૩૫ ભગવાન વનમાં જતાં યુગલગીત ગાઇને દુઃખથી દિવસો પસાર કરતી ગોપીઓ.

Submitted by swaminarayanworld on Sat, 23/01/2016 - 10:39am

અધ્યાય ૩૫

ભગવાન વનમાં જતાં યુગલગીત ગાઇને દુઃખથી દિવસો પસાર કરતી ગોપીઓ.

શુકદેવજી કહે છે- રાત્રીમાં શ્રીકૃષ્ણે મનગમતી રીતે રમાડેલી ગોપીઓ, દિવસે કૃષ્ણ વનમાં જતાં તેમાં જ ચિત્ત લાગી રહેવાને લીધે તેમની લીલાઓનું ગાયન કરીને માંડ માંડ દિવસો વ્યતીત કરતી હતી.૧

ગોપીઓ ગાય છે- હે ગોપીઓ ! ડાબા ખભા ઉપર ડાબો ગાલ રાખી ચંચળ ભૃકુટિવાળા ભગવાન પોતાના અધરમાં રાખેલ વેણુને જયારે તેના સ્વરનાં છિદ્રો ઉપર કોમળ આંગળીઓ ફેરવીને વગાડે છે, ત્યારે સિદ્ધ લોકોની સ્ત્રીઓ પોતાના પતિઓની સાથે હોવા છતાં પણ તે ગાયન સાંભળી, વિસ્મય પામી, કામદેવનાં બાણથી પરવશ થઇને લજાઇ જતાં મોહ પામે છે અને તેઓને પોતાનાં વસ્ત્રો ખસી ગયાનું પણ ભાન રહેતું નથી.૨-૩ હે સ્ત્રીઓ ! આ આશ્ચર્ય સાંભળો કે હાર જેવા ઉજજવળ હાસ્યવાળા, પીડિત લોકોને સુખ આપનાર અને જેનાં વક્ષઃસ્થળમાં વીજળી જેવી ચંચળ લક્ષ્મીજી રહે છે. એવા ભગવાન જયારે વેણુ વગાડે છે ત્યારે તે વેણુના શબ્દથી ચિત્ત હરાઇ જતાં ટોળેટોળાં બળદો, મૃગો અને ગાયો દૂરથી જ દાંતમાં જ કોળિયા રાખી મેલી અને કાન ઊંચા કરી જાણે ઊંઘી ગયાં હોય અને જાણે ચિત્રમાં આળેખેલાં હોય તેવાં થઇ જાય છે.૪-૫  હે સખી ! મોર પીંછ, ગુચ્છ, ગેરુ વગેરે ધાતુ અને કૂંણાં પાંદડાંઓવડે મલ્લોના વેષનું અનુકરણ કરનારા શ્રીકૃષ્ણ બળદેવ તથા ગોવાળો સહિત જયારે વેણુ વગાડીને ગાયોને બોલાવે છે ત્યારે નદીઓ જાણે પવન દ્વારા આવેલી ભગવાનના ચરણારવિંદની રજને ઇચ્છતી હોય તેમ પોતાની ગતિને બંધ કરી દે છે, આપણી પેઠે નદીઓ પણ થોડાં ભાગ્યવાળી હોવાને લીધે તે રજને પામી શકતી નથી, એટલે કેવળ પોતાના તરંગરૂપી હાથ હલાવ્યા કરે છે અને જળને થંભાવી રાખે છે.૬-૭  નારાયણની પેઠે અવિચળ લક્ષ્મીવાળા અને ગોવાળો તથા દેવાદિક પણ જેના પરાક્રમને ગાય છે એવા કૃષ્ણ જયારે વનમાં ફરતાં પર્વતોના તટોમાં ચરતી ગાયોને વેણુનાદથી બોલાવે છે, ત્યારે ભારથી નમેલી શાખાઓવાળી, ફળ ફૂલથી સંપન્ન અને પ્રેમવડે રોમાંચિત ગાત્રવાળી વનની લતાઓ જાણે પોતાના હૃદયમાં પ્રકટ થયેલા વિષ્ણુને સૂચવતી હોય તેમ મકરંદની ધારાઓને વરસાવા લાગે છે, અને તેઓના પતિ વૃક્ષોને પણ તેવો જ આનંદ થાય છે.૮-૯  વનમાળામાં દિવ્ય ગંધવાળી તુલસીના મકરંદથી મત્ત થયેલા ભ્રમરાઓના ઊંચા તથા અનુકૂળ ગાયનને માન આપતા અને સુંદરમાં શિરોમણિ ભગવાન જયારે વેણુનાદ કરે છે ત્યારે, તળાવનાં સારસ, હંસ અને બીજાં પણ પક્ષીઓ તે સુંદર ગાયનથી ચિત્ત ખેંચાતાં પોતાનાં સ્થાનકમાંથી આવીને આંખો મીંચી તથા મૌન પકડી ભગવાનની પાસે બેસે છે ! !૧૦-૧૧  હે ગોપીઓ ! બલરામ સહિત, મોતીની માળાનાં આભૂષણથી વિલાસ પામેલા, પર્વતોની આસપાસ ફરતા, આનંદ પામેલા અને બીજાને આનંદ પમાડતા ભગવાન જયારે વેણુના શબ્દથી જગતને પરિપૂર્ણ કરી મેલે છે, ત્યારે મેઘ પણ તે મહાત્માના અપરાધથી ભય પામીને આગળ વધતો નથી અને મોટી ગર્જના કરતો નથી, પણ ત્યાં જ સ્થિર રહીને વેણુના શબ્દની પછવાડે મંદમંદ ગર્જના કરે છે, અને જગતની પીડા હરવાને લીધે પોતાના સરખા કૃષ્ણની ઉપર છત્ર કરીને ઝીણાં ઝીણાં બિંદુરૂપ પુષ્પોની વૃષ્ટિ કરે છે.