મંત્ર (૩૨) ૐ શ્રી ધ્યાનનિષ્ઠાય નમઃ
શતાનંદ સ્વામી કહે છે - હે પ્રભુ ! તમે સદાય તમારા સ્વરૂપનું ધ્યાન કરો છો. ધ્યાન કોનું કરવું ? જે પરબ્રહ્મ પરમ તત્ત્વ છે જેને પુરુષોત્તમ કહે છે, જેને નારાયણ કહે છે, જેને વાસુદેવ કહે છે, એવા જે પોતાના ઈષ્ટદેવ તેનું ધ્યાન કરવાથી પ્રભુનો સાક્ષાત્કાર થાય છે. ધ્યાન એટલે શું ? ધ્યાન એટલે એકાગ્રતા અને તનમયતા. ચિત્તનો હરિમાં નિરોધ કરવો તેને ધ્યાન કહેવાય છે.
જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે. ધ્યાન કરવાથી જલદી માયામાંથી છૂટાય છે અને પ્રભુની પ્રાપ્તિ થાય છે. મહા અલૌકિક ભગવાનની મૂર્તિના સુખનો ખજાનો એને હાથ આવે છે.
ઝાડને જેમ પાણીની જરૂર છે, શરીરને જેમ ખોરાકની જરૂર છે, તેમ જીવને ભગવાનના ધ્યાનની ઘણી જરૂર છે. પાણી વિના જેમ ઝાડ સૂકાઈ જાય છે, અન્ન વિના જેમ શરીર નબળું પડી જાય છે, તેમ જપ તથા ધ્યાન વિના જીવ ભગવાનની ભક્તિમાં મોળો પડી જાય છે.
જે ભકતજન ભગવાનનું ધ્યાન કરે છે તેને પ્રભુ પોતાના કરી લે છે અને પોતે પણ તેના થઈ જાય છે. ધ્યાન કરવાથી પવિત્ર માણસની પવિત્રતા જળવાય છે, તથા વધતી જાય છે. પાપીઓનાં પાપ રોજ રોજ ઓછાં થાય છે. જેમ સૂર્ય ઊગવાથી અજવાળું થાય
છે, તેમ ભગવાનનું ધ્યાન ધરવાથી અંતરનું અજ્ઞાન ઘટતું જાય છે અને સત્ય જ્ઞાનનો ઊદય થાય છે.
જેમ નીરોગી માણસોને બહુ ભૂખ લાગે છે, તેમ પવિત્ર માણસોને પ્રભુનું ધ્યાન ધરવાની બહુ ઈચ્છા થાય છે. જેનું તમે ધ્યાન કરો તેની શકિત તમારામાં આવવા લાગે છે. તે સ્વરૂપના ગુણ તમારામાં આવશે. જેમ ઈયળ ભમરીનું ધ્યાન કરે છે, તો તે ઈયળ ભમરી બની જાય છે, તેમ જે કોઈ ભકતજન પરમાત્માનું ધ્યાન કરે છે, તો તે બ્રહ્મરૂપ બની જાય છે.
-: ધ્યાન બહુ અગત્યની આરાધના છે :-
ધ્યાનની ઊત્તમ સ્થિતિ કઈ છે ? સવાર સાંજ નિયમિત રીતે એકાંતમાં બેસીને જગતના તમામ ભાવ તદ્દન ભૂલી જઈને, એકાગ્રચિત્તથી ભગવત્ સ્વરૂપમાં તલ્લીન બની જવું, એકાંત એટલે ઓરડામાં એકલા એ નહિ. તમે રૂમમાં એકલા પણ મનમાં કેટલા ? સર્વ ક્રિયામાં અખંડ ભગવત્ સ્મરણ ચિંતન પૂર્વક મનનીવૃત્તિ મૂર્તિમાં અર્હિનશ જોડાયેલી રહે, કદી પણ અનુસંધાન વિસરે નહિ એ ધ્યાનની ઊત્તમ સ્થિતિ ગણાય છે.
