સારંગપુર ૩ : શ્રવણ, મનન, નિદિઘ્યાસ અને સાક્ષાત્કારનું
સંવત્ ૧૮૭૭ના શ્રાવણ વદિ ૭ સાતમને દિવસ ૧સાંજને સમે શ્રીજીમહારાજ ગામ શ્રીસારંગપુર મઘ્યે જીવાખાચરના દરબારમાં ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને શ્વેત પાઘ મસ્તકે બાંધી હતી ને કાળા છેડાનો ખેસ ઓઢયો હતો ને ધોળો ખેસ પહેર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.
પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે ”હે મહારાજ ! એક ભક્ત તો નાના પ્રકારની પૂજાસામગ્રી લઇને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરે છે અને એક ભક્ત તો નાના પ્રકારના માનસિક ઉપચારે કરીને ભગવાનની માનસીપૂજા કરે છે, એ બે ભક્તમાં શ્રેષ્ઠ તે કોણ છે ?” ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, જો ભગવાનને વિષે પ્રેમે કરીને અતિ રોમાંચિત ગાત્ર થઇને તથા ગદ્ ગદ્ કંઠ થઇને જો ભગવાનની પ્રત્યક્ષ પૂજા કરે છે અથવા એવી રીતેજ ભગવાનની માનસીપૂજા કરે છે તો એ બેય શ્રેષ્ઠ છે. અને પ્રેમે કરીને રોમાંચિત ગાત્ર અને ગદ્ ગદ્ કંઠ થયા વિના કેવળ શુષ્ક મને કરીને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરે છે તોય ન્યૂન છે અને માનસીપૂજા કરે છે તોય ન્યૂન છે.”
ત્યારે સોમલેખાચરે પુછયું જે ”એવી રીતે જે, પ્રેમ મગ્ન થઇને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરતો હોય અથવા માનસીપૂજા કરતો હોય તે ભક્ત કયે લક્ષણે કરીને ઓળખાય ?” ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે ”જેને ભગવાનની સેવા પૂજાને વિષે તથા કથા, વાર્તા, કીર્તનને વિષે અતિશે શ્રદ્ધા હોય તથા ભગવાનનું અતિશય માહાત્મ્ય સમજતો હોય ને એ બે વાનાં દિવસે દિવસે નવાં ને નવાં રહેતાં હોય પણ કયારેય ગૌણ ન પડે, જેમ મુકતાનંદ સ્વામીને અમે પ્રથમ લોજપુરમાં દીઠા હતા અને જેવી શ્રદ્ધા અને ભગવાનનું માહાત્મ્ય હતું તેવું ને તેવુંજ આજ દિવસ સુધી નવું ને નવું છે પણ ગૌણ પડયું નથી, એવે લક્ષણે કરીને તે ભક્તને ઓળખવો અને એવી રીતે માહાત્મ્ય ને શ્રદ્ધા વિનાના સર્વે યાદવ શ્રીકૃષ્ણ ભગવાન ભેળાજ રહેતા અને જેમ રાજાની સેવાચાકરી કરે તેમ સેવાચાકરી કરતા તો પણ તેનું કોઇ નામ જાણતું નથી અને તે ભક્ત પણ કહેવાયા નથી. અને ઉદ્ધવજી જો શ્રીકૃષ્ણ ભગવાનની શ્રદ્ધા માહાત્મ્યે સહિત સેવાચાકરી કરતા તો તે પરમભાગવત કહેવાયા અને તેની શાસ્ત્રમાં તથા લોકમાં અતિશય પ્રસિદ્ધિ છે.
