કારીયાણી ૭ : ચટકીના વૈરાગ્યનું – આત્યંતિક કલ્યાણનું
સંવત્ ૧૮૭૭ ના કાર્તિક સુદિ ૧ પડવાને દિવસ રાત્રિને સમે ગામ શ્રીકારીયાણી મઘ્યે વસ્તાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની આગળ દીપમાળા પુરી હતી અને તે દીપમાળા મઘ્યે મંચ હતો ને તે ઉપર પલંગ બિછાવ્યો હતો ને તે પલંગ ઉપર શ્રીજી મહારાજ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કયાર્ં હતાં અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.
પછી ગામ બોચાસણવાળા કાશીદાસે શ્રીજી મહારાજને પ્રશ્ર્ન પુછયો જે, “હે મહારાજ ! ત્યાગી હોય તે તો નિવૃત્તિમાર્ગને અનુસર્યા છે, તે અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે છે. અને જે ગૃહસ્થાશ્રમી છે તે તો પ્રવૃત્તિમાર્ગને અનુસર્યા છે માટે તેને તો સંસારની અનંત વિટમણા વળગી છે માટે તે ગૃહસ્થાશ્રમી કેમ સમજે તો ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહે ?” પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, ગૃહસ્થને તો એમ સમજવું જે, “જેમ પૂર્વે ચોરાસી લાખ જાતનાં મારે માબાપ તથા સ્ત્રી છોકરાં થયાં હતાં તેવાં ને તેવાં જ આ દેહનાં પણ છે; ને કેટલાક જન્મની મા, બોન, દીકરીઓ તે કેટલીક રઝળતી હશે તેની જેમ મારે મમતા નથી તેમ આ દેહના સંબંધી તેની પણ મારે મમતા ન રાખવી.’ એવી રીતે વિચાર કરીને સર્વમાંથી પ્રીતિ તોડીને ભગવાનને વિષે દૃઢ પ્રીતિ કરે ને સાધુનો સમાગમ રાખે, તો ગૃહસ્થની પણ ત્યાગીની પેઠે અખંડ ભગવાનમાં વૃત્તિ રહે,”
પછી એવી રીતે શ્રીજી મહારાજની વાત સાંભળીને જે ગૃહસ્થ સર્વે સભામાં બેઠા હતા તેમણે હાથ જોડીને પુછયું જે,”હે મહારાજ ! જે ગૃહસ્થને એવી રીતે ન વર્તાય તેના શા હાલ થશે ?” પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, “એ તો જે ભગવાન વિના અન્ય પદાર્થમાંથી વાસના માત્રને ટાળીને ભગવાનમાં અખંડ વૃત્તિ રાખે તેની વાત કહી છે. અને જે એવો બળીયો ન હોય તેને તો સત્સંગની ધર્મમર્યાદામાં રહેવું અને સંત ને ભગવાન તેનો જે પોતાને આશરો છે તેનું બળ રાખવું જે, “ભગવાન તો અધમ ઉદ્ધારણ ને પતિતપાવન છે તે મને સાક્ષાત્ મળ્યા છે.” પછી એવાં શ્રીજી મહારાજનાં વચન સાંભળીને સર્વે હરિજન અતિશે રાજી થયા.
પછી શ્રીજી મહારાજે સંતને પ્રશ્ર્ન પુછયો જે,”વૈરાગ્ય ઉદય થયાનું શું કારણ છે ?” પછી જેને જેવો ભાસ્યો તેવો ઉત્તર કર્યો પણ શ્રીજી મહારાજના પ્રશ્ર્નનું સમાધાન થયું નહિ. પછી સર્વે મુનિ બોલ્યા જે, “હે મહારાજ ! એનો ઉત્તર તમે કરો.” પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, “વૈરાગ્યનું કારણ તો એ છે જે સદ્ગ્રંથ ને સત્પુરૂષનાં વચન તેને સાંભળીને જેને ચટકી લાગે અને ચટકી લાગે તે પાછી મટે જ નહિ, એવી જે ચટકી તે જ વૈરાગ્યનો હેતુ છે, બીજો વૈરાગ્યનો હેતુ નથી. અને જેને ચટકી લાગતી હોય ને તે તામસી હોય તથા રાજસી હોય તથા સાત્ત્વિકી હોય તે સર્વેને વૈરાગ્ય ઉપજે, અને જેને ચટકી લાગતી ન હોય તેને વૈરાગ્ય ન ઉપજે, અને જેને ચટકી લાગીને થોડા દિવસ કેડે ટળી જતી હોય તેને તો એ ચટકીનો વૈરાગ્ય અતિશે ખુવાર કરે કેમ જે જ્યારે ચટકી લાગે ત્યારે ઘર મુકીને જતો રહે, પછી ભેખ લીધા કેડે જે ચટકી લાગી હોય તે ઉતરી જાય અને પછવાડે ઘર તો ધુડધાણી થઇ ગયું હોય, પછી જેમ ધોબીનો કુતરો વાટનો નહિ અને ઘાટનો નહિ, તેમ તે પુરૂષ ઉભયભ્રષ્ટ થાય છે અને જે દૃઢ વૈરાગ્યવાળા હોય છે તે પરમપદને પામે છે.”
