પૂર્વછાયો
સુંદર આ સારી વારતા, જન જાણો મંગલરૂપ । કેવળ આ કળિયુગમાં, કલ્યાણકારી અનૂપ ।।૧।।
તાપ ટળે ત્રિવિધના, વળી પ્રાણીનાં પાપ મુકાય । અંતકાળે આવીને, કરે શ્યામ તેની સહાય ।।૨।।
ચોપાઇ
વળી એક કહું બીજી વાત, પરચાની છે તેહ સાક્ષાત । હરિ હતા જેતલપુર ગામ, કરે યજ્ઞ તિયાં પૂર્ણકામ ।।૩।।
ઘૃત મંગાવવા કરી પેર, ગાડાં મોકલ્યાં શ્રીપુર શેર । દાણીએ રોક્યાં લેવાને દાણ, ઘણીવાર લાગી પરમાણ ।।૪।।
ઘૃતકારણ વિપ્ર સઘળા, થયા જોતાં જોતાં ઉતાવળા । જાણી વાત તે આનંદસ્વામી, આવ્યા શ્રીજી પાસે સુખધામી ।।૫।।
કહે ઘૃત નથી તલભાર, ગાડાં લેવા ગયાં છે અપાર । હજાુ લગી તે આવીયાં નહી, સર્વેવાટ જાુવે છે સહી ।।૬।।
કરે વિપ્ર ઉતાવળ આજ, હવે શું કરશો મહારાજ । સુણી આનંદ સ્વામીની વાણી, ઝટ ઉઠ્યા છે સારંગપાણી ।।૭।।
પડ્યાં કોટમાં કુંડલાં ખાલી, વેગે ચાલ્યા તિયાં વનમાળી । એક જેષ્ટિકા ઝાલીને હાથ, મારે કુંડલાંને મુક્તનાથ ।।૮।।
સ્વામી ઢાંકણું ધીરેથી ખોલે, આમાં જાુવો હરિ એમ બોલે । જોતાં જોતાં ચાલ્યા જદુરાય, પોણો મણ ઘૃત જડ્યું ત્યાંય ।।૯।।
બીજા કુંડલામાં ઘૃત જાણો, અડધો મણ પ્રીતે પ્રમાણો । બન્ને કુંડલાનું ઘૃત મળી , તોલતાં સવામણ થયું વળી ।।૧૦।।
અવિનાશી બોલ્યા ત્યાં અગાડી, કાઢી આપજ્યો આમાંથી દાડી । જોયે તેમ આપો ઘૃતસાર, મારી જેષ્ટિકા ચાલ્યા મુરાર ।।૧૧।।
દેતાં ઘૃત તેમાંથી સદાય, આપે અખુટ ત્યાં ઉભરાય । તે દિને બારસેં મણ લીધું, બીજે દિવસે એમજ કીધું ।।૧૨।।
એવું ચરિત્ર કર્યું કૃપાળ, સહુ રાજી થયા તેહકાળ । એમ આપી અતિશે આનંદ, ધન્ય ધન્ય સ્વામી સહજાનંદ ।।૧૩।।
વળી એક સમે તે ડભાણ, કર્યો યજ્ઞ પ્રભુએ પ્રમાણ । દેશદેશતણા હરિજન, આવ્યા હતા કરવા દર્શન ।।૧૪।।
શ્રીહરિને મુકે ભેટ સાર, થયા રૂપિયા સોળ હજાર । બાંધી થેલી કરીને તૈયાર, મુક્યા મુળજીએ તેહવાર ।।૧૫।।
ગણી સર્વે પટારામાં ભરી, તાળું વાશ્યું તેહ નક્કી કરી । જેનું સીધું ઉપાડ્યું અપાર, તેને દેવા કર્યો નિરધાર ।।૧૬।।
એમ મુળજી શેઠે વિચારી, રાખ્યા રૂપિયા સોળ હજારી । પછે એક દિન જગરાય, કરી વિપ્રની મોટી સભાય ।।૧૭।।
દીધા દક્ષિણામાં તેહ દામ, બાકી રાખી નહિ બે બદામ । વેગે જાણી મુળજીએ વાત, કહે આ શું કર્યું જગતાત ।।૧૮।।
લીધું ઘી ખાંડ ૧પિષ્ટ અપાર, તેને શું દેશું દેવમુરાર । ત્યારે બોલીયા સુંદરશ્યામ, અમે લીધા નથી એહ દામ ।।૧૯।।
એમ કહી પટારો ઉઘાડી, દીધા રૂપિયા સર્વ દેખાડી । મુક્યા મુળજીએ જેહ ઠામ, દીઠા તેમના તેમ તમામ ।।૨૦।।
પામ્યા આશ્ચર્ય સર્વે અથાગ, ધન્ય ધન્ય કહે મહાભાગ । આ તો અલૌકિક થઇ વાત, તેવું જોઇ થયા રળિયાત ।।૨૧।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે જેતલપુરનો પરચો કહ્યો એ નામે છનુમો તરંગઃ ।।૯૬।।