મંત્ર (૩૧) ૐ શ્રી સદોન્નિદ્રાય નમઃ
શતાનંદસ્વામી કહે છે - હે પ્રભુ ! તમે નિદ્રાજીત છો, તમે સદાય જાગતા જ રહો છો. ભગવાન આ દુનિયાના ડ્રાઈવર છે, ડ્રાઈવર ગાડી ચલાવે ત્યારે ઊંઘે તો પેસેન્જરનું શું થાય ? તેવી રીતે ભગવાન અનંત બ્રહ્માંડોને ચલાવે છે, જો ઊંઘી જાય તો આ દુનિયાનું અચ્યુતમ્ કેશવમ્ થઈ જાય. વો તો સદા જાગને વાલે હે । (કભી મોહનિંદ્રામેં નહી હૈં.)
ભગવાન જયારે યોગનિદ્રામાં હોય ત્યારે પ્રભુને લગારેક કોઈ અડકે તો તરત જાગી જાય,
ભર નિંદ્રામાં રે, પોઢ્યા હોય મુનિરાય, કોઈ અજારે રે, લગાર અડી જાય,
ત્યારે ફડકી રે, જાગે સુંદર શ્યામ, કોણ છે પૂછે રે, સેવકને સુખધામ ।।
પ્રભુ યોગનિદ્રામાં હોય અને કોઈક જગાડે તો પણ જરાય ગુસ્સો ન આવે, સદાય આનંદમાં જવાબ આપે, ઊંઘમાંથી જગાડે તોય કાંઈ ન થાય. ઘણાં માણસો આ દુનિયામાં એવાં હોય, જો ઊંઘમાંથી જગાડો તો જોઈ લો એના ગુસ્સાનો રંગ ! જાણે સર્પે ફોણ ચડાવી ! એવા ખીજાઈ જાય, નજીક ન જવાય. આ મંત્ર સમજવામાં ધ્યાન દેજો.
-: શ્રીજીએ સમાજને જગાડવાનું કામ કર્યું છે. :-
આખું જગત મોહનિદ્રામાં સૂતું છે. જાગેલો બીજાને જગાડી શકે, ઊંઘેલો ઊંઘેલાને કેમ જગાડે ? ખુલ્લી આંખે આખું જગત મોહ, મમતામાં સૂતું છે. મોહે મનુષ્યોને એવા વશ કર્યા છે કે- માથું ઊંચું કરવા નથી દેતા. પૈસાનો મોહ, આખી જિંદગી પૈસાની પાછળ ગુમાવી દે, પૈસા ભેગા કરવાનું એક તાન થઈ જાય.
સ્ત્રીનો મોહ, એનું રૂપ, એની વાણી હૈયામાં ખૂંપી જાય. સ્ત્રીનો મોહ તો ભલભલાને ઉથલાવીને નિંદાને પાત્ર બનાવીને ઈજજતને ગુમાવી દે છે. મન એવું ખરાબ છે. નારીને નખથી શિખા સુધી નિહાળ્યા કરે, પછી હૃદય આખું સળગે, મંડે ઉથલ પાથલ થવા, પછી સદ્વિચારનાં મૂળિયાં કાપી નાખે અને મોહના મૂળિયાં પાંગરે મોહથી આંધળા થઈ એટલા બધા હેરાન થાય કે ન પૂછો વાત.
પછી તે માયાનો અસલ દીકરો બની જાય, માયા એને બરાબર જેવો ફસાવી દે. કોઈ દિવસ ભગવાનનું નામ ન લે. કોઈ દિવસ મંદિરે દર્શન કરવા ન જાય. સાધુ સંતને નમે નહિ, સત્સંગમાં જવું ગમે નહિ, રાસ રમવો ગમે નહિ, સાવ જાનવર જેવો કરી નાખે છે મોહ.
મોહ શું કરે ખબર છે ? મોહ સ્ત્રીમાં મન જોડાવે પણ શ્રીજીમાં ન જોડાવે, મોહ ખરાબ ખવડાવે, મોહ ન જોવાનું જોવડાવે, મોહ ન સૂંઘવાનું સૂંઘવાડે, મોહ જયાં ન જવા જેવું હોય ત્યાં લઈ જાય, બધું કરાવે, માનવ માત્રને બીડી પીવડાવે, ગાળો બોલાવરાવે, તમાકુ ખવડાવે, ગાંજો ખવડાવે, વ્યભિચાર કરાવે, દારૂ પીવડાવે, આવાં બધાં પાપમાં કાંઈ બાકી ન રાખે. પણ મોહ એક વાનું ન કરાવડાવે, શું ? તો.
એક પ્રભુનું ભજન ન કરવા દે, આવો મોહ ખરાબ છે. શ્રીજીમહારાજે સમાજને જગાડવાનું કામ કર્યું છે, અને બ્રહ્મરસ પાવાનું કામ કર્યું છે, પોતે સદાય જાગતા રહે છે અને ભકતજનોને સાવધાન કરે છે, જાગતા રહેજો, જાગતા રહેજો, નહિતર ચોર
ચોરી કરી જશે. શેની ચોરી કરશે ? જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ, ભક્તિ, દયા, શાંતિ, શીલ, સંતોષ વગેરે સદ્ગુણોની ચોરી કરી જશે, માટે જાગતા રહેજો. જો અંતરમાં અંધારું થઈ જાશે તો ચોર માલ ચોરી જશે. જ્ઞાનનું અજવાળું સદાય રહે તેવી રીતે જાગતા રહેજો. આપણા બદ્રિદાસજી બહુ સરસ કીર્તન ગાઈને બધાને જગાડે છે.
