શ્ર્લોક ૧-૧૦ મંગળાચરણાદિ ઉપોદ્દ્ધાત

Submitted by swaminarayanworld on Fri, 08/01/2010 - 10:04am
 
શ્રીસહજાનંદસ્વામી જેતે પોતાના સત્સંગી પ્રત્યે શિક્ષાપત્રીને લખતા થકા પ્રથમ પોતાના ઇષ્ટદેવ જે શ્રીકૃષ્‍ણભગવાન તેનું ધ્યાનરુપ મંગળાચરણ કરે છે –

હું જે તે મારા હદયને વિષે શ્રીકૃષ્‍ણભગવાનનું ધ્‍યાન કરું છું. તે શ્રી કૃષ્‍ણ કેવા છે તો- જેના ડાબા પડખાને વિષે રાધિકાજી રહ્યાં છે અને જેના વક્ષઃસ્‍થળને વિષે લક્ષ્‍મીજી રહ્યાં છે અને  વૃંદાવનને વિષે વિહારના કરનારા છે. (૧)

અને વૃતાલય ગામને વિષે રહ્યાં એવા સહજાનંદસ્‍વામી જે અમે તે અમે જેતે નાના પ્રકારના જે સર્વે દેશ તેમને વિશે રહયા એવા જે અમારા આશ્રિત સર્વે સત્‍સંગી તે પ્રત્‍યે શિક્ષાપત્રીને લખીએ છીએ. (૨)

શ્રી ધર્મદેવ થકી છે જન્‍મ જેમનો એવા જે અમારા ભાઇ રામપ્રતાપજી તથા ઇચ્‍છારામજી તેમના પુત્ર જે અયોધ્‍યાપ્રસાદ નામે અને રઘુવીર નામે (જેને અમે અમારા દત્તપુત્ર કરીને સર્વે સત્‍સંગીના આચાર્યપણાને વિષે સ્‍થાપન કર્યા છે) (૩)

તથા અમારા આશ્રિત એવા જે મુકુંદાનંદ આદિક નૈષ્‍ઠીક બ્રહ્મચારી તથા અમારા આશ્રિત જે મયારામ ભટ્ટ આદિક ગૃહસ્‍થ સત્‍સંગી (૪)

તથા અમારે આશ્રિત જે સુવાસિની અને વિધવા એવી સર્વે બાઇઓ તથા મુક્તાનંદ આદિક જે સર્વે સાધુ (પ)

એ સર્વે તેમણે પોતાના ધર્મની રક્ષાના કરનારા અને શાસ્‍ત્રનેવિષે પ્રમાણરુપ અને શ્રીમન્‍નારાયણની  સ્‍મૃતિએ સહિત એવા જે અમારા રુડા આશિર્વાદ તે વાંચવા (૬)

અને આ શિક્ષાપત્રી લખ્‍યાનું જે કારણ છે તે સર્વે તેમણે એકાગ્ર મને કરીને ધારવું અને આ શિક્ષાપત્રી જે અમે લખી છે તે સર્વેના જીવને હિતની કરનારી છે. (૭)

અને શ્રીમદ્દભાગવત પુરાણ આદિક જે સતશાસ્‍ત્ર તેમણે જીવનના કલ્‍યાણને અર્થે પ્રતિપાદન કર્યા એવા જે અહિંસા આદિક સદાચાર તેમને જે મનુષ્‍ય પાળે છે તે મનુષ્‍ય આ લોકને વિષે ને પરલોકને વિષે મહાસુખિયા થાય છે. (૮)

અને તે સદાચારનું ઉલ્‍લંઘન કરીને જે મનુષ્‍ય પોતાના મનમાં આવે તેમ વર્તે છે તેતો કુબુધ્ધિવાળા છે અને આ લોક ને પરલોકને વિષે નિશ્ર્ચે મોટો કષ્‍ટને જ પામે છે. (૯)

તે માટે અમારા શિષ્‍ય એવા જે તમે સર્વે તેમણે તો પ્રીતિએ કરીને આ શિક્ષાપત્રીને અનુસરીને જ નિરંતર સાવધાનપણે વર્તવું પણ આ શિક્ષાપત્રીનું ઉલ્‍લંઘન કરીને વર્તવું નહિં (૧૦)