ગઢડા પ્રથમ – ૧૮. વિષય ખંડનનું, હવેલીનું
સંવત્ ૧૮૭૬ ના માગશર વદિ ૬ છઠને દિવસ રાત્રિ પાછલી પહોર એક બાકી હતી, ત્યારે સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બારણે ઓરડાની ઓસરીને આગળ ફળિયામાં ઢોલિયા ઉપર વિરાજ્યા હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં.
પછી પરમહંસ તથા સત્સંગીને તેડાવ્યા ને ઘણીવાર સુધી તો પોતે વિચારી રહ્યા અને પછી બોલ્યા જે “એક વાત કહું તે સાંભળો” એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા જે “મારા મનમાં તો એમ થાય છે જે વાત ન કહું, પણ તમે અમારા છો માટે જાણીએ છીએ જે કહીએજ અને આ વાત છે તેને સમજીને તે પ્રમાણે વર્તે તેજ મુકત થાય છે અને તે વિના તો ચાર વેદ, ષટ્શાસ્ત્ર, અઢાર પુરાણ, અને ભારતાદિક ઇતિહાસ તેને ભણવે કરીને તથા તેના અર્થને જાણવે કરીને અથવા તેને શ્રવણે કરીને પણ મુકત થાય નહિ, તે વાત કહીએ તે સાંભળો જે, બહાર તો ગમે તેટલી ઉપાધિ હોય પણ તેનો જો મનમાં સંકલ્પ ન હોય તો તેનો અમારે ખરખરો નહિ. અને અંતરમાં જો રંચ જેટલો પદાર્થનો ઘાટ થાય તો તેનો ત્યાગ કરીએ ત્યારે નિરાંત થાય, એવો અમારો સ્વભાવ છે. માટે અમે હૃદયમાં વિચાર કર્યો જે ભગવાનના ભકતના હૃદયમાં વિક્ષેપ થાય છે તેનું કારણ તે શું છે ? પછી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર સામું જોયું ત્યાં તો એ અંત:કરણ પણ ઉદ્વેગનું કારણ નથી. અંત:કરણમાં તો ભગવાનના સ્વરૂપના નિશ્વયનું બળ અથવા આત્મજ્ઞાનનું બળ તેને યોગે કરીને અંત:કરણને ગાફલતા રહે છે જે ‘ભગવાન મળ્યા છે તે હવે કાંઇ કરવું રહ્યું નથી’ એવું ગાફલપણું રહે છે એટલો જ અંત:કરણનો વાંક છે. અને ઝાઝો વાંક તો પંચ જ્ઞાનઇંદ્રિયોનો છે તેની વિગતિ કહીએ છીએ જે, એ જીવ જે નાના પ્રકારનાં ભોજન જમે છે તે ભોજન ભોજન પ્રત્યે જુદા જુદા સ્વાદ છે અને જુદા જુદા ૧ગુણ છે, તે ભોજનને જ્યારે જમે છે ત્યારે તે ગુણ અંત:કરણમાં તથા શરીરમાં પ્રવર્તે છે. અને જો લિલાગર ભાંગ્ય પીવે અને તે પ્રભુનો ભકત હોય તોયપણ લિલાગર ભાંગ્યના કેફે કરીને વર્તમાનની ખબર રહે નહિ અને પ્રભુના ભજનની પણ ખબર રહે નહિ, તેમ અનંત પ્રકારના જે આહાર તેના ગુણ પણ લિલાગર ભાંગ્યની પેઠેજ અનંત પ્રકારના છે. તેનો ગણતાં પણ પાર આવે નહિ. તેમજ એ જીવ શ્રોત્રદ્વારે અનંત પ્રકારના શબ્દને સાંભળે છે તે શબ્દના પણ અનંત પ્રકારના ગુણ જુદા જુદા છે. તે જેવો શબ્દ સાંભળે છે તેવોજ અંત:કરણમાં ગુણ પ્રવર્તે છે; જેમ કોઇક હત્યારો જીવ હોય અથવા કોઇક પુરુષ વ્યભિચારી હોય અથવા કોઇક સ્ત્રી વ્યભિચારિણી હોય અથવા લોક અને વેદની મર્યાદાને લોપીને વર્તતો એવો કોઇક ભ્રષ્ટ જીવ હોય તેની જે વાત સાંભળવી તે તો જેવી લિલાગર ભાંગ્ય પીવે અથવા દારુ પીવે