કારીયાણી ૧૦ : નાડી જોયાનું -તપનું
સંવત્ ૧૮૭૭ ના કાર્તિક સુદિ ૧૦ દશમીને દિવસ રાત્રિને સમે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રીકારિયાણી મઘ્યે વસ્તાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાને વિષે વિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ દશ-બાર મોટેરા સાધુ બેઠા હતા તથા પાંચ-છો હરિભક્ત બેઠા હતા. અને શ્રીજીમહારાજના શરીરમાં કાંઇક તાવ જેવું જણાતું હતું અને આગળ સગડી મેલીને તાપતા હતા. પછી શ્રીજીમહારાજે મુકતાનંદ સ્વામીને કહ્યું જે, ”અમારી નાડી જુવો, શરીરમાં કાંઇક કસર જણાય છે.” પછી મુકતાનંદ સ્વામીએ નાડી જોઇને કહ્યું જે, ”હે મહારાજ ! કસર તો બહુ છે.” અને વળી એમ કહ્યું જે, ”હે મહારાજ ! હમણાં સત્સંગીને કઠણ કાળ વર્તે છે, કેમ જે, હે મહારાજ ! તમે તો સર્વે સત્સંગીના જીવનપ્રાણ છો, તે મહારાજને શરીરે કસર જેવું છે એજ સર્વે સત્સંગીને કઠણ કાળ છે.”
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ”ભગવાનને પ્રસન્ન કરવાને અર્થે નારદજીએ કેટલાક યુગ પર્યંત ટાઢ-તડકાને તથા ભૂખ-તરસને સહન કરીને મહા તપ કર્યું અને તે તપે કરીને ભગવાનને રાજી કર્યા. એવી રીતે જે વિવેકી હોય તે તો જાણીને પોતાનાં દેહ-ઇંદ્રિયોને દમીને તપ કરે છે. માટે જે વિવેકી સાધુ હોય તેને તો જાણીને દેહ-ઇંદ્રિયોને કષ્ટ થાય એમ વર્ત્યું જોઇએ તો ઇશ્વર ઇચ્છાએ જે કાંઇ કષ્ટ આવે તેને શીદ ટાળવાને ઇચ્છે ? અને વળી ત્યાગી સાધુને તો પોતાના મનમાં એમ દૃઢ રૂચિ રાખી જોઇએ જે, ‘મારે તો દેવલોક, બ્રહ્મલોક અને વૈકુંઠાદિક લોકના જે પંચવિષય સંબંધી ભોગ સુખ તે નથી જોઇતાં, અને મારે તો હમણાં દેહ છતે તથા દેહનો ત્યાગ કરીને બદ્રિકાશ્રમ તથા શ્વેતદ્વીપમાં જઇને ને તપ કરીને ભગવાનને રાજી કરવા છે, તે એક જન્મ તથા બે જન્મ તથા સહસ્ર જન્મ સુધી પણ તપ કરીને ભગવાનને રાજી કરવા છે.’ અને જીવનું કલ્યાણ તો આટલી જ વાતમાં છે જે, ‘પ્રગટ પ્રમાણ એવા જે શ્રીકૃષ્ણ નારાયણ તેનું જ કર્યું સર્વે થાય છે પણ કાળ, કર્મ ને માયાદિક કોઇનું કર્યું થતું નથી.’ એવી રીતે ભગવાનને વિષે એક કર્તાપણું સમજવું એજ કલ્યાણનું પરમ કારણ છે. અને જે તપ કરવું તેતો ભગવાનની પ્રસન્નતાનું કારણ છે. અને તે તપને વિષે પણ જેવો રાધિકાજી તથા લક્ષ્મીજી ભગવાનને વિષે પ્રેમલક્ષણા ભકિતએ કરીને ભાવ રાખે છે તેવો ભાવ રાખવો. અને જો તપ ન કરે ને ભગવાનને સર્વ કર્તા જાણે તોય પણ જન્મમરણના દુ:ખથી તો જીવ તરી જાય, પણ તપ કર્યા વિના તે જીવ ઉપર ભગવાનનો રાજીપો થાય નહિ. અને જે જીવ ભગવાનને સર્વ કર્તા હર્તા નથી જાણતો તો તેથી બીજો કોઇ પાપી નથી. અને ગૌહત્યા, બ્રહ્મહત્યા, ગુરૂસ્ત્રીનો સંગ તથા બ્રહ્મવેત્તા સદ્રુરૂનો દ્રોહ. તે થકી પણ એને વધુ પાપી જાણવો, કાં જે ભગવાન વિના બીજા જે કાળકર્માદિક તેને એ કર્તા જાણે છે, માટે એવો જે નાસ્તિક ચંડાળ હોય તેની તો છાયામાં પણ ઉભું રહેવું નહી ને ભુલમાં પણ તેના મુખનું વચન સાંભળવું નહિ. અને જે ભગવાનના ભક્ત હોય તે ભગવાનને પ્રતાપે કરીને બ્રહ્મા, શિવ, શુકજી, નારદ તે જેવા પણ થાય, અને પ્રકૃતિપુરૂષ જેવા પણ થાય અને બ્રહ્મ તથા અક્ષર જેવા પણ થાય, તો પણ પુરૂષોત્તમ નારાયણ જેવો થવાને તો કોઇ સમર્થ નથી. માટે જેનો સંગ કર્યા થકી તથા જે શાસ્ત્ર સાંભળવા થકી ભગવાનની ઉપાસનાનું ખંડન થઇને સ્વામી સેવક ભાવ ટળી જતો હોય તો તે સંગનો તથા તે શાસ્ત્રનો શ્વપચની પેઠે તત્કાળ ત્યાગ કરવો.”
