૩૬ અરિષ્ટાસુરનો વધ તથા શ્રીકૃષ્ણ અને બળદેવજીને વસુદેવના પુત્ર જાણી મથુરા લાવવા માટે કંસે કરેલી

Submitted by swaminarayanworld on Sat, 23/01/2016 - 10:40am

અધ્યાય ૩૬

અરિષ્ટાસુરનો વધ તથા શ્રીકૃષ્ણ અને બળદેવજીને વસુદેવના પુત્ર જાણી મથુરા લાવવા માટે કંસે કરેલી અક્રૂરને આજ્ઞા.

શુકદેવજી કહે છે- પછી બળદના રૂપને ધારણ કરનાર અરિષ્ટાસુર વ્રજમાં આવ્યો. એ દૈત્યની કાંધ અને શરીર ભારે મોટાં હતાં, અને ખરીઓથી ખોદી નાખેલી ધરતીને ધ્રુજાવતો હતો.૧  અત્યંત કઠોર શબ્દ કરતો હતો, પગથી ધરતીને ઊખેડતો હતો, પૂછડું ઊંચું કરી શીંગડાંની અણીઓથી કાંઠા ખોદી નાખતો હતો.૨ મૂતરતો અને પોદળા કરતો એવો એ અરિષ્ટાસુર એક નજરે જોઇ રહ્યો હતો, એનો કઠોર નાદ સાંભળી બીકને લીધે ગાયોના અને સ્ત્રીઓના ગર્ભ અચાનક સ્રવી જતા હતા, એની કાંધને પર્વત સમજી વાદળાં એની ઉપર બેસતાં હતાં.૩-૪ હે રાજા ! તીક્ષ્ણ શીંગડાંવાળા એ બળદરૂપી અરિષ્ઠાસુરને જોઇને ગોપીઓ અને ગોવાળો ત્રાસ પામ્યા, ભય પામેલાં પશુઓ ગોકુળને છોડી દઇને ભાગવા લાગ્યાં.૫ એ સર્વે હે કૃષ્ણ ! હેકૃષ્ણ ! એમ બોલતાં ભગવાનના શરણે ગયાં, ભગવાને પણ ગોકુળને ભયથી ભાગતું જોઇ, બીશો મા, બીશો મા, આવાં વચનથી ધીરજ આપી, અરિષ્ઠાસુરને બોલાવ્યો કે હે મંદ ! હે મહાદુષ્ટ ! ગોવાળો અને પશુઓને બિવરાવવામાં તારું શું વળવાનું છે ? તારા જેવા દુષ્ટ અને દુરાત્માઓના બળ તથા ગર્વને હણનાર તો હું છું, આ પ્રમાણે બોલતા, ખભા ઠોકતા અને હાથની તાળીઓના શબ્દથી અરિષ્ઠાસુરને કોપ ઉત્પન્ન કરવા ભગવાન પોતાનો હાથ મિત્રના ખભા ઉપર લાંબો કરી ઊભા રહ્યા. આ પ્રમાણે કચવાયેલો ખરીથી ધરતીને ખોદતો અને પૂછડું ઉપર થવાને લીધે જેના શરીર ઉપરનાં વાદળાં વિખેરાઇ જતાં હતાં, એવો અરિષ્ઠાસુર ક્રોધ કરીને ભગવાનની સામે દોડ્યો.૬-૯  જેની આંખ્યો લોહી જેવી લાલ અને અક્કડ હતી, એવો એ દૈત્ય કટાક્ષથી આડું જોઇ તથા શીંગડાં આગળ રાખી, ઇંદ્રે ફેંકેલાં વજ્રની પેઠે તરત ભગવાન તરફ દોડ્યો.૧૦  હાથી જેમ સામા હાથીને હઠાવે તેમ ભગવાને તેનાં શીંગડાં પકડીને તેને અઢાર પગલાં પાછળ હઠાવ્યો.૧૧  ભગવાને હઠાવીને પૃથ્વી ઉપર પછાડેલો તે દૈત્ય કે જેનાં સર્વ અંગમાં પરસેવો વળ્યો હતો, હાંફતો હતો અને ક્રોધથી વ્યાપ્ત થયો હતો, તે પાછો ઊઠીને ભગવાન સામે દોડ્યો.૧૨  આવતા તે દૈત્યનાં શીંગડાં પકડીને તેને ધરતી પર પછાડી, પગથી દબાવીને ભગવાને ભીના કપડાંની પેઠે નીચોવ્યો અને શીંગડું કાઢી લઇ તે શીંગડાથી જ તેને માર્યો એટલે તે મૃત્યુના ચિહ્નને પામ્યો.૧૩  લોહી ઓકતો, મૂત્ર તથા વિષ્ટા કરતો, પગ પછાડતો અને જેની આંખ્યો ભમતી હતી, એવો દૈત્ય ઘણું કષ્ટ પામીને મરી ગયો. પછી દેવતાઓ ભગવાનને પુષ્પોથી વધાવવા લાગ્યા અને સ્તુતિ કરવા લાગ્યા.૧૪  આ પ્રમાણે બળદને મારી ગોવાળો જેની સ્તુતિ કરતા હતા એવા અને ગોપીઓનાં નેત્રોને આનંદરૂપ ભગવાન બળદેવ સહિત વ્રજમાં પધાર્યા.