પૂર્વછાયો- બાળલીલા છે સુધાસિંધુ, પ્રેમે કરે જેહ પાન । તાપ ત્રિવિધિ ટળે મળે, બ્રહ્મમોલ વિષે માન ।।૧।।
માટે સુણીલ્યો સ્નેહ થકી, મુકીને માન ગુમાન । ભાવ કરીને ભજી લેવા, ભયહારી ભગવાન ।।૨।।
એક સમે ઘનશ્યામજી, વડિલ બંધુ સહિત । જમવા બેઠા ઓસરીમાં, કરવા સર્વનું હિત ।।૩।।
જુગલબંધુ જોડે જમે, ભોજન નાનાપ્રકાર । તે સમે ત્રણે દેવ આવ્યા, પ્રસાદિ લેવા સાર ।।૪।।
ચોપાઇ- બ્રહ્મા વિષ્ણુ વળી ઇંદ્ર ત્યાંયે, આવ્યા શ્રીહરિ જમે છે જ્યાંયે । એવી ત્રૈણેની ઇચ્છાઓ જાણી, આપી પ્રસાદિ સારંગપાણી ।।૫।।
થાળ ખાલી થયો તતખેવ, પ્રેમવતી આવી જુવે એવ । ઘનશ્યામજી જમ્યા વેલા, રામપ્રતાપભાઇથી પેલા ।।૬।।
ફરીથી પીરસ્યાં છે ભોજન, જમવા લાગ્યા શ્રીભગવન । પાસે ઉભા છે ત્રણે તે સુર, જોયા ભક્તિ માતાયે તે ઉર ।।૭।।
પુછયું શ્યામને ભાંગવા ભ્રાંત, તમારી પાસે બેઠા મહંત । કોણ છે તે કહો ક્યાંથી આવ્યા, ભાઇ તમારા મન એ ભાવ્યા ।।૮।।
એવું સુણી બોલ્યા ભગવંત, દીદી સુણો કહું વરતંત । અમારી પ્રસાદી લેવા કાજ, બ્રહ્માદિ આવ્યા છે ત્રણે આજ ।।૯।।
એમને પ્રસાદી આપી અમે, માતા શંશે કરશો માં તમે । એવું સાંભળી બોલ્યા છે ધર્મ, ભાઇ દર્શન કરાવો પર્મ ।।૧૦।।
બોલ્યા શ્રીહરિ નમ્ર વચન, ઇચ્છા હશે તો થાશે દર્શન, પછે ચળું કર્યું એમ કહી । ચોતરા પર બેઠા છે જઇ ।।૧૧।।
પછે ત્રણે અમર ત્યાં આવ્યા, વળી વાડવનો વેષ લાવ્યા । સર્વે સામગ્રી કરી છે સિદ્ધ, પૂજા કરે છે પ્રેમે પ્રસિદ્ધ ।।૧૨।।
ભણે મૂળ તે વેદના મંત્ર, ત્રણે દેવ થયા એક તંત્ર । વિધિ કરે છે વેદ ઉચ્ચાર, ચતુર્મુખેથી નાના પ્રકાર ।।૧૩।।
કરી આરતીને ધૂપદિપ, પૂજા કરી ઉભા છે સમીપ । થયા પ્રેમે સજળ લોચન, બહુ રાજી કર્યા ભગવાન ।।૧૪।।
કર્યાં દર્શન ધર્મે પ્રત્યક્ષ, વારે વારે ભરી જોયા ચક્ષ । પ્રેમવડેથી કર્યો પ્રણામ, રજા લઇ ગયા નિજ ઠામ ।।૧૫।।
પ્રભુજીને બેઠું ત્રીજું વર્ષ, કર્યો વિચાર તે ઉતકર્ષ । શુભ મુહૂર્ત જોયું તે વાર, શ્યામને કરે ચૌલ સંસ્કાર ।।૧૬।।
અમૈરાતને તર્ત બોલાવ્યો, નિજ સાધન લઇ તે આવ્યો । મળ્યાં સૌ સંબંધી યોજન, વશરામ આદિ શુભ મન ।।૧૭।।
નારાયણસરોવરે આવ્યાં, ભક્તિ ધર્મ તણે મન ભાવ્યાં; નરેચાનો પંડિત જે કૈયે, નામ રામનારાયણ લૈયે ।।૧૮।।
મહાપ્રભુની ઇચ્છા પ્રમાણે, અકસ્માત આવ્યો છે તે ટાણે । કર્યું પંડિતે પવિત્ર તે સ્થાન, વેદ મંત્ર વડે દઇ માન ।।૧૯।।
પછે પ્રેમવતી જેહ માત, બેઠાં તે પૂર્વ મુખે સાક્ષાત । ઘનશ્યામને લીધા ઉત્સંગે, કેશ વડા કરાવ્યા ઉમંગે ।।૨૦।।