પછી મુકતાનંદ સ્વામીએ પુછયું જે, ”હે મહારાજ ! જે ભક્ત સુંદર વસ્ત્ર તથા અલંકાર તથા નાના પ્રકારનાં ભોજનાદિક વસ્તુ તેણે કરીને ભગવાનની સેવા કરે છે તે પણ ભગવાનને રાજી કરવાને ઇચ્છે છે અને તમે તો તપે કરીને જ ભગવાન રાજી થાય એમ કહો છો, તે તપ વિના એવી સેવાએ કરીને રાજી કરે તેમાં શો બાધ છે ?” પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, ”જે સારાં સારાં પદાર્થે કરીને ભગવાનની ભકિત કરે છે તે જો નિષ્કામભાવે કરીને કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે જ કરતો હોય તો તો ઠીક છે, પણ જો પોતે પણ ભગવાનની પ્રસાદી જાણીને તે પદાર્થને વિષે લોભાઇને ને ભગવાનને પડયા મેલીને તે પદાર્થને વિષે પ્રીતિ કરે તો તે પદાર્થને ભોગવતો થકો વિષયી થઇને ભ્રષ્ટ થઇ જાય છે. માટે જે ત્યાગી ભક્ત હોય તેને તો ભગવાનને સર્વે કર્તા જાણીને તપે કરીનેજ ભગવાનને રાજી કરવા અને રાધિકાજી તથા લક્ષ્મીજી તેની પેઠે ભગવાનને પ્રેમલક્ષણા ભકિતએ કરીને ભજવા એ અમારો સિદ્ધાંત છે.”
પછી બ્રહ્માનંદ સ્વામીએ પુછયું જે, ”હે મહારાજ ! અમારૂં આ લોકને વિષે તથા પરલોકને વિષે સારૂં થાય તે કહો ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ” આ જે અમારો સિદ્ધાંત છે તેજ આલોક ને પરલોકને વિષે પરમ સુખનો હેતુ છે.”
પછી ગોપાળાનંદ સ્વામીએ પુછયું જે, ”હે મહારાજ ! ત્યાગનો ને તપ કરવાનો મનમાં ઇશક તો હોય અને ત્યાગ કે તપ કરતાં વચમાં કોઇક વિઘ્ન આવી પડે તો તેનું કેમ કરવું ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ”જેને જે વાતનો ઇશક હોય ને તે વચ્ચમાં હજારો અંતરાય આવે તો પણ તે અંતરાયનો રોકયો રોકાય નહિ ત્યારે તેનો સાચો ઇશક જાણવો. જુવોને અમે એકવીશ વર્ષ થયાં શ્રીરામાનંદ સ્વામી પાસે આવ્યા છીએ, તેમાં અનંત ભાતનાં વસ્ત્ર તથા અલંકાર તથા ખાનપાનાદિક તેણે કરીને સેવાના કરનારા અનંત ભક્ત મળ્યા છે, પણ અમારૂં મન કોઇ પદાર્થમાં લોભાણું નથી, શા માટે જે અમારે ત્યાગનો ઇશક છે. અને આ સંસારને વિષે કેટલીક સ્ત્રીયું છે તે ધણી મરી ગયો હોય તો તેને વાંસે છાતી કુટી કુટીને રોયાજ કરેછે, અને કેટલીક બાઇઓ છે તે પોતાના પરણ્યા ધણીનો પણ ત્યાગ કરીને ભગવાનનું ભજન કરે છે. અને કેટલાક મૂર્ખ પુરૂષ હોય છે તે પોતાની સ્ત્રી મરી ગઇ હોય તો તેને વાંસે રોયા કરે છે અને બીજી સ્ત્રીને વાસ્તે હાયવોય કરતા ફરે છે, અને કેટલાક વૈરાગ્યવાન પુરૂષ હોય તે ઘરમાં પરણેલી સ્ત્રી હોય તેનો ત્યાગ કરીને પરમેશ્વરનું ભજન કરે છે. એવી રીતે સૌ સૌના ઇશક જુદી જુદી જાતના છે. અને અમારો તો એજ ઇશક છે ને એજ સિદ્ધાંત છે જે, ”તપે કરીને ભગવાનને રાજી કરવા ને ભગવાનને સર્વના કર્તાહર્તા જાણીને અને સ્વામી સેવકને ભાવે કરીને તે ભગવાનની ભકિત કરવી અને કોઇ રીતે તે ભગવાનની ઉપાસના ખંડન થવા દેવી નહિ.” માટે તમો પણ સર્વે આ અમારા વચનને પરમ સિદ્ધાંત કરી માનજ્યો. ઇતિ વચનામૃતમ્ કારીયાણીનું ||૧૦|| ||૧૦૬||