કારીયાણી ૧ : ઈયળ-ભમરીનું
સંવત્ ૧૮૭૭ ના ભાદરવા સુદિ ૧૨ દ્વાદશીને દિવસ ગામ શ્રી કારીયાણી મઘ્યે વસ્તાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ સુરતના હરિભક્ત જાદવજી છપરપલંગ લાવ્યા હતા તે ઢાળ્યો હતો ને તે પલંગ ઉપર રેશમનું ગાદલું ધોળા ઓછાડે સહિત બિછાવ્યું હતું ને તેની ઉપર ધોળો તકીયો તથા લાલ મશરૂનાં ઢીંચણીયાં મુકયાં હતાં અને તે પલંગની ઉપર ચારેકોર સોનેરી કસબના સેજબંધ લટકતા હતા, એવી શોભાએ યુક્ત જે તે પલંગ તેની ઉપર શ્રીજીમહારાજ ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા અને સોનેરી છેડાનો ધોળો ફેંટો મસ્તકે બાંઘ્યો હતો, અને સોનેરી છેડાનું શેલું ઓઢયું હતું, ને કાળા છેડાનો ધોળો ખેસ પહેર્યો હતો, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. અને શ્રીજીમહારાજના મુખારવિંદરૂપ ચંદ્રમા સામા ચકોરની પેઠે સર્વે ભક્તજન જોઇ રહ્યા હતા.
પછી શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે, ”માંહો માંહી પ્રશ્ર્ન ઉત્તર કરો.” ત્યારે ભૂધરાનંદ સ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે, ”ભગવાનનો નિશ્વય થાય છે તે અંત:કરણમાં થાય છે કે જીવમાં થાય છે ?” ત્યારે તેનો ઉત્તર શિવાનંદસ્વામીએ કરવા માંડયો પણ થયો નહિ. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, ”આ જીવ છે તે બુદ્ધિએ કરીને જાણે છે અને તે બુદ્ધિ છે તે સર્વનું કારણ છે ને સર્વથી મોટી છે. માટે તે બુદ્ધિ મનને વિષે રહી છે, ચિત્તને વિષે રહી છે, અહંકારને વિષે રહી છે, શ્રોત્રને વિષે રહી છે, ચક્ષુને વિષે રહી છે, ઘ્રાણને વિષે રહી છે, જિહ્વાને વિષે રહી છે, વાણીને વિષે રહી છે, ત્વચાને વિષે રહી છે, હાથને વિષે રહી છે, પગને વિષે રહી છે, શિશ્નને વિષે રહી છે, ગુદાને વિષે રહી છે, એવી રીતે બુદ્ધિ છે તે નખશિખા પર્યંત આ શરીરને વિષે વ્યાપીને રહી છે. અને તે બુદ્ધિને વિષે જીવ રહ્યો છે પણ તે જીવ જણાતો નથી અને એકલી બુદ્ધિ જણાય છે. ત્યાં દૃષ્ટાંત છે જેમ અગ્નિની જ્વાળા ધટે છે વધે છે તે વાયુએ કરીને વધે છે ને ધટે છે અને તે અગ્નિની જ્વાળા વધતી ધટતી જણાય છે પણ વાયુ જણાતો નથી. અને જેમ અગ્નિ લઇને છાણામાં મુકીએ ને તે છાણામાં સળગવા માંડે તેને લઇને જ્યાં વાયુ ન હોય ત્યાં