અધ્યાય - ૩૯ - ચોથા સંન્યાસઆશ્રમના ધર્મનું નિરૃપણ.

Submitted by swaminarayanworld on Tue, 08/08/2017 - 9:42pm

અધ્યાય - ૩૯ - ચોથા સંન્યાસઆશ્રમના ધર્મનું નિરૃપણ.

ચોથા સંન્યાસઆશ્રમના ધર્મનું નિરૃપણ. ત્રણ પ્રકારના વૈરાગ્યનાં લક્ષણો. વૈરાગ્ય વિના લીધેલા સંન્યાસનું પરિણામ. સંન્યાસ-ધર્મનો વિસ્તાર.

ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે બ્રહ્મન્ ! જેવી રીતે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થોમાં ચોથો મોક્ષ નામનો પુરુષાર્થ શ્રેષ્ઠ કહેલો છે. તેમ બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ આ ચાર આશ્રમમાં સંન્યાસને શ્રેષ્ઠ કહેલો છે.૧

ઉપનયન સંસ્કાર પ્રાપ્ત થયો હોય કે ન થયો હોય એવો બ્રહ્મચારી હોય, ત્રેતાગ્નિ સહિત કે રહિતનો ગૃહસ્થ હોય કે વાનપ્રસ્થી હોય, છતાં જે દ્વિજાતિ પુરુષને વૈરાગ્ય પ્રાપ્ત થાય તેણે પૂર્વના ત્રણે આશ્રમનો ત્યાગ કરી સંન્યાસ આશ્રમનો સ્વીકાર કરવો.૨

હે વિપ્ર ! આવા સંન્યાસીઓને મહર્ષિઓએ કુટીચક, બહૂદક, હંસ અને પરમહંસ એમ ચાર પ્રકારના કહેલા છે.૩

કુટીચક સંન્યાસીનાં લક્ષણ :- હે વિપ્ર ! એ ચારે પ્રકારના સંન્યાસીઓમાં જે સંન્યાસી પોતાના પુત્રાદિકે નિર્માણ કરી આપેલી કુટિયામાં કે ઘરના એક ભાગમાં નિવાસ કરીને રહે, શિખા, ઉપવીત અને ત્રિદંડ ધારણ કરે, ભગવાં વસ્ત્રો ધારણ કરે.૪

ને પોતાના બંધુઓને ઘેર કે પોતાને ઘેર ભેાજન કરે. તેમજ તે આત્મજ્ઞાનના વિચારવાળા હોય ને શરીરે અશક્ત હોય તેવા સંન્યાસીને કુટીચક કહેલા છે.૫

બહુદક સંન્યાસીનાં લક્ષણ :- અને જે સંન્યાસી પૂર્વોક્ત કુટીચકના જેવા જ વેષધારી હોય છતાં તેઓ પોતાના બંધુજનોના ઘરનો ત્યાગ કરી સંબંધી ન હોય તેવા જનોના ઘરેથી ભિક્ષા ગ્રહણ કરી લાવે તેને બહુદક સંન્યાસી કહેલા છે.૬

હંસ સંન્યાસીનાં લક્ષણ :- જે સંન્યાસી પૂર્વોક્ત બહુદક જેવા વેષધારી હોય, છતાં જે વેણુનો એક દંડ ધારણ કરે તે આલોકમાં હંસ નામના સંન્યાસી કહેલા છે.૭

પરમહંસ સંન્યાસીનાં લક્ષણ :- જે સંન્યાસી જ્ઞાન અને વૈરાગ્યથી શોભતા હોય ને એક દંડ તથા એક વસ્ત્રને ધારણ કરે, અથવા કાંઇ ધારણ ન કરે, તે ચોથા પ્રકારના પરમહંસ નામના સંન્યાસી કહેલા છે.૮

જે દિવસે સંસારમાંથી વૈરાગ્ય ઉપજે તે જ દિવસે સંન્યાસનો સ્વીકાર કરવો.આવું જાબાલમુનિનું વેદોક્ત વચન હોવાથી સંન્યાસ લેવાનું કારણ વૈરાગ્ય જ મનાયેલો છે.૯

