મંત્ર (૬૯) ૐ શ્રી અપરાજિતાય નમઃ
શતાનંદસ્વામી કહે છે. પ્રભુ ! તમે અપરાજિત છો. કોઇ તમને પરાજિત ન કરી શકે, તમે બધાનાં મનને જીતી લો છો. ગમે તેવો યોધ્ધો હોય, શૂરવીર હોય, અસુર હોય. તમારી સાથે લડવા આવે (તમને પરાજિત કરવા આવે એ અસુર) તો તમને જીતી ન શકે એવા છો. ભલ ભલા તમારી પાસે હારી જાય, તમારી પાસે ગમેતેવો પંડિત આવે તો વેદ વાક્યથી એમને સમજાવો છાજ. ગમે તેવો બુદ્ધિશાળીતમારી પાસે આવે તો તેની બુદ્ધિ ગુંચવાઇ જાય છે.
પ્રભુ ! તમે અપરાજિત છો ! તે પ્રસગં ને યાદ કરીએ. વડોદરામાં ગોપાળાનંદ સ્વામી અને મુકતાનંદસ્વામીએ સત્સંગનો ફેલાવો કર્યો. સ્વામિનારાયણ સંપ્રદાયનો ખૂબ વિસ્તાર થયો, તે દ્વેષિલાથી સહન ન થયું. મનમાં મંડ્યા બળવા, આપણાથી સ્વામિનારાયણ વધી જાય છે. દ્વેષિલા ગયા રાજા પાસે, ગાયકવાડ સરકારને કહ્યું, ‘‘સ્વામિનારાયણ સંપ્રદાય અવૈદિક છે.’’
-: અમારી પાસે કોઇ જડીબુટ્ટી નથી. :-
‘‘અવૈદિક ધર્મનો પ્રચાર કરે છે, તમે ભોળા ન થજો, ગોપાળબાવો બહુ ચમત્કારી છે, તમારું રાજ પડાવી લેશે, માટે કાંઇક યુક્તિ કરો. પાણી પહેલાં પાળ બાંધો. નહિતર દુઃખી થશો.’’ દ્વેષિલા એ ઊંધું સમજાવ્યું, પણ રાજા ન્યાય નીતિવાળા હતા, કોઇના ચડાવ્યા ચડી જાય તેવા નહોતા.
રાજાને મુકતાનંદસ્વામીની મુલાકાઈ થઇ હતી તેથી તેને કાંઇ વેરની અસર થઇ નહિ, તે વખતે રાજાએ મુકતાનંદસ્વામીને પૂછ્યું હતું કે તમારી પાસે એવી જડૂબુટી શું છે કે, તમો હજારો માણસોને જેમ કહો તેમજ કરે છે ? ત્યારે મુકતાનંદ સ્વામીએ કહ્યું. અમારી પાસે કોઇ જડીબુટી નથી, અમે ભગવાન ભજીએ છીએ અને સત્યને માર્ગે ચાલીએ છીએ ને ધર્મનું પાલન કરીએ છીએ. સત્ત્વગુણના આધારે માણસો અમારા કહ્યા પ્રમાણે કરે છે.
પછી શિવરામ ગારદીને રાજાએ કહ્યું, તમે વડતાલ જાઓ અને સ્વામિનારાયણને જેલમાં પૂરી દો, કારણ કે તમે ભલભલાને પકડી લો છો. શિવરામે કહ્યું, એ કાંઇ મોટું કામ નથી. મચ્છર જેવા સ્વામિનારાયણને પકડવા એ કાંઇ મોટી વાત નથી. ભગવાન થઇને પૂજાય છે, તે હવે ખબર પડશે. મારા જેવો હોંશિયાર મલ્યો નથી, તેથી ફાવી ગયા છે, હું એને બરાબર કરીશ.