મુકીએ તે ધુમાડો ઉચો ચડવા માંડે તે ધુમાડો જ ઉચો ચડતો જણાય પણ તેમાં વાયુ જણાતો નથી, અને જેમ આકાશને વિષે વાદળાં ચાલે છે તે વાયુએ કરીને ચાલે છે તે વાદળાં ચાલતાં જણાય છે, પણ તેમાં રહ્યો એવો જે વાયુ તે જણાતો નથી. તેમ જ્વાળા, ધુમાડો ને વાદળાં તેને ઠેકાણે બુદ્ધિ જાણવી અને વાયુને ઠેકાણે જીવ જાણવો. તે જીવ કેવો છે તો બુદ્ધિએ કર્યો જે નિશ્વય તેને જાણે છે, અને તે બુદ્ધિમાં નિશ્વયની વિગતીનો કરનારો જે બ્રહ્મા તેને પણ જાણે છે, અને મનના સંકલ્પને જાણે છે, અને તે મનના સંકલ્પની વિગતીનો કરનારો જે ચંદ્રમા તેને પણ જાણે છે, અને ચિત્તના ચિંતવનને જાણે છે, અને તે ચિત્તના ચિંતવનની વિગતી કરનારા જે વાસુદેવ તેને પણ જાણે છે, અને અહંકારની અહંમતિને જાણે છે, અને તે અહંમતિની વિગતીના કરનારા જે રૂદ્ર તેને પણ જાણે છે, એવી રીતે જે ચાર અંત:કરણ અને દશ ઇંદ્રિયો તેના જે વિષય ને તે વિષયની વિગતીના કરનારા જે દેવતા એ સર્વેને એક કાળાવછિન્ન જાણે છે, એવો જે જીવ તે જીવ જે તે એકદેશસ્થ જણાય છે અને બરછીની અણી જેવો તીખો જણાય છે અને અતિશે સૂક્ષ્મ જણાય છે તે બુદ્ધિએ સહિત છે માટે એવો સૂક્ષ્મ જણાય છે પણ જ્યારે એ જીવને દેહ, ઇંદ્રિયો, અંત:કરણ, દેવતા અને વિષય તેના પ્રકાશપણે જાણીએ ત્યારે તો જીવ બહુ મોટો જણાય છે અને વ્યાપક જણાય છે તે બુદ્ધિએ રહિત છે અને અનુમાને કરીને જણાય છે પણ સાક્ષાત્કાર નથી જણાતો, ત્યાં દૃષ્ટાંત છે જેમ કોઇક દશમણની તલવાર હોય તેને જોઇને માણસ અનુમાન કરે જે, ‘એ તલવારનો ઉપાડનારો બહુ મોટો હશે,’ તેમ એ સર્વે દેહ, ઇંદ્રિયાદિકને એકકાળે પ્રકાશે છે માટે એ જીવ બહુ મોટો છે એવી રીતે અનુમાને કરીને જણાય છે, એવી રીતે શ્રીજીમહારાજે ઉત્તર કર્યો.
ત્યારે નિત્યાનંદસ્વામીએ પુછયું જે, ”હે મહારાજ ! એમાં તે શું ઉત્તર થયો ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ”એમાં તો એ ઉત્તર થયો જે, જ્યારે બુદ્ધિમાં નિશ્વય થયો ત્યારે જીવમાં પણ નિશ્વય થઇ ગયો એમ જાણવું. તે કેવી રીતે થાય છે તો પ્રથમ ઇંદ્રિયોમાં નિશ્વય થાય છે, પછી અહંકારમાં નિશ્વય થાય છે, પછી ચિત્તમાં નિશ્વય થાય છે, પછી મનમાં નિશ્વય થાય છે, પછી બુદ્ધિમાં નિશ્વય થાય છે, પછી જીવમાં નિશ્વય થાય છે.” એમ શ્રીજી મહારાજે કહ્યું.
