પ્રાતઃ સમે શ્રીસહજાનંદની, મૂરતિ મનમાં ધારું રે (૪)
રાગ : ભૈરવી પ્રભાતી
પદ - ૧
પ્રાતઃ સમે શ્રીસહજાનંદની, મૂરતિ મનમાં ધારું રે. પ્રાત૦ ટેક૦
નખશિખ નિરખી રૂપ અનુપમ, અંતરમાં ઉતારું રે. પ્રાત૦ ૧
રૂપાળા બહુ રાજીવ લોચન, આવી વસ્યા મન મોરે રે;
પુષ્ટ તરુણ તન ભીને વાને, હંસગતિ ચિત્ત ચોરેરે. પ્રાત૦ ૨
અંગોઅંગ અનુપમ ઝીણાં, શ્વેત વસ્ત્ર બહુ શોભે રે;
પુષ્પતણાં આભૂષણ જોઇ જોઇ, ભક્તતણાં મન લોભેરે. પ્રાત૦ ૩
મેઘ સરીખેરે ઘેરે સાદે, બોલતા બહુનામી રે;
ભક્ત મનોરથ પૂરણ કરતા, પ્રેમાનંદના સ્વામીરે. પ્રાત૦ ૪
પદ - ૨
પ્રાતઃ સમે શ્રી સ્વામીજીનાં, ચરણ ચિહ્ન ચિંતવિયે રે. પ્રાત૦ ટેક૦
સ્વસ્તિ જવ જાંબુ ધ્વજ રેખા, અંતરમાં ગોઠવીયેરે. પ્રાત૦ ૧
કુલિશ કમળ અંકુશ અષ્ટકોણ, જમણે ચરણે સંભારું રે;
વામ પદે મત્સ્ય ત્રિકોણ કલશ ખરી, વ્યોમ ધનુષ શશી ધારું રે. પ્રાત૦૨
જમણે ચરણે અંગુઠા ઉપરે, નખમાંહી ચિહ્ન જોઇરે;
પેલીને છેલી આંગળીએ તિલ, તેમાં મન રાખું ઠોઇ રે. પ્રાત૦ ૩
રાતા ને ચડીયાતા નખ દશે, આંગળીયોના જોવું રે;
પ્રેમાનંદ જોઇ પાની ઘુંટી, પિંડીમાં મન પ્રોવું રે. પ્રાત૦ ૪
પદ - ૩
પ્રાતઃ સમે ઉઠી પુરુષોત્તમની, મૂરતિમાં મન ધરીયે રે. પ્રાત૦ ટેક૦
એ અવસરે જે આડ કરે તે, પાપ જાણી પરહરીયે રે. પ્રાત૦ ૧
જાનું જુગલ જોઇને સુંદર, સાથળ શોભા સારી રે;
વામ સાથળમાં ચિહ્ન એક નિરખું, શ્યામ કટિ લાગે પ્યારી રે. પ્રાત૦ ૨
કમળ સરીખી નાભી ઉંડી, ત્રિવળી ઉદર માંહી રે;
ચડિયાતી છાતીમાં સુંદર, છાપ ચિહ્ન સુખદાઇ રે. પ્રાત૦ ૩
ગજની સૂંઢ સરીખા ભુજદંડ, શોભાના ભંડાર રે;
પ્રેમાનંદ કહે મનમાં ધારું, કરવર અભય ઉદાર રે. પ્રાત૦ ૪
પદ - ૪
પ્રાતઃ સમે ઉઠી સુંદર મુખની, શોભા મનમાં સંભારું રે. પ્રાત૦ ટેક૦
તન મન ધન શ્રીપુરુષોત્તમના, વદન કમળ પર વારું રે. પ્રાત૦ ૧
અધર બીંબફળ દસન કુંદકળી, નાસાશુક ચિત્ત ચોરે રે;
ગોળ કપોળે શોભે સુંદર, તીલ એક જમણી કોરે રે. પ્રાત૦ ૨
લોચન લાલ કમળ સરખાં, રેખા માંહી રૂપાળી રે;
ભ્રકુટી કુટિલ વિશાળ ભાલમાં, તિલક કેશર મરમાળી રે. પ્રાત૦ ૩
સુંદર મસ્તક શિખા મનોહર, સંભારું હું જયારે રે;
પ્રેમાનંદ કહે સ્વામી મારા, સદા દેખાજો ત્યારે રે. પ્રાત૦ ૪