મંત્ર (૩૦) ૐ શ્રી ક્ષમાનિધયે નમઃ
શતાનંદ સ્વામી કહે છે, હે પુરુષોત્તમનારાયણ ! તમે ક્ષમાના નિધિ છો, ક્ષમાના સાગર છો, નદીમાં પાણી કદાચ ખૂટી જાય, કૂવામાં પાણી ખૂટી જાય, પણ સમુદ્રમાં કયારેય પણ પાણી ખૂટે નહિ. પ્રભુ ! તમે સાગર જેવા ક્ષમા રાખનારા છો, ક્ષમાના સાગર છો. ગમે તેવા કોઈ અપરાધ કરે, તમારૂં કોઈ અપમાન કરે, છતાં પ્રભુ ! તમે કોઈનો તિરસ્કાર કરો નહિ, વનવિચરણ વખતે અજ્ઞાનીઓએ ખૂબ અપમાન કર્યું, છતાં તમે ક્ષમા રાખીને અજ્ઞાનીને જ્ઞાન આપી સન્માર્ગે વાળ્યા.
અજ્ઞાનીના ઓરતા ન હોય, પ્રભુ કેવા ક્ષમાનિધિ છે. માનસપુરના રાજા સત્રધર્મા સન્માન પૂર્વક પ્રભુને પોતાના રાજભુવનમાં લઈ આવ્યા, અને કહ્યું કે, "હે બાલાજોગી ! તમે મારા મહેલમાં રહો." પ્રભુએ કહ્યું, "અમે જંગલના યોગી છીએ, તેથી જંગલમાં રહેવું બહુ ગમે."
જંગલમાં આસન વાળી બેસી ગયા. ત્યાં વેષધારી બાવા ઘણા હતા, તેને ઈર્ષા બહુ હતી. આ બાલાયોગીને રાજા માન બહુ આપે છે. તો એ યોગીને કાંઈક કરી નાખીએ તો આપણે પૂજાઈએ. વેરવૃત્તિથી સંતાઈ સંતાઈને બાલાયોગી ઊપર પથ્થરા ફેંકે પણ પ્રભુને એક પણ પથ્થર વાગે નહિ. અડખે પડખે પથ્થરાનો કોટ ખડકાઈ ગયો. સવાર પડી રાજા આવ્યા. જુએ છે તો પથ્થરાના કોટ વચ્ચે ધ્યાનસ્થ મુદ્રામાં બાલાયોગી બેઠા છે.
રાજા પ્રભુના ચરણમાં ઢળી પડ્યા. પથ્થરા ફેંકયા છતાં પ્રભુ કાંઈ બોલ્યા નહિ, આવા ક્ષમાનિધિ છે. ક્ષમાવાન છે, રાજાને ખબર નથી કે આ બાલાયોગી છે તે ભગવાન છે, ભગવાન ક્ષમાનિધિ છે અને આપણને ક્ષમાનો ઊપદેશ આપે છે. આપણે બધા સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છીએ, તો થોડા ઘણા ગુણ કેળવવા જોઈએ, ક્ષમા આપતાં શીખવું જોઈએ.
આપણા બધાના સ્વભાવ કેવા ?એક બે મિનિટ ક્ષમા રહે પછી તરત ગરમી આવી જાય. ક્ષમા એટલે શું ? જતું કરી દેવું એને ક્ષમા કહેવાય. ગમે તેટલા આપણા ગુન્હા કર્યા હોય, છતાં એને માફી આપી દેવી તેને કહેવાય ક્ષમા.
કોઈનો વાંક હોય તો જતું કરતાં શીખજો, વાતને પકડી ન રાખજો, માણસ સમજે કે જતું કરીએ તો વટ જાય, પણ ઊંડાણમાંથી વિચારજો, જતું કરીએ તો વટ જાય નહિ પણ વટ રહી જાય, ક્ષમા રાખે તે સુખી થાય.
ક્ષમા ધરે તે સુખિયા સદાય, ક્ષમા વિના પ્રાણી ઘણા પીડાય ।
ક્ષમા રાખજો ધીરજ ધારી, રક્ષા કરશે શ્રીકૃષ્ણ તમારી ।।
આ સંપ્રદાયનો પાયો સહનશીલતા ઊપર જ રચાયેલો છે. નંદ સંતોનાં જીવન જુઓ, અસુરોએ પથ્થર માર્યા, કાદવ નાખ્યા, બળદની રાશથી માર્યા, શરીરમાં સીઠા પડી ગયા, લાકડીથી એટલા માર્યા સંતોને, ઢોરની જેમ કે લાકડી પણ ભાંગી જાય, વિચાર કરો મારતાં મારતાં લાકડી ભાંગી જાય, એ કેટલું માર્યું હશે ? છતાં પણ મૂંગે મોઢે સંતોએ સહન કર્યું અને ભલું જ ઈચ્છ્યું, ત્યારે અસુરોને ધીરે ધીરે સત્ય વાત સમજાણી અને સત્સંગી થયા, પથ્થર મારનારા આસુરી જીવો પછી સંતના પગમાં પડતા અને કથા સાંભળવા આવતા. ક્ષમાના ગુણથી બહુ ફાયદા થાય છે.
