ગઢડા પ્રથમ – ૨૩ : પાણીનો ઘડો ઢોળ્યાનું – સ્થિતિમાં રહેવાનું
સંવત્ ૧૮૭૬ના પોષ સુદિ ૫ પંચમીને દિવસ શ્રીજી મહારાજ શ્રીગઢડા મઘ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને શ્રીજી મહારાજે માથે ધોળો ફેંટો બાંઘ્યો હતો તથા ધોળું અંગરખું પહેર્યું હતું તથા ધોળો સુરવાળ પહેર્યોે હતો તથા કેડયે કસુંબલ શેલું બાંઘ્યું હતું અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના સત્સંગીની સભા ભરાઇને બેઠી હતી.
પછી કરૂણા કરીને પરમહંસની આગળ શ્રીજીમહારાજ વાત કરવા લાગ્યા જે, “વાસુદેવમાહાત્મ્ય” નામે જે ગ્રંથ તે અમને અતિશય પ્રિય છે; કેમ જે, ભગવાનના ભકતને ભગવાનને ભજ્યાની જે રીતિ તે સર્વે એ ગ્રંથમાં કહી છે. અને ભગવાનના જે ભકત તે બે પ્રકારના છે. તેમાં એકને ભગવાનનો નિશ્વય તો યથાર્થ છે પણ તે દેહાત્મબુદ્ધિ સોતો ભગવાનનું ભજન કરેછે અને બીજો તો જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તથા સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહ, તેથી પર ને ચૈતન્યરૂપ એવું પોતાના સ્વરૂપને માને, અને તે પોતાના સ્વરૂપને વિષે ભગવાનની મૂર્તિને ધારીને ભગવાનનું ભજન કરે, પછી ત્રણ અવસ્થાથી ને ત્રણ શરીરથી પર જે પોતાનું સ્વરૂપ તેને અતિશય પ્રકાશમાન ભાળે ને તે પ્રકાશને વિષે ભગવાનની મૂર્તિ જેવી પ્રગટ પ્રમાણ છે તેવી અતિશે પ્રકાશે યુકત ભાસે, એવી રીતની સ્થિતિવાળો હોય અને એવી રીતની સ્થ્િાતિ જ્યાં સુધી થઇ નથી ત્યાં સુધી ભગવાનનો ભકત છે, તો પણ તેને માથે વિઘ્નછે. અને જો એવી સ્સ્થિતિમાં શિવજી નો’તા વર્તતા તો મોહિની સ્વરૂપમાં મોહ પામ્યા અને એવી સ્થિતિમાં બ્રહ્મા નો’તા વર્તતા તો સરસ્વતીને દેખીને મોહ પામ્યા અને એવી સ્થિતિમાં નારદજી નો’તા વર્તતા તો પરણ્યાનું મન થયું અને ઇંદ્ર તથા ચંદ્રાદિક તેમને જો એવી સ્થ્િાતિ નો’તિ તો કલંક લાગ્યાં, અને ભગવાનનો ભકત હોય પણ જો એવી સ્થ્િાતિને ન પામ્યો હોય, તો ભગવાનને વિષે પણ પ્રાકૃત ભાવ પરઠાઇ જાય છે. જેમ રાજા પરીક્ષ્િાત એવો ભકત નો’તો તો રાસક્રીડા સાંભળીને શ્રીકૃષ્ણ-ભગવાનને વિષે સંશય થયો અને શુકજી જો એવા ભકત હતા તો તેને કોઇ જાતનો સંશય થયો નહિ. અને જે એવો ભકત હોય તે તો એમ સમજે જે, “મારેવિષે કોઇ દોષ અડી શકે નહિ તથા તે દોષ કાંઇ બાધ કરી શકે નહિ, તો જેને ભજને કરીને હું આવો થયો એવા જે ભગવાન તેને વિષે તો કોઇ માયિક દોષ હોય જ કેમ ? એમ દઢપણે સમજે છે. અને એવો જે ભગવાનનો ભકત તે ભગવાનની મૂર્તિને વિષે જ્યારે વૃત્તિને રાખે છે ત્યારે તે વૃત્તિના બે વિભાગ થાય છે, તેમાં એક વૃત્તિ તો ભગવાનના સ્વરૂપમાં રહે છે અને બીજી તો જે ભજનનો કરનારો તેમાં રહે છે. અને ભગવાનના સ્વરૂપમાં જે વૃત્તિ રહે છે તે પ્રેમે યુકત રહે છે. અને ભજનના કરનારામાં જે વૃત્તિ રહે છે તેતો વિચારે યુકત રહે છે અને તે વૃત્તિ જે તે ભજનના કરનારાને વિષે ભગવાનના ભજન વિના બીજા જે જે ઘાટ સંકલ્પ થાય છે તે સર્વેને ખોટા કરી નાખે છે, તથા તે ભજનના કરનારામાં જે દોષ તે સર્વેને ખોટા કરી નાખે છે. એવી રીતે તેની વૃત્તિ ભગવાનમાં અખંડ રહે છે. અને ધડીક તો એકાગ્ર ચિત્તે બેસીને ભગવાનનું ભજન કરે ને ધડીકમાં તો ચાળા ચૂંથતો ફરે તેને તો એવી સ્થ્િાતિ થતી નથી. જેમ પાણીનો ઘડો ભરીને એક ઠેકાણે ઢોળી આવીએ, પછી વળી બીજે દિવસે અથવા ત્રીજે દિવસ તે ઠેકાણે પાણીનો ઘડો ઢોળીએ તેણે કરીને ત્યાં પાણીનો ધરો ભરાય નહિ, કાંજે આગલા દિવસનું પાણી આગલે દિવસ સુકાઇ જાય ને પાછલા દિવસનું પાછલે દિવસ સુકાઇ જાય. અને જો આંગળી જેવી નાનીજ પાણીની સેર્ય અખંડ વહેતી હોય તો મોટો પાણીનો ધરો ભરાઇ જાય, તેમ ખાતાં, પીતાં, હાલતાં, ચાલતાં તથા શુભ ક્રિયાને વિષે તથા અશુભ ક્રિયાને વિષે સર્વકાળે ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવી. પછી એવી રીતે ભગવાનમાં અખંડ વૃત્તિ રાખતાં રાખતાં એવી દઢ સ્થ્િાતિ થાય છે. ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૨૩||