પછી શ્રીજી મહારાજ અતિ પ્રસન્ન થકા બીજો પ્રશ્ર્ન પરમહંસ પ્રત્યે પુછતા હવા જે, “આત્યંતિક કલ્યાણ તે કેને કહીએ ? અને આત્યંતિક કલ્યાણને પામીને જે સિદ્ધદશાને પામ્યો હોય તે પુરૂષની સર્વે ક્રિયાને વિષે કેવી દશા વર્તતી હોય ?” પછી જેને જેવો ભાશ્યો તેવો સર્વે મુનિએ ઉત્તર કર્યો પણ શ્રીજી મહારાજના પ્રશ્ર્નનું સમાધાન થયું નહિ. પછી સર્વે મુનિ હાથ જોડીને શ્રીજી મહારાજ પ્રત્યે બોલ્યા જે, “હે મહારાજ ! એનો ઉત્તર તમે કરો.” પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, ” જ્યારે બ્રહ્માંડનો પ્રલય થાય છે ત્યારે પ્રકૃતિનાં કાર્ય જે ચોવીશ તત્ત્વ તે સર્વે પ્રકૃતિને વિષે લીન થઇ જાય છે, અને તે પ્રકૃતિપુરૂષ પણ અક્ષરબ્રહ્મના તેજમાં અદૃશ્ય થઇ જાયછે. અને પછી એકલું સચ્ચિદાનંદ (ચિદૃધન) જે તેજ તે રહે છે, અને તે તેજને વિષે દિવ્ય મૂર્તિ એવા જે પુરૂષોત્તમ ભગવાન વાસુદેવ તે અખંડ વિરાજમાન રહે છે, અને તે જ પોતે દિવ્ય મૂર્તિ થકા જીવના કલ્યાણને અર્થે મનુષ્યાકૃતિએ કરીને પૃથ્વીને વિષે સર્વે જનને નયન ગોચર થકા વિચરે છે, ત્યારે જે જગતમાં અણસમઝુ મૂર્ખ જીવ છે તે તે ભગવાનને માયિક ગુણે યુક્ત કહે છે, પણ એ માયિકગુણે યુક્ત નથી, એતો સદા ગુણાતીત દિવ્યમૂર્તિ જ છે. અને તેનું તે જે ભગવાનનું સાકાર દિવ્ય સ્વરૂપ તેને જે વેદાંતશાસ્ત્ર છે તે નિર્ગુણ, અછેદ્ય, અભેદ્ય, સર્વત્ર વ્યાપક એવી રીતે કરીને પ્રતિપાદન કરે છે, તે જીવની બુદ્ધિમાંથી માયિક ભાવ ટાળવાને અર્થે નિર્ગુણપણે કરીને પ્રતિપાદન કરેછે. અને એ ભગવાન તો ઉત્પત્તિ, સ્થ્િાતિ અને પ્રલય એ સર્વે કાળને વિષે એકરૂપે કરીને જ વિરાજમાન છે પણ માયિક પદાર્થની પેઠે વિકારને પામતા નથી, સદા દિવ્યરૂપે કરીને વિરાજમાન રહે છે. એવી રીતે પ્રત્યક્ષ પુરૂષોત્તમને વિષે જે દ્રઢ નિષ્ઠા તેને આત્યંતિક કલ્યાણ કહીએ. અને એવી નિષ્ઠાને પામીને જે સિદ્ધદશાને પામ્યો હોય તેની આવી દશા હોય જે ‘પિંડ બ્રહ્માંડનો તથા પ્રકૃતિપુરૂષનો પ્રલય થયા પછી અક્ષરધામને વિષે જે ભગવાનની મૂર્તિ અખંડ વિરાજમાન રહે છે. તે મૂર્તિને સ્થાવર જંગમ સર્વે આકારને વિષે જ્યાં જ્યાં દૃષ્ટિ જાય ત્યાં ત્યાં સાક્ષાત્કાર દેખે અને એ મૂર્તિ વિના બીજું અણું માત્ર પણ ભાસે નહિ.’ એ સિદ્ધદશાનું લક્ષણ છે.” ઇતિ વચનામૃતમ્ કારીયાણીનું ||૭|| ૧૦૩||