તરંગ - ૧૦૯ - શ્રીહરિ ગૃહનો ત્યાગ કરી વનવાસ જવા સર્જાુકાંઠે જૈ બેઠા એ નામે

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 9:53pm

 

પૂર્વછાયો

શ્રીહરિએ વિચાર કર્યો, ઘડે છે મનમાં ઘાટ । હવે વનમાં નિશ્ચે જાવું, કર્તવ્ય કરવા માટ ।।૧।।

નિશા પડી રવિ આથમ્યો, શું કરે છે ઘનશ્યામ । સાથે લેવાનાં સાધનો, તે ભેગાં કર્યાં શુભ ઠામ ।।૨।।

બીજે દિવસે સવારમાં, પોતે થયા છે તૈયાર । સ્નાન કરવા નિમિત્તે ચાલ્યા, સધીર ધર્મકુમાર ।।૩।।

ઘર તજ્યું ગિરિધારીએ, જાણે નહિ કોઇ જન । નૌતમ વરણી વેષધરી, વિચરિયા ભગવન ।।૪।।

 

 

ચોપાઇ

મહાવિષ્ણુનો બટવો જેહ, કંઠેધારણ કર્યો છે તેહ । અષ્ટ સત્શાસ્ત્રનો જે સાર, તેનો ગુટકો લીધો નિરધાર ।।૫।।

વામસ્કંધે ધારણ કરીયો, ભક્તિ જ્ઞાન આદિનો ભરીયો । કમંડલુ ગરણા સહિત, સંગે લીધું છે સંશેરહિત ।।૬।।

તુલસીની માળા લીધી હાથે, જપસંખ્યામાટે દીનાનાથે । કટિમેખળા મુંજની સારી, રુડી કૌપીન સાથે તે ધારી ।।૭।।

તેને વસ્ત્ર કર્યું આચ્છાદન, એવા રૂપે ચાલ્યા ભગવન । મૃગચર્મ ધર્યું બીજે સ્કંધે, નીકળ્યા વન જાવા સંબંધે ।।૮।।

છાનામાના વર્ણીને વેષ, ઉત્તર દિશે કર્યો પ્રવેશ । રામઘાટે સરજુગંગા તીર, તે સ્થળે આવ્યા છે નરવીર ।।૯।।

સરજુપાર ઉતરવા માટ, જુવે છે પોતે નાવની વાટ । ભાવે પાછું વાળી વાળી જુવે, રખે મોટાભાઇ આંહી આવે ।।૧૦।।

હવે તો વન જાવું જરૂર, તપ આચરવું ભરપુર । જે માટે છે મુજ અવતાર, તે કારજ કરવું નિરધાર ।।૧૧।।

સુણો શ્રોતા વિવેકીરે જન, આ પ્રગટ ચરિત્ર પાવન । જે શ્રદ્ધાએ શ્રવણ કરશે, હરિ તેનાં સંકટ હરશે ।।૧૨।।

ધર્મ અર્થ મોક્ષ વળી કામ, નિશ્ચે પામશે તે અભિરામ । પારસમણી સ્પર્શથી જેમ, લોહનું થઇ જાય છે હેમ ।।૧૩।।

રત્ન ચિંતામણી થકી જેહ, થાય પૂર્ણ મનોરથ તેહ । જે કરે છે પિયુષનું પાન, તેને આવે નહિ અવસાન ।।૧૪।।

એથી કોટી ઘણું ફળ મળે, સુણે બાલલીલાને જે પળે । પારાયણ સુણે દિન સાત, વધારે વખાણું શું આ વાત ।।૧૫।।

ભાગવત થકી કોેટી ઘણું, ફળ મળે આ ચરિત્રતણું । એમાં કોઇ ન કરશો સંદેહ, વાત નિશ્ચે કરેલી છે એહ ।।૧૬।।

આતો અવતારીનાં ચરિત્ર, અક્ષરાધિપતિનાં પવિત્ર । જે સુણે તેનાં સંકટ વામે, અંતે અક્ષરધામને પામે ।।૧૭।।

પુરશ્ચરણ કરે કોઇ એક, શતપાઠતણું ધરી ટેક । ટળે સંકટ સર્વ પ્રકાર, જાય અક્ષરધામ તે વાર ।।૧૮।।

એનું અર્ધ કોઇ જન કરે, તેનો જીવ ભવજળ તરે । પાંચ દશ અને વળી વીશ, કરશે જે આ પાઠ પચીસ ।।૧૯।।

મળે સંપત્તિ સંતતિ સાર, આલોકે સુખી થાય અપાર । માટે શ્રીહરિના ગુણ ગ્રામ, ગાશે સ્નેહવડે અભિરામ ।।૨૦।।

છુપૈયાપુરમાં જે ચરિત્ર, શ્રીહરિએ કર્યાં છે પવિત્ર । દિશ માત્ર કહ્યાં છે આ ઠાર, પ્રભુના ગુણનો નથી પાર ।।૨૧।।

થયો પૂર્વાર્ધ પૂરણ અહીં, ઘણો હર્ષ વધ્યો મનમાંહી । એકસો ને દશ છે તરંગ, ગાયા ઉરમાં આણી ઉમંગ ।।૨૨।।

હવે હરિ વન વિચરશે, સાત વર્ષ સુધી પોેતે ફરશે । કોટી કોટી જીવનાં કલ્યાણ, મહા પ્રભુ કરશે પ્રમાણ ।।૨૩।।

વન પર્વત નદીનાં નીર, અતિ ઉલંઘશે બલવીર । તપ કરશે પુલહાશ્રમ, મળશે ગોપાળયોગી પરમ ।।૨૪।।

પધારશે સત્સંગમાંહી, તીવ્ર વૈરાગ્ય છે અંગમાંહી । એહ આદિ જે ચરિત્ર અશેષ, ઉત્તરાર્ધે કહેવાશે વિશેષ ।।૨૫।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ ગૃહનો ત્યાગ કરી વનવાસ જવા સર્જાુકાંઠે જૈ બેઠા એ નામે એકસો ને નવમો તરંગઃ ।।૧૦૯।।