પૂર્વછાયો
રામશરણ કાને ધરો, કહું સ્વામીનાં ચરિત્ર । પરમ પુનિત આ કથા છે, પાપી થાય પવિત્ર ।।૧।।
બુરાનપુર તાપી તીરે, બેઠા છે મહારાજ । નિત્ય વિધિ કરે છે વાલો, પરમારથને કાજ ।।૨।।
એવે ગામ જીનાવાદની, સ્ત્રીઓ આહિર અપાર । દહીંના ગોરસ વેચવા, જાય બુરાનપુર મોઝાર ।।૩।।
શ્રીહરિ જ્યાં સેવા કરેછે, ત્યાં આવી સઘળી નાર્ય । બાળાયોગીનું રૂપ દેખી, કરે મન વિચાર ।।૪।।
મહાપ્રતાપી ચમત્કારી, દેખી સુંદરશ્યામ । એમ ધારીને કેવા લાગી, બાળાયોગીને તમામ ।।૫।।
ચોપાઈ
સ્ત્રીઓ કે સુણો હેયોગિરાજ, કાંઈ જમશો શ્રીમહારાજ । ત્યારે નીલકંઠ કેછે ત્યાંય, અમને શું દેશો તમે આંય ।।૬।।
તે કે દધિ લાવ્યાં છઈએ આજ, તેમાંથી જમોને સુખસાજ । નીલકંઠ કહે બહુ સારું, લાવો દધિ જમીએ તમારું ।।૭।।
પછે પ્રેમદાયે પ્રેમસહિત, દધિ કાઢી આપ્યું કરી હિત । ધર્યું વિષ્ણુને નૈવેદ્ય સાર, પછે જમ્યાતે જગદાધાર ।।૮।।
જમીને તૃપ્ત થયા જીવન, દીધાં તે સ્ત્રીઓને દર્શન । કૃષ્ણસ્વરૂપે થયા છે જાણ, સ્ત્રીઓ વિસ્મે પામી છે પ્રમાણ ।।૯।।
દધિનાં હતાં ગોરસાં જેહ, બાળાયોગી પાસે મુક્યાં તેહ । પામી આનંદ મન અપાર, પગે લાગી છે વારમવાર ।।૧૦।।
બોલે નમ્ર મધુરી તે વાણી, સુણો શ્રીહરિ સારંગપાણિ । તમે તો કાનજી છો અનુપ, દેખાઓ છો શ્રીકૃષ્ણસ્વરૂપ ।।૧૧।।
હવે કૃપા કરો મહારાજ, દધિ સઘળું જમી લ્યો આજ । પણ કરો અમારું કલ્યાણ, તમે પ્રગટ પ્રભુ પ્રમાણ ।।૧૨।।
એવું સુણીને સુંદર શ્યામ, દધિ સઘળું જમ્યા તે ઠામ । પછે બોલ્યા છે ભૂધર ભ્રાત, કૃપા દષ્ટિ કરીને સાક્ષાત ।।૧૩।।
સુણો તમે સહુ ગોપીજન, અમે કૈયે છીએ સત્ય વચન । કચ્છમાં પામશો અવતાર, અમારો જોગ થાશે તે ઠાર ।।૧૪।।
તમારી આપદાને હરિશ, વળી રુડું કલ્યાણ કરીશ । પામી સ્ત્રીઓ એવું વરદાન, પગે લાગી થઈ નિરમાન ।।૧૫।।
પામી આશ્ચર્ય મન અપાર, સર્વે ગઈ પોતપોતાને દ્વાર । હવે બાળાયોગી તેણીવાર, ત્યાંથી ચાલવા કર્યો વિચાર ।।૧૬।।
તે સમે આવ્યો વણિક એક, પ્રભુદાસ નામે છે વિશેક । જોયા નીલકંઠને નિરધાર, કરવા લાગ્યો મન વિચાર ।।૧૭।।
નાની ઉમરમાં નરવીર, તીર્થમાં ફરે છે ધરી ધીર । મહા તપસ્વી પુન્ય પવિત્ર, જાણે ધર્મ નીતિના તો મિત્ર ।।૧૮।।
મારી પાસે છે ધન અપાર, તે મારે નથી કોઈ ખાનાર । બ્રાહ્મણાદિક જાતિ જો હોય, રાખું શ્રીહરિને ઘેર સોય ।।૧૯।।
ઉત્તમ જાતિ હોય તો સારું, સોંપી દેઉં તેમને ધન મારું । એમ કરે છે સંકલ્પ જ્યાંય, અંતર્યામીએ જાણ્યું છે ત્યાંય ।।૨૦।।
બોલ્યા વચન શ્રીઅવિનાશ, તમે સુણોને હે પ્રભુદાસ, અમે ગામમાં કોઇને દ્વાર, નિશ્ચે જાતા નથી ક્ષણવાર ।।૨૧।।
તીર્થ કરવાને માટે આજ, નીકળ્યા છઈએ શુભ કાજ । બાળાયોગીનું એવું વચન, સુણીને આશ્ચર્ય પામ્યો મન ।।૨૨।।
મોટા પુરૂષ છે આ તો કોઈ, નથી કળી શકાતા તે જોઈ । મારા અંતરની જેહ વાત, જાણીને મુને કીધિ વિખ્યાત ।।૨૩।।
હવે કરું ગમે તે ઉપાય, ઘરે તેડી જાઉં વર્ણિરાય । એમ ધારે છે વણિક મન, ત્યાં તો વાલે દિધાં દર્શન ।।૨૪।।