એવી છે; માટે તે વાતના સાંભળનારાના અંત:કરણને ભ્રષ્ટ કરી નાખે છે. અને ભગવાનનું ભજન સ્મરણ તથા વર્તમાન તેની વિસ્મૃતિ કરાવી નાખે છે. તેમજ ત્વચાના સ્પર્શ પણ અનંત પ્રકારના છે, અને તેનાગુણ પણ જુદા જુદા અનંત પ્રકારના છે, તેમાં પાપી જીવનો જે સ્પર્શ તેજ ભાંગ્ય દારુના જેવો છે. માટે તે સ્પર્શનો કરનારો હરિભકત હોય તેની પણ શુધબુધને ભુલાડી દે છે. તેમજ રૂપ પણ અનંત પ્રકારનાં છે અને તેના ગુણ પણ અનંત પ્રકારના જુદા જુદા છે; તે કોઇક ભ્રષ્ટ જીવ હોય ને જો તેનું દર્શન થયું હોય તો જેમ લિલાગર ભાંગ્ય તથા દારૂ પીધે ભુંડુ થાય છે તેમજ તે પાપીનાં દર્શન કરનારનું પણ ભુંડુજ થાય છે અને બુદ્ધિ ભ્રષ્ટ થઇ જાય છે. તેમજ ગંધ પણ અનંત પ્રકારના છે અને તેના ગુણ પણ અનંત પ્રકારના છે; તે જો પાપી જીવના હાથનું પુષ્પ અથવા ચંદન તેની જો સુગંધી લે તો જેમ લિલાગર પીધે બુદ્ધિ ભ્રષ્ટ થાય, તેમજ બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. એવી રીતે જેમ ભુંડાને યોગે કરીને જીવની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે તેમજ પરમેશ્વર અથવા પરમેશ્વરના સંતને યોગે કરીને જીવની બુદ્ધિ સારી થાય છે. અને જીવની બુદ્ધિ ભ્રષ્ટ હોય તો પણ ભગવાન અને સંતના શબ્દને સાંભળવે કરીને ઉત્તમ થાય છે; તેમજ એમને સ્પશર્ે કરીને પણ મતિ ઉત્તમ થાય છે, અને વર્તમાનની આડયે કરીને મોટા સંતને સ્પર્શ ન થાય તો તેના ચરણની રજ લઇને માથે ચડાવે તેણે કરીને પવિત્ર થાય. અને તેમજ મોટા સંતને દર્શને કરીને પણ પવિત્ર થાય. પણ વર્તમાન રાખીને દર્શન કરવાં. તેમજ તે મોટાની પ્રસાદી છે તેને જમવે કરીને પણ પવિત્ર થાય છે, તેમાં પણ વણર્ાશ્રમની મર્યાદા પરમેશ્વરે બાંધી છે તે મર્યાદાને રાખીને પ્રસાદી લેવી. અને જેને ન ખપે તેને સાકરની પ્રસાદી કરાવી ને પ્રસાદી લેવી. તેમ તે મોટા પુરુષને ચઢયું એવું જે પુષ્પ, ચંદન તેની સુગંધી લીધે પણ બુદ્ધિ નિર્મળ થાય છે, તે માટે એ પંચ વિષયને સમજ્યા વિના જે ભોગવશે અને સાર અસારનો વિભાગ નહિં કરે અને તે નારદ, સનકાદિક જેવો હશે તેની પણ બુદ્ધિ ભ્રષ્ટ થઇ જશે, તો જે દેહાભિમાની હોય અને તેની બુદ્ધિ ભ્રષ્ટ થાય તેમાં શું કહેવું ? તે સારું એ પંચ ઇંદ્રિયોને યોગ્ય અયોગ્ય વિચાર્યા વિના જે મોકળી મેલશે તેનું અંત:કરણ ભ્રષ્ટ થઇ જશે. અને પંચ ઇંદ્રિયો દ્વારે જીવ જે આહાર કરે છે તે આહાર જો શુદ્ધ કરશે તો અંત:કરણ શુદ્ધ થાશે અને અંત:કરણ શુદ્ધ થાશે તો અખંડ ભગવાનની સ્મૃતિ રહેશે. અને જો પંચ ઇંદ્રિયોના આહારમાંથી એક ઇંદ્રિયનો આહાર મલિન થાય છે તો અંત:કરણ પણ મલિન થઇ જાય છે. માટે ભગવાનના ભકતને ભગવાનના ભજનને વિષે જે કોઇ વિક્ષેપ થઇ આવે છે, તેનું કારણ તો પંચ ઇંદ્રિયોના વિષયજ છે પણ અંત:કરણ નથી.
