રાગ : ખટ
પદ - ૧
આવોજી આવોજી અલબેલા મારી આંખડલિમાં, જતન કરીને તમને રાખું રે.
સુંદર મુખના મરકલડા પર પ્રાણ, વારી વારી નાખું ર. આવોજી૦ ૧
જીવન તમને જોવા સારૂં તો, વિશ્વ આવ્યું છે આખું રે;
શુક સનકાદિક નારદ સરખા, મુનિવર મળિયા છે લાખું રે. આવોજી૦ ૨
આરે સમે શોભો છો મારા વા’લા, શી ઉપમા કહી દાખું રે;
પ્રેમાનંદ કહે રાખી નેણામાં, ચરણકમળ રસ ચાખું રે. આવોજી૦ ૩
પદ - ૨
વા’લા છોજી વા’લા પ્રાણથી પ્યારા, આંખડલિના તારા અલબેલા રે;
તન મન ધન મારું વારુ તમ ઉપર, શ્યામ સુંદર રંગ છેલા રે. વા. ૧
આવો આવો ઓરા આજ રાખું મારા ઉરપર, પ્રાણજીવન રંગરેલા રે;
આજ રહો મારે મંદિર મોહન, કાલ પધારજયો વે’લા રે. વા. ૨
તમ જેવા જીવન ક્યાંથી કેને બારણે, અલબેલાજી અકેલા રે;
પ્રેમાનંદના નાથ છોજી અતિ દુર્લભ, કૃપા કરીને રહો ભેલા રે. વા. ૩
પદ - ૩
કહોજી કહોજી ક્યાં જાગ્યા જગજીવન તમે, આંખડલી ઉજાગરે રાતી રે;
નિદ્રાલુડાં નેણામાંહિ શોભે અતિ સુંદર, રેખલડી મદન રસ માતી રે. ક૦ ૧
વદન ઉપર શ્રમ જળનારે મોતી, મુખ કાજળની રેખા ઓળખાતી રે;
તેડ્યાને લથેડ્યા અતિ બળમાંરે ભીડ્યા, હાર તો ખુત્યા છે બહુ છાતી રે.ક૦ ૨
કેઇરે ધુતારીનારે ધુત્યા અલબેલા, આજ શિથિલ થયા છો તેના તીરે રે;
પ્રેમાનંદના નાથ જોઇ જોઇ તમને, આંખડલિ ત્રપત નથી થાતી રે.ક-૦ ૩
પદ - ૪
જાઓજી જાઓજી શીદ ખોટા સમ ખાઓ, હમે જાણી જીવન ચતુરાઇ રે;
અર્થી રે હોય તે તો ખોટું રે બોલે, દોષ ન જુવે કાંઇ રે. જા. ૧
તન મન નેણાં વેણાં કેમ રહે છાના વાલા, તરત આવે ઓળખાઇ રે;
અધર અંજન પીક લીક લાલ સોહે ગાલ, ઉઠી નખ રેખા ઉરમાંઇ રે. જા. ૨
પીતાંબર સાટે તે લીલાંબર કેનું લાવ્યા લાલ, વેલણ રહ્યા છો હરિ સાઇ રે;
પ્રેમાનંદના નાથ જોઇ વ્રજનારી, હસે કર તાળી બજાઇ રે. જા. ૩