સારસિદ્ધિ કડવું - ૨૪ પરોક્ષ ભક્તરે પામે નહિ પ્રાપતિરે, । પદ - ૬

Submitted by swaminarayanworld on Sun, 07/03/2021 - 5:10pm

રાગ :- ધન્યાશ્રી

ભક્તિમાં ભાર ભારે છે બહુજી, કેટલીક મોટપ મુખે હું કહુંજી ।

તમે વિચારી જુઓ જન સહુજી, એહ મોટપને ઉપમા શી દઉંજી ।।૧।।

રાગ :- ઢાળ

દઉં શી એને ઉપમા, ભક્તિ બરોબર બીજું નથી ।

તે ભક્તિ પ્રભુ પ્રકટની, કહી નથી પરોક્ષની કથી ।।૨।।

પામી પ્રભુ પ્રગટને, જેણે લીધો છે મોટો લાવો । 

મોટો લાભ મળી ગયો, ટળી ગયો પૂરણ દાવો ।।૩।।

તેને તોલે ત્રિલોકમાંહી, ના’વે કોઇ નિરધાર ।

સમે સમે સુખ પામિયાં, પ્રભુ પ્રગટના ભજનાર ।।૪।।

પ્રગટ ભક્તિ વ્રજ વાસીયે કરી, પરોક્ષ ભક્ત અજ અમરેશ ।

જેવું સુખ ગોપી ગોવાળ પામિયાં, તેવું ન પામિયા વિધિ ઇશ ।।૫।।

પ્રગટ ભજી ઋષિ પતની, પરોક્ષ ભજયા ઋષિરાય ।

ઋષિપત્નીએ હરિ રાજી કર્યા, ઋષિ રહ્યા પરિતાપ માંય ।।૬।।

પ્રભુ પ્રગટના પ્રસંગ વિના, રહી ગઇ એવા મોટાને ખોટ ।

આજ કાલના અભાગિયા, દિશ વિના દિયે છે દોટ ।।૭।।

પ્રગટ વિના છે પાંપળાં, ભક્ત કરે છે ભવમાંય ।

ખરા ખાંડતાં કુસકા, કણ નહિ નિસરે તે માંય ।।૮।।

હરિ લાડીલા લાડુ જમી ગયા, કેડે પડ્યાં રહ્યાં પતરાવળાં ।

જેથી ભુખ ન જાય સુખ ન થાય, વણ સમજે ચાટે છે સઘળાં ।।૯।।

દન્તી ગયા દાંત રહ્યા, કેમ ભાગે કોટ કમાડ ।

નિષ્કુલાનંદ પરોક્ષ ભક્તિને, પ્રિછજો એહ પાડ ।।૧૦।। કડવું।।૨૪।।

 

રાગ :- ગરબી

પરોક્ષ ભક્તરે પામે નહિ પ્રાપતિરે, જીવની જરાય જંપે નહિ ઝાળરે,

પૂરણ થયાનીરે પ્રતીતિ નવ પડેરે, સંશયવત રહે સદા કાળરે; પરોક્ષ૦ ।।૧।।

મુખોન્મુખરે મળ્યા નથી માવજીરે, કેવા હરિ જાણી કરશે ધ્યાનરે ।

રૂપ અનુપમરે કેવું હૃદે રાખશેરે, જેને અણ દિઠે છે અનુમાનરે; પરોક્ષ૦ ।।૨।।

અણ મળ્યાનીરે અંતરે આગન્યારે, પાળશે કઇ પેરે કરી પ્રીતરે ।

ધર્મને નિમરે કેમ દ્રઢ ધારશેરે, જે નથી જાણતા હરિની રીતરે; પરોક્ષ૦ ।।૩।।

વણ દીઠે વાતરે વદને શું વદશેરે, નથીઆવ્યા દયાળુ દીઠામાંયરે ।

નિષ્કુલાનંદરે ન મળેલ નાથનારે, તેણે ધર્મ નિ’મ ન રહે કાંયરે; પરોક્ષ૦ ।।૪।। પદ ।।૬।।