અને આ જીવ છે તે જેવી સોબત કરે છે તેવું એનું અંત:કરણ થાય છે; તે જ્યારે એ જીવ વિષયી જીવની સભામાં બેઠો હોય અને તે જગ્યા પણ સુંદર સાત માળની હવેલી હોય તે હવેલીને વિષે કાચના તકતા સુંદર જડયા હોય અને સુંદર બિછાનાં કર્યા હોય, તેમાં નાના પ્રકારનાં આભૂષણ તથા વસ્ત્રને પહેરીને વિષયી જન બેઠા હોય અને દારૂના શીશા લઇને પરસ્પર પાતા હોય, અને કેટલાક તો દારૂના શીશા ભરેલા પડયા હોય અને વેશ્યાઓ થેઇ થેઇકાર કરી રહી હોય, અને નાના પ્રકારનાં વાજીંત્ર વાજતાં હોય ને તે સભામાં જઇને જે ૨જન બેસે તે સમે તેનું અંત:કરણ બીજી ૩જાતનું થઇ જાય છે. અને તૃણની ઝુંપડી હોય ને તેમાં ફાટેલ ગોદડીવાળા પરમહંસની સભા બેઠી હોય અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભકિત સહવર્તમાન ભગવદ્વાર્તા થાતી હોય તે સભામાં જઇને જે ૪જન બેસે ત્યારે તે સમે તેનું અંત:કરણ ૫બીજી રીતનું થાય છે; માટે સત્સંગ અને કુસંગને યોગે કરીને જેવું અંત:કરણ થાય છે તેને જો વિચારીને જાુએ તો જાણ્યામાં આવે છે. અને ગબરગંડને તો કાંઇ ખબર પડતી નથી, માટે આ વાર્તા છે તે છેક મૂર્ખ પણે પશુને પાડે વર્તતો હોય તેને તો ન સમજાય અને જે કાંઇક વિવેકી હોય અને કાંઇક ભગવાનનો આશ્રિત હોય તેને તો આ વાર્તા તુરત સમજ્યામાં આવે છે; માટે પરમહંસ તથા સાંખ્યયોગી હરિજન તથા કર્મયોગી હરિજન એ સર્વેને કુપાત્ર માણસની સંગત કરવી નહિ. અને સત્સંગ મોરે તો ગમે તેવો કુપાત્ર જીવ હોય તોય તેને નિયમ ધરાવીને સત્સંગમાં લેવો પણ સત્સંગમાં આવ્યા પછી કુપાત્રપણું રાખે તો બાઇ અથવા ભાઇ જે હોય તેને સત્સંગ બહાર કાઢી મેલવો અને જો ન કાઢે તો એમાંથી ઝાઝું ભુંડુ થાય, જેમ “જે આંગળીને સપર્ે કરડી હોય અથવા કિડિયારાનો રોગ થયો હોય અને તેટલું અંગ જો તુરત કાપી નાખે તો પંડે કુશળ રહે, ને તેનો લોભ કરે તો ઝાઝો બીગાડ થાય” તેમ જે કુપાત્ર જીવ જણાય તેનો તત્કાળ ત્યાગ કરજ્યો. અને આ અમારૂં વચન છે તે ભલા થઇને સર્વે જરૂર રાખજ્યો, તો જાણીએ તમે અમારી સર્વ સેવા કરી અને અમે પણ તમને સર્વેને આશીવર્ાદ દઇશું અને તમો ઉપર ધણા પ્રસન્ન થઇશું, કાં જે તમે અમારો દાખડો સુફળ કર્યો અને ભગવાનનું ધામ છે ત્યાં આપણ સર્વે ભેળા રહીશું. અને જો ૬એમ નહિ રહો તો તમારે અને અમારે ધણું છેટું થઇ જાશે અને ભૂતનું કે બ્રહ્મરાક્ષસનું દેહ આવશે અને હેરાન થશો. અને જે કાંઇ ભગવાનની ભકિત કરી હશે તેનું ફળ તો રઝળતાં રઝળતાં કોઇક કાળે પ્રગટ થશે, ત્યારે પણ અમે વાત કરી તે પ્રમાણે રહેશો ત્યાર પછી મુકત થઇને ભગવાનના ધામમાં જાશો.