તે વૈરાગ્યના ત્રણ ભેદ છે. મંદ, તીવ્ર અને અતિતીવ્ર.તેમાં જો વૈરાગ્ય મંદ હોય તો સંન્યાસનો સ્વીકાર ન કરવો. પરંતુ તીવ્ર કે અતિતીવ્ર વૈરાગ્ય હોય તો બે પ્રકારનો સંન્યાસ સ્વીકારી શકાય છે.૧૦

ત્રણ પ્રકારના વૈરાગ્યનાં લક્ષણો :- પુત્ર, પત્ની અને ધન આદિકનો નાશ થાય ને તત્કાળ એવો વિચાર ઉપજે જે ''આ સંસારને ધિક્કાર છે'' આવા વૈરાગ્યને મંદ વૈરાગ્ય કહેલો છે.૧૧

આ જન્મમાં જે પુત્ર પત્ની ધન આદિક છે તે મારાં નથી, આવા પ્રકારના વિચારમાં બુદ્ધિની સ્થિરતા થવી, તેને તીવ્ર વૈરાગ્ય જાણવો.૧૨

અને પુનરાવૃત્તિવાળા કોઇ પણ લોક મારે જોઇતા નથી, આવા પ્રકારની જે દૃઢબુદ્ધિ થવી, તેને સર્વશ્રેષ્ઠ અતિશય તીવ્ર વૈરાગ્ય કહેલો છે.૧૩

તીવ્રવૈરાગ્યમાં પણ અપક્વ જ્ઞાની પુરુષના સંન્યાસને "વિવિદિષા" નામનો સંન્યાસ કહેલો છે. અને દૃઢજ્ઞાનવાળા પુરુષના સન્યાસને વિદ્વત્સંન્યાસ કહેલો છે.૧૪

જો અંતરમાં દૃઢ વૈરાગ્ય ઉત્પન્ન થાય તો જ દ્વિજાતિ પુરુષોએ સંન્યાસ સ્વીકારવો. જો દૃઢ વૈરાગ્ય ન હોય ને સંન્યાસનો સ્વીકાર કરે તો તે નક્કી સંન્યાસી ધર્મથકી ભ્રષ્ટ થાય છે.૧૫

કારણ કે વૈરાગ્ય વિના ઇન્દ્રિયોનો નિગ્રહ શકય નથી,અને ઇન્દ્રિયોના નિગ્રહ વિના ત્યાગ ટકી શકતો નથી. તેમજ ત્યાગ વિના સંન્યાસ કેવી રીતે ટકી શકે ? ન જ ટકી શકે. ૧૬

વૈરાગ્ય વિના લીધેલા સંન્યાસનું પરિણામ :- ઋણ અપાકરણ નામની શ્રુતિ અને સ્મૃતિઓએ વૈરાગ્ય વિનાના સંન્યાસનો નિષેધ કરેલો છે. તેથી વિચાર્યા વિના સન્યાસ સ્વીકારવો નહિ.૧૭

જે ત્રણ વર્ણનો દ્વિજ વિચાર્યા વિના તત્કાળ સંન્યાસનો સ્વીકાર કરી લે છે, તે વૈરાગ્યના અભાવે પછી વિષયોનો ઉપભોગ કરવા લાગે છે. તેનાથી એ મૂઢ દ્વિજ પતિત થાય છે.૧૮

જે પુરુષ સંન્યાસનો સ્વીકાર કરી રસાસ્વાદમાં કે સ્ત્રીમાં લોભાય છે, તે મહારૌરવ નામના નરકને પામે છે. આ પ્રમાણે યમરાજાએ પોતે કહ્યું છે.૧૯

અત્યારે આલોકમાં વૈરાગ્ય વિનાના ઘણા બધા સંન્યાસીઓ ભ્રષ્ટ થઇને ભટકતા દેખાય છે. તેથી વૈરાગ્ય ઉત્પન્ન થાય તોજ દ્વિજાતિ પુરુષોએ પ્રસન્ન થઇને સંન્યાસનો સ્વીકાર કરવો.૨૦