ત્યારે નિત્યાનંદસ્વામીએ વળી પુછયું જે, ”હે મહારાજ ! ઇંદ્રિયોમાં નિશ્વય હોય તે કેમ જણાય ને અંત:કરણમાં નિશ્વય હોય તે કેમ જણાય ને જીવમાં નિશ્વય હોય તે કેમ જણાય ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ”ઇંદ્રિયોમાં નિશ્વય તે એમ જણવો જે, આ જગતને વિષે જે જે પદાર્થ છે તે દીઠામાં, સાંભળ્યામાં, સુંઘ્યામાં, અડયામાં આવે છે તેમાં કેટલાંક શુભ છે ને કેટલાંક અશુભ છે. અને કેટલાંક સુખરૂપ છે. અને કેટલાંક દુ:ખરૂપ છે. અને કેટલાંક પ્રિય છે. અને કેટલાંક અપ્રિય છે. અને કેટલાંક યોગ્ય છે. અને કેટલાંક ૯અયોગ્ય છે, એ સર્વે ભગવાનમાં જણાય તેણે કરીને કોઇ સંશય ન થાય તો એને ઇંદ્રિયોમાં નિશ્વય જાણવો. અને સત્ત્વ, રજ અને તમ એ ત્રણ ગુણનાં જે કાર્ય છે તેમાં આળસ નિદ્રાદિક તમોગુણનું કાર્ય છે અને કામ ક્રોધાદિક રજોગુણનું કાર્ય છે અને શમદમાદિક સત્ત્વગુણનું કાર્ય છે. એ સર્વે ભગવાનમાં દેખાય પણ તેમાં કોઇ સંશય ન થાય તો એને અંત:કરણમાં ભગવાનનો નિશ્વય જાણવો. અને જેમ ઋષભદેવ ભગવાન નિર્વિકલ્પ સમાધિએ કરીને ઉન્મત્ત થકા વિચયર્ા ને મુખમાં પાણો રાખ્યો ને પોતાનો દેહ દાવાનળમાં બળી ગયો તોય ખબર ન રહી. એવી રીતે જે ગુણાતીત સ્થ્િાતિ તે ભગવાનમાં જણાય તેમાં કોઇ સંશય ન થાય તો એને જીવને વિષે નિશ્વય થયો જાણવો. ત્યાં દૃષ્ટાંત છે- જેમ સમુદ્રમાં વહાણ ચાલે છે તેમાં જે લોઢાનાં નાંગળ હોય તેને સમુદ્રમાં નાખે તે જો ધરતી લગણ ન પુગ્યો હોય ને તેને જો તરત તાણી લે તો ઝાઝી મહેનત ન પડે ને તરત નીસરી આવે અને તેને ધરતી લગણ જવા દઇને તાણે તો ઘણી મહેનતે નીસરે અને જો ધીરે ધીરે જવા દે ને ધરતીમાં ખુંતે ને ભરાઇ જાય તો તે પાછો તાણ્યો તણાય નહિ, ને નીસરે પણ નહિ, એમ જેને જીવને વિષે નિશ્વય થાય તો તેનો નિશ્વય કોઇ પ્રકારે તાણ્યો તણાય નહિ.” એવી રીતે શ્રીજીમહારાજે વાર્તા ઘણીક કરી પણ આતો દિશમાત્ર લખી છે.
પછી ચૈતન્યાનંદસ્વામીએ પુછયું જે, ”હે મહારાજ ! ભગવાન તો મન વાણી થકી પર છે અને ગુણાતીત છે, તેને માયિક એવાં જે ઇંદ્રિયો ને અંત:કરણ તે કેમ પામે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ”આ દેહ ઇંદ્રિયો ને અંત:કરણ તેને જાણનારો જે જીવ તે જ્યારે સુષુપ્તિમાં લીન થાય છે. ત્યારે એનાં ઇંદ્રિયો, અંત:કરણ પણ સુષુપ્તિમાં લીન થાય છે ત્યારે તે સમયમાં એ જીવને ભગવાન પ્રકાશે છે. અને જ્યારે સુષુપ્તિમાંથી