આવી સ્થિતિ થઈ જાય પછી ધ્યાન કરવામાં બિલકુલ આળસ કે પ્રમાદ થાય નહિ. ગોપીઓને ધ્યાન કરવું નહોતું પડતું, સહેજે ધ્યાન થઈ જતું હતું. તમામ પદાર્થમાં તેને પરમાત્મા દેખાતા હતા. ધ્યાન બહુ અગત્યની આરાધના છે. કથા વાંચવામાં કે સાંભળવામાં
પણ ધ્યાન રાખવું પડે, તો જ બરાબર સમજાય, નહિતર કાંઈ સમજાય નહિ. માળા ફેરવવા બેસીએ ત્યારે પણ ધ્યાન રાખવું પડે, રસોઈ બનાવવી હોય ત્યારે પણ ધ્યાન રાખવું પડે, ને જો ન રાખીએ તો કાચી રહી જાય અને કાંતો દાઝી જાય. વેપાર કરતા હો તો તેમાં પણ ધ્યાન રાખવું પડે, નહિ તો નુકશાન થાય, પ્રત્યેક બાબતમાં એકાગ્રતા કેળવવી પડે છે.
ધ્યાનનો કોઈ સમય નિશ્ચિત નથી. ગમે ત્યારે થઈ શકે સવારે, સાંજે કે રાત્રે પણ થઈ શકે. આરાધનામાં ઊતાવળ ન ચાલે, ધીરજ જોઈએ. મુકતાનંદસ્વામી ગાય છે.
ધ્યાન ધર ધ્યાન ધર ધર્મના પુત્રનું, જે થકી સર્વ સંતાપ નાશે;
કોટિ રવિ ચંદ્રની કાંતિ ઝાંખી કરે, એવા તારા ઊર વિશે નાથ ભાસે.. ધ્યાન૦
રાત રહે પાછલી ચાર ઘટિકા ત્યારે, સંતને શયન તજી ભજન કરકવું;
સ્વામિનારાયણ નામ ઊચ્ચારવું, પ્રગટ પરબ્રહ્મનું ધ્યાન ધરવું.. રાત રહે૦
સવારના વહેલાં ઊઠીને ભગવાનને યાદ કરવા, ભગવાનનું ધ્યાન ધરવું પણ આળ પંપાળ બકવું નહિ.
તે સમે આળ પંપાળ બકવું નહિ, ચિત્ત હરિ ચરણમાં પ્રોઈ દેવું;
ગૃહસ્થને જગત જંજાળને પરહરી, કૃષ્ણ ગોવદ ગોપાળ કહેવું... રાત રહે૦
જે સારી રીતે ભગવાનના અંગે અંગનું ધ્યાન કરે છે, તેની સંશયગ્રંથિ, કર્મગ્રંથિ, અહંગ્રંથિ અને મમત્વગ્રંથિઓ ટળી જાય છે. કારણ શરીરમાં વાસના નિવૃત્તિ પામે છે, ચિત્ત નિર્મળ થાય છે, જીવ મહાશાંતિને પામે છે, અંતરશત્રુ દૂર થાય છે.
સો વર્ષ સુધી વાયુ ભક્ષણ કરી એક પગે ઉભો રહે તે કરતાં પણ ધ્યાન કરનાર શ્રેષ્ઠ છે. હજાર અશ્વમેઘ અને રાજસૂય યજ્ઞ કરતાં પણ ધ્યાન શ્રેષ્ઠ છે. ધ્યાન કરવાથી મન ધીરે ધીરે ભગવાનના સ્વરૂપમાં કેન્દ્રિત થાય છે.
ધ્યાન કરવાથી શાંતિ મળે છે, જગત ભૂલાય છે, તેથી આનંદનો અનુભવ થાય છે. આનંદ જગતમાં નથી, આનંદ જગતને ભૂલવામાં છે. જગતને ભૂલતા જઈએ તેમ તેમ અંદરનો આનંદ વધે છે, પછી સાચા આનંદની સૃષ્ટિમાં પ્રવેશ મળે છે, પછી તેને કોઈ પણ રમણીય પદાર્થ લોભાવી શકતાં નથી, મસ્તીથી હરિગુણ ગાય છે.