સંન્યાસ સ્વીકારવા ઇચ્છતા દ્વિજાતિ પુરુષે ગુરુ, સ્વજન અને રાજાને પૂછીને પછીથી જ સુદ પક્ષમાં શુભદિવસે સંન્યાસનો સ્વીકાર કરવો.૨૧

દેવશ્રાદ્ધ, ઋષિશ્રાદ્ધ, દિવ્યશ્રાદ્ધ, પિતૃશ્રાદ્ધ, માતૃશ્રાદ્ધ, મનુષ્યશ્રાદ્ધ, ભૂતશ્રાદ્ધ અને આત્મશ્રાદ્ધ; આ આઠ પ્રકારનાં શ્રાદ્ધ સંન્યાસ લેવા ઇચ્છતા પુરુષે પ્રથમ કરવાં.૨૨

પ્રજાપતિ દેવતાના ઇષ્ટકર્મનું અનુષ્ઠાન કરી અગ્નિને આત્મામાં ધારણ કરવો ને શ્રીકૃષ્ણ ભગવાનમાં મનને એકાગ્ર કરી ગુરુની આજ્ઞા અનુસાર જેમ છે તેમ પ્રૈષ વાક્યનું ઉચ્ચારણ કરવું અર્થાત્ મેં સંન્યાસ ગ્રહણ કર્યો છે, આવા આદેશ વાક્યનું ઉચ્ચારણ કરવું.૨૩

સંન્યાસ-ધર્મનો વિસ્તાર :- રોગાતુર દ્વિજાતિ પુરુષોને સંન્યાસ સ્વીકારવામાં કોઇ વિધિ કે ક્રિયાનું વિધાન નથી. તેમાં માત્ર પ્રૈષ વાક્યનું ઉચ્ચારણ કરવું, તેનાથી સંન્યાસ પૂર્ણ થાય છે.૨૪

વિધિથી સંન્યાસનો સ્વીકાર કરી નિયમમાં તત્પર થઇ બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિને માટે સદ્ગુરુનું સેવન કરવું.૨૫

આવા સાક્ષાત્ આત્મા-પરમાત્માના જ્ઞાનના અનુભવવાળા સદ્ગુરુની કૃપાથી દૃઢ વૈરાગ્ય પામેલા, ને પોતાના સદાચાર ધર્મમાં દૃઢ વર્તતા, ભગવાનની ભક્તિ પરાયણ સંન્યાસીએ તીર્થોમાં વિચરણ કરવું.૨૬

તે સમયે વિવેકીજનો પૂજન કરે, અથવા મૂર્ખજનો તાડન કરે, છતાં હર્ષ કે શોકથી રહિત થઇ તે પૂજનારા અને મારનારામાં સમભાવ રાખી, અત્યંત પ્રસન્નમને સંન્યાસીએ વિચરણ કરવું.૨૭

બે કૌપીન, દંડ, આચ્છાદનવસ્ત્ર, માટીનું કમંડલુ, ભિક્ષાપાત્ર, પાદુકા અને જીર્ણવસ્ત્રથી તૈયાર કરવામાં આવેલી અને ટાઢને હરે તેવી ગોદડી આટલી વસ્તુ સંન્યાસીએ ધારણ કરવી, તે સિવાયનો સંગ્રહ કરવો નહિ.૨૮-૨૯

ગોદડી, આચ્છાદનવસ્ત્ર અને કૌપીન ગેરુથી રંગેલાં ધારણ કરવાં. અતિશય વાણીનો કલહ, ચાડીચુગલી અને અન્યનાં હિંસાકારક વચનોનો ત્યાગ કરી દેવો.૩૦

વસ્ત્ર ધારણ કરવાં કે ન કરવાનો કોઇ નિયમ નથી. તેમાં જ્ઞાનરૃપદંડ છે તે મુખ્યદંડ કહેલો છે, અને વેણુનો દંડતો ગૌણ જાણવો.૩૧

ત્રિદંડધારે છતાં વેણુના દંડ ગૌણ મનાયેલા છે. કારણ કે સંન્યાસીએ મન, કર્મ વચનના જે દંડ ધારણ કરવા એને જ ડાહ્યા જનોએ મુખ્ય દંડ કહ્યા છે.૩૨

