અધ્યાય - ૩૮ - વાનપ્રસ્થાશ્રમીઓના ધર્મોનું નિરૃપણ.
વાનપ્રસ્થાશ્રમીઓના ધર્મોનું નિરૃપણ.
ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે બ્રહ્મન્ ! હું તમને જણાવવા માટે વાનપ્રસ્થાશ્રમીઓના ધર્મો કહું છું.તે ધર્મો કળિયુગમાં પાળવા અશક્ય હોવાથી સ્મૃતિકારો મનુઆદિએ કળિયુગમાટે નિષેધ કરેલા છે.૧
હે વિપ્ર ! આયુષ્યના ત્રીજા ભાગમાં એટલે કે એકાવનમા વર્ષમાં પ્રવેશ થતાં ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરી ત્રીજા વાનપ્રસ્થાશ્રમનો આશ્રય કરવો.૨
પોતાના પુત્રનો પુત્ર જન્મે તે જોઇને ગૃહસ્થાશ્રમી પુરુષે ગૃહસ્થના સર્વે સુખભોગનો ત્યાગ કરી પોતાની પત્નીના પોષણની પુત્રને જવાબદારી સોંપી વનમાં પ્રવેશ કરવો.૩
જો પત્ની પોતાને અનુકૂળ હોય અને તપને સહન કરવા સમર્થ હોય તો વિદ્વાન ગૃહસ્થે તેને પણ વનમાં સાથે લઇ જવી. અથવા જો અનુકૂળ ન હોય અથવા તો તપ કરવા સમર્થ ન હોય ને પોતાને દુઃખ આપનારી થાય તો સાથે ન લઇ જવી. પુત્રોને સોંપી સ્વયં એકલા જ વનમાં પ્રવેશ કરવો.૪
વૈરાગ્યને કારણે ગૃહસ્થના સુખને ન ઇચ્છતા તેમજ બ્રહ્મચર્યાશ્રમમાં રહેલા હોવા છતાં ધીરજવાન અથવા મૃતપત્નીવાળા પુરુષોએ પણ વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશ કરવો.૫
ત્યારે પ્રથમ ગૃહસ્થાશ્રમી પુરુષે પોતાના ગુરુને પૂછવું, ત્યારપછી ધાર્મિક રાજાની અનુમતિ લેવી અને પોતાના સગાસંબંધીને પૂછવું ને પછીથી જ વાનપ્રસ્થાશ્રમનો સ્વીકાર કરવો.૬
તે પણ પ્રશંસનીય ઉત્તરાયણમાં અને તેમાં પણ સુદપક્ષમાં જે કોઇ દિવસના પૂર્વભાગમાં વનમાં પ્રવેશ કરી નિયમોનું પાલન કરતાં ચિત્તને એકાગ્ર કરી તપ કરવું.૭
વાન પ્રસ્થાશ્રમીને દ્વિજદેહને ઉચિત તપ કરવું એજ મુખ્યપણે કહેલું છે. તેથી તપ કરવામાં ઉત્સાહી અને દુઃખ સહન કરવામાં ધીરજવાળા પુરુષોએ તપનો જ આશ્રય કરવો.૮
ત્રેતાગ્નિએ સહિત વનમાં સીધાવેલા વાનપ્રસ્થાશ્રમી પુરુષને અગ્નિહોત્રનું કર્મ કે દર્શાદિકર્મ સાક્ષાત્ પશુનો વધ કર્યા વિના પૂર્વે ગૃહસ્થાશ્રમ વખતે જેમ કરતા હતા તે જ વિધિપૂર્વક કરવાનું કહેલું છે.૯
વનમાંથી પોતે જ લઇ આવેલા નિવારાદિ મુનિ અન્નમાંથી તૈયાર કરેલા પુરોડાશનો અગ્નિમાં હોમ કરવો. અને તે ત્રેતાગ્નિનું રક્ષણ કરવા માટે પર્ણશાલા બનાવવી અને પોતાને તો પર્ણકુટિથી બહાર જ રહેવું.૧૦
ચિત્તને બરાબર સ્થિર કરી, ક્રોધને જીતી આત્મજ્ઞાની વાનપ્રસ્થીએ પથ્થર અને કાંકરાવાળા પ્રદેશમાં શયન કરવું. ક્યારેય પણ બે વાર ભોજન કરવું નહિ.૧૧
મદ્ય, માંસ ભક્ષણનો હમેશાં ત્યાગ કરવો. ને નિરંતર બ્રહ્મચર્યવ્રત પરાયણ રહેવું. કોઇ પણ ભૂતપ્રાણીમાત્રનો દ્રોહ ન કરવો. પત્નીની સાથે કદાપિ શયન ન કરવું .૧૨
