પૂર્વછાયો
કૃતાર્થ કર્યો છે મુજને, સુણાવ્યાં બાલ ચરિત્ર । ઉપકાર મોટો કર્યો છે, થયો હું પુણ્ય પવિત્ર ।।૧।।
પણ બીજું પ્રશ્ન પુછુ છું, સુણો તે સ્નેહ સહિત । શ્રીહરિજીના ચિહ્ન કહો, ધ્યાન તણી વળી રીત ।।૨।।
એવું સાંભળીને બોલિયા, ધર્મધુરંધર જાણ । હે રામશરણ સુણો કહું, ધ્યાનનાં ચિહ્ન પ્રમાણ ।।૩।।
ચોપાઇ
નિરૂપાધિપણે એક ચિત્તે, પ્રભુ પરાયણ થાઓ પ્રીતે । એકાંત હોય સ્થળ પાવન, તેમાં રાખવું શુદ્ધ આસન ।।૪।।
સ્વસ્તિકાસન વાળીને સોય, પૂર્વ ઉત્તર મુખે બેસે જોય । અંર્તદષ્ટિ વડે નિરધાર, પેલે કરવો આત્મ વિચાર ।।૫।।
સ્થૂળ સૂક્ષ્મને કારણદેહ, ત્રણ અવસ્થાઓ કૈયે જેહ । તેથી પૃથક્ પોતાનું રૂપ, ચેતન આત્મા છું હું અનુપ ।।૬।।
એમ માનવું પોતાને મન, સ્થિરવૃત્તિ વડે થાવું જન । પોતાનો સ્થૂળ દેહ જે ભિન્ન, તેને વૈરાટમાં કરે લીન ।।૭।।
ઇશ્વરનું સૂત્રાત્મા શરીર, તેમાં સૂક્ષ્મને મેળવે ધીર । ઇશ્વરનાં અવ્યાકૃત સંગે, કારણ લીન કરે ઉમંગે ।।૮।।
જાગ્રત અવસ્થા જે આપણી, સ્થિતિ અવસ્થા ઇશ્વરતણી । તેમાં જાગ્રતને લીન કરવી, એમાં કાંઇ આશંકા ન ધરવી ।।૯।।
સ્વપ્ન અવસ્થા આપણી જેહ, ઇશ્વરની ઉત્પત્તિ છે તેહ । તે પણ તેમાં કરવી લીન, ત્યારે પામે બહુ સુખ ચીન ।।૧૦।।
સુષુપ્તિ પોતાની જેહ કૈયે, ઇશ્વરની પ્રલય તે લૈયે । એને લીન કરે તેમાં એહ, મનમાં ધરવો ન સંદેહ ।।૧૧।।
એમ પિંડનો પ્રલય કરવો, પછે ઇંડનો લય આદરવો । તે તણી રીત કહું છું ન્યારી, સુણો રામશરણ મન ધારી ।।૧૨।।
સ્થાવર જંગમ સૂક્ષ્મ સ્થૂળ, યાવત્કહીયે માયાનું મૂળ । પદાર્થ માત્ર જીર્ણ નવીન, વસુધામાં થયાંછે તે લીન ।।૧૩।।
તે અવની ગંધમાં સમાઇ, ગંધ લીન થયો જળમાંઇ । જળ રસમાં થયું છે લીન, રસ તેજમાં થયો અભિન્ન ।।૧૪।।
તેજ રૂપ વિષે જઇ ભળ્યું, રૂપ તે તો મરુતમાં મળ્યું । વાયુ સ્પર્શ વિષે લીન થયો, સ્પર્શ આકાશમાં મળી ગયો ।।૧૫।।
મળ્યો આકાશ શબ્દ છે જ્યાંય, શબ્દ તામસાહંકાર માંય । દશ ઇંદ્રિયો ને દશ પ્રાણ, બુદ્ધિ આદિ એ સૌ નિર્માણ ।।૧૬।।
રાજસ અહંકારમાં એહ, લીન થયાં તે નિસ્સંદેહ । ઇંદ્રિયો અંતઃકરણના દેવ, મન આદિ એ અવશ્ય મેવ ।।૧૭।।
સાત્ત્વિક અહંકારમાં મળ્યા, તે ત્રણ મહતત્ત્વમાં ભળ્યા । પછે મહતત્ત્વ એક રહ્યું, પ્રધાનપુરૂષે લીન થયું ।।૧૮।।
તે પુરૂષ છે આપે અનૂપ, મૂળ પ્રકૃતિમાં મળ્યું રૂપ । એમ કોટિ કોટિ ઇંડાકાર, પ્રધાન પુરૂષ જે અપાર ।।૧૯।।
મૂળ પ્રકૃતિમાં થયા લીન, બીજું કાંઇ ન દેખાય ભિન્ન । મૂળ પ્રકૃતિ કહીએ જેહ, મહાપુરૂષમાં ભળી તેહ ।।૨૦।।
હવે મહાપુરૂષ જે રહ્યા, અક્ષર તેજમાં લીન થયા । તે અક્ષરબ્રહ્મ છે ત્યાં કેવું, મહામુક્તને જાણવા જેવું ।।૨૧।।
અનંત અસંગી સર્વાધાર, બેઉ રૂપે શોભે છે તે સાર । સર્વાધાર તેછે નિરાકાર, બીજાું રૂપ તે દિવ્ય સાકાર ।।૨૨।।
શ્રીહરિની સેવામાં તે રેછે, મનોહર મૂર્તિનું સુખ લેછે । એ અક્ષરરૂપે થાવું પોતે, ધ્યાન કરવું પ્રભુનું જોતે ।।૨૩।।