તેમાં સંન્યાસીએ વાણીના દંડ નિમિત્તે મૌનનો આશ્રય કરવો, કર્મદંડ નિમિત્તે યથાયોગ્ય ચેષ્ટાનો સ્વીકાર કરવો અને મનના દંડમાં પ્રાણાયામનો સારી પેઠે આશ્રય કરવો.૩૩

વિપ્રોએ આપેલા અધ્યાત્મજ્ઞાન સંબંધી પુસ્તકનો સંન્યાસીએ સ્વીકાર કરવો. દ્રવ્ય સ્વીકારવામાં અતિશય દોષ રહેલો હોવાથી લેખકને આપવા બ્રાહ્મણ પાસેથી દ્રવ્ય લઇને પુસ્તકનું લેખન કાર્ય કરાવવું નહિ, પરંતુ સીધું લખેલું પુસ્તકજ લેવું.૩૪

પત્ર, પુષ્પ, જળ, માટી, મૂલ અને ફળ; આ પ્રત્યક્ષ રીતે ગ્રહણ કરવાં પણ છૂપી રીતે ગ્રહણ કરવાં નહિ. સંન્યાસીએ ક્રોધ રહિત થઇને બહાર અંદર પવિત્રપણે વર્તીને ભૂમિ ઉપર શયન કરવું.૩૫

કોઇ વચનનાં બાણ મારે છતાં પણ શાંતપણે વાણી ઉચારવી, પદાર્થમાત્રની સ્પૃહા છોડીને સામે બોલવાનાં વચનમાં માત્ર હે નારાયણ ! આટલું જ ઉચ્ચારણ કરવું.૩૬

વાણી મન અને શરીરની ચેષ્ટામાં ક્યારેય પણ પ્રમાદી ન થાવું, જીતેન્દ્રિય થઇ સ્નાન, ધ્યાન, તપ, દાન અને યોગનો અભ્યાસ કરવો.૩૭

મનના મળનો ત્યાગ એજ સાચું સ્નાન કહેલું છે. ભગવાનના સ્વરૃપનો તત્ત્વપૂર્વક નિશ્ચય તેને ધ્યાન કહેલું છે, નેત્રાદિ ઇન્દ્રિયોને અને મન આદિ અંતઃકરણને માયિક વિષયોમાંથી પાછી વાળી ભગવાનના સ્વરૃપમાં જોડવાં, એજ પરમ તપ કહેલું છે.૩૮

સર્વભૂતપ્રાણીમાત્રને અભય આપવું, એ જ સાચું દાન કહ્યું છે. બ્રહ્મરૃપે થઇ અક્ષરબ્રહ્મની સાથે એકતા સાધવી તેને જ યોગ કહેલ છે. આ રીતે જે સંન્યાસીને ભગવાનની ભક્તિ સાથે પૂર્વોક્ત પાંચ ગુણોની દૃઢતા થાય એજ સંન્યાસી મુક્ત થાય છે.૩૯

પ્રાણીમાત્રની હિંસા ન કરવી, નિશ્ચય કરેલું સત્યવચન બોલવું, ગાય, બ્રાહ્મણ આદિકની હિંસા થઇ જાય એમ હોય તો ખોટું બોલવામાં કોઇ દોષ નથી.૪૦

ચોરી, વેર, મદ, લોભ, કુટીલતા, સ્ત્રી કથા, શોક, મત્સર, ભય, તૃષ્ણા અને લોકોમાં પ્રીતિનો ત્યાગ કરવો.૪૧

જ્ઞાન, તપ, પૂજા અને દાનને બાળીને ભસ્મીભૂત કરનાર તથા શરીરને બાળનાર તથા પ્રાણનું હરણ કરનાર મહાશત્રુભૂત એવા ક્રોધનો તો સંન્યાસીએ દૂરથી જ ત્યાગ કરી દેવો.૪૨

ખાટલા ઉપર શયન, શ્વેતવસ્ત્રોનું પરિધાન, સુરાપાન, દિવસની નિદ્રા, મારા કોઇ નથી, એમ બોલીને છોડી દીધેલાં સ્ત્રી, પુત્ર, મિત્ર, ધન, ખેતર, પાદર આદિકનો ફરી સંગ કરવો, તે સંન્યાસીનું અધઃપતન કહેલ છે. અને અંતે નરકમાં નાખે છે.૪૩

