મંત્ર (૧૭) ૐ શ્રી મરુતસુતપ્રિયાય નમઃ
મરુત એટલે વાયુ, સુત એટલે દીકરો, વાયુના પુત્ર કોણ છે ? હનુમાનજી છે. આ જનમંગલમાં શતાનંદ સ્વામીએ કોઈ ભકતને યાદ નથી કર્યા પણ હનુમાનજીને યાદ કર્યા છે. હનુમાનજીને ભગવાન પ્રિય છે, ને ભગવાનને હનુમાનજી પ્રિય છે. શા માટે પ્રિય છે ? ભગવાને જયાં હનુમાનજીને જે સેવા બતાવી, તે સેવાનું બીડું તરત ઝડપી લીધું. ભગવાનની ખૂબ સેવા કરી છે. હનુમાનજી રામનાદૂત છે. રામચંદ્રજી ભગવાનમાં પતિવ્રતાની ભક્તિ છે, પણ એ હનુમાનજીએ કૃષ્ણાવતારમાં ભગવાનની સેવા કરી છે અને સ્વામિનારાયણ અવતારમાં પણ ખૂબ સેવા કરેલી છે.
ભગવાનના અવતાર બદલાતા જાય પણ ચિરંજીવી હનુમાનજી પ્રભુની સેવામાંથી કયારેય પાછા નથી પડ્યા, નિશ્ચયમાં પણ ફેર પડ્યો નથી, હનુમાનજીનું પરાક્રમ કેવું છે ? કેવા બળિયા છે તેનું વર્ણન સ્વામી બદ્રિનાથજીએ આબેહૂબ ગાયું છે.
રાજા રામજીના સેવક હનુમાન બળિયા રે, જેની પતિવ્રતાની છે ટેક હનુમાન બળિયા રે,
સતી સીતાને શોધવા કાજ હનુમાન બળિયા રે, ગયા વેગે કરી કપિરાજ હનુમાન બળિયા રે,
ધન્ય ધન્ય એ કેશરી કુમાર હનુમાન બળિયા રે, જેના પરાક્રમનો નહિ પાર હનુમાન બળિયા રે,
હનુમાનજીને ભગવાન પ્રિય છે, ને ભગવાનને હનુમાનજી પ્રિય છે, પરસ્પર હેત છે, ભગવાન રામચંદ્રજીએ તો એમ કહ્યું છે કે, હનુમાનજીની પૂજા કરશે, તેણે મારી પૂજા કરેલી છે એમ હું માનીશ.
સ્વામિનારાયણ ભગવાન છપૈયામાં પ્રગટ થયા, અને કૃત્યાઓ બાળ ઘનશ્યામને ઊપાડી ગઈ ત્યારે ભક્તિમાતાએ હનુમાનજીને યાદ કર્યા, હનુમાનજીએ કહ્યું, "મૈયા ! મારા જેવું શું કામ છે ? બતાવો." ભક્તિમાતાએ રડતાં રડતાં કહ્યું, "બાળ ઘનશ્યામને કૃત્યાઓ ઊપાડી ગઈ છે. તમે લઈ આવો." હનુમાનજી તરતજ ઊડાન ભરી કૃત્યાઓને બરાબર પૂછડાંથી બાંધીને પછાડી કિકિયારી કરતા બોલ્યા, "હે પાપણી ! મારા ઈષ્ટદેવને મારવા આવી છો ? હમણાં હતી ન હતી કરી નાખીશ, જીવથી મારી નાખીશ,"
એમ કહી વળી મારે, પછાડે, બીવડાવે ત્યારે કૃત્યાઓ હાથ જોડીને કહ્યું "હનુમાનજી ! અમને જીવતી જાવા દો, હવે કોઈ દિવસ ઘનશ્યામને હેરાન નહિ કરીએ." પછી હનુમાનજી મહારાજે ઘનશ્યામને લઈને ભક્તિમાતાને આપ્યા, ભક્તિમાતા ખૂબ રાજી થયાં, ઘનશ્યામને ચુંબન કરીને સ્તનપાન કરાવ્યું.
હનુમાનજીએ પ્રભુની ખૂબ સેવા કરેલી છે, નીલકંઠ વર્ણી સ્વરૂપે જયારે વનવિચરણ કરવા પધાર્યા, ત્યારે જંગલમાં ચાર દિવસ સુધી કયાંય ફળ-ફળાદિક મળ્યું નહિ, ત્યારે હનુમાનજી મહારાજે જંગલમાંથી ફળ લાવીને ભગવાનને અર્પણ કર્યાં. ભગવાન ભાવથી જમ્યા. ત્યારે હનુમાનજીએ કહ્યું, "પ્રભુ ! મને તમારી સાથે સેવામાં રાખો, જોઈતી વસ્તુ લાવી આપીશ." ત્યારે ભગવાને કહ્યું, "અત્યારે અમે એકલા જ ફરીશું, પણ જયારે તમારા જેવી સેવાની જરૂર પડશે, ત્યારે ચોકસ યાદ કરીશું, ત્યારે આવજો, અત્યારે મારી સાથે નહિ."
શ્રીજીમહારાજે કહ્યું છે કે- મારા આશ્રિત ભકતજનોને હનુમાનજીને જેમ રામચંદ્રજી ભગવાનમાં પતિવ્રતાની ટેક છે, તેવી જ ટેક સ્વામિનારાયણ ભગવાનને વિષે રાખવી. હનુમાનજીની ભક્તિની શકિત બીજા ભકતો કરતાં વધારે છે, માટે હનુમાનજી ભગવાનને વહાલા લાગે છે. આપણે પતિવ્રતાની ભક્તિ કરીશું તો ભગવાનને વહાલા લાગશું. ગોસ્વામી તુલસીદાસજી હનુમાનજીને વંદન કરતાં ગાય છે.
જય જય જય હનુમાન ગાસોઈ, કૃપા કરો ગુરુદેવકી નાઈ,
સંકટ કટે મીટે સબ પીરા, જો સુમીરે હનુમંત બલવીરા...
શતાનંદસ્વામી કહે છે- મરુત સુત પ્રિય એવા સ્વામિનારાયણ ભગવાનને નમસ્કાર કરું છું. અને અઢારમાં મંત્રમાં પ્રવેશ કરું છું.