શિવરામ આરબની બેરખ લઇને આવ્યો વડતાલ. સ્વામિનારાયણ ભગવાન ઢોલિયા ઉપર વિરાજમાન થયેલા છે, આજુ બાજુ સંતો બેઠા છે, પગ પછાડતો આવ્યો. કાંઇ બોલ્યા સિવાય પોતાની તલવાર મ્યાનમાંથી કાઢીને પટ્ટો ખેલ્યો. એવી જોરદાર ચક્કર તલવાર ફેરવી કે ક્યાંય શરીરને વાગે નહિ. પછી જોરથી તલવારને આકાશમાં ઘા કરી, તલવાર મંડી આકાશમાં ગોળ ગોળ ફરવા. રાસની જેમ તલવાર ફરે છે, ચાલીસ ચક્કર ફરીને તલવાર નીચે આવી શિવરામે હાથમાં પકડી લીધી. દેખો યહ હમારા કટશસ્ત્ર હૈ, સો દુનિયામેં ફિર રહા હૈ, હમારે સિપાઇઓ કે હાથમેં હૈ, હમારે શિપાઇ બહોત જોરદાર લડવૈયેં હૈ. તુમ્હારા ખેદાન મેદાન કર દેંગે.
સ્વામિનારાયણ ભગવાનના હાથમાં માળા છે, એ બતાવીને કહ્યું. દેખો ! યહ હમારા બ્રહ્મશસ્ત્ર હૈ, વો સંસારકી વજ્ર માયા કો કાટતા હે, ઓર અષ્ટ આવરણ કો ભેદકે બ્રહ્મપુરકો પહોચાતા હૈ. શ્રીજીમહારાજે કડક થઇને કહ્યું. હમારી સબ ફોજ કે હાથમેં ભી હૈ. એમ કહી માળા આંગળીમાં લીધી ચક્કર ચક્કર ફેરવી, ત્યાંતો માળા ઉડી આકાશમાં અને એ માળામાંથી તેજનાં કિરણો નીકળ્યાં અને જોરદાર સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણની ધૂન થવા લાગી. શ્રીજીમહારાજ પોતે તાલી પાડીને મંડ્યા ધૂન કરવા. સાથે લાખો માણસો હતાં તે પણ મંડ્યા ધૂન કરવા.
-: સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ :-
ભગવાનના નામનો ધ્વનિ શિવરામના કાનમાં ગયો તેથી માયાનું આવરણ ટળી ગયું અને ભાન ભૂલી મંડ્યા તાલી પાડીને ધૂન બોલવા. દેહ ભાન ભૂલાઇ ગયું. આવ્યા છે ભગવાનને પકડીને જેલમાં પુરવા ને પોતે જ સ્વામિનારાયણની ધૂન કરવા મંડી પડ્યા. તાલીના અવાજથી અને ભજનના મંગળ શબ્દોથી આખું બ્રહ્માંડ ગાજી ઊઠ્યું. શ્રીજીમહારાજે આકાશમાં અદ્ધર ફરતી માળાને પોતાના હાથમાં લઇ લીધી.
ત્યાંતો શિવરામને સમાધિ થઇ ગઇ. ગયો નરકમાં, જમનાદૂતો બરાબર જેવા દંડા મારે અને કહે, પાપીઆ ! ભગવાનને જેલમાં પૂરવા માટે આવ્યો છે ? મારી મારીને ધુંવાડો કાઢી નાખ્યો, હાંડકાં ખોખરાં કરી નાખ્યાં. પાપી, આખું જગત જેનું સ્મરણ કરે, પૂજા કરે, તેને તું જીતવા ગયો છે ? મારવા ગયો છે ? એમ કહી વળી ધોકા મારે. માર પડે જમપુરીમાં ને દેહ આહીં ફફડે ને બરાડા પાડે ‘‘બચાવો મને બચાવો !’’
આવી બધી ધમાલ જોઇને આરબો જાય ભાગ્યા, ભાગો નહિતર મરી જશું. સમાધિ ઉતરી એટલે શિવરામ ઊભો થયો, ને પ્રભુના ચરણમાં માથું ઝુકાવ્યું. ‘‘પ્રભુ ! મને માફ કરો.’’
