અધ્યાય ૬૭
બળદેવજીએ રૈવતાચળ પર્વત ઉપર દ્વિવિદ નામના વાનરને માર્યો.
પરીક્ષિત રાજા પૂછે છે અદ્ભુત કર્મ કરનાર, અનંત અને પ્રમાણમાં ન આવે એવા બલરામે જે કાંઇ બીજું પણ ચરિત્ર કર્યું હોય, તે પણ હું સાંભળવા ઇચ્છું છું.૧
શુકદેવજી કહે છે સુગ્રીવનો મંત્રી, મૈન્દ નામના વાનરનો ભાઇ અને પરાક્રમી દ્વિવિદ નામનો કોઇ વાનર નરકાસુરનો સખા હતો.૨ તે વાનર પોતાના મિત્રનું વૈર વાળવાની ઇચ્છાથી દેશનો નાશ થઇ જાય એવી રીતે પુર, ગામ, ખાણો અને વ્રજોમાં અગ્નિ મૂકીને તેઓને બાળતો હતો.૩ કોઇ સમયે પર્વતોને ઉપાડીને ગામોને ચૂર્ણ કરતો હતો. તેઓમાં આનર્ત દેશ કે જેમાં તેના મિત્રને મારનાર ભગવાન રહ્યા હતા, તેને તો બહુ જ સતાવતો હતો.૪ દશહજાર હાથીઓના બળવાળો એ વાનર કોઇ સમયે સમુદ્રની વચમાં ઊભો રહીને હાથવતે તેનું જળ ઉછાળી કાંઠાના દેશને બોળી દેતો હતો.૫ મોટા ઋષિઓના આશ્રમોના ઝાડ ભાંગીને એ દુષ્ટ વાનર યજ્ઞના અગ્નિને વિષ્ટા અને મૂત્રથી અભડાવતો હતો.૬ જેમ ભમરી કીડાને દરમાં નાખી રોકી રાખે, તેમ એ ગર્વવાળો વાનર સ્ત્રી-પુરુષોને પર્વતોના કોતર અને ગુફાઓમાં નાખીને તે સ્થાનકોને મોટી શિલાઓથી ઢાંકી દેતો હતો.૭ આ પ્રમાણે દેશોને દુઃખ દેતો અને સારા કુળની સ્ત્રીઓને દૂષિત કરતો એ વાનર, સુંદર ગાયન સાંભળીને રૈવતક નામના પર્વતમાં ગયો.૮ એ પર્વતમાં કમળની માળાવાળા, સર્વે સુંદર અંગોવાળા, સ્ત્રીઓના ટોળાના મધ્યમાં બેઠેલા, વારુણી મદિરા પીને ગાયન કરતા, મદથી વિહ્વળ નેત્રવાળા, મદ ઝરનારા હાથીની પેઠે શરીરથી શોભતા બલરામ તેના જોવામાં આવ્યા.૯-૧૦ એ દુષ્ટ વાનર શાખા ઉપર ચઢી વૃક્ષોને કંપાવતાં પોતાનું શરીર દેખાડીને કિકિયારી કરવા લાગ્યો.૧૧ યુવાન, જાતિથી ચપળ અને જેઓને હાસ્ય વહાલું હતું એવી બળદેવજીની સ્ત્રીઓ તે વાનરનું દુષ્ટપણું જોઇને હસવા લાગી.૧૨ બલરામના દેખતા જ તે સ્ત્રીઓને પોતાની ગુહ્ય ઇંદ્રિયો દેખાડતો તે વાનર ભૃકુટીના ઇશારાઓથી અને સામે આવવું એ આદિથી તેઓની ઠેકડી કરવા લાગ્યો.