પૂર્વછાયો
ભીમજીયે આદર કરી, ધરી મનમાં સ્નેહ । નિજ ઘરે પધરાવ્યા છે, પ્રેમે નિસ્સંદેહ ।।૧।।
શ્રીહરિ કેછે ભીમજીને, સુણો તમે એક વાત । ખબર આપો તેરા ગામે, સત્સંગીને ખ્યાત ।।૨।।
કાળે તળાવે આવજ્યો, ત્યાં આવે છે મહારાજ । એવા સમાચાર મોકલો, કરો અમારું કાજ ।।૩।।
મનુષ્ય મોકલ્યું સુણીને, તેરામાં તતકાલ । સત્સંગીને તેડવા સારું, હર્ષ કરીને હાલ ।।૪।।
ચોપાઈ
હવે વાલમ બોલ્યા વચન, ભીમજીભાઈ પ્રત્યે પાવન । કાંટા વાગ્યાછે મુજને પાય, તમે કાઢો કરો એ ઉપાય ।।૫।।
તેની થાયછે પીડા અપાર, માટે સેવા બતાવી છે સાર । તે સુણી હરભમ સુતાર, કાંટા કાઢવા લાગ્યા તેવાર ।।૬।।
શ્રીહરિનો જે ચરણ એક, જાનુ ઉપર લીધો વિશેક । કાંટા ખુંચી રહ્યાતા અઢાર, કાઢ્યા ચરણમાંથી તેણી વાર ।।૭।।
ત્યાં કર્યું છે શ્રીજીયે ચરિત્ર, સુણો સંત હરિજન મિત્ર । એજ ચરણમાંથી નિરધાર, તેજ પ્રગટ્યું સુંદર સાર ।।૮।।
અધો ઉર્ધ્વ પ્રમાણે રહિત, જાણે અક્ષરધામસહિત । તેના મધ્ય વિષે સિંહાસન, રત્નજડિત પરમચૈતન ।।૯।।
સર્વબ્રહ્માંડમાં સમુદાય, બ્રહ્મમોલનું સુખ દેખાય । તે સિંહાસન ઉપર એવ, ત્યાં વિરાજ્યા છે શ્રીવાસુદેવ ।।૧૦।।
કોટિ કોટિ ૧હિમાંશુ ને ૨ભાન, તેજહીન થાય અનુમાન । તે સિંહાસન ફરતા મુક્ત, બેઠા અનંત ઐશ્વર્યજુક્ત ।।૧૧।।
તે શ્રીહરિની આજ્ઞા પ્રમાણે, સેવા કામ કરે છે તે જાણે । જોઈ રહ્યા છે એકાગ્ર ચિત્ત, શ્રીજીમાં થઈ અતિ આસક્ત ।।૧૨।।
તે જોેઈ હરભમ સુતાર, પામ્યા આશ્ચર્ય મન અપાર । બેઠાછે ત્યાં ને ત્યાં સ્થિર, જાણે શુધ ભુલ્યા છે શરીર ।।૧૩।।
ત્યારે બોલ્યા છે વ્હાલો વચન, હરભમ શું વિચારો મન । એમ કૈને છુપાવ્યો પ્રતાપ, હરભમને ભાન આવ્યું આપ ।।૧૪।।
પછે સર્વે સભા સુણે જેમ, વાત કરી વિસ્તારીને તેમ । તે સુણીને સંત હરિજન, જાણ્યા શ્રીહરિને ભગવન ।।૧૫।।
એમ કરે છે લીલા અજીત, નિજ ભક્તને કરવા અમીત । પછે તે હરિજન સુતાર, કરાવી શુદ્ધ રસોઈ ત્યાર ।।૧૬।।
ભાવે જમાડ્યાં રૂડાં ભોજન, પ્રભુજીને કર્યા છે પ્રસન્ન । પછે સર્વે આવ્યા હરિજન, સ્નેહે કરવા લાગ્યા સ્તવન ।।૧૭।।
