પણ એ પરમ પુરુષ પરમાત્માના અનેક અવતારોનાં ચરિત્રોનું વર્ણન કરતાં કરતાં અત્યાર સુધી તેના પારને પામી શક્યા નથી.૧૫-૧૭
હે વિપ્ર ! ફરી પણ શ્રીમદ્ ભાગવતના દશમ સ્કંધમાં ભગવાન શ્રીકૃષ્ણ વૃંદાવનવિહારીની વત્સહરણ સમયે સ્તુતિ કરતા બ્રહ્માજીએ ભગવાનના અવતારોને દુષ્ટોના નિગ્રહને માટે કારણરૂપ વર્ણવીને કહ્યું કે, હે ભૂમન્ ! હે અપાર મહિમાવાળા ! હે ભગવાન ! હે પરમાત્મા ! હે યોગેશ્વર ! તમે જે યોગમાયાનો વિસ્તાર કરી ક્રીડા કરો છો, અર્થાત્ અનંત અવતારો ધરી તે દેવ મનુષ્યાદિકની સાથે આનંદ કરો છો, એવા હે ભગવાન ! તમારી આ ત્રિલોકીમાં લીલા કયા સ્થાને કયા પ્રકારે કેટલી અને કયા કાળમાં થશે, આ પ્રમાણે અહો ! ! ! કયો પુરુષ જાણી શકે છે ? કોઇ પણ જાણી શકતો નથી.૧૮-૧૯
હે વિપ્ર ! સ્વયં ભગવાન શ્રીકૃષ્ણે પણ પોતાના અવતારોનું અનંતપણું મુચકુન્દ રાજા પ્રત્યે કહ્યું છે,આ એમના પ્રમાણભૂત શ્રીમદ્ ભાગવતના દશમ સ્કંધના ત્રણ શ્લોક તમને કહું છું.૨૦
હે અંગ ! હે મુચકુન્દ રાજા ! મારા જન્મ કર્મ અને નામ હજારો છે. તે અનંત અને અપાર હોવાથી હું પણ તેની ગણના કરી શકતો નથી. એ નક્કી વાત છે. કદાચ કોઇ બહુ જન્મે કરીને આ પૃથ્વીના રજકણોને ગણી શકે પરંતુ મારા જન્મ, ગુણ, કર્મ અને નામો ક્યારેય પણ ગણી શકાતા નથી.૨૧-૨૨
હે નિષ્પાપ રાજન્ ! નારદાદિ મહામુનિઓ પણ ત્રણે કાળમાં થતા મારા જન્મો અને કર્મોને અનુક્રમથી ગણના કરતા હોવા છતાં અપાર હોવાથી તેના અંતને પામી શકતા નથી.૨૩
તેવીજ રીતે હે વિપ્ર ! શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં અર્જુન પ્રત્યે કહ્યું છે કે, હે અર્જુન ! તારા અને મારા અનેક જન્મો પસાર થઇ ગયા, હું ક્યારેય ન હતો એમ નહિ, તુ ક્યારેય ન હતો એમ નહિ, આ રાજાઓ ક્યારેય ન હતા એમ નહિ, પરંતુ આપણ સર્વે હતા જ. તેજ રીતે હવે પછી પણ આપણે નહીં હોઇએ એમ નહીં,હશું જ. આ પ્રમાણે પોતાનું, અર્જુનનું અને રાજાઓનું દૃષ્ટાંત આપીને અવતારોની અસંખ્યતા બતાવી છે.૨૪-૨૫
હે નિષ્પાપ વિપ્ર ! આવા પ્રકારનાં સેંકડો પ્રબળ પ્રમાણ વચનોથી હરિ અવતારોની સંખ્યાની સાપેક્ષતાનો નિષેધ થાય છે.૨૬
તેથી દશ સંખ્યાના ભ્રમને છોડી મુમુક્ષોએ સ્વસ્થચિત્તે સ્વતંત્રપણે અવતાર ધરતા ભગવાનનો મુક્તિ માટે અવશ્ય આશ્રય કરવો જોઇએ.૨૭
પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ વિના અનેક જન્મથી ઉત્પન્ન થયેલો મહામોહ નાશ પામતો નથી. તેથી પ્રત્યક્ષ ભગવાન શ્રીહરિનું નક્કી સેવન કરવું જ જોઇએ.૨૮
પ્રત્યક્ષ હરિ વિના પરોક્ષપણે થયેલું બ્રહ્મજ્ઞાન મુક્તિનું સાધન સિદ્ધ થતું નથી. એટલા જ માટે શ્રીમદ્ ભાગવતની સુબોધની ટીકામાં શ્રીવલ્લભાચાર્યજીએ કહ્યું છે કે, ભગવાન શ્રીકૃષ્ણે પ્રત્યક્ષપણે જન્મ મરણરૂપ સંસૃતિનો વિનાશ સ્વસ્વરૂપના જ્ઞાનવાળા પોતાના આશ્રિત ભક્તજનો માટે કર્યો છે. એથી પ્રપંચ સંસારનો નિરોધ એટલે કે લય પણ ભક્તોનો જ થશે, પરંતુ પરોક્ષ જ્ઞાનવાળાનો નહીં થાય. આ પ્રકારનો નિર્ણય છે.૨૯-૩૦
જેવી રીતે કાષ્ઠથી બહાર રહેલો પ્રગટ અગ્નિ જ્યાં સુધી કાષ્ઠની અંદર પ્રવેશ ન કરે ત્યાં સુધી કાષ્ઠની અંદર રહેલો અગ્નિ પણ તે કાષ્ઠને બાળવા સમર્થ થતો નથી.૩૧
તેજ રીતે સર્વેમાં સદાય અંતર્યામીપણે રહેલા ભગવાન વિષ્ણુ જો સાક્ષાત્ પ્રગટ થઇને પોતાના ભક્તજનોના અંતરમાં આ પ્રગટ ભગવાન છે. એવા ભાવ સાથે પ્રવેશ ન કરે ત્યાં સુધી વારંવાર જન્મ-મરણને કરાવનારૂં સમસ્ત અજ્ઞાન લીન થતું નથી. માટે ભગવાનના પ્રગટપણાની આવશ્યક્તા ખૂબજ છે.૩૨
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે જ્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું તેથી શોભારામ શાસ્ત્રી તેજ ક્ષણે નિઃસંશયી થયા અને અન્ય ત્રણ હરિશ્ચંદ્ર, નારુપંત અને રામચંદ્ર પણ આ લોકમાં ભગવાન શ્રીહરિ પ્રત્યક્ષપણે હોય છે, એમ નક્કી માનવા લાગ્યા.૩૩
પરંતુ પાંચમા પંડિત ચિમનરાવ તે સમયે આ પૃથ્વી પર કલિયુગમાં પણ ભગવાન શ્રીહરિ પ્રત્યક્ષપણે હોય છે એટલું તો પ્રબળ પ્રમાણ વચનોનું શ્રવણ કર્યા પછી માનવા લાગ્યા.૩૪
પરંતુ મુક્તાનંદ સ્વામીના ગુરુ શ્રીહરિ છે, એ બાબતમાં સંશય લાવી તે બુદ્ધિમાન ચિમનરાવ પંડિત અતિશય બુદ્ધિશાળી મુક્તાનંદ સ્વામીને પૂછવા લાગ્યા.૩૫
ચિમનરાવ પૂછે છે, હે મુનિવર્ય ! આ પૃથ્વી પર કલિયુગને વિષે પણ નારાયણના બહુ અવતારો થાય છે. એમ જે તમે પ્રમાણોએ સહિત કહ્યું તે અમે સત્ય માનીએ છીએ.૩૬
પરંતુ હે મહાબુદ્ધિમાન ! પૃથ્વી પર મનુષ્યસ્વરૂપે વિચરતા તે ભગવાનને કયા કયા અસાધારણ લક્ષણોથી જાણવા ? કે આ સાક્ષાત્ ભગવાન છે ? તો તે લક્ષણો અમને યથાર્થપણે કહો.૩૭
