ગઢડા અંત્ય ૯ : જાણપણારૂપ દરવાજાનું
સંવત્ ૧૮૮૩ના આસો શુદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પુષ્પના હાર તથા ગજરા વિરાજમાન હતા, અને પાઘ ઉપર પુષ્પના તોરા ઝુકી રહ્યા હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજે સર્વે હરિભક્તને કહ્યું જે, “જે અમારા મોટા મોટા પરમહંસ છે તેની જેવી સ્થ્િાતિ છે ને સમજણ છે તે અમે તમને બાઈ ભાઈ સર્વેને કહીએ, તેને સાંભળીને ૧પછી જેવી રીતે તમે સર્વે વર્તતા હો ને જેવી તમને સ્થ્િાતિ હોય તેવી રીતે તમે કહી દેખાડજો” એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમારા મુનિમંડળમાં જે મોટા મોટા સંત છે તેને એમ વર્તે છે જે, પોતાના હૃદયને વિષે જે ૨જાણપણું છે તે ભગવાનના ધામનો દરવાજો છે. તે દરવાજા ઉપર સર્વે સંત ઉભા છે. જેમ રાજાના ચાકર છે, તે રાજાના ઘરને દરવાજે ઉભા રહ્યા થકા કોઈ ચોર ચકારને રાજા પાસે જવા દેતા નથી, અને તે રાજાના ચાકરને એમ હિંમત રહે છે જે, કોઈ રાજા પાસે વિઘ્ન કરવા જાય તો તેના કટકા કરી નાખીએ પણ કોઈ રીતે રાજા સુધી પુગવા દઈએ નહિ. એવી રીતે હિંમત સહિત ઢાલ, તરવાર બાંધીને ઉભા રહે છે, તેમ આ સર્વે સંત છે તે જાણપણારૂપ જે ભગવાનના ધામનો દરવાજો ત્યાં ઉભા રહે છે, અને એ જાણપણાને માંહિ જે અક્ષરધામ તેમાં ભગવાન છે તેનાં દર્શન કરે છે. અને તે ભગવાન ભેળું પોતાના હૃદયને વિષે ધન, સ્ત્રી, આદિક જે માયિક પદાર્થ તેને પેસવા દેતા નથી, અને કોઈ જોરે કરીને માયિક પદાર્થ હૃદયમાં પેસવા આવે તો તેનો નાશ કરી નાખે છે પણ કોઈ રીતે જે ઠેકાણે ભગવાનને હૃદયમાં ધાર્યા છે તે ઠેકાણે પેસવા દેતા નથી, અને શૂરવીરની પેઠે સાવધાન થકા ઉભા રહે છે, અને હાણ, વૃદ્ધિ, સુખ, દુ:ખ, માન, અપમાન આદિક અનંત જાતનાં વિઘ્ન આવે તેણે કરીને પોતાના મુકામથી ડગતા નથી, ત્યારે કોઈક આશંકા કરે જે, ‘ત્યાંથી ડગતા નથી ત્યારે દેહની ક્રિયા જે ખાન પાનાદિક તેને કેમ કરતા હશે ?’ તો તે દ્ષ્ટાંતે કરીને કહીએ છીએ જે, જેમ પાણીયારી હોય તે કુવા ઉપર જળ સિંચવા જાય છે, ત્યારે કુવાના કાંઠા ઉપર પગ મુકયો હોય તેની પણ સુરત રાખે છે જે ‘રખે કુવામાં પડી જાઉ’ અને બીજી વૃત્તિએ કરીને કુવામાંથી પાણી સિંચે છે. વળી બીજાં દૃષ્ટાંત જેમ કોઈક પુરુષ ધોડે ચડયો હોય ત્યારે ધોડાના પેંગડામાં પગ હોય ત્યાં પણ સુરત રાખે, અને ધોડાની લગામ પકડી હોય ત્યાં પણ સુરત રાખે, અને દોડતાં થકાં વાટમાં ઝાડ આવે, ખાડો આવે, પથરો આવે, ત્યાં પણ સુરત રાખે, એવી રીતે આ સર્વે સાધુ છે તે અંતર સન્મુખ દૃષ્ટિ રાખીને ભગવાનની સેવામાં પણ રહે છે ને દેહની ક્રિયા પણ કરે છે ને પોતાની સ્થ્િાતિમાંથી ડગતા નથી.” એવી રીતે શ્રીજી મહારાજે મોટા મોટા જે સંત તેની સ્થ્િાતિ કહી દેખાડી ને પછી એમ બોલ્યા જે, “તમારે સર્વેને પણ એવી રીતે અંતર સન્મુખ દૃષ્ટિ રાખીને નિરંતર ભગવાનની સેવામાં રહેવું અને ભગવાન વિના બીજાં પદાર્થ વહાલાં થવા દેવાં નહિ, એ વાતની અતિશય સાવધાની રાખવી. અને જેમ રાજાનો ચાકર છે તે રાજા પાસે ગાફલ થઈને ઉભો હોય તો રાજા પાસે ચોર ચકાર જઈ પુગે ત્યારે એ ચાકરની ચાકરી ખોટી થાય, તેમ હરિભક્તને પણ ભગવાન વિના બીજા પદાર્થમાં પ્રીતિ થઈ જાય તો જે ઠેકાણે પોતાના હૃદયને વિષે જાણપણામાં ભગવાન રહ્યા છે તે ઠેકાણે ધન સ્ત્રી આદિક બીજાં પદાર્થ પણ પેસી જાય ત્યારે એની ભકિત ખોટી થઈ જાય. માટે પોતાની ભકિતને નિર્વેિઘ્ન રાખીને જે પરમેશ્વરના ચરણારવિંદને પામવાને ઈચ્છે તેને જાણપણારૂપ જે ભગવાનના ધામનો દરવાજો તેને વિષે સાવધાન થઈને રહેવું. અને ભગવાન વિના બીજાં પદાર્થ ત્યાં પેસવા દેવાં નહિ.” એવી રીતે શ્રીજીમહારાજે પોતાના સર્વે ભક્તજનને શિક્ષાનાં વચન કહ્યાં. ઇતિ વચનામૃતમ્ ગઢડા અંત્યનું ||૯|| ૨૪૩ ||