નિવારાદિ મુનિ ધાન્ય, શાક કે ફળ વડે કરીને પંચયજ્ઞો કરવા. જળ, મૂળ અને ફળની ભિક્ષા આપીને અતિથિઓ અને સંન્યાસીઓનો અતિથિ સત્કાર પણ કરવો. ઇન્દ્રિયોને નિયમમાં રાખી વાનપ્રસ્થીએ વલ્કલ વસ્ત્રો, તૃણનાં કે પાંદડાનાં વસ્ત્રો તથા મૃગચર્મ ધારણ કરવાં. તેમજ કમંડલું અને દંડ પણ ધારણ કરવો.૧૪
મસ્તક પરના અને દાઢી મુંછના કેશ ક્યારેય ઉતારવા નહિ, તેમજ નખનું છેદન ન કરવું. તથા શરીર ઉપર રહેલા મેલને ધોવો નહિ. વસ્ત્રાદિકથી તેનું માર્જન પણ કરવું નહિ.૧૫
ભૂતલ ઉપર શયન કરતા વાનપ્રસ્થીએ શરીરનાં અંગોને ચોળ્યા વિના ત્રિકાળ સ્નાન કરવું, દાંતને હમેશાં સફાઇ કરી ધોળા કરવા નહિ, ને વારંવાર આસનને ફેરવવું નહિ.૧૬
વળી વાનપ્રસ્થીએ અષ્ટપ્રકારે પરસ્ત્રીના સંગનો ત્યાગ રાખવો. અને પોતાની પત્ની સાથે પણ યજ્ઞાકર્મ નિમિત્તે જેટલું આવશ્યક હોય તેટલું જ બોલવુ.૧૭
વળી તે વાનપ્રસ્થીએ વનમાં પાકેલાં નીવારાદિ અન્ન, અથવા કોઠાં બોરાં આદિકનું એક જ વાર ભોજન કરવું.૧૮
અંતઃકરણને નિયમમાં કરનાર, બાહ્ય ઇન્દ્રિયોનું દમન કરનાર, કોમળ ચિત્તવાળા, ધીરજશાળી, મૂળ, કંદ અને ફળનો આહાર કરનારા અથવા નીવારાદિ મુનિ-અન્નથી જીવન ચલાવનાર વાનપ્રસ્થીએ ફળમાંથી નીકળતા તેલનું ભક્ષણ કરવું. પરંતુ ઘી આદિકનું ભક્ષણ કરવું નહિ.૧૯
પોતાની આજીવિકા માટેનું નિવારાદિ અન્ન વનમાંથી જાતે લાવવું, એ વાનપ્રસ્થીએ દાંતરૃપી ખાંડણિયામાં કૂટીને કે બહાર પથ્થર પર કૂટીને અન્ન ફળાદિકનો આહાર કરવો.૨૦
વાનપ્રસ્થીએ ખેતીમાં પકાવેલું અન્ન જમવું નહિ. તેમજ પાકવાના સમય પહેલાંજ નીપજેલું ખેતી સિવાયનું અન્ન પણ જમવું નહિ. અગ્નિમાં શેકેલું અથવા કાચું જ અથવા કાળે કરીને પાકેલા ફળાદિકનું ભક્ષણ કરવું.૨૧
વાનપ્રસ્થીએ ભોજન કર્યા પછી હાથ-મુખને ધોયા પછી તત્કાળ પાત્રને ધોઇ નાખવું ને કોઇ અન્નનું રક્ષણ કરવું નહિ. અથવા એક માસ ચાલે તેટલા અન્નનું રક્ષણ કરવું. અથવા છ માસ ચાલે તેટલા અન્નનું રક્ષણ કરવું અથવા એક વર્ષ પર્યંત ચાલે તેટલા અન્નનું રક્ષણ કરવું.૨૨
પૂર્વ વર્ષમાં જે કાંઇ અન્નાદિકનો સંગ્રહ કર્યો હોય તેનો આસો મહિનામાં ત્યાગ કરી દેવો, ને સ્વયં જાતે તે જ મહિનામાં ફરી નવા મુનિ-અન્નાદિકનો સંગ્રહ કરવો.૨૩
ધીરે ધીરે ક્રમશઃ પોતાના તપમાં વધારો કરતા જવું. પરંતુ એકી સાથે અન્નાદિકનો ત્યાગ કરવાથી રત્ન જેવું દુર્લભ આ મનુષ્યશરીર વિનાશ પામે છે.વાનપ્રસ્થીએ પ્રતિદિન ભગવાન શ્રીહરિનું હૃદયમાં ધ્યાન કરતાં કરતાં તપથી દેહનું શોષણ કરતાં જવું, પ્રથમ મુનિ અન્નનું ભક્ષણ કરવું, પછી ફળ, મૂળના ભક્ષણ ઉપર આવવું.૨૫
