અધ્યાય ૬૮
બળદેવજીએ સાંબને છોડાવીને હસ્તિનાપુર ખેંચ્યું.
શુકદેવજી કહે છે હે રાજા ! જાંબવતીના પુત્ર, યુદ્ધમાં જય મેળવનાર સાંબે સ્વયંવરમાં રહેલી દુર્યોધનની કુંવરી લક્ષ્મણાનું હરણ કર્યું.૧ કૌરવો કોપ કરીને બોલવા લાગ્યા કે આ વિનય વગરનો છોકરો આપણને નહીં ગણકારીને જે આપણી કન્યા એ સાંબને ઇચ્છતી ન હતી છતાં, તે કન્યાને બળત્કારથી હરી ગયો છે.૨ માટે એ ઉદ્ધત છોકરાને બાંધી લો. યાદવો આપણે કૃપા કરી આપેલી પૃથ્વીને ભોગવે છે તેઓ શું કરશે ?૩ પુત્રને પકડેલો સાંભળી યાદવો જો અહીં આવશે તો ભાંગેલા ગર્વવાળા થઇને તેઓ દમન કરેલી ઇંદ્રિયોની પેઠે શાંત થઇ જશે.૪ આ પ્રમાણે બોલી ભિષ્મપિતામહની સંમતિથી કર્ણ, શલ, ભૂરિ, યજ્ઞકેતુ અને દુર્યોધન, તેઓ સાંબને બાંધવાની ગોઠવણ કરી.૫ મહારથી સાંબ પોતાની પાછળ દોડતા કૌરવોને જોઇ સુંદર ધનુષ હાથમાં લઇને સિંહની પેઠે એકલો તેઓની સામે ઊભો.૬ ક્રોધ પામેલા, પકડી લેવાને ઇચ્છતા, ‘ઊભો રહે, ઊભો રહે’ એમ બોલતા, એ કર્ણાદિક ધનુષધારીઓ સાંબની પાસે પહોંચીને તેના ઉપર બાણ વરસાવવા લાગ્યા.૭ હે રાજા ! તુચ્છ મૃગો દ્વારા તાડન કરાયેલું સિંહનું બચ્ચું જેમ સહન કરી શકે નહિ, તેમ કૌરવોએ વીંધેલો, અને યાદવોને રાજી કરનાર શ્રીકૃષ્ણનો પુત્ર તે સહન કરી શક્યો નહીં.૮ વીર સાંબે પોતાના સુંદર ધનુષનો ટંકાર કરી ભીષ્મપિતામહ સહિત, એ છ મહારથીઓને એક સામટા પ્રત્યેકને છ છ બાણથી પ્રહાર કર્યો.૯ ચાર બાણથી તેઓના ચાર ઘોડાઓને, એક બાણથી એક સારથીને અને એક બાણથી રથમાં બેસનારાઓને વીંધી નાખ્યા. એ સાંબના કર્મને છએ મહારથીઓ અભિનંદન આપવા લાગ્યા.૧૦ પછી એ છ વ્યક્તિઓએ સાંબને રથ વિનાનો કર્યો. ચાર જણાએ ચાર ઘોડા મારી નાખ્યા, એકે સારથિને મારી નાખ્યો અને એકે ધનુષ કાપી નાખ્યું.૧૧ કૌરવો યુદ્ધમાં ઘણા પરિશ્રમથી તે સાંબને રથ વગરનો કરી, બાંધી લેતાં જય મેળવીને તેને તથા પોતાની કન્યાને લઇને પોતાના પુરમાં ગયા.૧૨ હે રાજા ! નારદજીના કહેવાથી આ વાત સાંભળવામાં આવતાં ક્રોધ પામેલા અને ઉગ્રસેન રાજાએ પ્રેરેલા યાદવો કૌરવો ઉપર લડાઇ કરવા તત્પર થયા.