હરિજનને આપ્યાંછે સુખ, દેહગેહનાં ટાળ્યાં છે દુઃખ । એવી રીતેથી સુંદર શ્યામ, સભા કરી બેઠાછે તે ઠામ ।।૧૮।।
તે સમે તેરાના હરિજન, આવ્યા દર્શન કરવા પાવન । નેત્ર નેહથી નિરખ્યા નાથ, હરિજન થયાછે સનાથ ।।૧૯।।
કરી પ્રાર્થના ઘણીવાર, પછે બેઠાછે સભામોઝાર । વળી વિનય સાથે વચન, કેવા લાગ્યાછે નિર્મળ મન ।।૨૦।।
હે પ્રાણપતિ હે મહારાજ, કર્યું છે આપે તો ભલું કાજ । છાનામાના ગયા મધ્યરાતે, અમને જાણ થઈ પ્રભાતે ।।૨૧।।
પણ તમારા વિયોગે શ્યામ, સુખચેન નોતું આણે ઠામ । આજ થયાંં જ્યારે દર્શન, ત્યારે શાંતિ પામ્યા સહુ મન ।।૨૨।।
મંદ મંદ હસીને જીવન, બોલ્યા સત્સંગી પ્રત્યે વચન । હવે તો ગઈ છે મધ્ય રાત, માટે શયન કરો સૌ ભ્રાત ।।૨૩।।
એવાં સુણી વ્હાલાનાં વચન, સર્વે સુઈ ગયા શુભ મન । વીતી નિશા થયો પ્રાતઃકાળ, વ્હેલા ઉઠ્યા છે દીનદયાળ ।।૨૪।।
નિત્યવિધિ કર્યોેે તેણીવાર, શ્રીહરિવર થયા તૈયાર । સભામાં આવી બિરાજ્યા શ્યામ, કોટિકંદર્પ લાવણ્યધામ ।।૨૫।।
પછે સંત હરિજન જેહ, નિત્યવિધિ કરી આવ્યા તેહ । બેઠા છે સર્વે આવીને ત્યાંય, અતિ આનંદથી સભામાંય ।।૨૬।।
જેમ ચકોર ચંદ્રને નિર્ખે, એમ ભકતજન મન હર્ખે । સર્વેનાં થયાં એકાગ્ર ચિત્ત, સામું જોઈ રહ્યા કરી પ્રીત ।।૨૭।।
પછે વ્હાલે કરવા માંડી વાત, અધ્યાત્મજ્ઞાનની જે સાક્ષાત । તે આ માયિક વસ્તુ તમામ, દુઃખદોષરૂપી છે નકામ ।।૨૮।।
છેવટે પામી જાય છે નાશ, નિશ્ચે થાવું પડે છે નિરાશ । પિંડ બ્રહ્માંડ સર્વ અનિત, માટે એમાં ન બાંધવી પ્રીત ।।૨૯।।
સગાંસંબંધી સહુ અસત્ય, મિથ્યા એમાં ન કરવો મમત । તેમાં સત્ય છે આત્મા ચૈતન્ય, સર્વે માયિક અસત્ય અન્ય ।।૩૦।।
અજર અમર અવિનાશ, રહ્યા છે દેહમાં તે પ્રકાશ । બ્રહ્મરૂપની ભાવના ધરવી, પ્રેમે પ્રભુજીની ભક્તિ કરવી ।।૩૧।।
સુખ સંતોષ શાંતિ આનંદ, પ્રભુ છે સહુ સુખના કંદ । કામ ક્રોધ વળી સ્વાદ સ્નેહ, શુદ્ધ મનથી તજવા તેહ ।।૩૨।।
ત્યારે જન્મ મરણ દુઃખ જાય, મળે અખંડ સુખ સદાય । કાળ કર્મ માયા કેરૂં જોર, તે પર ચાલે નહી કઠોર ।।૩૩।।
વળી પામે તે અક્ષરધામ, થાય પ્રસન્ન સુંદર શ્યામ । મહા અર્ણવરૂપ સંસાર, તેને તરતાં લાગે ન વાર ।।૩૪।।