સ્વપ્નમાં આવે છે ત્યારે તે સ્વપ્ન સંબંધી જે સ્થાન, ભોગ, વિષય અને જીવ એ સર્વેને ભગવાન ૧પ્રકાશે છે, અને જાગ્રતમાં પણ ભગવાન પ્રકાશે છે. એવી રીતે રૂપપણે ને અરૂપપણે કરીને રહ્યો જે જીવ તેને ભગવાન પ્રકાશે છે, અને પ્રધાનમાંથી મહતત્ત્વ થયું, અને મહતત્ત્વમાંથી ત્રણ પ્રકારનો અહંકાર થયો, ને તે અહંકારમાંથી ઇંદ્રિયો, દેવતા, પંચભૂત, પંચમાત્રા એ સર્વે થયાં, તેમને પણ જે ભગવાને પ્રકાશ્યાં છે અને એ સર્વે તત્ત્વે મળીને રચ્યો એવો જે વિરાટ તેને પણ ભગવાન પ્રકાશે છે, અને એ સર્વે જ્યારે માયામાં લીન થાય છે ત્યારે તે માયાને પણ ભગવાન પ્રકાશે છે, એવી રીતે જીવ અને ઇશ્વર એ બેય જ્યારે રૂપ પણે થાય છે ત્યારે જે ભગવાન પ્રકાશે છે, અને જ્યારે એ જીવ ને ઇશ્વર બેય નામરૂપ રહિત થકા સુષુપ્તિમાં ને પ્રધાનમાં રહે છે ત્યારે પણ જે ભગવાન પ્રકાશે છે અને જે કાળ તે એ માયાદિક તત્ત્વને નામરૂપપણાને પમાડે છે ને અરૂપ પણાને પમાડે છે, એવો જે કાળ તે કાળને પણ જે ભગવાન પ્રકાશે છે એવા જે ભગવાન તે જે તે ઇંદ્રિયો અંત:કરણે કરીને કેમ જાણ્યામાં આવે ? એ તમારો પ્રશ્ર્ન છે કે નહિ ?” ત્યારે સૌએ કહ્યું જે, ”હે મહારાજ ! એજ પ્રશ્ર્ન છે.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ”એનો એમ ઉત્તર છે જે, એવા જે ભગવાન તેને આ જગતની ઉત્પત્તિ અને સ્થ્િાતિનું કરવું છે તે કાંઇ પોતાને અર્થે નથી, કાંજે શ્રીમદ્ભાગવતમાં કહ્યું છે જે :-
‘બુદ્ધિન્દ્રિયમન: પ્રાણાન્ જનાનામસૃજત્પ્રભુ: | માત્રાર્થં ચ ભવાર્થં ચ હ્યાત્મનેડકલ્પનાય ચ ||’
એ શ્લોકમાં એમ કહ્યું છે જે, ‘સર્વે જનનાં બુદ્ધિ, ઇન્દ્રિયો, મન અને પ્રાણ તેને ભગવાન જે તે સૃજતા હવા, તે જીવને વિષય ભોગને અર્થે તથા જન્મને અર્થે તથા લોકાંતરમાં જવાને અર્થે તથા મોક્ષને અર્થે સૃજ્યાં છે,’ માટે આ જગતની ઉત્પત્તિ કરે છે તે પણ જીવના કલ્યાણને અર્થે કરે છે, અને સ્થ્િાતિ કરે છે તે પણ જીવના કલ્યાણને અર્થે કરે છે અને પ્રલય કરે છે તે પણ જીવને અર્થે કરે છે, કાં જે નાનાપ્રકારની સંસૃતિએ કરીને થાકયા જે જીવ તેના વિશ્રામને અર્થે પ્રલય કરે છે. એવી રીતે સર્વે પ્રકારે જીવના હીતને અર્થે પ્રવર્ત્યા એવા જે ભગવાન તે જે તે જ્યારે કૃપા કરીને મનુષ્ય સરખા થાય છે ત્યારે જે જીવ તે ભગવાનના સંતનો સમાગમ કરે છે તે જીવના જાણ્યામાં કેમ ન આવે ? એતો આવે જ” એમ શ્રીજી મહારાજે કહ્યું.