અને જો કોઇ અમારો વાદ લેશો તો તેનું તો જરૂર ભુંડુ થાશે. કાંજે અમારા હૃદયમાંતો નરનારાયણ પ્રગટ વિરાજે છે અને હુંતો ૭અનાદિમુકતજ છું, પણ કોઇને ઉપદેશે કરીને મુકત નથી થયો. અને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર તેમને તો હું પકડી લઉ છું, જેમ સિંહ બકરાંને પકડે છે તેની પેઠે એ અંત:કરણને હું પકડું છું અને બીજાને તો એ અંત:કરણ દેખ્યામાં પણ આવતું નથી, માટે અમારો વાદ લઇને જાણે જે ઉપાધિમાં રહીને શુદ્ધપણે રહીશું. તે તો નારદ-સનકાદિક જેવો હોય તેથી પણ રહેવાય નહિ તો બીજાની શી વાર્તા કહેવી ? અને અનંત મુકત થઇ ગયા. ને અનંત થશે તેમાં ઉપાધિમાં રહીને નિલર્ેપ રહે એવો કોઇ થયો નથી ને થશે પણ નહિ અને હમણાં પણ કોઇએ નથી અને કોટિ કલ્પ સુધી સાધન કરીને પણ એવો થવાને કોઇ સમર્થ નથી, માટે અમે કહ્યું છે તે પ્રમાણે રહેશો તો રૂડું થશે. અને અમે જે કોઇને હેતે કરીને બોલાવીએ છીએ તેતો તેના જીવના રૂડા સારૂં બોલાવીએ છીએ અથવા કોઇને હેતે કરીને સામું જોઇએ છીએ અથવા કોઇ સારાં ભોજન કરાવે છે તેને જમીએ છીએ અથવા કોઇ ઢોલીયો બિછાવી દે છે તે ઉપર બેસીએ છીએ અથવા કોઈ વસ્ત્ર આભૂષણ તથા પુષ્પના હાર ઇત્યાદિક જે જે પદાર્થ લાવે છે તેને અંગીકાર કરીએ છીએ, તે તો તેના જીવના રૂડા વાસ્તે અંગીકાર કરીએ છીએ પણ અમારા સુખને વાસ્તે કરતા નથી. અને જો અમારા સુખને વાસ્તે કરતા હોઇએ તો અમને શ્રીરામાનંદ સ્વામીના સમ છે. માટે એવું વિચારીને કોઇ અમારો વાદ કરશો માં, અને પંચ ઇંદ્રિયોના આહાર છે તેને અતિશય શુઘ્ધપણે કરીને રાખજ્યો, એ વચન અમારૂં જરૂરાજરૂર માનજ્યો. અને આ વાત તો સર્વને સમજાય એવી સુગમ છે માટે સર્વના સમજ્યામાં તુરત આવી જશે. તે સારૂં સત્સંગમાં અતિશય પ્રવર્તાવજ્યો તેમાં અમારો ધણો રાજીપો છે, એમ વાર્તા કરીને જય સચ્ચિદાનંદ કહીને શ્રીજીમહારાજ પોતાના ઉતારામાં પધારતા હવા. ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૧૮||
તા-૦૭/૧૨/૧૮૧૯ મંગળવાર