જેણે શ્રીકૃષ્ણ ભગવાનની જેમ પર્વત પણ ઉઠાવ્યો ન હોય, અસુરોનો વધ પણ ન કર્યો હોય, તેમજ કાલિયદમન જેવું કોઇ પરાક્રમ પણ ન કર્યું હોય, તેવા તમારા ગુરુ શ્રીહરિને આ પરમેશ્વર છે, એમ તમે કેવી રીતે જાણ્યા ? તે અમને કહો.૩૮
મનુષ્યરૂપમાં રહેલા ભગવાનનાં લક્ષણો :- મુક્તાનંદ સ્વામી કહે છે, હે ક્ષત્રવીર ! હે ચિમનરાવ ! અમારા ગુરુ શ્રીસહજાનંદ સ્વામી મનુષ્યાકૃતિમાં હોવા છતાં પણ મનુષ્યોથી ન થઇ શકે તેવાં મહા આશ્ચર્યકારી ચરિત્રોથી તેમજ તેમના ભક્તોના અસાધારણ નિષ્કામાદિ લક્ષણોથી મુમુક્ષુઓ તેમને આ સ્વામિનારાયણ સાક્ષાત્ પરમેશ્વર છે એમ જાણી શકે છે.૩૯
પૂર્વે પૃથ્વીદેવીએ ધર્મપ્રજાપતિ પ્રત્યે પોતાના ઉપર થતા ભગવાન શ્રીહરિના અવતારોના અસાધારણ લક્ષણો કહ્યાં હતાં. તે લક્ષણો શ્રીસ્વામિનારાયણ ભગવાનમાં છે, તે તમને કહી સંભળાવું છું.૪૦
સત્ય, શૌચ, દયા, ક્ષાન્તિ, ત્યાગ, સંતોષ, આર્જવ, શમ, દમ, તપ, સામ્ય, તિતિક્ષા, ઉપરતિ, શ્રુત, જ્ઞાન, વિરક્તિ, ઐશ્વર્ય, શૌર્ય, તેજ, બળ, સ્મૃતિ, સ્વાતન્ત્ર્ય, કૌશલ, કાંતિ, ધૈર્ય, માર્દવ, પ્રાગલ્ભ્ય, પ્રશ્રય, શીલ, સહ, ઓજ, બળ, ભગ, ગાંભીર્ય, સ્થૈર્ય, આસ્તિક્ય, કીર્તિમાન, અનહંકૃતિ, બ્રહ્મણ્યત્વ, શરણ્યત્વ, વગેરે અનંતગુણો તથા સાધુપુરુષોએ ભગવાનની પાસેથી યાચના કરવા યોગ્ય બીજા અનંત સદ્ગુણો અમારા ગુરુ શ્રીહરિને વિષે નિરંતર નિવાસ કરીને રહ્યા છે, એમ તમે નક્કી જાણો.૪૧-૪૪
આ પૃથ્વી પર પ્રાકૃત મનુષ્યો પણ જે ભગવાન શ્રીહરિની કૃપાથી એકાએક જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થાથી પર થઇ અક્ષરબ્રહ્મની સાથે એકતારૂપ સ્થિતિને પામે છે.૪૫
સાવધાનીપૂર્વક વર્તતા બ્રહ્માદિક દેવો પણ જે મનને વશ કરવા સમર્થ થઇ શકતા નથી, એ મનને શ્રીસ્વામિનારાયણ ભગવાન પોતાના આશ્રિત ભક્તજનો પાસે તત્કાળ વશ કરાવે છે, તેથી તેમને પરમેશ્વર જાણવા.૪૬
વળી અષ્ટાંગયોગના અભ્યાસ વિના પણ એમની કૃપાથી મનુષ્યો તત્કાળ પોતાની મૂર્તિમાં અચળ સ્થિતિને પામવારૂપ સમાધિને પામે છે.૪૭
તે સમાધિમાં મનુષ્યો ગોલોકાદિક ધામને વિષે રહેલી તેમની મૂર્તિઓનાં દર્શન કરે છે. વળી ભક્તજનોને અંતકાળે તેમના ધામમાં લઇ જવા માટે દિવ્ય સ્વરૂપે આવે છે. તેનું પણ અનેક જનોને દર્શન થાય છે. માટે આ લોકમાં તેમને મનુષ્યાકૃતિમાં રહેલા સાક્ષાત્ ભગવાન જાણવા.૪૮