-: આવ્યો હતો તમને પકડવા ને હું જ પકડાઇ ગયો :-
‘‘હું આપરાધી જીવ તમારે શરણે આવ્યો છું. હવે મને બરાબર ખબર પડી, તંતમે આખી દુનિયાના રાજા છો. મને તમારા નિયમ ધર્મની રીત ભાત શીખવો. હું આજથી તમારો આશ્રિત છું.’’ શિવરામ આવ્યો હતો ભગવાનને જીતવા માટે પણ ભગવાન કોઇના જીત્યા જીતાય તેમ નથી, ભગવાન અપરાજિત છે, કોઇ તેમને જીતી ન શકે.
કૌરવો કરોડ અને પાંડવો પાંચ હતા, પાંડવો સાથે પરમાત્મા છે, તેથી કરોડો યોધ્ધાઓ પણ ભગવાનને જીતી ન શક્યા.
કેટલાયે અસુરો ભગવાન સાથે લડવા આવ્યા, કોઇ ભગવાનને જીતી ન શક્યા, કેટલા મલ્લો બાલ ઘનશ્યામાથે લડવા આવ્યા પણ કોઇ જીતી ન શક્યા, અજિતને કોણ જીતી શકે.
-: પ્રહ્લાદજી હારી ગયા :-
ભક્ત પ્રહ્લાદજીતીર્થ કરતા કરતા બદરિકાશ્રમમાં આવ્યા, ત્યાં ભગવાન નરનારાયણ દેવ પૂજા કરે છે, તેમની બાજુમાં બાણ પડ્યાં છે, હથિયાર જોઇને પ્રહ્લાદજીને થયું. આવું કેમ ? બ્રાહ્મણ થઇને હથિયાર રાખે છે, તરત પૂછ્યું, ‘‘કર્મ બ્રાહ્મણનું કરો છો અને ધનુષ્ય બાણ કેમ રાખ્યાં છે ?’’ નારાયણે કહ્યું, ‘તારા જેવા દૈત્યને મારવા માટે.’’ દૈત્ય વચન પ્રહ્લાદને ગમ્યું નહિ, મને દૈત્ય કહેનાર કોણ ? ગરમ થઇ ગયા. હવે નારાયણને માર્યા વગર મૂકું નહિ, ગમે તેમ કરીને એને હું જીતીશ ત્યારે મૂકીશ, ત્યાં સુધી યુદ્ધ કરીશ પણ હિંમત હારીશ નહિ, મને દૈત્ય શા માટે કહ્યો ?.
સામ સામે યુદ્ધ ચાલુ થયું. ત્રણ લાખ સાઇઠ હજાર વરસ સુધી લડાઇ ચાલી. ભયંકર યુદ્ધ જામ્યું. કોઇ પ્રકારે ભગવાન જીતાતા નથી. પ્રહ્લાદજી હારી ગયા. ભગવાનને શરણે આવ્યા, ‘‘હે પ્રભુ ! મને માફ કરો ! મેં પ્રતિજ્ઞા લીધી છે ગમે તેમ કરીને તમને જીતીશ, પ્રતિજ્ઞા ભંગ થઇશ તો મને નરકમાં પડવું પડશે, માટે મારો ઉદ્ધાર કરો, તમને વૈરભાવે જીતી નહિ શકું બીજો ઉપાય હોય તો બતાવો.’’ પ્રહ્લાદજીએ નમી દીધું. નમે તે ભગવાનને ગમે.
ત્યારે ભગવાન નારાયણ બોલ્યા, મારું અખંડ ભજન સ્મરણ કરીશ તો મને જીતી શકીશ, બાકી લડાઇથી નહિ જીતાય. પ્રહ્લાદજીએ છ મહિના અખંડ ભજન કર્યું, તો ભગવાન એને વશ થઇ ગયા. ભગવાન અજિત છે, કોઇથી જીતાય તેવા નથી. શતાનદં સ્વામી કહે છે. ‘‘હે પ્રભુ ! તમે અપરાજિત છો, શરૂ વીર અને ચતરુ છો. ’’