૧૩ પણ કળિયુગના મેલને ટાળનાર બળદેવજી કૌરવો અને યાદવો વચ્ચે કજિયો વધવામાં રાજી ન હતા, તેથી સજ્જ થયેલા મોટા મોટા યાદવોની સાંત્વના કરી, સૂર્ય સરખા તેજસ્વી રથમાં બેસી હસ્તિનાપુર ગયા. ગ્રહોવડે જેમ ચંદ્રમા વીંટાએલો રહે તેમ બ્રાહ્મણોથી અને કુળના વૃદ્ધ પુરુષોથી વીંટાએલા તે બળદેવજી હસ્તિનાપુરમાં જઇને બહારની વાડીમાં ઉતર્યાં, ત્યાં રહીને અભિપ્રાય જાણવા સારુ તેમણે ઉદ્ધવજીને ધૃતરાષ્ટ્રની પાસે મોકલ્યા.૧૪-૧૬ ધૃતરાષ્ટ્ર, ભીષ્મ, દ્રોણ, બાલ્હિક અને દુર્યોધનને રીતિ પ્રમાણે પ્રણામ કરી, ઉદ્ધવજીએ બળદેવજી આવ્યાના સમાચાર આપ્યા.૧૭ પોતાના પરમ સ્નેહી રામને આવ્યા સાંભળી બહુ જ રાજી થયેલા તે કૌરવો ઉદ્ધવજીનો સત્કાર કરી હાથમાં ભેટ દેવાની ઉત્તમ વસ્તુઓ લઇને બળભદ્રની પાસે ગયા.૧૮ તેને યથા યોગ્ય રીતે મળીને ગાય તથા અર્ઘ્યનું નિવેદન કર્યું. તેમાં જેઓ બળભદ્રના પ્રભાવને જાણતા હતા તેઓએ મસ્તકવડે બળભદ્રને પ્રણામ કર્યા.૧૯ પરસ્પર કલ્યાણ તથા આરોગ્ય પૂછી સંબંધીઓનું કુશળ સાંભળી, પછી બળદેવજીએ આ પ્રમાણે તેજ ભરેલું વચન કહ્યું.૨૦
બળદેવજી કહે છે મહારાજાધિરાજ ઉગ્રસેને તમોને જે આજ્ઞા કરીછે તે સાવધાન પણાથી સાંભળીને તે પ્રમાણે કરો, વિલંબ કરશો નહીં.૨૧ ઉગ્રસેને કહ્યું છે કે તમોએ ઘણા જણા ભેગા થઇ અધર્મ કરીને ધર્મવાળા અમારા બાળકને જીતી લઇ બાંધી લીધો છે, તોપણ સંબંધીઓમાં સંપ રાખવાની ઇચ્છાથી તે વાત હું સહન કરું છું, તો હવે એ બાળકને છોડી આપો.૨૨
શુકદેવજી કહે છે હે રાજા ! પ્રભાવ, ઉત્સાહ અને બળને લીધે ઉચ્છ્રંખલ તથા પોતાની શક્તિને યોગ્ય બળદેવજીનું વચન સાંભળી કોપ પામેલા કૌરવો બોલ્યા કે ૨૩ ‘‘અહો ! કાળની દુરંત ગતિથી આ મોટું આશ્ચર્ય થયું છે કે મુકુટે સેવેલા મસ્તક ઉપર જોડા ચડવા ઇચ્છે છે.૨૪ આ યાદવો કુંતીના વિવાહને લીધે આપણી સાથે સંબન્ધવાળા થયા છે, એ યાદવોને રાજ્યાસન આપી તથા શય્યા, આસન અને ભોજન આપણી સાથે કરવા આપીને તેઓને આપણે આપણા જેવા કર્યા છે.૨૫ આપણે આગ્રહ રાખતા નથી, તેથી જ આ યાદવો ચામર, વીંજણા, શંખ, ધોળું છત્ર, કિરીટ, આસન અને શય્યાને ભોગવે છે.૨૬ ખેદની વાત છે કે આપણી કૃપાથી વધેલા યાદવો આજ નિર્લજ્જ થઇને આપણા ઉપર આજ્ઞા કરે છે. સર્પોને પાયેલું દૂધ જેમ પાનારનું જ ભૂંડું કરે, તેમ યાદવોને આપણે આપેલાં રાજચિહ્ન કે જેઓથી આપણું જ અવળું થાય છે. માટે તે હવે હરી લેવાં જોઇએ.૨૭ ભીષ્મ, દ્રોણ અને અર્જુનાદિક કૌરવોએ જે ન આપેલું હોય તેને ઇંદ્ર પણ કેમ લઇ શકે ? જેમ સિંહનો કોળિયો બકરું છીનવી શકે નહિ, તેમ આપણા આપ્યા વિના યાદવો રાજચિહ્નો છીનવી શકે નહિ.૨૮