-: આજે ઈડરિયો ગઢ જીત્યા :-
આપણા સંપ્રદાયનો પ્રસિદ્ધ પ્રસંગ છે આણંદનો, આણંદમાં જેટલા માણસો રહેતા હતા તેમને બધાંને સ્વામિનારાયણ ભગવાન સાથે અને સ્વામિનારાયણના સંતો સાથે વેર. એક વખત કાઠી દરબારો સાથે પ્રભુ આણંદ વચ્ચેથી પસાર થયા, પહેલેથી પ્રભુએ કહ્યું કે, હે સંતો ! પાર્ષદો ! આ ગામની પ્રજા અજ્ઞાની છે, ઊધ્ધત છે, પથ્થરા મારશે, કોઈ ગારો ફેંકશે, કોઈ ગાળો બોલશે, પણ તમારે કોઈને કાંઈ પણ બોલવાનું નથી, હું એક કડક આજ્ઞા કરું છું, કે તમારે બધાએ પછેડીના ઘૂંઘટા કાઢવાના છે.
ત્યારે ભકતજનોએ કહ્યું કે - હે પ્રભુ ! અમે શું બૈરાં છીએ કે લાજ કાઢીએ ? અમે તો શૂરવીર ક્ષત્રિય છીએ, પથ્થરાના માર અમે સહન નહિ કરીએ. એને પૂરા કરી દેશું, જીવતા નહિ રહેવા દઈએ, શ્રીજીમહારાજે કહ્યું - હે ભકતજનો ! હું કહું તેમ તમારે કરવું પડશે, એમાં મારો રાજીપો રહેશે.
ભગવાનની આજ્ઞાથી બધાય ભકતજનોએ ઘૂંઘટા કાઢ્યા અને પોતપોતાના ઘોડા ઊપર સવાર થયા, કોઈક પગપાળા ચાલે છે. ગામ વચ્ચે આવ્યા ત્યાં અજ્ઞાનીઓનું ટોળું ધસી આવ્યું અને ફાવે તેમ મંડ્યું પથ્થરા ફેંકવા, કોઈ ગારો ને કીચડ ઊડાડે.
જોબનપગી કહે છે - મહારાજ ! હવે હદ થાય છે. અમારી નજર સામે અમારા ઈષ્ટદેવને હેરાન કરે, પથ્થરા મારે, કાદવ ફેંકે, મને રજા દો, હમણાં આણંદને ભાંગીને ભૂકો કરી નાખું, મેં ત્રણ વાર આ ગામને ધોળે દહાડે લૂંટ્યું છે, કોઈને જીવતા ન રાખું, લબાડ શું સમજે છે ? હમણાં હતા ન હતા કરી નાખું, હાથમાં તીર કામઠાં લઈને દોટ મૂકી.
ત્યારે શ્રીજીમહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું, સ્વામી ! દોડો, જો ખેલ ખેલશે તો આજે આણંદમાં અનેકનો ઘાણ વારી નાખશે, લડાઈ થશે અને લોહીની નદીઓ વહેશે. બ્રહ્માનંદ સ્વામીએ દોડીને જોબનપગીનો હાથ ઝાલી લીધો, જોબન શ્રીજીનાં વચનને યાદ કરીને પાછો વળી જા નહિતર જુલમ થશે.
ત્યારે જોબને કહ્યું - આજે એક એકનાં માથાં ઝાલી ભટકાવીને પૂરા કરીશ, જીવતાં ન મૂકું, ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, જોબન ! શ્રીજીમહારાજે પહેલેથી જ કહ્યું છે, સહન કરજો, પણ ઝઘડા ન કરશો, સમજી જા જોબન સમજી જા.
માંડ માંડ સમજાવ્યા, વળી આગળ વધ્યા ત્યાં, દુષ્ટોએ શ્રીજીમહારાજ ઊપર કાદવ ફકયો, જોબને કહ્યું, હે પ્રભુ ! લડવા ન દો તો કાંઈ નહિ, પણ ઘૂંઘટો ઊંચો કરવા દો, એ બધાને ખબર પડશે કે આ વડતાલો જોબન લૂંટારો છે, તો પણ ડરીને ભાગી જશે, લાજ ઊંચી કરી મારું મોઢું દેખડાવા દો, પછી ખબર પડે કે પથ્થરા કેમ ફેંકાય છે. જોબનપગી લાલ પીળા થઈ ગયા, ત્યારે શ્રીજીમહારાજે કહ્યું, ઘૂંઘટો ઊંચો નથી કરવો અને લડાઈ પણ નથી કરવી, આવી રીતે દ્વેષીલાઓ કાદવ, કીચડ અને પથ્થરા ફેંકતા રહ્યા અને શ્રીજીમહારાજ તથા સંતો બધા ગામ બહાર નીકળી ગયા.