આવા અનંત ભગવાનપણાનાં લક્ષણો તેમનામાં છે. પરંતુ તેમના યોગે કરીને તેમના ભક્તોમાં પણ અમાનુષી લક્ષણો આવ્યાં છે. તેમના ભક્તો ક્રોધ, કામ, લોભ, સ્પૃહા, માન અને સ્વાદને જીતીને વશ કરેલ છે. માટે તે શ્રીહરિ નક્કી પરમેશ્વર છે, એમ તમે નક્કી માનો.૪૯
હે ક્ષત્રવીર ! મેં ભગવાન શ્રીનારાયણના સર્વે અવતારોમાં સરખાં જણાતાં અસાધારણ ભગવાનપણાનાં લક્ષણો સંક્ષેપથી કહ્યા.૫૦
પરંતુ જે તેમનાં અન્ય ચરિત્રો જેવાં કે પર્વત ઉપાડવો, કાલિયદમન કરવું, વગેરે જેવાં ચરિત્રો છે, તે તો કાર્યને યોગે જુદા જુદા અવતારોમાં જુદાં જુદાં ઘટી શકે છે. અથવા ભક્તજનોના ગાયન માટે ભગવાને કરેલા હોય છે. પરંતુ તેવાં ચરિત્રોથી ખરેખર પરમેશ્વરપણાનો બોધ થતો નથી.૫૧
હે ક્ષત્રવીર ! શ્રીકૃષ્ણ ભગવાનના ગોવર્ધન ધારણ કરવા આદિકનાં જે ચરિત્રો છે તે તો ઇન્દ્રાદિક દેવતાઓનો ગર્વ હરવા માટે કરેલ છે. તે કાંઇ પરમેશ્વરપણાનાં સૂચક નથી.૫૨
જો પર્વત ધારણ કરવાથી પરમેશ્વર થઇ જવાતું હોય તો હિરણ્યાક્ષ વગેરે દૈત્યોએ સમસ્ત પર્વતોએ સહિત સમગ્ર પૃથ્વીને ધારણ કરી હતી. તેણે કરીને શું તેને પરમેશ્વર કહેવાય ? ન કહેવાય.૫૩
માટે પરમેશ્વરપણાનાં લક્ષણ તો અજ્ઞાનથી જીવાત્માઓને મુક્તિ આપે તેમજ સંતો અને ધર્મનો દ્રોહ કરનારા દૈત્યોનો વધ કરી તેમનું રક્ષણ કરે તે જ છે. ભગવાનપણાનાં ઉપરોક્ત લક્ષણોની સાથે વધુ આ બે લક્ષણો જાણવાં. ચમત્કારો તો કોઇ સિદ્ધિવાળો પણ દેખાડી શકે છે.૫૪
બે પ્રકારના અસુરોને હણવાની રીત પણ બે પ્રકારની :- હે ક્ષત્રવીર ! અસુરો બે પ્રકારના હોય છે. તેમાં પણ એક હાથમાં હથિયારધારી ને ભયંકર આકૃતિવાળા હોય છે. જ્યારે બીજા સાધુના વેષમાં દુષ્ટ કર્મ કરનારા હોય છે.૫૫
આ બે પ્રકારના અસુરોનો વધ પણ બે પ્રકારનો છે, તે શસ્ત્રથી અને શસ્ત્ર વિનાનો કહેલો છે. તેમાં જે શસ્ત્રથી વધ કહેલો છે એ અસુરના શિરછેદાદિક રૂપે કહેલો છે. જ્યારે બીજો અશસ્ત્રથી વધ કહેલો છે, તે અસુરનો દંભ ખુલ્લો પાડીને તેની આજીવિકાના ભંગરૂપે કહ્યો છે.૫૬
બુદ્ધિમાન પુરુષોએ દૈવી સંપત્તવાળા જીવોની આજીવિકા પણ દૈવી સંપત્તિની કહેલી છે. અને આસુરી સંપત્તવાળા જીવોની આજીવિકા પણ આસુરી સંબંધી કહેલી છે, આ બન્ને સંપત્ શ્રીમદ્ ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને અર્જુન પ્રત્યે આ પ્રમાણે બતાવેલી છે.૫૭
