તરંગઃ - ૫૧ - શ્રીહરિએ જીરણગઢમાં લીલા કરી

Submitted by swaminarayanworld on Fri, 12/02/2021 - 11:31pm

પૂર્વછાયો

શ્રદ્ધા સહિત આ સાંભળો, રામશરણજી સાર । જીરણગઢે પ્રભુ આવ્યા, પોતે જગદાધાર ।।૧।। 

તેમાં કેટલા દ્વેશી હશે, જુનાગઢમાં જેહ । સ્વામિનારાયણ આવ્યા છે, તે જાણી ગયા છે તેહ ।।૨।। 

શેર સરવેને બગાડશે, કરી નવા તે પ્રપંચ । માટે શેરમાં આવે નહીં, એવો કરવો આપણે સંચ ।।૩।। 

પછે ગયા નવાબ પાસે, દેવા અવળી મત્ય । રાય સુણો અરજ અમારી, વિનંતિ કરીયે સત્ય ।।૪।। 

 

 

સહજાનંદજી આવ્યા છે, અમે જાણ્યું એ આજ । શહેરમાં તે આવશે તો, કરશે વિપરીત કાજ ।।૫।। 

 

 

ચોપાઈ

 

કદી શહેરમાં આવશે એહ, નવા-જાુની કરી દેશે તેહ । કાઠી કોળી લોક છે તે સંગ, તેથી કરશે શેરનો ભંગ ।।૬।। 

ઘડીમાં લુંટી લેશે એ શેર, દુઃખ થાશે તમને એ પેર । એવાં વચન સુણી નવાબ, વિચારીને આપ્યો છે જવાબ ।।૭।। 

ફકીરે દીયા હમકું રાજ, ફકીર લેગા ઓ અચ્છા કાજ । ઉસકા કરના નહીં રોકાણ, ઓ તો ખુદા હે દેખો પ્રમાણ ।।૮।। 

એવું સુણીને અસુર જન, માનભંગ થયા તેહ મન । વિલાં થૈ ગયાં તેનાં વદન, જંખવાણા પડી ગયાં તન ।।૯।। 

કાંઈ ચાલ્યો નહીં ત્યાં ઉપાય, તેથી અંતરમાં દાઝ થાય । હવે શ્રીહરિ ત્યાંથી તે વાર, પોતે પધાર્યા શેર મોઝાર ।।૧૦।। 

વાગે વાજિંત્ર નાના પ્રકાર, મહોત્સવ થાય છે તે વાર । પધાર્યા રંગરેલ સહિત, લોકે વધાવ્યા ધારીને હિત ।।૧૧।। 

શેર ચૌટા ને પોળ બઝાર, જોવા મળ્યા ઘણા નરનાર । શેર બજારના સહુ જન, કરે આતુર થઈ દર્શન ।।૧૨।। 

રૂપના નિધિને જોયા જ્યાંય, સર્વે લોક મોહ્યા મનમાંય । નરનારીનાં ચિત્ત ખેંચાય, મન વૃતિ દોડી દોડી જાય ।।૧૩।। 

મળ્યા લોક હજારો હજાર, તેમાં સખીયો આવી છે ચાર । પરસ્પર કરે છે ત્યાં વાત, દિસે પ્રગટ પ્રભુ વિખ્યાત ।।૧૪।। 

હતો આગળ સતયુગ જ્યાંય, સૃષ્ટિ પવિત્ર હતી ભૂમાંય । કોઈ નજરે ન જોતા વારુ, ચોરી છીનાળી માટીને દારુ ।।૧૫।। 

કોઈ ઠેકાણે રેતા અસુર, ઝાઝું જોર નતું તે જરુર । ત્યારે આ મૂરતિમાંથી સાર, થતા શ્રીહરિના અવતાર ।।૧૬।। 

કરે અસુર પાપીનો નાશ, કર શસ્ત્ર ગ્રહીને પ્રકાશ । પણ અંતર શત્રુ છે જેહ, શસ્ત્રથી નવ છેદાયા તેહ ।।૧૭।। 

 

 

ત્યારે અવતાર થાય લીન, આ મૂર્તિમાં મળે છે અભિન્ન । મારું મન એવું કે છે આંય, તરત બીજી બોલી ઉઠી ત્યાંય ।।૧૮।। 

હે બેન તું શું બોલે છે આ માન, કોઈ નથી આ મૂર્તિ સમાન । ત્રેતાયુગમાં એટલું થાય, થોડો ચાલે છે અધર્મ અન્યાય ।।૧૯।। 

થોડા થોડા હતા પાપીજન, તેને મારવા ધારીને મન । થયા પ્રગટ ત્યાં અવતાર, આ મૂર્તિમાંથી તે નિરધાર ।।૨૦।। 

કરે પાપીઓનું ઉચ્છેદન, પાછા થાય આ રૂપમાં લીન । તોયે અરિ અંતરના જેહ, તેને જીતી શક્યા નહિ તેહ ।।૨૧।। 

ત્યારે ત્રીજી સખી વદે વાણ, તમે બેનો સુણી લ્યો પ્રમાણ । દ્વાપરમાં થયો અર્ધો અધર્મ, ઘણા ખરા તે કરે છે કુકર્મ ।।૨૨।। 

આ સ્વરૂપ વિષેથી જે સાર, વળી પ્રગટે છે અવતાર । તેમણે પણ કર્યું એ કામ, દૈતને માર્યા છે ઠામોઠામ ।।૨૩।। 