૧૫  અદભૂત કર્મ કરનારા શ્રીકૃષ્ણે અરિષ્ટાસુરને મારતાં, દેવ સરખા જ્ઞાનવાળા નારદજીએ કંસને કહ્યું કે જે કન્યા હતી તે યશોદાની દીકરી હતી અને કૃષ્ણ દેવકીનો પુત્ર છે અને બળદેવ રોહિણીનો પુત્ર છે. એ બે પોતાના પુત્રોને વસુદેવે તારી બીકથી પોતાના મિત્ર નંદને આપેલા છે કે જેઓ તારા અનુચરોને માર્યા છે, એ વાત સાંભળી કોપને લીધે જેની ઇંદ્રિયો ચલાયમાન થઇ છે એવા કંસે વસુદેવને મારી નાખવા સારુ સજાવેલી તલવાર ઉપાડી. પણ વસુદેવને અત્યારે મારી નાખીશ તો તેના પુત્રો ભાગી જશે માટે વસુદેવને હમણાં મારવો નહીં, આવી સલાહ આપીને નારદજીએ કંસને વાર્યો. પછી વસુદેવના પુત્રને પોતાના મૃત્યુરૂપ જાણી વસુદેવને અને દેવકીને કંસે લોઢાની બેડીઓથી બાંધી દીધા. નારદજી ગયા પછી કંસે કેશી દૈત્યને બોલાવી ‘‘તારે બલરામને અને કૃષ્ણને મારી નાખવા.’’ એવી ભલામણ આપી ગોકુળમાં મોકલ્યો. પછી મુષ્ટિક, ચાણૂર, શલ અને તોશલ આદિ મલ્લોને, મંત્રીઓને અને હાથીના મહાવતોને બોલાવી કંસે કહ્યું કે હે વીર લોકો ! હે ચાણૂર ! મારૂં વચન સાંભળો.૧૬-૨૨  વસુદેવના પુત્ર રામ અને કૃષ્ણ નંદરાયના વ્રજમાં રહે છે. તેના હાથથી મારું મરણ થવાનું દેવતાઓએ કહેલું છે.૨૩  માટે એ બે જણ અહીં આવે એટલે તમારે મલ્લયુદ્ધમાં તેને મારી નાખવા. મલ્લના અખાડાને ફરતા અનેક પ્રકારના બેસવાના મંચ તૈયાર કરાવો.૨૪  સર્વે નગરના અને દેશના લોકોને એ યથેષ્ટ યુદ્ધ જોવાની છૂટ આપવી. હે મહાવત ! તારે અખાડાના દ્વારમાં આપણો કુવલયાપીડ હાથી રાખવો અને તેની પાસે મારા શત્રુને મરાવી નાખવો. ચૌદશને દિવસે વિધિ પ્રમાણે ધનુર્યાગનો આરંભ કરવો. અને વર આપનારા રુદ્રના ઉદૃેશથી પવિત્ર પશુઓને કાપવાં.૨૫-૨૬ અર્થ શાસ્ત્રના જ સિદ્ધાંતને જાણનાર કંસે મલ્લાદિકને આ પ્રમાણે આજ્ઞા કરી, પછી યાદવોમાં ઉત્તમ અક્રૂરજીને બોલાવી તેમનો હાથ પોતાના હાથથી પકડી કહ્યું કે હે અક્રૂર ! તમારે મારે માટે મિત્ર કાર્ય કરવાનું છે. ભોજ અને વૃષ્ણિકુળના યાદવોમાં મારો તમ જેવો સ્નેહી અને આદરવાળો બીજો કોઇ નથી.૨૭-૨૮ એટલા માટે હે ભલા માણસ ! જેમ વિષ્ણુનો આશ્રય લઇ ઇંદ્રે સ્વાર્થ મેળવ્યો છે, તેમ સ્વાર્થ મેળવવાને માટે, તમે કે જે મોટા કાર્યના સાધનરૂપે હું તમારો આશ્રય લઉં છું.૨૯ માટે હે અક્રૂર ! નંદના વ્રજમાં જાઓ, અને ત્યાં વસુદેવના બે દીકરા રહે છે તેને આ રથમાં બેસાડીને તરત અહીં તેડી આવો.૩૦ વિષ્ણુના આશ્રયવાળા દેવતાઓ તે બે જણના હાથથી મારું મરણ નિશ્ચિત કર્યું છે, માટે એ બે જણને નંદાદિક ગોવાળોની સાથે અહીં લાવો. મારે માટે ભેટ લાવવાનું પણ ગોવાળોને કહેજો.૩૧  એ બે જણ અહીં આવશે એટલે કાળ જેવા હાથીની પાસે તેને મરાવી નાખીશ અને એમાંથી છૂટશે તો પછી, વીજળીના અગ્નિ જેવા મલ્લોની પાસે મરાવી નાખીશ.૩૨  એ બન્નેને મારી નાખ્યા પછી બહુ જ સંતાપને પામેલા વસુદેવાદિ તેના સંબંધીઓને અને બીજા પણ વૃષ્ણિ, ભોજ અને દાશાર્હકુળના યાદવોને મારી નાખીશ.૩૩ વૃદ્ધ છતાં રાજયની ઇચ્છા રાખનારા મારા બાપ ઉગ્રસેનને, તેના ભાઇ દેવકને અને બીજા પણ મારા શત્રુઓ છે તેને હું મારી નાખીશ.૩૪  પછી હે મિત્ર ! આ પૃથ્વી નિષ્કંટક થઇ રહેશે. જરાસંધ મારો સસરો છે, દ્વિવિદ વાનર મારો પ્યારો સખા છે. શંબરાસુર, નરકાસુર અને બાણાસુર મારી સાથે જ સ્નેહ રાખે છે. તેની સહાયતાથી હું દેવતાઓના પક્ષના રાજાઓને મારી નાખીને પૃથ્વીનું રાજય કરીશ.૩૫-૩૬  આ મારું પ્રયોજન છે તેને જાણીને એ બાળક બળભદ્ર અને કૃષ્ણને ધનુષનો યજ્ઞ જોવાના અને મથુરાની શોભા જોવાના બહાનાથી તરત અહીં તેડી આવો.૩૭

