રૂડા લાગો છો રાજેન્દ્ર મંદિર મારે આવતા રે (૪) ?

Submitted by swaminarayanworld on Wed, 16/03/2016 - 12:14am

 

રાગ - ખમાજ

પદ - ૧

રૂડા લાગો છો રાજેન્દ્ર મંદિર મારે આવતા રે. રૂડા ટેક.

જરકસીયો જામો હરિ પહેરી, માથે બાંધી પાઘ સોનેરી;

ગૂઢો રેંટો ઓઢી, મન લલચાવતા રે રૂડા૦ ૧

હૈડે હાર ગુલાબી ફોરે, ચિત્ત મારું રોકી રાખ્યું  તોરે;

ગજરા કાજુ બાજુ મન મારે ભાવતા રે. રૂડા૦ ૨

કનક છડી સુંદર કર લઈને, ગજગતી ચાલો હળવા રહીને;

ચિત્તડાંને ચોરો છો મીઠું મીઠું ગાવતા રે. રૂડા૦ ૩

પ્રેમાનંદના નાથ વિહારી, જાઉં  તારા વદનકમળ પર વારી;

હેતે શું બોલાવી  તાપ સમાવતા રે. રૂડા૦ ૪

 

પદ - ૨

વહાલી લાગે છે વરણાગી  તારી વાંકડી રે - વહાલી ટેક.

લલિત ત્રિભંગી સુંદર શોભે, સુરનર મુનિના મનને લોભે;

ચાલો ચાલ ચટક્તી, પહેરી ચાખડી રે. વહાલી૦ ૧

સુંદર હસિત વદનની વાણી, સુણતાં વ્રજ વનિતા લલચાણી;

જોઈને મોહી અણિયાળી ચંચળ આંખડીરે. વહાલી૦ ૨

નવલ મનોહર સુંદર છેલા, ઓરા આવોને અલબેલા;

મળીયે મોહન બાંધી બાંયે રાખડી રે. વહાલી૦ ૩

શ્રી ઘનશ્યામ છબીના ધામ, પ્રેમાનંદ ભજે આઠો જામ;

જોયાની લાગી છે નિશ દિન ધાખડી રે. વહાલી૦ ૪

 

પદ - ૩

તારી બાનકની બલિહારી મારા નાથજી રે.  તારી૦ ટેક.

સુંદર રૂપ કહ્યામાં નાવે, શેષ સહસ્રમુખ પાર ન પાવે;

કોટિક કામ લજાઈ જોડે હાથજી રે.  તારી૦ ૧

મોહ્યું મન મુખને મરકલડે, ગિરધરજી ગમીયા છો દીલડે;

ક્ષણું ન મેલે સાગર  તનયા સાથજી રે.  તારી૦ ૨

રૂપ શીલ ગુણ રસના સાગર,  તરુણ કિશોર સદા નટનાગર;

વ્રજ વનિતાના પ્રાણજીવન સુખપાથજી રે.  તારી૦ ૩

કરુણા રસમય જોવું હસવું, કરુણા કરી જન ઊરમાં વસવું;

પ્રેમાનંદ નિત્ય ગાવે એ ગુણ ગાથજી રે.  તારી૦ ૪

 

પદ - ૪

વારે વારે જાઉં વહાલાજી  તારે વારણે રે. વારે૦ ટેક.

આદિપુરુષ ઈશ્વર અવતારી, કરુણા રસમય મૂર્તિધારી;

પતિતપાવન પ્રગટ્યા આજ અમ કારણે રે. વારે૦ ૧

નરનારી અગણિત અથડાતાં, ભવસાગરમાં ડુબકાં ખાતાં;

બળવંત બાંહ્ય ગ્રહીને કાઢ્યાં બારણે રે. વારે૦ ૨

અધમ ઊધારણ ધામના ધામી, બિરુદતમારું સદાયે સ્વામી;

કીધું સત્ય કળીમાં બહુજન  તારણે રે. વારે૦ ૩

મળીયા પુરુષોત્તમ એમ જાણી, અચળ આસરો ઊરમાં આણી;

પ્રેમાનંદ ઠરીને બેઠો ઠારણે રે. વારે૦ ૪

Facebook Comments