ત્યારે ભજનાનંદસ્વામીએ પુછયું જે, ”હે મહારાજ ! આ શ્રુતિમાં એમ કેમ કહ્યું છે જે, ‘યતો વાચો નિવર્તન્તે અપ્રાપય મનસા સહ’ ત્યારે શ્રીજીમહારાજ પ્રસન્ન થકા બોલ્યા જે, ”એનું એમ છે જે, જેમ પૃથ્વી આકાશમાં રહી છે પણ આકાશના ભાવને નથી પામતી અને જળ આકાશને વિષે રહ્યું છે પણ આકાશના ભાવને નથી પામતું, અને તેજ આકાશને વિષે રહ્યું છે પણ આકાશના ભાવને નથી પામતું, અને વાયુ આકાશને વિષે રહ્યો છે પણ આકાશના ભાવને નથી પામતો, એમ મન વાણી ભગવાનને નથી પામતાં.”
ત્યારે નિત્યાનંદ સ્વામીએ પુછયું જે, ”હે મહારાજ ! શ્રુતિ સ્મૃતિમાં એમ કહ્યું છે જે, ‘નિરંજન: પરમં સામ્યમુપૈતિ’ ‘બહવો જ્ઞાન તપસા પૂતા મદભાવમાગતા: |’ ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, ‘એતો અમે અભક્તનાં મન ઇંદ્રિયોને કહ્યું છે પણ ભક્તનાં મન ઇંદ્રિયો તો ભગવાનને સાક્ષાત્કારપણે પામે છે, જેમ આકાશને વિષે રહી છે જે પૃથ્વી તે પ્રલયકાળને સમે આકાશરૂપ થઇ જાય છે, અને જળ પણ આકાશરૂપ થઇ જાય છે, અને તેજ પણ આકાશરૂપ થઇ જાય છે, અને વાયુ પણ આકાશરૂપ થઇ જાય છે. એમ જે ભગવાનના ભક્ત હોય તેનાં જે દેહ, ઇંદ્રિયો, અંત:કરણ અને પ્રાણ તે સર્વે ભગવાનને જ્ઞાને કરીને ભગવાનને આકારે થઇ જાય છે ને દિવ્ય થઇ જાય છે, કાં જે ભગવાન પોતે દિવ્ય મૂર્તિ છે તેનાં ઇંદ્રિયો અંત:કરણ દેહ તેને આકારે એ ભક્તનાં દેહ ઇંદ્રિયો અંત:કરણ થાય છે માટે દિવ્ય થઇ જાય છે. ત્યાં દૃષ્ટાંત છે જેમ ભમરી ઇયળને ઝાલી લાવે છે ને તેને ચટકો લઇને ઉપર ગુંજારવ કરે છે તેણે કરીને તે ઇયળ તેને તે દેહે કરીને તદાકાર થઇ જાય છે, પણ કોઇ અંગ ઇયળનું રહેતું નથી ભમરી જેવી જ ભમરી થઇ જાય છે તેમ ભગવાનનો ભક્તપણ એને એ દેહે કરીને ભગવાનને આકારે થઇ જાય છે. અને આ જે અમે વાર્તા કહી તેનું હાર્દ એ છે જે, આત્મજ્ઞાને સહિત જે ભકિત-નિષ્ઠાવાળો છે તથા કેવળ ભકિતનિષ્ઠાવાળો છે તે બેયની એ ગતી કહી છે પણ કેવળ આત્મનિષ્ઠાવાળો જે કૈવલ્યાર્થી તેના દેહ, ઇંદ્રિયો અને અંત:કરણ તેનું ભગવાનની મૂર્તિને તદાકારપણું નથી થતું એતો કેવળ બ્રહ્મસત્તાને પામે છે.” એમ વાર્તા કરીને બોલ્યા જે, ‘હવે એટલી વાર્તા રાખો અને સભા સર્વે શૂન્ય થઇ ગઇ છે માટે કોઇક સારાં સારાં કીર્તન બોલો.’ એમ કહીને પોતે ઘ્યાન કરવા માંડયા ને સંત કીર્તન ગાવા લાગ્યા. ઇતિ વચનામૃતમ્ કારીયાણીનું ||૧|| ||૯૭||