ગઢડા પ્રથમ – ૨૬ : સાચા રસિક ભકતનું – નિર્ગુણભાવનું
સંવત્ ૧૮૭૬ના પોષ સુદિ ૧૧ એકાદશીને દિવસ બપોરને સમે શ્રીજી મહારાજ શ્રીગઢડા મઘ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને માથે ધોળો ફેંટો બાંઘ્યો હતો. તથા ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળો ચોફાળ ઓઢયો હતો તથા બે કાનને ઉપર ગુલદાવદીનાં મોટાં મોટાં બે પુષ્પ ખોશ્યાં હતાં તથા પુષ્પનો તોરો પાધને વિષે ખોશ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના સત્સંગીની સભા ભરાઇને બેઠી હતી ને પરમહંસ તાલ પખાજ લઇને કીર્તન ગાતા હતા.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “હવે કીર્તન બોલવાં રાખો ને અમે આ એક વાતરૂપ કીર્તન બોલીએ તે સાંભળો.” પછી પરમહંસે કહ્યું જે હે મહારાજ ! બહુ સારૂં તમે વાત કરો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનનાં રસિક કીર્તન ગાતાં ગાતાં જો એક ભગવાનના સ્વરૂપમાંજ રસ જણાય તો ઠીક છે અને જો ભગવાનના સ્વરૂપ વિના બીજે ઠેકાણે રસ જણાય તો તો એમાં મોટી ખોટ છે, કેમ જે એ ભકતને જેમ ભગવાનના શબ્દમાં હેત થાય છે ને તે શબ્દમાં રસ જણાય છે તેમજ ગીત વાજિંત્રના શબ્દમાં અથવા સ્ત્રી આદિકના શબ્દમાં રસ જણાય છે ને હેત થાય છે. માટે એ ભકતને અવિવેકી જાણવો. અને ભગવાન અથવા ભગવાનના સંત તેનાં જે વચન તેને વિષે જેવો રસ જણાય છે તેવો જ બીજા વિષયના શબ્દમાં રસ જણાય છે, એવી જે એ મૂર્ખતા તેનો ત્યાગ કરવો અને એવી મૂર્ખતાનો ત્યાગ કરીને એક ભગવાનને શબ્દે કરીને જ સુખ માનવું, અને તેવી જાતનો જે રસિક ભકત છે તે ખરો છે. અને જેમ શબ્દ તેમજ સ્પર્શ પણ એક ભગવાનનો જ ઇચ્છે અને અન્ય સ્પર્શને તો કાળો નાગ તથા બળતો અગ્નિ તે જેવો જાણે ત્યારે તે રસિક ભકત સાચો. તેમજ રૂપ પણ ભગવાનનું જોઇને પરમ આનંદપામે ને બીજા રૂપને તો જેવો નરકનો ઢગલો તથા સડેલ કુતરૂં તેવું જાણે એ રસિક ભકત સાચો, તેમજ રસ પણ ભગવાનના મહાપ્રસાદનો હોય તેણે કરીને પરમ આનંદ પામે પણ બીજા જે નાના પ્રકારના રસ તેને સ્વાદે કરીને આનંદને ન પામે તે રસિક ભકત સાચો. તેમજ ભગવાનને ચડયાં એવાં જે તુલસી, પુષ્પના હાર તથા નાના પ્રકારની સુગંધિએ યુકત એવાં અત્તર, ચંદનાદિક તેની સુગંધિને ગ્રહણ કરીને પરમ આનંદ પામે, પણ કોઇ અન્ય વિષયી જીવે દેહે અત્તર ચંદનાદિક ચરચ્યાં હોય અથવા પુષ્પના હાર પહેર્યા હોય તેના સુગંધને પામીને રાજી નજ થાય, એવી રીતે પંચ વિષય ભગવાન સંબંધી હોય તેને વિષે અતિશય પ્રીતિવાન થાય અને જગત સંબંધી જે પંચ વિષય તેને વિષે અતિશય અભાવે યુકત વર્તે તે રસિક