બીજી વાર અસ્ત્રો લઇ હાથ, હજામત કરે છે સનાથ । મુકી પ્રભુજીએ માયા ગૂઢ, અમૈરાત થયો દિગ્મૂઢ ।।૨૧।।
નથી દેખતો હરિને દ્રષ્ટ, શુન્ય મુન્ય બેસી રહ્યો સ્પષ્ટ । મૂર્તિમાતા કહે પછે એમ, અમૈ બેસી રહ્યો છે તું કેમ ।।૨૨।।
નથી કરતો પુત્રનું વતું, થયું બેબાકળું તુજ મતું । અમૈરાત બોલ્યો છે મુખેથી, ઘનશ્યામને દેખતો નથી ।।૨૩।।
હવે કોની કરૂં હજામત, મારી હરી લીધી જાણે મત । બીજા સહુ તો હરિને ભાળે, નથી દેખતો અમૈ તે કાળે ।।૨૪।।
વિસ્મે પામ્યાં થકાં કહે માત, સુણો પુત્ર તમે મારી વાત । અધુરૂં ક્ષૌર તો શોભે નહિ, પુરું કરવા દ્યો પુત્ર સહિ ।।૨૫।।
એવું કે'તામાં દર્શન દીધું, અમૈરાતનું કારજ સિધું । કરી પુરી હજામત કોડે, પગે લાગ્યો પછે કર જોડે ।।૨૬।।
નારાયણસરે કર્યું સ્નાન, તૈયાર થયા છે ભગવાન । નવાં વસ્ત્ર આભૂષણ સાર, મામાયે પહેરાવ્યાં નિરધાર ।।૨૭।।
ગાતાં વાતાં આવ્યાં સહુ ઘેર, પ્રભુએ કરી છે લીલાલેર । ધર્મદેવે કર્યાં છે બહુ દાન, વિપ્રને જમાડયા દઇ માન ।।૨૮।।
ગીત મંગલ ગાય છે નારી, કરી ચોરાશી આનંદકારી । સગાં સંબંધીને ત્યાં જમાડયાં, ધામધુમ કરીને રમાડયાં ।।૨૯।।
ધર્મભક્તિ એ કામમાં રહ્યાં, ઘનશ્યામને તો ભુલી ગયાં । વેણી માધવ કે મહારાજ, ચાલો રમવા આપણે આજ ।।૩૦।।
ગયા એમ વિચારીને મન, નારાયણસરોવર તન । પૂર્વ દિશા આંબાવાડી જેહ, રમે સખા સંઘે હરિ તેહ ।।૩૧।।
એટલામાં કાલિદત્ત પાપી, મહામલિન ધી જેની વ્યાપી । આવ્યો આંબાવાડીમાં જે પાપ, રમે બાળકરૂપે તે આપ ।।૩૨।।
કરે રમત ગમત કેવી, નાના બાળકને ગમે તેવી । નિશ્ચે મારવા છે બહુનામી, એવું ધારી આવ્યો છે હરામી ।।૩૩।।
રમે કપટથી મન સાથ, જાણે ક્યારે હરિ આવે હાથ । કર લાંબો કરીને અસુર, પકડે જેવો વિભુને ૧ભુર ।।૩૪।।
ત્યાં તો અંતર્યામીએ જાણ્યું, પાપીનું પાપ તે પરમાણ્યું । કરી ક્રૂર નજર શ્રીરંગે, તે તો દાઝવા લાગ્યો છે અંગે ।।૩૫।।
પોતાની કુબુદ્ધિને ચલાવી, તરત આસુરી માયા ફેલાવી । ભારે વાયુ ભયંકર વાય, અંધકાર આકાશે દેખાય ।।૩૬।।
ગાજવીજથી તે ઘન વર્ષે,થાય વિદ્યુતપાત તે દર્શે । રમતા હતા બાળક ત્યાંય, ટાઢ વ્યાપી ગઇ અંગમાંય ।।૩૭।।
બીજા બાળક એકઠા થયા, આંબાના થડમાં બેસી ગયા । દહિયા આંબાનું છે જ્યાં વૃક્ષ, ત્યાં બેઠા છે પ્રભુજી પ્રત્યક્ષ ।।૩૮।।
શોધે છે હરિને તે અસુર, આવ્યો દહિયે આંબે તે ભુર । આવી જુવે નિશાચર પાસ, અઘવાને દીઠા અવિનાશ ।।૩૯।।
તેને પગથી શિખા પર્યંત, લાગી અગ્નિની જ્વાલા અનંત । ક્રોધાતુર થયો તે અપાર, બન્યો આસુરી દેહ વિકાર ।।૪૦।।