દૈવીસંપત્નાં લક્ષણો :- અભય- પ્રાકૃત વસ્તુના સંયોગ અને વિયોગથી થતા દુઃખના ભયથી રહિત, સત્ત્વ - અંતઃકરણની શુદ્ધિ, આત્મા અને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન, સતત ચિત્તની એકાગ્રતારૂપ યોગ, બાહ્ય ઇન્દ્રિયોનું દમન, યજ્ઞા, સ્વાધ્યાય, તપ, આર્જવ, સરળતા, અહિંસા, સત્યવચન, અક્રોધ, ત્યાગ, શાન્તિ, અપૈશુન-ચાડીચૂગલી નહિ, જીવપ્રાણી માત્ર ઉપર દયા, વિષયોમાં અલોલુપતા, માર્દવ, કોમળ હૃદય, લજ્જા, અચપળતા, તેજ, ધૃતિ, શૌચ, અદ્રોહ અને અતિ ગર્વનો ત્યાગ. હે ભારત ! આ ગુણો દૈવી સંપત્તમાં જન્મેલાના ગુણો કહેલા છે.૫૮-૬૦
આસુરીસંપત્નાં લક્ષણો :- હે પાર્થ ! દંભ, દર્પ, અભિમાન, ક્રોધ, વાણીની કઠોરતા, અજ્ઞાન વિગેરે અનંત દુર્ગુણો આસુરી સંપત્તમાં જન્મેલાના સ્વભાવિક કહેલા છે. તેઓ કોઇ પણ ભોગે ભગવાનની આજ્ઞા વિરુદ્ધ શાસ્ત્ર વિરુદ્ધ વર્તન કેમ કરવું ? તેમાં તત્પર રહેતા હોય છે.૬૧
હે અર્જુન ! દૈવી સંપદા મોક્ષને માટે મનાયેલી છે. આસુરી સંપદા બંધનને માટે મનાયેલી છે, હે પાંડવ ! તું શોક ન કર. કારણ કે તારો જન્મ દૈવી સંપત્તિને અભિમુખ થયેલો છે.૬૨
હે પાર્થ ! આલોકમાં દૈવી અને આસુરી એમ બે પ્રકારના ભૂતપ્રાણીમાત્રના ઉત્પન્ન થવાના પ્રવાહ રહ્યા છે. તેમાં દૈવી સંપત્તિનો વિસ્તાર કહ્યો. હવે હું તને આસુરી સંપત્તિનો વિસ્તાર કહું છું, તેને તું સાંભળ.૬૩
આસુરીસંપત્તિવાળાનાં આચરણ :- આસુરી સંપત્તિમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો અભ્યુદયના સાધનરૂપ પ્રવૃત્તિ ધર્મ અને મોક્ષના સાધનરૂપે નિવૃત્તિ ધર્મને જાણતા જ નથી. તેઓને વિષે શૌચ અર્થાત્ બહારઅંદર પવિત્રતા હોતી નથી. વર્ણાશ્રમને ઉચિત સદાચાર પણ હોતો નથી. સ્વ-પર દ્રોહ રહિતનું સત્ય વચન બોલવાનું પણ હોતું નથી.૬૪
તે અસુરો જગતને અસત્ય અને અપ્રતિષ્ઠિત કહે છે. આ જગતનો કોઇ માલિક ઇશ્વર નથી એમ કહે છે, તો કોઇ પૂછે કે તે ઉત્પન્ન કેમ થયું ? તો કહે સ્ત્રીપુરુષના પરસ્પરના મૈથુનથી બધું ઉત્પન્ન થયું છે. એના સિવાય બીજું આ જગતમાં છે શું ? સ્ત્રી પુરુષના પરસ્પરનો કામ સંભોગ જ આ જગતનો હેતુ છે, એમ કહે છે.૬૫
આવા પ્રકારની બુદ્ધિનું અવલોકન કરી જેને આત્મ સ્વરૂપનું કાંઇ પણ જ્ઞાન નથી. એવા અલ્પ બુદ્ધિવાળા તથા હિંસામય ઉગ્ર કર્મ કરનારા માટે જ સર્વનું અહિત કરનારા તે જગતના શત્રુઓ જગતનો નાશ કરવા માટે જ ઉત્પન્ન થયેલા હોય છે.૬૬