શુકદેવજી કહે છે હે રાજા ! જન્મ બંધુ અને લક્ષ્મીથી મદોન્મત્ત થયેલા એ અસભ્ય લોકો બળદેવજીને આવાં દુર્વચનો સંભળાવી હસ્તિનાપુરમાં ગયા.૨૯ કૌરવોનો દુષ્ટસ્વભાવ જોઇને અને તેઓનાં દુર્વચન સાંભળીને કોપના વેગમાં આવેલા અને તેને લીધે સામું જોઇ શકાય નહીં એવા બલરામ વારંવાર હસીને આપ્રમાણે બોલ્યા.૩૦ બળદેવજી બોલે છે અનેક પ્રકારના મદોથી છકેલા નીચ પુરુષો શાંતિને ઇચ્છે જ નહીં. પશુઓ જેમ લાકડીથી જ શાંત થાય તેમ એવા લોકો દંડથી જ પાંશરા થાય.૩૧ અહો ! બહુ જ વેગમાં આવેલા યાદવોને અને કોપ પામેલા શ્રીકૃષ્ણને ધીરેધીરે સમજાવી, બન્ને વચ્ચે સમાધાન કરવાની ઇચ્છાથી હું અહીં આવ્યો, પણ મંદબુદ્ધિવાળા, કજિયામાં પ્રીતિ રાખનારા, અભિમાની અને ખળતા ભરેલા આ લોકો મારું અપમાન કરીને વારંવાર ન બોલવાનાં વચનો બોલી ગયા ! !૩૨-૩૩ ભોજ, વૃષ્ણિ અને અંધકકુળના સ્વામી ઉગ્રસેન કે જેની આજ્ઞામાં ઇંદ્રાદિક લોકપાળો પણ વર્તે છે, તેમને આ લોકો તો રાજા જ ગણતા નથી !૩૪ જે કૃષ્ણે દેવતાઓની સુધર્મા સભા પોતાને આધીન કરી છે અને દેવતાઓના વૃક્ષ પારિજાતકને પણ સ્વર્ગમાંથી લાવીને જે ભોગવે છે, તે તો આ લોકોના મનમાં સિંહાસનને યોગ્ય જ નથી.૩૫ સર્વ જગતની ઇશ્વરી સાક્ષાત લક્ષ્મી પણ જેનાં ચરણને સેવે છે, એવા લક્ષ્મીના પતિ શ્રીકૃષ્ણ આ લોકોના મનમાં રાજચિહ્નોને ધારણ કરવાને યોગ્ય જ નથી.૩૬ ગંગાજીને પણ તીર્થપણું આપનાર એવાં જેમના ચરણારવિંદની રજને સર્વે લોકપાળો પોતાના ઉત્તમ મુકુટો ઉપર ધરે છે, અને બ્રહ્મા, શિવ, લક્ષ્મી તથા હું પણ જેમના અંશના અંશરૂપ અને ચરણરજને અનાદિકાળથી ધારણ કરનારા છીએ, તે ભગવાનને રાજ્યાસન ક્યાંથી જ હોય.૩૭ કૌરવોએ આપેલા પૃથ્વીના કટકાને યાદવો ભોગવે છે ! અમો પગરખાં છીએ !૩૮ અહો ! મદિરા પીનારની પેઠે ઐશ્વર્યથી મત્ત થયેલા અભિમાની લોકોની અસંબદ્ધ અને કઠોર વાણીને શિક્ષા કરવાનું સામર્થ્ય ધરાવનાર કયો પુરુષ સહન કરે ? આજ હું પૃથ્વીને કૌરવો વગરની કરી નાખીશ.૩૯