રામચંદ્ર ચતુર્ભુજ રૂપ, આવો ભાવ દેખાડ્યો અનુપ । એવું દેખીને વણિક તન, થયો પ્રેમસજળ લોચન ।।૨૫।।
મુક્યું ચરણ કમળમાં શિશ, પાહિ માં પાહિ માં જગદીશ । કર જોડી કરેછે સ્તવન, જય જય જય ભગવન ।।૨૬।।
તમે રામચંદ્ર છો સાક્ષાત, મારા ઇષ્ટદેવ જગતાત, મારા જીવનું કરો કલ્યાણ, ઘેર પધારો જીવનપ્રાણ ।।૨૭।।
મારી સેવા કરો અંગીકાર, ત્યારે બોલ્યા દયાળુ તે વાર । પૂર્વનો છે એ મુમુક્ષુ જન, બાળાયોગી કે તેને વચન ।।૨૮।।
નથી જાતા અમે કોઈ ઘેર, સુણો પ્રભુદાસ રુડી પેર । તારે હોય જો શ્રદ્ધા ને ભાવ, અમ માટે સીધું આંહી લાવ ।।૨૯।।
લાવ્યો છે વણિક સીધું ત્યાંય, નીલકંઠજી બેઠા છે જ્યાંય । તેની બાટીઓ કરી તૈયાર,ધર્યું વિષ્ણુને નૈવેદ્ય સાર ।।૩૦।।
પછે જમ્યા પોતે જીવન, તેના ઉપર થયા પ્રસન્ન । વચન આપ્યું જીવનપ્રાણ, તમારું નિશ્ચે થાશે કલ્યાણ ।।૩૧।।
મમ વચન તણો સંસર્ગ, નિશ્ચે પામશો તે અપવર્ગ । એમ આપ્યું તેને વરદાન, તેનું કામ કર્યું ભગવાન ।।૩૨।।
પછે ચાલ્યા ત્યાંથી ભગવાન, નાશિકપુર આવ્યા નિદાન । ત્ર્યંબકેશ્વર ત્યાં છે પાવન, તેમનાં સ્નેહે કર્યાં દર્શન ।।૩૩।।
ત્યાંથી ચાલ્યા છે આનંદભેર, પછે આવ્યા છે સુરત શેર । તાપી ગંગામાં કર્યું છે સ્નાન, આવ્યા છે ભરુચે ભગવાન ।।૩૪।।
નર્મદા નામે જે સરિતાય, તેમાં સ્નાન કર્યું જગરાય । પાંચ દિવસ રહ્યા છે ત્યાંય, પછે ત્યાંથી આગેે ચાલ્યા જાય ।।૩૫।।
મહી નદીને ઉતર્યા પાર, પોચ્યા બોચાસણે તેણીવાર । કાનદાસ પટેલ છે ત્યાંય, ગયા તેનાજ ખેતરમાંય ।।૩૬।।
કર્યો ઉતારો તેહજ ઠામ, કુવે સ્નાન કરે અભિરામ । તે સમે પટેલ કાનદાસ, રહ્યાછે એતો નિજ આવાસ ।।૩૭।।
ઓટે બેઠાછે કરીને ધીર, થઈ આકાશવાણી ગંભીર । સુણો પટેલ હે કાનદાસ, તમે બેઠા છો આવી આ વાસ ।।૩૮।।
મનસુબા કરો છો જે તન, પણ સુણો વિમલ વચન । તમારા ક્ષેત્રમાંહિ વિખ્યાત, પધાર્યા છે પ્રભુજી સાક્ષાત ।।૩૯।।
પુરો થૈ રહેશે નિત્ય નેમ, તરત ત્યાં થકી ચાલશે એમ । માટે જાવો તમે હવે હાલ, કરી દર્શનને થાઓ ન્યાલ ।।૪૦।।
એ સુણી પટેલ કાનદાસ, ઓચિંતા ઉભા થયા હુલ્લાસ । પોતાની માતાને કહી પેર, સુણો માતા તમે સુખભેર ।।૪૧।।
આપણા ક્ષેત્રવિષે નિદાન, પધાર્યા છે ત્યાં શ્રીભગવાન । ચાલો દર્શન કરીયે ત્યાંય, પ્રભુને તેડી લાવીયે આંય ।।૪૨।।
ત્યારે ડોશી કહે છે વચન, હે ભાઈ સુણોને મારા તન । બ્રાહ્મણ જમાડવાને કાજ, રસોઈ કરાવું છું આજ ।।૪૩।।
માટે ભાઈ તમે જાવો ત્યાંય, મહા પ્રભુજીને લાવો આંય । એવું સુણ્યું વચન સન્મુખ, કાનદાસ ચાલ્યા પામી સુખ ।।૪૪।।
ત્યાંતો કેતા કેતામાં સાક્ષાત, ચાલી ગામમાં સઘળે વાત । ગામતણા જે સરવે જન, ચાલ્યા સૌ કરવા દરશન ।।૪૫।।
કાનદાસ તણી કેડે જાય, નરનારી સહુ સમુદાય । ગયા સર્વે તે ક્ષેત્રની પાસ, હવે શું કરેછે અવિનાશ ।।૪૬।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે નીલકંઠ બ્રહ્મચારી બોચાસણ પધાર્યા એ નામે બાવીશમો તરંગઃ ।।૨૨।।