ભકત સાચો છે, અને રસિક ભકત થઇને જેમ ભગવાન સંબંધી વિષયને યોગે કરીને આનંદ પામે છે તેમજ અન્ય સંબંધી જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ તેને યોગે કરીને આનંદ પામે છે, તો એ ખોટો રસિક ભકત છે, કેમ જે “જેમ ભગવાનને વિષે આનંદને પામ્યો તેમજ વિષયને વિષે પણ આનંદ પામ્યો” માટે એવા રસિકપણાને અને ઉપાસનાને ખોટી કરી નાખવી, કાં જે ભગવાન તો કાંઇ ખોટા નથી પણ એનો ભાવ ખોટો છે, અને જેવાં અન્ય પદાર્થને જાણ્યાં તેવાજ ભગવાનને પણ જાણ્યા માટે એની ભકિત અને એનું રસિકપણું તે ખોટું કહ્યું, હવે જેમ સ્થૂલ દેહ અને જાગ્રત અવસ્થામાં પંચ વિષયનો વિવેક કહ્યો તેમજ સૂક્ષ્મ દેહ અને સ્વપ્ન અવસ્થા તેને વિષે સૂક્ષ્મ પંચ વિષય છે. તે સ્વપ્નમાં જ્યારે ભગવાનની મૂર્તિને દેખીને તે ભગવાન સંબંધી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધે કરીને જેવો આનંદ પમાય તેવો ને તેવોજ જો અન્ય પંચ વિષયને દેખીને સ્વપ્નમાં આનંદ પમાય તો તે ભકતનું રસિકપણું ખોટું છે અને સ્વપ્નમાં કેવળ ભગવાનને સંબંધે કરીને આનંદ પામતો હોય અને અન્ય વિષયને વિષે ઉલટા અન્નની પેઠે અભાવ રહેતો હોય તો એ રસિક ભકત સાચો છે. અને એમ ન જાણતો હોય તો જે ભગવાન સ્વપ્નમાં દેખાયા તે તો સાચા છે, પણ એ ભકતને તો જેવો ભગવાનમાં પ્રેમ તેવો અન્ય વિષયમાં પ્રેમ છે માટે એની સમજણ ખોટી છે. અને એક ભગવાનના સ્વરૂપમાં લોભાઇ રહે ને બીજા વિષયમાં ન લોભાય તે સમજણ સાચી છે, અને જ્યારે કેવળ ભગવાનનું જ ચિંતવન રહે છે ત્યારે ચિંતવન કરતાં કરતાં શૂન્ય ભાવને પામી જાય છે ત્યારે એ ભકતને ભગવાનની મૂર્તિ વિના પિંડ બ્રહ્માંડ કાંઇ ભાસતું નથી. પછી એવા શૂન્યને વિષે ભગવાનની મૂર્તિને જોતાં જોતાં પ્રકાશ થઇ આવે છે અને તે પ્રકાશમાં ભગવાનની મૂર્તિ દેખાય છે, માટે એવી રીતે કેવળ ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ હોય એ પતિવ્રતાની ભકિત છે. અને અમે પણ જ્યારે તમે રસિક કીર્તન ગાવો છો ત્યારે આંખ્યો મિંચિને વિચારીએ છીએ, તે આવોજ વિચાર કરીએ છીએ અને અમારો વિચાર થોડો જ છે પણ ભગવાન વિના તે વિચારમાં બીજુ કાંઇ ટકી શકતું નથી. અને ભગવાનના સ્વરૂપમાં જ રસિક પ્રીતિ છે તેમાં જો કોઇ વિષય આડો આવે તો તેનું માથું ઉડી જાય, એવો અમારો બળવાન વિચાર છે, અને તમે જેમ કીર્તન જોડી રાખો છો તેમ અમે પણ આ વાત કરી એટલું એ કીર્તન જોડી રાખ્યું છે. તે તમારી આગળ કહ્યું.” એમ શ્રીજીમહારાજે પોતાનું મિષ લઇને પોતાના ભકતને અર્થે વાત કરી દેખાડી. ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૨૬||