અક્ષરવિષે દિવ્ય સાકાર, પુરુષોત્તમ બેઠાછે સાર । ધર્મભક્તિ સુત ઘનશ્યામ, અક્ષરાધિપતિ પૂરણકામ ।।૨૪।।
એજ પોતે સ્વયં ભગવાન, બહુનામી છે બિરાજમાન । મૂળ પુરૂષાદિક અનંત, મહામુક્ત તે મોટા મહંત ।।૨૫।।
એ સૌના કારણ ઘનશ્યામ, શોભી રહ્યા છે વ્હાલો તેઠામ । ચારે બાજુમાં મુક્ત અપાર, વિંટાઇને બેઠા છે તેઠાર ।।૨૬।।
તેમાં કેટલાએક તો મુક્ત, સેવા કરે છે તે પ્રેમે યુક્ત । વળી કૈક તો ધ્યાન ધરેછે, કૈક ઉભા પ્રશંસા કરેછે ।।૨૭।।
એજ મૂર્તિનું ધરવું ધ્યાન, એકાગ્રચિત્ત થઇ નિદાન । નખશિખાસુધી નિરખીને, ધ્યાન કરવું સદા હરખીને ।।૨૮।।
બે ચરણારવિંદનાં તળાં જેહ, અતિ કોમળ છે રક્ત તેહ । તેમાં પ્રોઇ દેવું નિજ મન, કરવું હૃદયમાં ચિંતવન ।।૨૯।।
અતિ શોભાયમાન ને ધ્યેય, એવાં ચરણ ધારી લેવાં બેય । એ બે ચરણની પાનીયો સાર, રક્ત કોમળ છે નિરધાર ।।૩૦।।
બેઉ ચરણની ઘુંટિયો ગોળ, જાણે સુંદર છે રંગચોળ । ચરણતળાવિષે છે જે ચિહ્ન, તેનાં નામ કહું છું આદિન ।।૩૧।।
દક્ષિણ ચરણ અંગુઠા પાસ, ઉર્ધ્વરેખા શોભે છે પ્રકાશ । તેને મળતું જવનું ચિહ્ન, યોગી આરાધે છે નિશદિન ।।૩૨।।
જેહ તેનું ધ્યાન કરે જન, તેનું થાય છે નિર્મળ મન । વળી કોટી જન્મનાં જે કર્મ, દૂર પલાય થાય છે પરમ ।।૩૩।।
આત્મા પરમાત્માનું સ્વરૂપ, એનું જ્ઞાન પામે તે અનૂપ । જવના પાસે વજ્રનું ચિહ્ન, તેનું ધ્યાન કરે કોઇ જન ।।૩૪।।
તેનાં પર્વતરૂપી જે પાપ, વળી મનરૂપી પક્ષી આપ । તેની પાંખો છેદે તે તરત, ધ્યાન કરે જો રાખીને સરત ।।૩૫।।
તેના પાસે જાંબુફળ જેવું, ચિહ્ન શોભેછે અદ્ભુત એવું । ધ્યાન ધરેછે એનું જે જન, થાય છે તેતો પુન્યપાવન ।।૩૬।।।
મિથ્યા માયિક વિષયવાત, તેમાં બંધાય નહી તે ખ્યાત । વળી મનવૃત્તિ થાય સ્થિર, શ્રીહરિજીની મૂર્તિમાં ધીર ।।૩૭।।
વળી પાનીની બે કોરે શોભે, ઉર્ધ્વરેખા દેખી મન લોભે । અંગુઠા પાસેની જે આંગળી, તેની બે કોરા થઇ નીકળી ।।૩૮।।
તેનું ધારીને જે કરે ધ્યાન, ઉર્ધ્વગતિ પામે તે નિદાન । પુરૂષોત્તમનું જે છે ધામ, પોતે રહ્યા છે ત્યાં અભિરામ ।।૩૯।।
તે અક્ષરધામને તે પામે, સંસૃતિનાં સર્વ કષ્ટ વામે । ઉર્ધ્વરેખાની જમણી બાજુ, ફણામાં ધ્વજનું ચિહ્ન તાજું ।।૪૦।।
ધ્વજરૂપી જે ચિહ્નનું ધ્યાન, કરે જે ભક્ત થઇ નિર્માન । કામરૂપી શત્રુને તે જીતે, માયિક સુખની તૃષ્ણા વિતે ।।૪૧।।
તેની જમણી પા થોડે દૂર, પદ્મનું ચિહ્ન છે ત્યાં જરૂર । તેનું ધ્યાન કરે છે જે ભક્ત, કંજ ચિહ્નમાં થઇ આશક્ત ।।૪૨।।
તેમાં પદ્મસમ ગુણો આવે, અતિશે આનંદ ઉપજાવે । કંજ અંબુમાં રહેછે હમેશ, પણ લેપાતું નથી તે લેશ ।।૪૩।।
તેમ સંસાર સાગરમાંય, ધ્યાનવાળો ડુબે નહિ ક્યાંય । રહે નિર્મળ કંજ સમાન, સંસાર અર્ણવથી નિદાન ।।૪૪।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિના અંગનાં ચિહ્ન વર્ણન કર્યાં એ નામે પંચાશીમો તરંગઃ ।।૮૫।।