મંત્ર (૬૮) ૐ શ્રી બ્રહ્મધામદર્શકાય નમઃ
શતાનંદસ્વામી કહે છે. હે પ્રભુ ! તમે ભક્તજનોને અક્ષરધામ દેખાડનારા છો. ભગવાન સ્વામિનારાયણે છતા દેહે અનેકને અક્ષરધામમાં મોકલ્યા છે. પ્રભુ બ્રહ્મપુર દર્શક છે. પાત્ર હોય કે કુપાત્ર હોય ભગવાન કરુણા દૃષ્ટિ કરે ત્યારે બ્રહ્મપુરમાં ગતિ થઇ જાય. ત્યાં ભગવાનનાં દર્શન થાય જાગે ત્યારે ભગવાનના ચરણમાં પડે.
-: તેની સેવામાં તમે લાગી જાવ. :-
ઝરણાપરણાના શીતળદાસ બ્રાહ્મણ ભગવાનની ખૂબ ભક્તિ કરે. એક વખતતે યાત્રામાં ફરતાં ફરતાં દ્વારિકામાં આવ્યા. ત્યાં એને કોઇકે કહ્યું. ‘‘ગામ ફણેણીમાં રામાનંદ સ્વામીને બધા ઇશ્વર તરીકે પૂજે છે, ત્યાં તમે જાવ !’’ શીતળદાસ ફણેણી આવ્યા, તો રામાનંદ સ્વામી દેહ છતાં હતા નહિ, તે અક્ષરધામમાં ગયેલા. હવે શું કરવું ? વિચાર કરે છે, ત્યાં તેરમાને દિવસે સભા થઇ, તેમાં અનેક સાધુ અને ભકતો બેઠા છે. ગાદી તકિયાપર ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન છે. દર્શન કરીને શીતળદાસ બેઠા બેઠા વિચાર કરે છે, આ સહજાનંદ સ્વામી મોટા પુરુષ ખરા, પણ ઇશ્વરતો રામાનંદ સ્વામી હતા, એતો અત્યારે છે નહિ, અદૃશ્ય થઇ ગયા છે, માટે હું બીજે ક્યાંક જાંઉં. પ્રભુ એનો સંકલ્પ જાણી ગાયા.
પ્રભુ બોલ્યા, ‘‘શીતળદાસ ! શું વિચાર કરો છો ? બીજે જવાનો વિચાર છોડી દ્યો, તમને રામાનંદસ્વામીનાં દર્શન કરવાં છે ને ? આવો દર્શન કરાવું.’’ એમ કહી ભગવાને શીતળદાસ સામે નજર કરી ત્યાં સમાધિ થઇ ગઇ. બ્રહ્મધામનાં દર્શન થયાં, તેજ તેજનાં પુંજ છવાઇ ગયાં, શિતળ શાત પ્રકાશમાં દિવ્ય સિંહાસન ઉપર સહજાનંદ સ્વામી બિરાજમાન છે, આજુ બાજુ અનેક મુકતો બેઠા છે, રામાનંદ સ્વામી ભગવાનની સેવા કરે છે.
રામાનંદસ્વામીએ કહ્યું, ‘‘શીતળદાસ તમે ભુલા ન પડો, સહજાનંદ સ્વામી તો પ્રગટ પુરુષોત્તમ નારાયણ છે, તેમનો તમને યોગ થયો છે, તો તેની સેવામાં તમે લાગી જાઓ. મારા જેવા તો કેટલાય એની સેવામાં રહે છે.’’ પછી શીતળદાસજી સમાધિમાંથી જાગ્યા અને પ્રભુના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી બે હાથ જોડી બોલ્યા.‘‘ પ્રભુ, આજથી તમારે શરણે છું, મને દીક્ષા આપો.’’ દઢ નિશ્ચય થઇ ગયો. સ્વામિનારાયણ ભગવાને દીક્ષા આપી નામ રાખ્યું વ્યાપકાનંદજી. પ્રભુ બ્રહ્મધામ દર્શક છે.
ભગવાન સ્વામિનારાયણે એક વખત પઠાણને સમાધિ કરાવી. ભગવાન ઊંચા સિંહાસન પર બેઠા છે અને રામાનંદસ્વામી બે હાથ જોડી સ્તુતિ કરે છે. આવાં દર્શન થયાં, પઠાણ બે હાથ જોડી બોલ્યા. તમારા હિંદુમાં આવું ઊંધુ કેમ છે ? મોટા છે તે નીચે બેઠા છે ને નાના છે તે ઊંચા બેઠા છે. સ્વામિનારાયણ ભગવાને કહ્યું, અમારામાં આવુંજ હોય. ગુરુ વશિષ્ઠજી ઊંચા આસને બેસતા, રામચંદ્રજી ભગવાન નીચા બેસતા. કહેવાનો હેતુ એ છે કે પાત્ર ન હોય, કોઇ સાધના કરી ન હોય અને ભગવાન બ્રહ્મધામનાં દર્શન કરાવે. આપણે અક્ષરધામની વાતો કરીએ પણ શ્રીજી મહારાજ તો ધામ દેખાડતાં.
શ્રીજીમહારાજ ભુજ પધાર્યા. લાધીબાના મનમાં નિશ્ચય હતો કે રામાનંદ સ્વામી હતા તે ભગવાન હતા, આ સહજાનંદ સ્વામી તો એમના શિષ્ય છે, પણ ભગવાન નથી. તેથી શ્રીજીમહારાજ પાસે આવે નહિર. આ સંશયને દૂર કરવા શ્રીજી મહારાજે ગંગારામ ભાઇને કહ્યું. તમે લાધીબાને બોલાવી આવો, ગુરુભાઇના નાતે અમને મળવા આવે. લાધીબા આવ્યાં તે વખતે :-
લાધીબા સામું જોયું દયાળ, સમાધિ કરાવી તતકાળ । તેને મોકલ્યાં અક્ષરધામમાંય, પોતાનો બ્રહ્મમહોલ છે જ્યાંય ।।
લાધીબાને સમાધિ થઇ ગઇ. તેમાં અક્ષરધામની દિવ્ય રચનાઓ જોઇ, રામાનંદસ્વામી શ્રીજીમહારાજની સેવા કરે છે, રામાનંદસ્વામી કહે છે. ‘‘લાધીબા આ ઊંચા સોનાનાં સિંહાસનમાં શ્રીજીમહારાજ બિરાજમાન છે, તે સ્વયં પ્રગટ પુરુષોત્તમ નારાયણ છે, સર્વેના આધાર છે, અમે એના સેવક છીએ.’’
કરો શ્રીહરિને નમસ્કાર, અમારા સર્વેના છે આધાર । અમ જેવા તો મુક્ત અપાર, જુઓ આંહી બેઠા એક તાર ।।
લાધીબાએ નિરખી નિરખીને પ્રભુનાં દર્શન કર્યાં. ખાતરી થઇ કે સ્વામિનારાયણ છે તે ભગવાન છે. સમાધિમાંથી જાગ્યાં એટલે, તુરત શ્રીજીના ચરણમાં પ્રણામ કર્યા, અને કહ્યું ‘‘હે મહારાજ ! તમે મારો સંશય દૂર કરી, મને અક્ષરધામનાં અલૌકિક દર્શન કરાવ્યાં. ‘‘ભગવાનની ચાખડીના ચટકાના શબ્દ સંભળાય તેને પણ સમાધિ થઇ જતી! ભગવાને અનેકને સમાધિ કરાવી સત્યનો માર્ગ બતાવ્યો છે.