માર્ગમાં ચાલતાં સંન્યાસીએ જંતુરહિતના પ્રદેશને જોઇને સદાય પગ માંડવા, વિવેકીએ માર્ગમાં ઉતાવળું ન ચાલવું, વસ્ત્રથી ગાળીને જળ પીવું.૪૪

અંતઃકરણને જીતી શાંત વર્તવું, બાહ્ય-ઇન્દ્રિયોનું દમન કરવું, વ્યવહારિક કાર્યોમાંથી નિવૃત્તિ સ્વીકારવી, સુખ-દુઃખ આદિક દ્વન્દ્વોને સહન કરવાં, શ્રદ્ધાયે યુક્ત થઇ દયાવાળા, ધીરજશાળી અને કર્મફળનો ત્યાગ કરનારા થવું.૪૫

વ્રત ઉપવાસાદિ નિયમોનો અને ભગવાનની પૂજાનો ક્યારેય ત્યાગ ન કરવો, સદાય ઁ કારનો જપ કરવો, અને તેના અર્થનો વિચાર કરવો.૪૬

ઉપનિષદોનું શ્રવણ, મનન અને નિદિધ્યાસ કરવો, તેમ કરવાથી સંન્યાસી જ્ઞાન-વિજ્ઞાન સંપન્ન થાય છે.૪૭

સાંખ્યશાસ્ત્રનો વિચાર કરી દેહ અને આત્માના સ્વરૃપને અલગ જોવું, આત્મનિષ્ઠાવાળા થઇ જીહ્વા અને શિશ્ન-ઇન્દ્રિયના વેગને જીતવા, અષ્ટપ્રકારે બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવું.૪૮

જ્ઞાનનિષ્ઠ આત્મવિચાર કરી પોતાના આત્માને બંધન અને મોક્ષ શેનાથી છે ? તેને જોતાં રહેવું, નેત્રાદિ ઇન્દ્રિયોમાં વિક્ષેપ થવો, તે જ બંધન છે. અને એ ઇન્દ્રિયોમાં પોતપોતાના વિષયો થકી સંયમ, તેને જ મોક્ષ કહેલો છે.૪૯

ગુરુની આજ્ઞા સ્વીકારી આ પૃથ્વી પર વિચરણ કરવું, ને સમગ્ર સાધનના સારરૃપ મોક્ષના સાધન માટેનું જ્ઞાન ઉપાર્જન કરવું.૫૦

નગર, ગામ, નેસ અને જન સમુદાયની વચ્ચે ભિક્ષા કરવા જવું, ને પવિત્ર એવા દેશ, નદીઓ, પર્વતો, વનો અને આશ્રમો જ્યાં હોય ત્યાં વિચરણ કરવું.૫૧

સંન્યાસીએ કોઇ બોલાવે નહિ ત્યાં સુધી બોલવું નહિ, અન્યાયથી બોલતા પુરુષને પણ એમ ન કહેવું કે તમે અન્યાયથી કેમ બોલો છો ? પોતે અત્યંત બુદ્ધિશાળી હોવા છતાં જડ માણસની જેમ વર્તીને વિચરણ કરવું.૫૨

એક જ ગામમાં બહુ દિવસો સુધી ન રહેવું, તેમજ એક જ નદીને કિનારે, જન રહિતના ભવનમાં પણ બહુ દિવસો સુધી ન રહેવું.૫૩

નગરમાં પાંચ દિવસ અને ગામમાં એક દિવસ નિવાસ કરવો. મુક્ત ભાવને પામેલા સંન્યાસીને પણ બહુ દિવસ પર્યંત નિવાસ કરવાથી મનુષ્યોનો પ્રસંગ ઊભો થતાં ઘણા દોષો આવવાના પ્રસંગો થઇ શકે છે, તેથી જ જન સમુદાયનો પ્રસંગ છોડી દેવો.૫૪