૧૩ પ્રહાર કરનારાઓમાં ઉત્તમ બલરામે ક્રોધ કરીને તેના ઉપર પથરો ફેંક્યો. પથરો પોતાને વાગવા નહીં દેતાં ધૂર્ત, બલરામને ક્રોધ ચઢાવતો અને હસતો એ વાનર મદિરાના કળશને ઉપાડીને ઠેકડી કરવા લાગ્યો, મદોન્મત્ત, ધૃષ્ટ અને બળવાન એ વાનરે કળશને ફોડી નાખી, બળભદ્રને નહીં ગણકારતાં સ્ત્રીઓનાં વસ્ત્રો ખેંચી ખેંચીને ફાડી નાખવા લાગ્યો.૧૪-૧૫ તે વાનરની એ અનીતિ જોઇને અને તેણે ઉપદ્રવ પમાડેલા દેશોને જોઇને, ક્રોધ પામેલા બળદેવજીએ તે શત્રુને મારી નાખવાની ઇચ્છાથી હળ અને મુશળ લીધાં.૧૬ મોટા બળવાળા દ્વિવિદે પણ હાથથી શાલનું ઝાડ ઉપાડી વેગથી બળદેવજીની સામે આવી, તે ઝાડ બળદેવજીના માથાંમાં માર્યું.૧૭ પર્વત જેવા બળભદ્રે પોતાના માથાં પર પડતા તે ઝાડને પકડી લીધું, અને તે વાનરાને સુનંદ નામના મુશળનો માર માર્યો.૧૮ મુશળથી માથું ભાંગી જતાં પણ તે પ્રહારને નહીં ગણકારતો વાનર, પર્વત જેમ ગેરુથી શોભે તેમ લોહીની ધારાથી શોભવા લાગ્યો.૧૯ ક્રોધ પામેલા તે વાનરે ફરી બીજું ઝાડ ઊખેડી પાંદડાં વગરનું કરી, તે ઝાડથી બલરામને પ્રહાર કર્યો, તે ઝાડના રામે સો ટૂકડા કર્યા.૨૦ પછી ક્રોધથી બીજું ઝાડ બળભદ્રને માર્યું, તો તે ઝાડના પણ તેમણે સો ટૂકડા કર્યા. આ પ્રમાણે બળભદ્રની સાથે યુદ્ધ કરતા તે વાનરે વારંવાર વૃક્ષો ભાંગી જતાં ચારે કોરથી વૃક્ષો ખેંચી લઇને તે વનને વૃક્ષ વગરનું કરી મૂક્યું. પછી ક્રોધ પામેલો તે વાનર બળદેવજીની ઉપર પથરાની વૃષ્ટિ કરવા લાગ્યો. મુશળના આયુધવાળા બળદેવે તે સર્વે પથરાઓનો લીલા માત્રમાં ભૂકો કરી નાખ્યો.૨૧-૨૨ મોટા વાનર દ્વિવિદે તાડ જેવડા બે હાથની મૂઠીઓ બળભદ્રની છાતીમાં મારી.૨૩ બળદેવે પણ ક્રોધ કરીને હળ તથા મુશળ છોડી દેતાં તે વાનરની હાંસડીમાં પોતાના બે હાથથી પ્રહાર કર્યો. એ પ્રહારથી લોહી ઓકતો તે વાનર પડી ગયો.૨૪ હે રાજા ! પાણીમાં વહાણ જેમ વાયુથી કંપે તેમ જળનાં છિદ્રો અને વનસ્પતિઓ સહિત એ પર્વત દ્વિવિદ વાનરના પડવાથી કંપવા લાગ્યો.૨૫ આકાશમાં પુષ્પની વૃષ્ટિ કરતા દેવો, સિદ્ધો અને મોટા મુનિઓ જય જય નમો નમઃ અને સારું થયું, સારું થયું એમ બોલવા લાગ્યા.૨૬ આ પ્રમાણે જગતને દુઃખ દેનારા દ્વિવિદ વાનરને મારી, લોકો દ્વારા સ્તુતિ કરાતા બળદેવજી દ્વારકામાં પધાર્યા.૨૭
ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો સડસઠમો અધ્યાય સંપૂર્ણ.