કલ્પ પર્યંત વિષયભોગ ભોગવ્યા છતાં જે ખાડો પૂરી શકાય તેમ નથી તેવી કામેચ્છાનો આશ્રય કરી મોહના કારણે અસદ્મંત્રોથી અસદ્ગ્રહોની સાધના કરી દંભ, માન અને મદથી યુક્ત થઇને અસદ્વ્રતોનું અનુષ્ઠાન કરતા રાજસ અને તામસ દેવતાઓની આરાધનામાં પ્રવૃત્ત રહેતા હોય છે.૬૭
વળી તે આસુરી સંપત્તિવાળા જનો મરણ પર્યંત જીવે ત્યાં સુધી પોતાના યોગ અને ક્ષેમની ચિંતા કરતા કામવાસનાને સંતોષવી એ જ પરમ પુરુષાર્થ છે, એવું નક્કી કરીને સેંકડો આશાઓથી બંધાઇ, આમ તેમ ભટકતા કામ, ક્રોધ પરાયણ જીવન જીવી કામભોગની સિદ્ધિ માટે ચોરી આદિકનો આશ્રય કરી અન્યાયથી પારકા ધનને ભેળું કરવા મથે છે.૬૮-૬૯
તે આસુરી સંપત્તવાળાજનો મનમાં જે ઘાટ ઘડે છે તે કહું છું. આ ક્ષેત્ર, પુત્રાદિક સર્વે મેં અત્યારે મારા સામર્થ્યથી જ મેળવ્યું છે, હવે આ જે મારો મનોરથ છે તે પણ મારા સામર્થ્યથી હું ચોક્કસ પૂર્ણ કરીશ. આ ધન જે મારી પાસે છે, તે મારી શક્તિથી ભવિષ્યમાં મારૂં કરી લઇશ.૭૦
મેં હમણાં જ મારી તાકાતથી આ શત્રુને મારી નાખ્યા, અને શૂરવીર એવો હું હમણાં જ બીજા શત્રુઓને મારી નાખીશ. આ મંદબુદ્ધિ બધા ઇશ્વરની કલ્પના કરીને જીવે છે. અરે ઇશ્વર કોણ ? હું જ ઇશ્વર છું, હું જ ભોગી છું, હું સિદ્ધ છું, હું બલવાન છું, હું જ સ્વતઃ સુખી સંપન્ન છું.૭૧
હું મારા પૌરુષેયથી ધનવાન થયો છું. હું ઉત્તમ કુળમાં જન્મ્યો છું, આ લોકમાં મારી સમાન બીજો કોણ છે ? કોઇ નથી, જોઇ આવો આખા જગતમાં. ભદ્રકાળી કે ભૈરવનું હું જ યજન કરીશ. હું દાન આપીશ. વિષયભોગથી હું જ પ્રમોદ પામીશ, આ પ્રમાણેની વિવિધ પ્રકારની ડીંગાઇયું મારતા તે આસુરી સંપત્તિવાળા જનો અજ્ઞાને કરીને મોહ પામેલા તે અદૃષ્ટ ઇશ્વરાદિકની સહાયતા વિના કેવળ બધું પોતાનાથી જ જાણે સિદ્ધ કરી શકાય છે, એમ માનીને હું આમ કરૂં કે તેમ કરૂં, વગેરેનો બકવાસ કરે છે.૭૨
અને તેથી જ આવા અનેક પ્રકારના સંકલ્પોના વેગથી વિક્ષિપ્ત ચિત્તવાળા થઇ ગયેલા તેમજ ઉપરોક્ત અનેક પ્રકારના મોહમાં માછલી જેમ જાળમાં ગૂંચવાય તેમ ગૂંચવાઇ ગયેલા તથા કામના ઉપભોગમાં જ એક આસક્ત ચિત્તવાળા તે આસુરી સંપત્તિવાળા જનો મરીને અતિશય અપવિત્ર વિષ્ટા, પરુ, પાચ, લોહી આદિકથી ભરેલા નરકમાં પડે છે.૭૩