પછી માત્ર રાત્રે જ ફળ-મૂળનો આહાર કરવો. પછી એકાંતરે જ ફળમૂળનો આહાર કરવો. ત્યારપછી દર ત્રીજે દિવસે. કે ચોથે દિવસે અથવા પાંચમે કે છઠ્ઠે દિવસે ફળ મૂળનો આહાર કરવો.૨૬
પછી ચાંદ્રાયણ વ્રત કરવું અથવા પખવાડિયે અથવા મહિને એકવાર આહાર કરવો. અથવા દૂધપાન, ફીણપાન, અથવા ધૂમ્રપાન કરીને જીવવું.૨૭
ચંદ્રની કિરણોનું પાન, અથવા પાણીની વરાળનું પાન કરીને જીવન વીતાવવું, આ રીતે ક્રમશઃ તપશ્ચર્યામાં વધારો કરતા અને તપ કરવામાં પ્રીતિવાળા વાનપ્રસ્થીએ ક્યારેય પણ પ્રમાદી ન થવું. સદાય સાવધાન રહેવું.૨૮
ઇન્દ્રિયો જીતી લીધી હોય છતાં પણ તેનો વિશ્વાસ ન કરવો. મનને સદાય નિયમમાં રાખવું, તુચ્છ વસ્તુની પ્રાપ્તિ માટે મૂર્ખભાવથી પોતાના તપનો ત્યાગ ન કરવો.૨૯
સ્ત્રીની વાત સાંભળવા આદિકના રૃપમાં પોતાના બ્રહ્મચર્ય વ્રતનો ભંગ થાય તો એક ઉપવાસ કરવો. એમ કોઇ પણ બ્રહ્મચર્યના અંગનો ભંગ થાય તો ઉપવાસ કરવો ને સદાય સાવધાન રહી તપશ્ચર્યા કર્યા કરવી.૩૦
જે દ્વિજ પત્ની સાથે વનમાં પ્રવેશ્યો હોય તે જો કામભાવથી સ્ત્રી સાથે મૈથુન કરે તો તે વ્રત થકી ભ્રષ્ટ થયેલો જાણવો. દ્વિજે એ પાપનું દેહાંત પ્રાયશ્ચિત કરવું.૩૧
આ વ્રતભ્રષ્ટ વાનપ્રસ્થીનો જે પુત્ર થાય છે તે ત્રણે વર્ણના જનોને સ્પર્શ કરવા અયોગ્ય હોય છે. તેમજ તેમને વેદાધિકાર પણ પ્રાપ્ત થતો નથી. તેથી વાનપ્રસ્થીએ કામને પ્રયત્ન પૂર્વક જીતવો.૩૨
વળી વાનપ્રસ્થીએ ગ્રીષ્મઋતુમાં પંચાગ્નિનું સેવન કરવું, વર્ષાઋતુમાં વરસાદની ધારાઓ સહન કરવી ને શિશિર ઋતુમાં કંઠ સુધીના જળમાં ઊભા રહેવું.૩૩
આ બધાનું એક કે બે તથા તેથી વધુ પ્રહર સુધી સેવન કરવું. આ રીતે વાનપ્રસ્થીએ ધીરજવાન થઇ દંભનો ત્યાગ કરી જે રીતે પોતાના શરીરનું પતન ન થાય એ રીતે યથાશક્તિ તપ કર્યા કરવું.૩૪
આમ બારવર્ષ અથવા આઠ વર્ષ, ચાર વર્ષ, બે કે એક વર્ષ પર્યંત શક્તિ અનુસાર વનમાં રહેવું ને કૃચ્છ્રાદિ તપશ્ચર્યાથકી વિરામ ન પામવું.૩૫
જે પુરુષ કંટકાદિકથી પોતાને પીડા ઉપજાવે અને જે પુરુષ ચંદનાદિકથી પોતાનું પૂજન કરે, તે બન્ને પુરુષને વિષે વાનપ્રસ્થીને ક્રોધ કે આનંદ ઉત્પન્ન ન થાય, પરંતુ બન્ને ઉપર સમાન દૃષ્ટિ વર્તે. એવી સ્થિતિમાં રહેવું.૩૬
તપશ્ચર્યા કરવા અસમર્થ વાનપ્રસ્થીએ અગ્નિને પોતાના આત્મામાં ધારી લોકમાં વિચરણ કરવું. કોઇ એક નક્કી સ્થાનથી રહિત થઇ પોતાના પ્રાણની રક્ષા માટે અન્ય વાનપ્રસ્થીઓ પાસેથી ભિક્ષા માગવી.૩૭
અથવા ભિક્ષા કરવા ગામમાં જઇ પવિત્ર બ્રાહ્મણના ઘરની ભિક્ષા ગ્રહણ કરવી, ને તેમાંથી આઠ કોળિયા જમવા, તેથી પ્રાણ ધારણ કરવા અસમર્થ વાનપ્રસ્થીએ સોળ કોળિયા જમવા.૩૮