પછી નિર્વિકારાનંદ સ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે ”હે મહારાજ ! શ્રવણ, મનન, નિદિઘ્યાસ અને સાક્ષાત્કાર તે કોને કહેવાય ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, શ્રોત્રે કરીને વાર્તા સાંભળવી તેને શ્રવણ કહીએ. અને જે વાર્તા શ્રવણ કરી હોય તે વાર્તાનો મને કરીને વિચાર કરીને જેટલી વાર્તા ત્યાગ કર્યા યોગ્ય હોય તેટલીનો ત્યાગ કરે અને જેટલી વાર્તા ગ્રહણ કર્યા યોગ્ય હોય તેટલીનું ગ્રહણ કરે તેને મનન કહીએ, અને જે વાર્તા નિશ્વય કરીને મનને વિષે ગ્રહણ કરી હોય તેને રાત દિવસ સંભારવાનો જે અઘ્યાસ રાખવો તેને નિદિઘ્યાસ કહીએ અને તે વાર્તા જેવી હોય તેવીને તેવી જ ચિંતવન કર્યા વિના પણ સર્વે મૂર્તિમાનની પેઠે ઇદં સાંભરી આવે તેને સાક્ષાત્કાર કહીએ. અને જો એવી રીતે આત્માના સ્વરૂપનું શ્રવણાદિક કર્યુ હોય તો આત્મસ્વરૂપનો એવી રીતે સાક્ષાત્કાર થાય, અને જો ભગવાનનો એવી રીતે શ્રવણ, મનન, નિદિઘ્યાસ કર્યો હોય તો ભગવાનનો એવી રીતે સાક્ષાત્કાર થાય છે, પણ મનન ને નિદિઘ્યાસ એ બે કર્યા વિના કેવળ શ્રવણે કરીને સાક્ષાત્કાર થતો નથી. અને જો ભગવાનના સ્વરૂપનું દર્શન કરીને તેનું મનન અને નિદિઘ્યાસ તે ન કર્યો હોય તો લાખ વર્ષ સુધી દર્શન કરે તો પણ તે સ્વરૂપનો સાક્ષાત્કાર ન થાય, અને તે દર્શન તો કેવળ શ્રવણમાત્ર સરખું કહેવાય અને જેણે ભગવાનના અંગ અંગનું દર્શન કરીને પછી તે અંગ અંગનું મનન ને નિદિઘ્યાસ તે કર્યો હશે, તો તે અંગ આજે સહેજે સાંભરી આવતું હશે. અને જે અંગનું દર્શનમાત્ર જ થયું હશે તો તે અંગને સંભારતો હશે. તો પણ નહિ સાંભરતું હોય, અને કેટલાક હરિભક્ત કહે છે જે, ‘અમે મહારાજની મૂર્તિ ઘ્યાનમાં બેસીને ઘણાય સંભારીએ છીએ તોપણ એકે અંગ ધાર્યામાં નથી આવતું તો સમગ્ર મૂર્તિ તો કયાંથી આવે ?” તેનું પણ એજ કારણ છે જે ભગવાનની મૂર્તિનાં દર્શનમાત્ર જ કરે છે પણ મનન ને નિદિઘ્યાસ નથી કરતો. માટે કેમ ધાર્યામાં આવે ?કાં જે જે માયિક પદાર્થ છે તે પણ કેવળ દ્રષ્ટિ માત્ર દેખ્યું હોય ને કેવળ શ્રવણમાત્ર સાંભળ્યું હોય અને તેને જો મનમાં સંભારી ન રાખ્યું હોય તો તે વીસરી જાય છે, તો જે, અમાયિક ને દિવ્ય એવું જે ભગવાનનું સ્વરૂપ તે તો મનન ને નિદિઘ્યાસ કર્યા વિના કયાંથી સાંભરે ? માટે ભગવાનનું દર્શન કરીને તથા વાર્તા સાંભળીને જો તેનું મનન ને નિદિઘ્યાસ નિરંતર કર્યા કરે તો તેનો સાક્ષાત્કાર થાય, નહિતો આખી ઉમર દર્શન શ્રવણ કરે તો પણ સાક્ષાત્કાર થાય નહિ. ઇતિ વચનામૃતમ્ સારંગપુરનું ||૩|| ૮૧ ||