હે અર્જુન ! આવા આસુરીજનો બીજા કોઇ સજ્જન મનુષ્યોએ નહિ પૂજેલા, પરંતુ પોતે પોતાને જ પૂજ્ય માની સ્તબ્ધ થઇને ફરતા હોય છે, તેમજ ધનના મદ અને માનથી યુક્ત થઇ નામમાત્રના યજ્ઞો કરીને અથવા પોતાના નામની આહુતિઓ આપીને કરેલા યજ્ઞોથી દંભવડે અવિધિપૂર્વકના યજ્ઞો કરે છે.૭૪
પોતાના તામસી સ્વભાવને અનુરૂપ કાલીભૈરવાદિની યજ્ઞો દ્વારા આરાધના કરે છે. આવા અસુરો કોઇની પણ અપેક્ષા વિના હું જ સર્વે સાધનો સાધવા સમર્થ છું, એવો અહંકાર ધરાવે છે. બધુંજ સિદ્ધ કરવામાં મારૂં બળ પર્યાપ્ત છે, એવું અભિમાન ધરાવે છે. મારી સમાન આ દુનિયામાં કોઇ નથી, એવો ગર્વ કરે છે. વળી મને ઇચ્છા થાય ને શું ન મળે ? આવી કામના ધરાવે છે. મારૂં અનિષ્ઠ કરનારા સર્વેને હું મારી નાખીશ, આવા ક્રોધને આશરે રહેલા હોય છે. આવી રીતે પોતે ઇચ્છેલા સાધનોથી બધું પોતે જ કરવા સમર્થ છે. એવું માનનારા તે અસુરજનો પોતાના કે પારકા સર્વે દેહધારીઓમાં અંતર્યામીરૂપે રહેલા મને અંતર્યામી વળી બીજો કોણ છે ? એમ યુક્તિ પૂર્વકની દલીલો કરી તેમાં દોષ દેખાડી મારી સાથે દ્વેષ કરે છે.૭૫
હે ચિમનરાવ ! આ પ્રમાણે શ્રીકૃષ્ણ ભગવાને અર્જુન પ્રત્યે દૈવી અને આસુરી સંપત્તિનો વિભાગ કરીને તથા તેમના ફળનું વિવેચન કરીને વિસ્તારપૂર્વક કહેલું છે.૭૬
આવા અસુરો પૃથ્વી પર જ્યારે શસ્ત્રો ધારણ કરી દુષ્ટકર્મ કરતા હોય ત્યારે ભગવાન પણ મનુષ્યાદિકમાં પ્રગટ થઇને હાથમાં શસ્ત્ર ધારણ કરી તે શસ્ત્રધારી દૈત્યોનો વધ કરે છે.૭૭
અને જ્યારે તે દૈત્યો સાધુનો વેષ ધારણ કરી સ્ત્રીગમનાદિકની ક્રિયા કરતા હોય અથવા ધર્મના રૂપમાં કરાવતા હોય, ત્યારે ભગવાન મનુષ્યમાં પ્રગટ થઇને હાથમાં શસ્ત્ર ધારણ કર્યા વગર પણ તેવા અસુરોના કરતૂતો ઉપર પ્રકાશ પાડી તેમના તે ગોરખધંધા બંધ કરાવારૂપ તેમનું હનન કરે છે.૭૮
આવી રીતે ભગવાન શ્રીહરિની શક્તિથી તેઓની આસુરી સંપત્તિનો વિનાશ થાય છે. ત્યારે ભગવાનની શક્તિથી તેઓનો આસુરભાવ પણ વિનાશ પામે છે, અને તેમના હૃદયમાં દૈવી સંપત્તિના અંકુર ફુટે છે. ત્યારે જીવ બદલાઇ જાય છે.૭૯
અને લોકો બોલે છે કે આ ફલાણો ભાઇ હવે દૈવી થઇ ગયો છે, અસુર રહ્યો નથી. આ પ્રમાણે સમગ્ર મનુષ્યો આશ્ચર્યપૂર્વક દૈવી સંપત્તિવાળાને કહે છે.૮૦
આ રીતે સકલ ઐશ્વર્યસંપન્ન ભગવાન શ્રીહરિ કોઇ પણ ઉપાયે કરીને આ પૃથ્વી પર ભાગવતધર્મનું પ્રવર્તન કરે છે, અને પોતાને શરણે આવેલા ભક્તજનોને અજ્ઞાનના પાશ થકી તત્કાળ મુક્ત કરે છે.૮૧