કરી ગર્જના ઘોર ગંભીર, ચડયો આકાશમાંહિ અધિર । કર્યું પર્વત પ્રાય શરીર, પડયો ઓચિંતો પાપી અધિર ।।૪૧।।
જે તરુ તલે છે ઘનશ્યામ, તેના ઉપર પડયો તે વામ । પડતામાં આંબો ભાંગી ગયો, એક ભાગ કાયમ ન રહ્યો ।।૪૨।।
દૈત્યે જાણ્યું હશે મુવો વૈરી, ઘણા ભાગમાં લીધો છે ઘેરી । નીચે ઉતરી જુવે નાદાર, ત્યાં તો બેઠા છે વિશ્વઆધાર ।।૪૩।।
આ તો જીવે છે મુવોજ નથી, પણ એને મારું હું કરથી । એવું જાણીને ઝાલવા જાય, હરામી હૈયામાં હરખાય ।।।૪૪।।
કર લાંબા કર્યા તેહ કાળ, કરી વિકટ દ્રષ્ટિ દયાળ । મોહ પામ્યો થયો ગતિભંગ, બન્યું હાલર વિલર અંગ ।।૪૫।।
એમ અથડાઇ મરી ગયો, વેગે ૧ક્રતાંતને વશ થયો । કરીતી એણે માયા પ્રકાશ, પછે તરત પામી ગઇ નાશ ।।૪૬।।
હવે વેણી માધવ પ્રયાગ, શોધે પ્રભુજીને મહાભાગ । હે હરિકૃષ્ણ હે ઘનશ્યામ, હે સખા તમે કોણ છો ઠામ ।।૪૭।।
એમ કહી કરે છે રૂદન, જણાયા નહિ પ્રાણજીવન । ત્યાં તો ગામમાં ખબર થઇ, બાળકની શુધ નવ રહિ ।।૪૮।।
ગયા આંબાવાડીમાં રમવા, ઘેર આવ્યા નથી તે જમવા । એમ ચાલી પરસ્પર વાત, થયાં બેબાકળાં મૂર્તિમાત ।।૪૯।।
એવું જાણીને સઘળા જન, ધર્માદિક વિચારે છે મન । ચાલો ત્યાં જઇ કરીયે તપાસ, પુત્રને શોધી લાવો આવાસ ।।૫૦।।
આવી બગીચામાં જોવા લાગ્યાં, ત્યાં તો મોટાં તરુ પડી ભાંગ્યાં । એવે સમે શ્રદ્ધાદિક બાર, આવી તેડી લીધા ત્યાં કુમાર ।।૫૧।।
સ્તનપાન કરાવે અનુપ, શ્રીહરિ થયા તેટલે રૂપ । તે સમે ધર્મ-ભક્તિ જુવે છે, બગીચામાં આવીને રુવે છે ।।૫૨।।
આવ્યાં જોતાં જોતાં ત્યાંહાં મામી, સુંદરીયે દીઠા બહુનામી । મન માન્યા મારા મહારાજા, દહિયા આંબા પાસે બીરાજ્યા ।।૫૩।।
તેડિ લીધા રાખી તેને સરત, આપ્યા ભક્તિમાતાને તરત । પુત્રને તેડી આનંદ પામ્યાં, સુખ થયું સંકટ સૌ વામ્યાં ।।૫૪।।
પામ્યાં આશ્ચર્ય સઘળાં લોક, ઘરે આવ્યાં શમી ગયો શોક । માતા અધિક પ્રેમ સહિત, કરે લૌકિક વેમની રીત ।।૫૫।।
ઘર વચે બેસાર્યા કુમાર, બાંધી દ્રષ્ટિ વળી સાતવાર । મીઠું મરચું રાઇ કર લીધું, એક થાળી મધ્યે ભરી દીધું ।।૫૬।।
એક વસ્ત્ર ઓઢાડીને રાખ્યું, માથે ઉતારી અગ્નિમાં નાખ્યું । ભૂત પ્રેતાદી દૂર વળજ્યો, લાલજીથી વેગળા ટળજ્યો ।।૫૭।।
એમ કરે માતા આસવાસ, જુવે છે બેઠા શ્રીઅવિનાશ । એ અટપટી માયા કરીને, લે છે સર્વેનાં મન હરિને ।।૫૮।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામશરણજી સંવાદે કાલિદત્તનો પરાજ્ય કર્યો એ નામે અઢારમો તરંગઃ ।। ૧૮ ।।