અક્રૂર કહે છે હે રાજા ! તમારો વિચાર સારો છે અને તે તમારા મરણને મટાડે એવો છે, તોપણ આવડો હઠાગ્રહ નહીં રાખતાં કામની સિદ્ધિ અને અસિદ્ધિમાં સમભાવે રહેવું જોઇએ, કેમકે ફળ આપવું એ દૈવના હાથમાં છે.૩૮ દૈવે નાશ કરી નાખેલા એવા મનોરથોને પણ લોકો ભારે હઠાગ્રહથી કરે છે અને એમ કરવાથી હર્ષ અને શોકની પ્રાપ્તિ થાય છે, કોઇ સમયે પોતાના સુખને માટે કરેલાં એવાં પણ કર્મ વડે દુઃખની પ્રાપ્તિ થાય છે. અને કોઇ સમયે બીજાને દુઃખ આપવા માટે કરેલાં એવાં પણ કર્મવડે બીજાને દુઃખ થતું નથી અને ઊલટું પોતાને જ દુઃખ થાય છે. આવી વાસ્તવિક પરિસ્થિતિ છે. તોપણ હું તમારી આજ્ઞા પ્રમાણે કરીશ.૩૯

શુકદેવજી કહે છે- આ પ્રમાણે અક્રૂરજીને આજ્ઞા કરી અને મંત્રીઓનું વિસર્જન કરી, કંસ પોતાના ઘરમાં પેઠો અને અક્રૂરજી પોતાને ઘેર ગયા.૪૦

ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો છત્રીશમો અધ્યાય સંપૂર્ણ.