હે વિપ્ર ! સંન્યાસીએ બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ માટે સત્પુરુષનો સંગ કરવો, વૃદ્ધ સંન્યાસીને ગુરુ માની પ્રણામ કરવા.૫૫

આસ્તિકનો ત્યાગ કરનાર, ક્રોધને જીતનાર અને મિતાહાર કરનાર સંન્યાસીએ જીતેન્દ્રિય થઇ બુદ્ધિપૂર્વક નેત્રાદિ સર્વે ઇન્દ્રિયોને વિષયોથી પાછી વાળી ભગવદ્-સ્વરૃપના ધ્યાનનો નિત્યે અભ્યાસ કરવો.૫૬

આત્મા પરમાત્માના સ્વરૃપનું ચિંતવન કરવામાં નિરંતર તત્પર થઇ સંન્યાસીએ જનસંચારરહિત જગ્યામાં કે ગુફામાં કે પછી વનમાં તથા નદીઓની રેતીમાં નિવાસ કરીને રહેવું.૫૭

રાત્રીના પૂર્વ, મધ્ય અને પશ્ચિમ ભાગમાં તથા બન્ને સંધ્યાના સમયે આળસ છોડી વિશેષપણે શ્રીહરિનું ધ્યાન કરવું.૫૮

કોઇ પણ સ્ત્રીની સાથે વાર્તાલાપ ન કરવો. પૂર્વે જોયેલી સ્ત્રીનું સ્મરણ ન કરવું. લૌકિક અને વ્યવહારિક અર્થો ભરેલા અને ઉપનિષદોથી જુદા ગ્રંથોનો અભ્યાસ ન કરવો.૫૯

વૃક્ષો અને પશુ-પક્ષીના પાલનમાં આસક્ત ન રહેવું, વિષ, પારો અને તાંબા આદિકનાં પાત્રોનો મળ-મૂત્રની જેમ ત્યાગ કરવો.૬૦

જે ગામ કે નગરમાં પોતાનો એક પણ સંબંધી રહેતો હોય ત્યાં એક દિવસ પણ રહેવું નહિ. તે સંબંધીના સુખ-દુઃખને સાંભળીને મનમાં હર્ષ કે શોક ક્યારેય પણ ઉત્પન્ન થવા દેવો નહિ.૬૧

અને જો તેનાં સુખ-દુઃખ સાંભળીને રૃદન કરે તો તત્કાળ તેનાથી સો યોજન દૂર જઇને નિવાસ કરે, ત્યારે જ તે દોષરૃપ પાપથી મુક્ત થાય છે.૬૨

વૃદ્ધ સંન્યાસી પણ વૃદ્ધ સ્ત્રીનો વિશ્વાસ ન કરે, કારણ કે જીર્ણ કંથામાં જીર્ણવસ્ત્ર સંયોજીત થઇ જાય છે.૬૩

યતિએ બહાર અને અંદર એમ બે પ્રકારની પવિત્રતાનું પાલન કરવું, તેમાં માટી અને જળથી બહારની પવિત્રતા સિદ્ધ થાય છે. અને કામ ક્રોધાદિ મનના મળનો ત્યાગ કરવાથી અંદરની પવિત્રતા સિદ્ધ થાય છે.૬૪

આત્મસ્વરૃપના જ્ઞાની એવા યતિએ લૌકિક પદાર્થમાં આસક્ત ન થવું. કોઇની સાથે વાદ-વિવાદ કરી કલહ ન કરવો. ધનસંગ્રહ પણ ન કરવો ને બીજા પાસે કરાવવો નહિ.૬૫

જે સંન્યાસી લૌકિક માર્ગમાં જીભ વગરનો, નપુંસક, પાંગળો, આંધળો, બહેરો, મૂંગો અને મુગ્ધ થાય છે તે જ સંસારમાંથી મુક્ત થઇ શકે છે, બીજો નહિ.૬૬

જીભ વગરનો સંન્યાસી :- જે સંન્યાસી દૈવ ઇચ્છાથી પ્રિય કે અપ્રિય જે પ્રાપ્ત થાય તેનું પ્રેમથી ભક્ષણ કરે, પરંતુ તેમની નિંદા કે પ્રશંસા ન કરે, અન્યનું હિત થાય તેવું પ્રયોજન પૂરતું સત્ય અને કોમળ વચન બોલે, તે સંન્યાસી અજિહ્વ- જીભવગરનો જાણવો.૬૭