છે આ પ્રગટ તણો પ્રતાપ, ટળી જાય ત્રિવિધના તાપ । એમ વાત કરી ઘણી વાર, અતિ અદ્ભુત સુંદર સાર ।।૩૫।।
તે સુણીને સંત હરિજન, પામ્યા આનંદ આનંદ મન । પછે ભીમજીભાઈને ઘેર, રસોઈ કરાવી સુખભેર ।।૩૬।।
અતિ પ્રેમવડેથી પાવન, શ્રીહરિને જમાડ્યાં ભોજન । બીજા સંત હરિજન સર્વ, તેમને જમાડ્યા છે અપૂર્વ ।।૩૭।।
પછે બીજે દિવસે સવાર, રજા માગી લીધી તેહ ઠાર । માનકુવે પધાર્યા છે શ્યામ, નિજ ભક્તના પૂરણકામ ।।૩૮।।
જ્ઞાતિ સુતાર નાથાને ઘેર, ઉતારો કર્યો ત્યાં રૂડી પેર । ઝીણાં મરચાં તીખાં અપાર, તેને વટાવે છે નિરધાર ।।૩૯।।
અર્ધશેર તણો ગોળો એક, નિત્ય જમે છે વ્હાલો વિશેક । તે ગોળો લેઈને એક દિન, મરચાં જમે છે ત્યાં જીવન ।।૪૦।।
દેશ દંઢાવ્યે રાંતોજ ગામ, ત્યાંના આવ્યા ડુંગરજી નામ । કર્યો પ્રણામ જોડીને હાથ, પાસે બેઠા થઈ તે સનાથ ।।૪૧।।
પુછ્યા શ્રીહરિયે સમાચાર, પ્રસાદી આપી છે તેણીવાર । ગોળામાંથી મરચાં લગાર, રોટલા સાથે આપ્યાં તે વાર ।।૪૨।।
મરચાં લીધાં છે કરમાંય, ભક્તે મુક્યાં છે મુખમાં જ્યાંય । થયો છે દાહ અગ્નિ સમાન, ભુલી ગયા તે દેહનું ભાન ।।૪૩।।
ઘૃત જમાડી પોતાને હાથે, મટાડ્યું દુઃખ જનનું નાથે । ત્યારે શાંતિ થઈ છે રે તન, ડુંગરજી સમજ્યા તે મન ।।૪૪।।
એવી રીતે ત્યાં પ્રાણજીવન, પોતે રહ્યા છે પંદર દન । પછે ત્યાંથી ચાલ્યા છેે અલબેલ, ભુજનગ્રે ગયા રંગછેલ ।।૪૫।।
શેર બહાર વાડી છે એક, ભટ્ટ મહીદાસની વિશેક । તેમાં ઉતર્યા છે સુખકારી, દયા કરીને દેવ મુરારી ।।૪૬।।
આવ્યા શહેરમાંહી સમાચાર, સર્વે સત્સંગીને કરી પ્યાર । જાણી હરિજનોયે તે વાત, વાડીમાં આવ્યા ભૂધર ભ્રાત ।।૪૭।।
સુતાર છે જીવરામભાઈ, તેનાં માતુશ્રી જે હરબાઈ । સર્વે આવ્યા છે વાડી મોઝાર, કરાવી ત્યાં રસોઈ તૈયાર ।।૪૮।।
ભાવે કરાવ્યાં રુડાં ભોજન, સંતસહિત જમ્યા જીવન, પછે આવ્યા બીજા હરિજન, કર્યાં દયાળુનાં દર્શન, ।।૪૯।।
સ્નેહ સહિત શેર મોઝાર, તેડી લાવી વધાવ્યા તે વાર । આપ્યો ઉતારો સુંદર સ્થાન, ઘણા રાજી થયા ભગવાન ।।૫૦।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ કાળે તળાવથી માનકુવે થઈને ભુજનગ્રમાં પધાર્યા એ નામે તેંતાલિસમો તરંગઃ ।।૪૩।।