પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર - ૦પ
દોહા -
ભકિત ધર્મને ભુવને, થયા પ્રગટ પૂરણ બ્રહ્મ ।
આપ ઈચ્છાએ આવિયા, જેને નેતિ કહે નિગમ ।।૧।।
સુંદર દેશ સરવારમાં, છપૈયા છબીનું ધામ ।
તિયાં પ્રભુજી પ્રગટયા, પુરૂષોત્તમ પૂરણકામ ।।૨।।
સંવત અઢાર સાડત્રિશના, ચૈત્રશુદિ નવમીને દિન ।
તે દિન જીવન જનમ્યા, ભકત ભયહારિ ભગવન ।।૩।।
વસંત ઋતુ વિરોધિ સંવત્સર, ઊત્તરાયણ અર્ક અનૂપ ।
શુકલ પક્ષ પુષ્ય નક્ષત્રે, સોમવાર તે સુખરુપ ।।૪।।
ચોપાઈ-
વૃશ્ચિક લગ્ન ને કૌલવ કરણરે, યોગ શુક્રમાં દુઃખ હરણરે ।
દશ ઘડી રૂડી રાત્ય જાતાં રે, સુખ સેજમાં સુતાં’તાં માતા રે ।।૫।।
તે સમે પ્રગટ્યા મહારાજ રે, કરવા અનેક જીવનાં કાજ રે ।
વ્યોમે વિબુધ વાજાં વજાવિ રે, કરે દર્શન વિમાન લાવિ રે ।।૬।।
સુરવનિતા ગાય વધાઈ રે, અતિ મોદ ભરી મનમાંઈ રે ।
મંદ સુગંધ શીતળ વાય રે, વાયુ સુંદર જન સુખદાય રે ।।૭।।
સ્વર્ગ શોભી રહ્યું છે અપાર રે, થાય જયજય શબ્દ ઊચ્ચાર રે ।
કરે પુષ્પ વૃષ્ટિ પુરંદર રે, વર્ષે સુગંધિ સુમન સુંદર રે ।।૮।।
તાંડવ નૃત્યે ત્રોડે શિવ તાન રે, ગાયે ગાંધર્વ અપ્સરા ગાન રે ।
થયા નિર્ધૂમ યજ્ઞ હુતાશન રે, હવાં નિર્મળ જનનાં મન રે ।।૯।।
એમ અમર પામ્યા આનંદ રે, તેમ ભૂમિ મગન જનવૃંદ રે ।
ગાય ઘરઘર મંગળ વધાઇ રે, હરષ ભરી માનિની મનમાંઈ રે ।।૧૦।।
રહ્યો ચૌદિશે આનંદ છાઈ રે, પ્રભુ પધારિયા ભૂમિમાંઈ રે ।
કરવા કોટિકોટિનાં કલ્યાણ રે, પોતે પધાર્યા પરમ સુજાણ રે ।।૧૧।।
માત તાત પામ્યાં છે આનંદ રે, જોઈ પુત્ર તે પૂરણ ચંદ રે ।
મનોહર મૂર્તિ મરમાળી રે, થાયે મન મગન જન ભાળી રે ।।૧૨।।
જેજે જુવે છે નયણાં ભરિને રે, તેનાં મન ચિત્ત લેછે હરિને રે ।
મુખ મૃગાંકસમ સુખ દેણ રે, શોભે કર ચરણ ચારુ નેણ રે ।।૧૩।।
અંગોઅંગ શોભા છે અનૂપ રે, નખ શિખ છબી સુખરુપ રે ।
જોઈ સફળ કરે જન જન્મ રે, એવિ રૂપાળી મૂર્તિ છે રમ્ય રે ।।૧૪।।
જુવે હેતે જે જન હુલસિ રે, તેના અંતરમાં જાયે વસિ રે ।
પછી વિસાર્યા પણ ન વિસરે રે, સુતાં બેઠાં સદાયે સાંભરે રે ।।૧૫।।
એવી મૂર્તિ આજ અલૌકિક રે, ધરી બહુની ટાળવા બીક રે ।
સહુ ભકતજનને સુખ દેવા રે, આપે અક્ષરપતિ થયા એવા રે ।।૧૬।।
દિન દિન પ્રત્યે જો દયાળ રે, વધે નિત્ય ચંદ્ર જેમ બાળ રે ।
મુખહાસે જુકત છે હમેશ રે, શોભે છે બહુ બાલુડે વેષ રે ।।૧૭।।
રુવે નહિ રાજી રહે ઘણું રે, તેણે મન હરેછે સહુતણું રે ।
સુખમય મૂર્તિ મહારાજ રે, આવ્યા સૌને સુખ દેવા કાજ રે ।।૧૮।।
મોટે ભાગ્યે આવ્યા ભગવાન રે, દેવા સૌ જનને અભેદાન રે ।
જેમ આવ્યા છે ધામથી ધારી રે, તેમ તારશે નર ને નારી રે ।।૧૯।।
સહુ જનને કરવા છે સુખી રે, નથી રાખવા કોઈને દુઃખી રે ।
સહુ જીવની લેવીછે સંભાળ રે, એહ અર્થે આવ્યા છે દયાળ રે ।।૨૦।।
ઈતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે પંચમઃ પ્રકારઃ ।।૫।।