શુકદેવજી કહે છે આ પ્રમાણે જાણે જગતને બાળવા ધારતા હોય તેમ ક્રોધ પામેલા બળદેવજી હાથમાં હળ લઇને ઊઠ્યા.૪૦ બળદેવજી હળના અગ્રભાગથી હસ્તિનાપુરને ઊખેડી ગંગાજીમાં ફેંકી દેવા સારુ ખેંચ્યું.૪૧ હસ્તિનાપુરને ખેંચાતુ ગંગાજીમાં પડતું અને વહાણની પેઠે હાલતુ જોઇને કૌરવો ગભરાયા.૪૨૨ કુટુંબ સહિત જીવવાને ઇચ્છતા કૌરવો, લક્ષ્મણા સહિત સાંબને આગળ કરી, હાથ જોડીને બળદેવજીના શરણે ગયા.૪૩
કૌરવો કહે છે હે બલરામ ! તમારા પ્રભાવને અમો જાણતા નથી. જે અમો મૂઢ અને કુબુદ્ધિમાન છીએ. તે અમારા અપરાધની ક્ષમા કરવી જોઇએ.૪૪ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના કારણરૂપ તમે જ છો. હે ઇશ્વર ! આ સર્વ લોકો ક્રીડા કરનાર આપના રમકડાંરૂપ છે, એમ તમોને યથાર્થ જાણનારા પુરુષો કહે છે.૪૫ હે અનંત ! હે હજાર મસ્તકવાળા ! તમે જ આ ભૂમંડળને એક મસ્તક ઉપર ધરી રહ્યા છો અને પ્રલયકાળમાં પોતાના સ્વરૂપમાં જગતનો લય કરી, અદ્વિતીય અને અવશેષ રહેનારા તમે જ શેષનાગ પર પોઢો છો.૪૬ હે મહારાજ ! આપ તો સત્વગુણને ધરનારા છો તે આપનો કોપ દ્વેષથી કે મત્સરથી હોતો નથી, પણ સર્વને શિખામણ દેવાને માટે હોય છે અને તેનું તાત્પર્ય જગતના રક્ષણ માટે હોય છે.૪૭ હે સર્વપદાર્થોના આત્મા ! હે સર્વ શક્તિઓને ધરનાર ! હે અવિનાશી ! અમે તમારે શરણે આવેલા છીએ અને તમોને પ્રણામ કરીએ છીએ.૪૮
શુકદેવજી કહે છે આ પ્રમાણે શરણાગત, ઉદ્વેગ પામેલા અને જેઓનું નગર ધ્રૂજતું હતું એવા કૌરવોએ પ્રસન્ન કરલા બળદેવજીએ ‘‘બીશો મા’’ એમ કહીને અભયદાન આપ્યું.૪૯ દુર્યોધને પ્રેમને લીધે સાઠ સાઠ વર્ષના બારસો હાથી, દશહજાર ઘોડા, સોનાના સૂર્ય સરખા તેજસ્વી છહજાર રથો અને જેઓના કંઠમાં સોનાની કંઠીઓ પહેરાવી હતી. એવી એકહજાર દાસીઓ પોતાની દીકરીને આપી.૫૦-૫૧ યાદવોમાં ઉત્તમ અને સંબંધીઓએ માન આપેલા બલરામ એ સર્વે લઇ દીકરા અને વહુની સાથે ત્યાંથી ચાલ્યા.૫૨ પછી બલરામે દ્વારકામાં આવી સ્નેહ ભરેલા સંબંધીઓને મળી, મુખ્ય યાદવોની સભામાં કૌરવો સાથેની સર્વે પોતાની વર્તણૂકની વાત કહી દેખાડી.૫૩ બળદેવજીના પરાક્રમને સૂચવતુ એ હસ્તિનાપુર હજુ સુધી પણ દક્ષિણ દિશાની કોર ઊંચું અને ગંગાજીની કોર ઢળતું દેખાય છે.૫૪
ઇતિ શ્રીમદ્મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો અડસઠમો અધ્યાય સંપૂર્ણ.