નપુંસક સંન્યાસી :- જે સંન્યાસી બાળકી, યુવાન કે વૃદ્ધ સ્ત્રીને સમાન નિર્વિકારભાવે જુવે છે, તે સંન્યાસી નપુંસક મનાયેલો છે.૬૮

પંગુ સંન્યાસી :- જે સંન્યાસી તીર્થસ્નાન કરવા, ભિક્ષાટન કરવા અથવા મળમૂત્રનો ત્યાગ કરવા માટે ચારકોષથી અધિકના દૂર પ્રદેશમાં ગતિ ન કરે તે સંન્યાસી પંગુ જેવો કહેલો છે.૬૯

અંધ સંન્યાસી :- બેઠેલા કે ચાલતા સંન્યાસીની દૃષ્ટિ ચાર યુગથી દૂર ન પ્રસરે અર્થાત્ સોળ હાથના વિસ્તારથી દૂર ન જાય તેને અંધ કહેલો છે.૭૦

બધિર સંન્યાસી :- જે સંન્યાસી, લોકોએ કરેલી સ્તુતિ અથવા નિંદા, પ્રિય અથવા અપ્રિય અથવા મર્મ ભરેલાં વચનો સાંભળે છતાં પણ મનમાં કોઇ વિકાર ઉત્પન્ન ન થાય તે સંન્યાસીને બધિર કહેલો છે.૭૧

મુગ્ધ સંન્યાસી :- જે સંન્યાસી વિકારોને ઉત્પન્ન કરે તેવા વિષયોનું સાંનિધ્ય હોવા છતાં પણ નિર્વિકાર રહે તથા ઇન્દ્રિયોને જીતી અજ્ઞાની બાળકના જેવું વર્તન કરે, તે સંન્યાસી મુગ્ધ કહેલો છે.૭૨

હે વિપ્ર ! આત્મજ્ઞાની સંન્યાસીએ પોતાના પૂર્વાશ્રમનું નામ, ગોત્ર, કુળ, દેશ, શાસ્ત્રાધ્યયન, આજીવિકાવૃત્તિ, બળ, અવસ્થા, સ્વભાવ આદિકની ક્યારેય પણ ખ્યાતિ ન કરવી.૭૩

કાષ્ઠ કે ચિત્રની નારીનો સ્પર્શ ન કરવો ને જોવી પણ નહિ, કારણ કે નારી, ધન અને રસાસ્વાદ આ ત્રણે પતનનાં કારણભૂત છે.૭૪

કોઇ પણ એક જગ્યાએ નિત્ય નિવાસ કરવો નહિ, ક્યારેક ગામથી બહાર, ક્યારેક દેવાલયમાં, ક્યારેક વૃક્ષના થડે, અથવા કોઇ એકાંત સ્થળમાં નિવાસ કરવો.૭૫

હે વિપ્ર ! પ્રાણાંતના ભય વિના કે મળમૂત્ર વિસર્જન કરવાના કારણ વિના રાત્રીને વિષે, મધ્યાહ્ને, અને બન્ને સંધ્યાને સમયે કોઇ પણ સ્થળે જવું નહિ. ક્યાંક જવું હોય તો એ સિવાયને સમયે સ્થળાન્તર કરી લેવું.૭૬

હે શ્રેષ્ઠ વિપ્ર ! જે પ્રકારે શરીરમાં અતિશય પીડા ન થાય અથવા જે રીતે અકસ્માત્ મૃત્યુ આવી ન પડે, એ રીતે સંન્યાસીએ શાસ્ત્ર દૃષ્ટિથી નિર્ણય કરી ધર્મનું આચરણ કરવું, પરંતુ જડ વલણ ન લેવું.૭૭

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિ-જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતાં ભગવાન શ્રીહરિએ સંન્યાસીના ધર્મોનું નિરૃપણ કર્યું એ નામે ઓગણચાલીસમો અધ્યાય પૂર્ણ થયો. --૩૯--