ગઢડા પ્રથમ – ૪૮ : ચાર પ્રકારના કુસંગીનું
સંવત્ ૧૮૭૬ ના માઘ સુદિ ૧૩ તેરસને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવ નારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષ હેઠે ઓટા મઘ્યે ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે સંઘ્યા સમે બિરાજમાન હતા. અને સર્વે શ્વેત વસ્ત્ર પહેર્યા હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. અને પોતાના મુખારવિંદની આગળ બે મશાલો બળતી હતી, અને શ્રીવાસુદેવ નારાયણની સંઘ્યા આરતી તથા નારાયણ ધૂન્ય થઇ રહી.
પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, સર્વે સાવધાન થઇને સાંભળો, એક વાર્તા કરીએ છીએ. ત્યારે સર્વે મુનિ તથા હરિભક્ત બોલ્યા જે, હે મહારાજ! કહો પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, જે ભગવાનનો ભક્ત હોય તેને નિત્ય પ્રત્યે ભગવાનની પૂજા કરીને ને સ્તુતિ કરીને ભગવાન પાસે એમ માગવું, જે હે મહારાજ ! હે સ્વામિન્ ! હે કૃપાસિન્ધો ! હે શરણાગત પ્રતિપાલક ! કુસંગી થકી અમારી રક્ષા કરજો. તે કુસંગી ચાર પ્રકારના છે. એક કુંડાપંથી, બીજા શકિતપંથી, ત્રીજા શુષ્કવેદાંતી અને ચોથા નાસ્તિક એ ચાર પ્રકારના કુસંગી છે. તેમાં જો કુડાપંથીનો સંગ થાય તો વર્તમાનમાંથી ચુકાડીને ભ્રષ્ટ કરે. અને જો શકિતપંથીનો સંગ થાય તો દારૂ માંસ ખવરાવીને સ્વધર્મ થકી ભ્રષ્ટ કરે. અને જો શુષ્કવેદાંતીનો સંગ થાય તો ભગવાનનું ધામ તથા ભગવાનનો જે સદા દિવ્ય આકાર તથા ભગવાનના અવતારની મૂર્તિઓના જે આકાર તે સર્વેને ખોટા કરીને ભગવાનની ભકિત ઉપાસના તે થકી ભ્રષ્ટ કરે. અને જો નાસ્તિકનો સંગ થાય તો કર્મનેજ સાચાં કરી પરમેશ્વર એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેમને ખોટા કરી દેખાડે, અને અનાદિ સત્શાસ્ત્રના માર્ગ થકી ભ્રષ્ટ કરે. માટે ભગવાનની પાસે માગવું જે, એ ચાર પ્રકારના માણસનો કોઇ દિવસ સંગ થશો નહિ. અને વળી એમ પ્રાર્થના કરવી જે, હે મહારાજ ! કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઇર્ષ્યા અને દેહાભિમાન એ આદિક જે અંત:શત્રુ તે થકી રક્ષા કરજો. અને નિત્યે તમારા ભક્તનો સમાગમ દેજો. એવી રીતે નિત્યે ભગવાનની પ્રાર્થના કરવી અને એ કુસંગી થકી ને અંત:શત્રુ થકી નિરંતર ડરતા રહેવું. ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૪૮||