૧૨-૧૩  હે યશોદા ! અનેક પ્રકારની ક્રીડાઓમાં ચતુર તમારો પુત્ર જયારે પોતાના હોઠ ઉપર વેણુ રાખીને પોતે જ નવી ઉત્પન્ન કરેલી સ્વરની જાતિઓને પ્રકટ કરે છે, ત્યારે ઇંદ્ર, શિવ અને બ્રહ્મા આદિક દેવતાઓ તે ગાયનનો શબ્દ મંદ, મધ્યમ અને ઊંચા પ્રકારથી જે દિશામાંથી આવે છે તે દિશામાં પોતાની ડોક અને ચિત્ત નમાવીને સાંભળવા છતાં અને પોતે વિદ્વાન છતાં પણ તે ગાયનનો ભેદ નહીં સમજાયાથી મોહ પામી જાય છે.૧૪-૧૫  ધ્વજ, વજ્ર, કમળ અને અંકુશનાં વિચિત્ર ચિહ્નોવાળાં પોતાનાં ચરણરૂપી કમળની પાંખડીઓ વડે, પશુઓની ખરીઓના દબાણથી થતી વ્રજભૂમિની પીડાને શમાવતા અને હાથી સરખી ચાલવાળા ભગવાન જયારે વેણુનો નાદ કરતા ચાલે છે ત્યારે તેમના વિલાસ ભરેલા કટાક્ષને લીધે કામદેવના વેગથી વ્યાપ્ત થએલી અને ઝાડના જેવી સ્થિતિને પામેલી અમોને મોહના બળથી વસ્ત્રનું કે કેશનું પણ ભાન રહેતું નથી.૧૬-૧૭ મણિઓની માળાને ધરનાર, કોઇ સમયે મણિઓથી ગાયોને ગણતા અને પ્યારી, ગંધવાળી તુલસીની માળાને પહેરનાર ભગવાન પોતાના સ્નેહી અનુચરના ખભા ઉપર હાથ મેલીને જયારે ગાય છે, ત્યારે વેણુના શબ્દથી જેનાં ચિત્ત હરાઇ જાય છે, એવી કાળિયાર મૃગની સ્ત્રીઓ, ગોપીઓની પેઠે ઘરની આશા છોડી દઇને અનેક ગુણના સમુદ્રરૂપ ભગવાનની પાસે જઇ તેમને અનુસરે છે પણ પાછી વળતી નથી.૧૮-૧૯  હે યશોદા ! ઉત્સવને લીધે મોગરાના ફૂલની માળાને ધરનારા ગોવાળો તથા ગાયોના ધણથી વીંટાએલા અને સ્નેહીઓને આનંદ આપનારા પુત્ર નંદકુમાર જયારે યમુનાજીમાં વિહાર કરે છે, ત્યારે પોતાના સ્પર્શથી ભગવાનને માન આપતો દક્ષિણનો મંદ પવન અનુકૂળ રીતે વીંજણો નાખે છે, અને ગંધર્વાદિકનાં ટોળાં બંદિજનની પેઠે સ્તુતિ વાજાં વગાડી ગાયન અને ભેટથી તે ભગવાનનું સેવન કરવા મંડી પડે છે.૨૦-૨૧  ગોવર્ધન પર્વતનું ધારણ કરવું એ આદિ કર્મોથી વ્રજ અને ગાયોનું રક્ષણ કરનાર, પરિશ્રમવાળી કાંતિથી પણ નેત્રોને આનંદ આપનાર, ખરીઓની રજથી ભરાઇ રહેલી માળાવાળા, ભક્તોના મનોરથોને પૂર્ણ કરવા સારુ દેવકીના ઉદરથી ઉત્પન્ન થયેલા, વેણુનો નાદ કરતા અને અનુચર લોકો જેમની ર્કીતિને ગાય છે, એવા શ્રીકૃષ્ણચંદ્ર સાયંકાળે સર્વે ગાયોના ધણને વાળીને જયારે વ્રજમાં પધારે છે. ત્યારે માર્ગમાં બ્રહ્માદિક પુરુષો તેમના ચરણમાં પ્રણામ કરવા લાગે છે તેથી આવતાં કેટલીક વાર લાગી જાય છે.૨૨-૨૩  કાંઇક મદથી ઘૂમતાં નેત્રવાળા, પોતાના સ્નેહીઓને માન આપનાર, થોડાક પાકેલાં બોરની પેઠે પાંડુવર્ણના મુખવાળા, વનમાળાને ધરનારા, સોનાના કુંડળની શોભાથી કોમળ ગંડસ્થળને શોભાવનાર, હાથીના જેવી ચાલવાળા, આ યાદવોના પતિ ભગવાન સાયંકાળે હસતે મોઢે જયારે વ્રજમાં પધારે છે, ત્યારે આપણે કે જેઓ વ્રજમાં બાંધી રાખેલી ગાયો છીએ તેના દિવસમાં થયેલ ભારે તાપને ચંદ્રમાની પેઠે શમાવે છે, આવા ભગવાનનો વિરહ આપણાથી કેવી રીતે ખમી શકાય ?૨૪-૨૫

શુકદેવજી કહે છે- હે પરીક્ષિત રાજા ! આવી રીતે જેઓનું જીવન અને મન ભગવાનમાં જ હતું, એવી મહાભાગ્યશાળી ગોપીઓ ભગવાનની લીલાઓનું ગાયન કરીને દિવસમાં પણ રાજી રહેતી હતી.૨૬

ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો પાંત્રીશમો અધ્યાય સંપૂર્ણ.