જોને જીવ જાગી જોને પ્રાણી જાગી;હાંરે એળે ઉંમર જાય છે અભાગી... જોને જીવ૦
હાંરે સાચા સંતને સેવીને સુખી થાને;હાંરે હેતે ગુણ ગોવદના ગાને... જોને જીવ૦
હાંરે હરિકૃષ્ણ કેશવ કાન કહેને;હાંરે સંત બ્રાહ્મણને અન્ન જળ દેને... જોને જીવ૦
બદરીદાસ સ્વામી કહે છે ભગવાનની આજ્ઞા પ્રમાણે ચાલજો. સંતની વાત હૈયામાં ધારજો અને સદાય ચેતીને ચાલજો. ને જો જરાક ગાફલાઈ રાખશો તો અંતરશત્રુ એટલા જોરદાર છે કે અનર્થ કરાવી, પાપ કરાવી, દ્રોહ કરાવી, ઈર્ષા કરાવીને તમને ઊંડા ખાડામાં ઊતારી દેશે.
બદરીનાથ કહે જમનો માર ખાશો, હાંરે પછી હાથ ઘસીને પસ્તાશો...જોને જીવ૦
તમે જાગો ને બીજાને જગાડો. જો ભક્તિનો રંગ લાગી જાય તો આ લોકના રંગ બધા ઓગળીને નીકળી જાય અને સત્ય વસ્તુનું ભાન થાય કે મારે શું કરવું જોઈએ ?
પ્રભુ માણકી ઘોડી ઊપર બેસીને એક ગામથી બીજે ગામ અને બીજે ગામથી ત્રીજે ગામ આમ સતત સૌને જાગતા રાખવા ફર્યા છે. મુમુક્ષુને સત્યનો રસ્તો બતાવવા ખૂબ પ્રયત્ન કરેલા છે. અને ગામડે ગામડે ફરીને ઊપદેશ આપીને ધર્મનો માર્ગ બતાવેલો છે.
એક વાત અવશ્ય સમજવી જ પડશે કે, દેહના સુખનો ત્યાગ કર્યા સિવાય આત્મમાં ભક્તિની શકિત આવતી નથી. શરીરનું સુખ અને ઈંદ્રિયોનું પંચવિષયનું સુખ ભોગવીને ભક્તિ કરે તેના ઊપર ભગવાનને દયા આવતી નથી અને જોઈએ તેવા રાજી થતા નથી. પણ જે શરીરનું સુખ, શરીરનો મોહ, ખાધા પીધાનો, પહેરવા ઓઢવાનો મોહ છોડીને ઈંદ્રિયોનું દમન કરે અને પંચવિષયનો ત્યાગ રાખે તો તેના ઊપર ભગવાન દયા કરે છે અને ખૂબ રાજી થાય છે.
બીજી બાબત એ છે કે, જેને ભગવાન ભજવા હોય, જીવનું કલ્યાણ કરવું હોય તેને જીવનમાંથી આળસ અને ઊંઘને ઓછાં કરવા જ પડે. ઊંઘ ને આળસ ભજનમાં વિઘ્નરૂપ છે.
લીલુડા લીંબડા નીચે ગઢપુરમાં શ્રીજીમહારાજ સભામાં બેસે અને કોઈને નિંદ્રા આવી જાય તો સોપારીનો બેરખો મારીને જગાડે. ભકતજન સફાળા જાગી જાય અને સોપારીનો બેરખો શ્રીજીમહારાજને આપીને પગે લાગે. આ રીતે પણ પ્રભુ બધા ભકતોને જગાડે છે. શ્રીજીમહારાજનું મૂળ સૂત્ર છે ઊંઘને જીતો.
લક્ષ્મણજી ચૌદ વરસ ઊંઘ્યા નથી. એતો એજ કરી શકે, બીજાથી ચૌદ દિવસ પણ ઊંઘ જીતાય નહિ. તો કઈ રીતે ઊંઘ જીતવી ? તો વૈજ્ઞાનિકો પણ કહે છે કે ચોવીસ કલાકમાં છ કલાક શરીરને આરામ કરવાનો હોય છે. એ શરીરની પ્રકૃતિ છે અને એથી વધારે જે ઊંઘ છે તે વિકૃતિ છે.
સત્યની નજીક જે જીવ્યા એટલું જાગ્યા કહેવાય, ભગવાનની ભક્તિથી રંગાઈને કથા, કીર્તન આદિક સત્કર્મ કર્યું તે જાગ્યા કહેવાય.
શતાનંદ સ્વામી કહે છે- નિંદ્રાજીત સદાય જાગતા એવા શ્રીહરિને હું નમસ્કાર કરું છું.