મહાપાપી જીવોનું પણ તે પ્રગટ પ્રમાણ શ્રીસ્વામિનારાયણ ભગવાનનો આશ્રય કરવાથી તત્કાળ કલ્યાણ થાય છે. માટે હે ચિમનરાવ ! મનુષ્યોએ ભક્તિભાવપૂર્વક તે પ્રગટ પ્રમાણ ભગવાનનો આશરો કરવો જોઇએ.૮૨
હે ચિમનરાવ ! જગપ્રસિદ્ધ અમારા ગુરુ શ્રીસ્વામિનારાયણ ભગવાન અત્યારે આ લોકમાં મનુષ્યરૂપે રહેલા હોવા છતાં પરમેશ્વરપણાના સૂચક સકલ લક્ષણોથી સંપન્ન છે. તેથી જ હું તેમને પ્રત્યક્ષ પરમેશ્વર ભગવાન કહું છું. પરંતુ ગુરુ એ જ બ્રહ્મા ઇત્યાદિ વચનોના આધારે ગુરુ હોવાના નાતે નહિ.૮૩
હજારો દુરાચારી પુરુષો તેમનો પ્રગટ આશ્રય કરવાથી આસુરી ક્રિયા થકી મુક્ત થયા છે, તેવા પુરુષો કોણ કોણ છે તે પણ આ પૃથ્વી પર સર્વજનોને વિદિત છે, નામ ગણાવાની ક્યાં જરૂર છે ?૮૪
આલોકમાં સેંકડો અને હજારો મનુષ્યો ભગવાન શ્રીહરિના શરણે થઇ અષ્ટાંગયોગના અભ્યાસ વિના પણ સમાધિમાં જાય છે. આ ઐશ્વર્યનો સમગ્ર મનુષ્યો પ્રત્યક્ષપણે અનુભવ કરે છે.૮૫
અંતકાળે પોતાના ભક્તજનને લેવા માટે તેમના દિવ્ય પાર્ષદોને સાથે લઇને આવે છે, ક્યારેક સ્વયં એકલા આવે છે. ક્યારેક માત્ર પાર્ષદો આવે છે. આવા પ્રકારનું આશ્ચર્ય કેટલાક ભક્તોને અને કેટલાક અન્યજનોને પણ પ્રત્યક્ષ દેખાય છે.૮૬
હે ચિમનરાવ ! આવી રીતે સમસ્ત પરમેશ્વરપણાના લક્ષણોએ યુક્ત હોવાથી જ અમારા ગુરુ શ્રી સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત્ પરમેશ્વર છે. આ પ્રમાણે સુજ્ઞા પુરુષો સૌ જાણે છે. હવે તમને આ બાબતે જો કાંઇ સંશય હોય તે પ્રશ્ન પૂછો. હું તમને ચોક્કસ સપ્રમાણ ઉત્તર આપીશ.૮૭
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે મુક્તાનંદ સ્વામીનું વચન સાંભળી અંતરથી નિઃસંશયી થયેલા સર્વે રામચંદ્રાદિ વિદ્વાનો પોતે ધારી રાખેલા મતનો ત્યાગ કરીને મુક્તાનંદ સ્વામીને પ્રણામ કર્યા ને પૂર્વે જેનો ભગવાનપણાનો મહિમા સાંભળ્યો હતો એવા શ્રીસ્વામિનારાયણ ભગવાનને સાક્ષાત્ ભગવાન વિષ્ણુ પુરુષોત્તમ નારાયણ માનવા લાગ્યા.૮૮
આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિ-જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં ત્રિયુગ શબ્દના નિર્ણયમાં પૃથ્વીપર થતા ભગવાનના અસાધારણ લક્ષણોનું અને શ્રીસ્વામિનારાયણ છે તે સાક્ષાત્ ભગવાન છે નિરૂપણ કર્યું એ નામે સાડત્રીસમો અધ્યાય પૂર્ણ થયો. --૩૭--