નિત્ય સ્વાધ્યાયશીલ રહેવું. ગાયત્રીમંત્રના જપ-પરાયણ રહેવું ને નિદ્રા તથા આળસને જીતીને રાત્રીએ ભગવાનના ધ્યાનપરાયણ રહેવું.૩૯
વાનપ્રસ્થીએ વસિષ્ઠાદિ બ્રહ્મર્ષિઓએ બાંધેલી ને દ્વિજાતિ જનોને અવશ્ય પાલન કરવા યોગ્ય આ વાનપ્રસ્થાશ્રમની મર્યાદાનું શ્રદ્ધા પૂર્વક પાલન કરવું. અગ્નિ જેમ કાષ્ઠને ભસ્મીભૂત કરી મૂકે તેમ પોતાની અંદર રહેલા દોષોને ભસ્મીભૂત કરી નાખવા, ને યજ્ઞાદિ કર્મો કરીને પણ પ્રાપ્ત ન થઇ શકે તેવા દુર્જય મહરાદિ લોકોને પ્રાપ્ત કરવા.૪૦
જે વાનપ્રસ્થી જરા રોગથી ઉપદ્રવ પામેલો હોય ને પોતાના આશ્રમને ઉચિત કર્મ કરવામાં અસમર્થ હોય, તેમણે હૃદયમાં ભગવાન શ્રીહરિનું ધ્યાન કરી અનશનાદિ લઘુવ્રતો કરવાં.૪૧
આ પ્રમાણે મનને જીતી તપશ્ચર્યા કરતા વાનપ્રસ્થાશ્રમી ભગવાનની ભક્તિએ રહિત હોવાને કારણે દેહને અંતે તપસ્વીઓને ઇચ્છિત એવા મહરલોકને પ્રાપ્ત કરે છે.૪૨
હે શિવરામ વિપ્ર ! જે વાનપ્રસ્થાશ્રમમાં રહીને વિષ્ણુ ભક્તિએ સહિત તપશ્ચર્યા કરે છે, તે ભગવાનના ધામને પામે છે.૪૩
હે વિપ્ર ! વૈખાનસ, વાલ્ખિલ્ય, ઔદુંબર અને ફેનપ આ પ્રકારે વાનપ્રસ્થીઓ આજીવિકા વૃત્તિના ભેદથી ચાર પ્રકારના કહેલા છે.૪૪
તેમાંથી ખેતી કર્યા વિના પાકેલા નિવારાદિ મુનિ-ધાન્યથી જીવન જીવતા હોય તેમને ''વૈખાનસ'' નામથી કહેલા છે.નવું અન્ન પ્રાપ્ત થતાં પૂર્વે સંગ્રહ કરી રાખેલા અન્નનો ત્યાગ કરી દેનારાને ''વાલ્ખિલ્ય'' કહેલા છે.૪૫
પ્રાતઃકાળે જાગ્રત થઇ જે દિશા તરફ પ્રથમ દૃષ્ટિ કરે તે દિશામાંથી સ્વયં જઇ જે ફલ મૂળાદિક મળે તેનાથી જીવન વ્યતીત કરે તે ત્રીજા પ્રકારના ''ઔદુમ્બર'' કહેલા છે.૪૬
અને વૃક્ષપરથી સ્વયં પડેલાં ફળ, પુષ્પ, પત્રથી જીવન જીવતા હોય તેને ''ફેનપ'' નામથી કહેલા છે. આ ચારે ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે. એમ જાણવું.૪૭
આ પૂર્વોક્ત વાનપ્રસ્થાશ્રમીને તપશ્ચર્યા કરતાં જો સાંસારિક સર્વે પદાર્થોમાંથી દૃઢ વૈરાગ્ય ઉત્પન્ન થાય તો તેમના માટે ચોથો સંન્યાસઆશ્રમ ગ્રહણ કરવાનો કહેલો છે.૪૮
હે શ્રેષ્ઠ વિપ્ર ! મેં ત્રીજા વાનપ્રસ્થાશ્રમના આ ધર્મો સંક્ષેપથી તમને સંભળાવ્યા. હવે સ્મૃતિઓમાં પ્રસિદ્ધ ચોથા સંન્યાસઆશ્રમના સર્વે ધર્મો તમને કહું છું.૪૯
આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિ-જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતાં ભગવાન શ્રીહરિએ વાનપ્રસ્થાશ્રમના ધર્મોનું નિરૃપણ કર્યું, એ નામે આડત્રીસમો અધ્યાય પૂર્ણ થયો. --૩૮--