કાદવ કીચડથી ખરડાયેલા બધા આગળ જતાં એક ઝાડ નીચે બેઠા, ત્યારે શ્રીજીમહારાજે કહ્યું, "આજે આપણે ઈડરિયો ગઢ જીત્યા, ક્રોધ જીતાઈ ગયો. એ ઈડરિયો ગઢ કહેવાય. સામ સામા લડત તો શું થાત ? લોહીની નદીયું વહેત, અને વેર ઝેર વધત પણ ઘટત નહિ અને અનેકની હત્યાનું પાપ લાગત."
સમય ઊપર જો ક્રોધ જીતાઈ જાય તો એ જગ જીતી જાય, પણ અણી ઊપર ક્ષમા રાખવી બહુ મુશકેલ છે. ક્ષમા રાખે તે સુખી થાય. શ્રીજીમહારાજે કહ્યું, હે ભકતજનો ! આપણે આ જગતમાં જીવનો ઊધ્ધાર કરવા આવ્યા છીએ પણ ઊત્પાત કરવા આવ્યા નથી. ક્ષમા એ ખડગ છે. ક્ષમા જેવી કોઈ ધીરજ નથી. માટે હે ભકતજનો ! હર હમેશાં ક્ષમા રાખતાં શીખજો. જેણે જેણે દ્રોહ કર્યાં છે, તે અસુરભાવને પામી ગયા છે, અને જેણે ક્ષમા રાખી છે તે અમર બની ગયા છે.
-: ક્ષમા છે તે સમર્થનું ભૂષણ છે :-
આ મંત્ર આપણને બધાને અંતરમાં ઊતારવા જેવો છે, વાતની વાતમાં ગરમ થવું નહિ, તો જ જીવવાની મજા આવશે, રમવાની મજા આવશે, ફરવાની મજા આવશે, જમવાની મજા આવશે. અને સત્સંગ કરવાની મજા આવશે, નહતર બધી મજા ઉડી જશે અને ઉંઘ પણ ઉડી જશે. માટે વર્તમાનકાળ સુધારી લેવો.
આજે અજ્ઞાની માણસો સામાન્ય વાતમાં વેર ઝેર રાખીને જૂના વરસોના સંબંધો પણ તોડી નાખે છે. પતિ પત્નીના સંબંધો પણ તોડી નાખે છે. ગુરુ શિષ્યના સંબંધો પણ તોડી નાખે છે. બાપ દીકરાના સંબંધો પણ તોડી નાખે છે. ભાઈ ભાઈના સંબંધો પણ તોડી નાખે છે. અને આવેશમાં ને આવેશમાં અનર્થ કરી બેસે છે, વેર ઝેરમાં જ જીવન બરબાદ કરી સમાપ્ત કરી નાખે છે.
આપણે બધા દરરોજ જનમંગળના પાઠ કરીએ છીએ, આપણે બોલીએ, સમજીએ અને અંતરમાં જો ન ઊતારીએ તો આપણા જેવો કોઈ મૂર્ખ નહિ.
ગંગાજીએ જાય અને નહાય નહિ તે મૂર્ખ કહેવાય. તેમ આ એક એક મંત્રની કથા ગંગાજી જેવી છે. બદ્રિકાશ્રમમાંથી સપ્તધારા વહે છે. અને શતાનંદ સ્વામીના મુખમાંથી ૧૦૮ ધારા વહે છે, એ ધારામાં આપણે બધાએ આત્માને સ્નાન કરાવવાનું છે, સમજણ પૂર્વક જો નિત્ય સ્નાન થાય તો જીવન ધન્ય બની જાય, અને જીવવાની મજા આવે, અને સદંતર સુખી થવાય. આલોકમાં પણ સુખી થાય અને પરલોકમાં પણ સુખી થાય, ક્ષમા છે તે સમર્થનું ભૂષણ છે, ક્ષમાવાળાને આ લોકમાં અને પરલોકમાં સુખ મળે છે. ક્ષમાવાળાને સન્માન મળે છે. ક્ષમાથી વેરઝેર નાશ પામી જાય છે. યજ્ઞવાન કરતાં ક્ષમાવાન ઊત્તમ છે, ક્ષમાને વશીકરણી વિદ્યા કહેવાય છે, દુઃખ નાશ કરવામાં ક્ષમા એ ખડગ છે.
આવા શ્રીજીમહારાજના ચરણોમાં વારંવાર નમસ્કાર કરીએ છીએ.