કામ ક્રોધાદિને વળી લોભ, તેનો કરાવ્યો નૈ ક્યાંય થોભ । તે પણ તેમજ થયા લીન, આ પ્રભુજીના રૂપમાં દીન ।।૨૪।। 

ચોથી ચતુરા બોલી વચન, દીન થઈ તે પ્રેમ મગન । તમે કહ્યા તે તો અવતાર, સુણો સાવધાનથી આ વાર ।।૨૫।। 

આવો કળિયુગ છે કઠોર, કામાદિકને રેવાનો ઠોર । તેને જીતવા દેવ મુરાર, અવતારી પ્રગટ્યા આ વાર ।।૨૬।। 

અક્ષરાધિપતિ સ્વયં આપ, પુરૂષોત્તમજી છે અમાપ । છુપાવ્યો નિજ પ્રૌઢ પ્રતાપ, કોટિ જન્મના ટાળવા તાપ ।।૨૭।। 

સાધુરૂપે થયા સુખકાર, અંતર શત્રુનો કરવા વિદાર । લક્ષાવધિ મનુષ્યનાં મન, કર્યાં નિર્મળ સુખ સદન ।।૨૮।। 

કોટિ કોટિના તોડાવ્યા બંધ, દુઃખ કાપી સંસારસંબંધ । કોણ કરે બીજો આવું કામ, જુવો વિચારી મન તમામ ।।૨૯।। 

ઘોર કળિયુગ કામ ક્રોધ, તેને જીતી લીધા અવિરોધ । એ તો અવતારથી ન થાય, અવતારીથી જીતી શકાય ।।૩૦।। 

એમ વાત જ્યાં કરે છે બાઈ, ચારે સખીને સમાધિ થઈ । પડી પૃથ્વી ઉપર તે ઠાર, સહુ આશ્ચર્ય પામ્યા અપાર ।।૩૧।। 

ચાલ્યા જાય છે શ્રીમહારાજ, શેર જોતા થકા સુખસાજ । હાલમાં છે મંદિર જે સ્થાન, ત્યાં ગયા પ્રગટ ભગવાન ।।૩૨।। 

જાંબુડાનોછે ત્યાં મોટો વૃક્ષ, તેને હેઠે પધાર્યા પ્રત્યક્ષ । ઢોલીયે બિરાજ્યા મુક્તરાય, ભારે મોટી કરી છે સભાય ।।૩૩।। 

સુણો રામશરણ સદમતિ, ચારે બાઇઓની શું થૈ ગતિ । ઓલ્યા અસુર આવ્યા છે ત્યાંય, ચારે સ્ત્રીયો છે સમાધિમાંય ।।૩૪।। 

તેને દેખી વિચારે અભાગ, આવ્યો છે ભલો આ સમે લાગ । દોડતા ગયા નવાબ પાસ, સર્વે વાત કરીછે પ્રકાશ ।।૩૫।। 

નોતા માનતા તમે રાજન, પણ જાુવો વિચારીને મન । ચાર બાઇઓ પડી છે ધરણ, માર્ગવચ્ચે પામીછે મરણ ।।૩૬।। 

સ્વામિનારાયણે જાદુ કર્યું, ચારે બાઇનું આયુષ્ય હર્યું । તે માટે આપ પધારો આજ, જાુવો કેવું બન્યું છે ત્યાં કાજ ।।૩૭।। 

એવું સુણીને ઉઠ્યા નવાબ, ઉભા રહ્યા ન દેવા જવાબ । ચાલ્યા તેહને સાથે ચતુર, સ્ત્રીયો પાસે આવ્યા છે જરૂર ।।૩૮।। 

આવીને જોયું છે ત્યાં સમક્ષ, વાત સુણીતી તેવી પ્રત્યક્ષ । કરે નવાબ મન વિચાર, શું કારણ છે ભાઈ આઠાર ।।૩૯।। 

બાયું માણે અક્ષરનું સુખ, બીજા જાણે પડ્યું બહુ દુઃખ । ત્યાં તો બાયું જાગી તતખેવ, ઉભી થૈને જોવા લાગી એવ ।।૪૦।। 

હવે ક્યાં પધાર્યા મહારાજ, થયાં અમારાં તો રૂડાં કાજ । પુછ્યું રાજાએ બાયુને ત્યાંય, તમને શું થયું હતું આંય ।।૪૧।। 

ત્યારે બાયુંયે કહ્યું તે વાર, સર્વે વાત કરીને વિસ્તાર । સુણીને પામ્યા આશ્ચર્ય મન, ચાલ્યા ત્યાંથી નવાબ રાજન ।।૪૨।। 

ઓલ્યા અસુરને લઇ સંગ, જાય શ્રીહરિ પાસે ઉમંગ । જોયા દૂરથી પ્રાણજીવન, કૃપાનાથે દીધાં દરશન ।।૪૩।। 

પેગમ્બર થૈને આપ્યાં દરશન, રાય નવાબ થયા પ્રસન્ન । થયો નિશ્ચેય મન મોઝાર, અસુરોને આપ્યો છે ધિક્કાર ।।૪૪।। 

થયા છે તેહ સરવે દીન, મમત્વી છે બુધ્ધિના તે હીન । ગયા નવાબ તો નિજ સ્થાન, એવી લીલા કરે ભગવાન ।।૪૫।। 

હવે શ્રીહરિ સહજાનંદ, નિજસેવકના સુખકંદ । સંત હરિજન સંગે શ્યામ, સભામાં બિરાજ્યા છે તે ઠામ ।।૪૬।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી નશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિએ જીરણગઢમાં લીલા કરી એ નામે એકાવનમો તરંગઃ ।।૫૧।।